કળાનું ક્ષેત્ર બહુ રૂપાળું છે, દરેકને ગમે. આર્ટ ફિલ્ડમાં સૌથી ફેવરિટ કેટેગરી કદાચ ફિલ્મની આવતી હશે. અને એ ફિલ્મી દુનિયાના ધુરંધર કલાકારોમાંથી કોઇ દસની યાદી બનાવવી એ અસંભવ બરાબર છે. આમ છતાં વિશ્ર્વના એવા દસ કલાકારોની જાણકારી આપવાનો અત્રે પ્રયાસ કરવામાં આવ્યો છે જે લગભગ સૌના ફેવરિટ હશે.
દિવ્યેશ વેકરિયા
આહ! શું વાત છે.. લિયોની ફિલ્મ આવે છે? જ્યારે તેનું ટ્રેલર આવે ત્યારે જોનારાના મુખમાંથી આ શબ્દો અચૂક સરી પડે. છેલ્લે આ લિયોની ફિલ્મ વર્ષ ર01પમાં આવી હતી. આમિર ખાનની માફક પસંદગીની ફિલ્મ કરવી અને ફિલ્મ માટે જેટલા વર્ષ આપવા પડે તેટલી મહેનત કરવી એ લિયોનો સિદ્ધાંત છે. તેના નામે વધીને 3પ ફિલ્મો બોલે છે પણ આ ફિલ્મો એવી છે જેને સિનેઇતિહાસમાં અવશ્ય યાદ કરવી જ પડે. હોલિવૂડના પ્રસિદ્ધ દિગ્દર્શકનો તે માનીતો અભિનેતા છે. 43 વર્ષ થયા છે પણ હજી લગ્ન નથી કર્યા. હોલિવૂડના સલમાન ખાન છે. પરંતુ એક વાત છે કે તેના નામે સત્તાવાર રીતે ડઝનથી વધુ ગર્લફ્રેન્ડના નામ છે. ટાઇટેનિક ફિલ્મમાં તેને ઓસ્કર ન મળ્યો અને તેની સાથે અનેક વખત આવું થયું. ફાઇનલી ફિલ્મ ‘ધ રિવેનન્ટ’ માટે તેને બેસ્ટ એક્ટરનો ઓસ્કર મળ્યો હતો.
‘ધ ગ્રેટ ગેસ્બી’ ફિલ્મ ન કરી હોત તો અમિતાભ બચ્ચનનું નામ હોલિવૂડ ફિલ્મોના ચોપડે ન ચડયું હોત. એકપણ હોલિવૂડ ફિલ્મ સાથે જોડાયા વગર દુનિયાના સૌથી ખમતીધર અભિનેતા તરીકે સિક્કો જમાવનાર અમિતાભ સર્વકાલીન શ્રેષ્ઠ અભિનેતામાં સ્થાન પામે છે. દુનિયાના આ એકમાત્ર એવા અભિનેતા છે જેમની વય 7પ વર્ષની હોવા છતાં ફિલ્મકારો તેમને તેમની ફિલ્મોમાં લેવા પડાપડી કરે છે. એટલું જ નહિ, એ પણ વળી સોલો રોલમાં. અમિતાભ અજોડ છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં અમિતાભ બચ્ચનના નામનો આખો યુગ છે. એટલે જ તો ફ્રાન્સના મશહૂર દિગ્દર્શક ફ્રેન્કોઇસ ટ્રોફુટે કહેવું પડયું હતું કે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી વન મેન ઇન્ડસ્ટ્રી છે. વન મેન એટલે અભિતાભ બચ્ચન. અભિનયના સર્વોચ્ચ શિખરે પહોંચેલા આ મહાનાયકે પરિવર્તનને સ્વીકારીને પોતાને તેમાં ઢાળ્યાં છે. નવી ટેલેન્ટ સાથે તાલ મિલાવીને અનુભવના કદમ આગળ વધાર્યા છે. તેમની જ્યાં હાજરી હોય એ સમારોહ, ઉત્સવમાં પરિવર્તિત થઇ જાય છે. અમિતાભ બચ્ચન જેવું કદાવર ફિલ્મી વ્યક્તિત્વ ભારત પાસે છે એ આપણા દેશનું ગૌરવ છે.
સિનેમાનો કોઇ એવો ખૂણો નહીં હોય જ્યાં આ માણસનું નામ ગૂંજતું ન હોય. સ્ટીવન સ્પીલબર્ગ ભલે સિનેમાના જનક નથી પણ સિનેસૃષ્ટિના અસ્તિત્વના આધાર સ્તંભ બન્યા છે. આ મહાનુભાવની એક એક ફિલ્મ વિશેષાંકની મોહતાજ છે. તેમના નામ સાથે સંકળાયેલી અમુક ફિલ્મો દર્શકોને પસંદ ન આવી પણ ફિલ્મકારો માટે તો તેમની દરેક ફિલ્મ અભ્યાસક્રમ જ છે. યહૂદી પરિવારમાં જન્મેલા સ્પીલબર્ગનું લક્ષ્ય સિનેનગરી જ હતું અને ભણતર પણ તેનું જ ભણ્યા હતા. યુનિવર્સલ સ્ટુડિયોમાં સાત દિવસ માટે મફતમાં કામ કર્યું. જો કે, આજે તેઓ સિનેમા કંપનીના ધણી છે. હોલિવૂડમાં ન્યૂ એરાનો પાયો તેમણે નાખ્યો તેમ કહીએ તો પણ અતિશયોકિત નથી. તેમની હથોટી અસાધારણ છે. એ બાળકો માટે એડવેન્ચર ઓફ ટીનટીન પણ બનાવે અને ગંભીર લોકો માટે શિંડલર્સ લિસ્ટ જેવી ક્રિટિકલી ક્લાસિક ફિલ્મ પણ બનાવે. ડાયનાસોર પર બનેલ તેમની ‘જુરાસિક પાર્ક’ જેવી અદ્ભુત અને યાદગાર ફિલ્મે ઇતિહાસ સર્જ્યો છે. એટલે જ તો સ્ટીવન એક જ હતો અને રહેઈેં.
ઓસ્કરના મંચ પર ભલે તેની ‘લગાન’ ફિલ્મ એવોર્ડ જીતવામાં સફળ ન થઇ પણ દુનિયાના ફિલ્મકારોને તેણે પરચો બતાવી દીધો કે ભારતીય ફિલ્મ સર્વદા બહેતરીન હોય છે. આમિર અનોખી માટીનો અભિનેતા છે. તેના નિયમો થોડા અટપટા છે પણ એ જ તેની શાનદાર સફળતાનું કારણ બન્યું છે. એટલે જ તો જેમ્સ કેમરુનથી લઇને ટોમ હેન્કસ જેવા ધુરંધરો તેના પર ફિદા છે. આમિરે અભિનયની સાથે સામાજિક પરિવર્તનનું કાર્ય પણ કર્યું છે. ‘સત્યમેવ જયતે’ શો દ્વારા તેણે આજના ભારતની વ્યથા રજૂ કરી હતી. શોના માધ્યમથી તેણે પરિવર્તનનો પ્રયાસ હાથ ધર્યો હતો અને એ સુધારા માટે તેણે જાતને સમર્પિત કરી દીધી. પાણી ફાઉન્ડેશનના માધ્યમથી આ બંદાએ મહારાષ્ટ્રના અનેક ગામડાઓને લીલાંછમ કરી દીધા છે. દુકાળગ્રસ્ત વિસ્તારોમાં પાણીને ખળખળ વહેતું કરવાનું કાર્ય કર્યું છે. તો ફિલ્મોગ્રાફી પણ એવી મજબૂત છે કે એક એક ફિલ્મ પર વાહ વાહ પોકારી જવાય. છેલ્લે આવેલી ‘દંગલ’ ફિલ્મનો કરિશ્મા આપણી સામે છે. તે ભારતની પ્રથમ એવી ફિલ્મ છે જેણે ર000 કરોડનો આંતરરાષ્ટ્રીય બોક્સઓફિસ પર વકરો કર્યો હોય. અમેરિકા અને ચીનમાં આમિરની ખ્યાતિ ખૂબ છે. ચીનમાં તો આમિરનું સ્ટારડમ જેકી ચાન જેવા ધુરંધરની લગોલગ છે. એટલે જ સ્તો ‘દંગલ’ ફિલ્મની કમાણી આ દેશમાં 1300 કરોડને પાર કરી ગઇ હતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં મેન વર્લ્ડ જેટલું આધિપત્ય વુમનનું નથી એ સત્ય છે. ભારત હોય કે અમેરિકા અભિનેત્રીનો દાયકો વધી વધીને સાત વર્ષનો હોય છે. અમુક અપવાદો બને પણ જે રીતે આમિર ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાનની કરિયર લાંબી ચાલે એવું અભિનેત્રીઓના કિસ્સામાં જોવા મળતું હતું. વિદ્યા બાલનની એન્ટ્રી થઇ ત્યારે આખી ઇન્ડસ્ટ્રીને એમ લાગતું હતું કે ભુક્કા બોલાવી નાખશે પણ અત્યારે સમય એવો છે કે તેના નામની ચર્ચા પણ થતી નથી. પરંતુ મેરિલ સ્ટ્રીપ એ અભિનેત્રીઓની અમિતાભ બચ્ચન છે. મેરિલની વય 69 વર્ષની છે. પણ તેના નામે ગત વર્ષે બેસ્ટ એક્ટ્રેસનું નામાંકન ઓસ્કરમાં બોલતું હતું. ધ પોસ્ટ ફિલ્મ માટે તેને નામાંકન મળ્યું હતું. તેના નામે અનોખો રેકોર્ડ છે અને સંભવત: તે અકબંધ રહે તેવો છે. ઓસ્કરમાં બેસ્ટ એક્ટ્રેસનું નામાંકન મેરિલ સ્ટ્રીપને 21 વખત મળ્યું છે, તો જીતવામાં તે ત્રણ વખત સફળ થયા છે. એટલું જ નહિ, ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં આ આંકડો 31 વખતનો છે. અભિનયમાં તેમણે કુલ 83 ફિલ્મોમાં કામ કર્યું છે જેમાંથી દસેક તો ટેલિવિઝન સીરિઝ કે ડોક્યુમેન્ટરી મૂવી છે. મતલબ કે તેમણે કરેલી ફિલ્મોમાંથી અડધો અડધ ફિલ્મો ઓસ્કરના મંચ પર ડંકો વગાડવામાં સફળ રહી છે અને એટલે જ ફિલ્મકારો તેમને ફિલ્મોમાં લેવા પડાપડી કરે છે.
કેથરિન બિગ્લો..આ નામનો સમાવેશ કરવો અત્યંત આવશ્યક એટલે છે કે તે એવી પ્રથમ મહિલા દિગ્દર્શક છે જેને ઓસ્કર એવોર્ડ જીતવામાં સફળતા મળી હોય. કેથરિન ફિલ્મકાર તરીકે ખાસ્સી નામના ધરાવે છે. તેનો વધુ એક પરિચય એ પણ છે કે કેથરિને જેમ્સ કેમરૂન સાથે લગ્ન કર્યાં હતાં. જે વધુ સમય ટકયાં ન હતાં. જો કે, આ લગ્નનો સમયગાળો વર્ષ 1989નો હતો. કેથરિન સાહસિક દિગ્દર્શક છે. સૈન્ય અને વિવાદાસ્પદ ઘટનાઓ પર તેમને ફિલ્મો બનાવવાની આદત છે. જે ફિલ્મ માટે તેમને ઓસ્કર મળ્યો હતો એ ફિલ્મનું નામ ‘ધ હર્ટ લોકર’ છે. જે વર્ષે આ ફિલ્મ આવી હતી એ જ વર્ષે તેના ભૂતપૂર્વ પતિ જેમ્સ કેમરૂનની ‘અવતાર’ ફિલ્મ પણ રજૂ થઇ હતી. તેણે બોક્સઓફિસ પર ભુક્કા બોલાવ્યા અને ઓસ્કરના મંચ પર ‘ધ હર્ટ લોકર’ ફિલ્મનો ડંકો વાગ્યો. કેથરિનની એક વધુ લોકપ્રિય ફિલ્મ ઓસામા બિન લાદેનને અમેરિકાએ ઠાર કર્યો તેના પર બનેલી ‘ઝીરો ડાર્ક થર્ટી’.
અભિનયના નવરસને જો કોઇ પી જાણ્યું હોય તો એ ટોમ હેન્કસ છે. પાત્ર રંકનું હોય કે રાજાનું ટોમનો અભિનય હોય એટલે સમજો કે એ પાત્રમાં પ્રાણ આવી ગયો. આમિર ખાનની જેમ તેની ફિલ્મોગ્રાફી ટૂંકી છે પણ મજેદાર છે. દરેક ફિલ્મ એક નવો મિજાજ દર્શાવે છે. મેથડ એક્ટરની પરફેક્ટ વ્યાખ્યા ટોમ હેન્કસ છે. સ્પલાસ, બિગ, એપોલો 13, સેવિંગ પ્રાઇવેટ રયાન, ધ ટર્મિનલ, ફોરેસ્ટ ગમ્પથી લઇને તેની કોઇપણ ફિલ્મ ઉપાડો ટોમ અનોખા અંદાજમાં જ જોવા મળશે. બીબાંઢાળ રોલ ટોમની પસંદગીનો વિષય જ નથી. ‘કાસ્ટ અવે’ જેવી બેનમૂન ફિલ્મમાં તેનું કામ શિરમોર રહ્યું છે. રોબર્ટ ઝેમેક્સિ, સ્ટીવન સ્પીલબર્ગ અને રોન હોવાર્ડ જેવા દિગ્દર્શકો સાથે તેણે સૌથી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.
ફિલ્મના પડદે થ્રીડીનો સફળ આવિષ્કાર કરનારા સિનેરાજ જેમ્સ કેમરુનની સિદ્ધિ વર્ણવી ન શકાય એટલી અદ્ભુત છે. જેમ્સ કેમરુને સમયાંતરે સિનેમામાં નવો પ્રાણ ફૂંક્યો છે. ‘ટર્મિનેટર’ હોય કે ‘એલિયન્સ’ ફિલ્મ.. તે દર્શકોને તેમાં મંત્રમુગ્ધ કરી દે છે. ટાઇટેનિક જેવા વિષય પર ફિલ્મ બનાવવી સહેલી નથી. આમ તો જેમ્સ કેમરુન એ પાથમેકર એટલે કે નવો રાહ ચિંધનારા છે. તેમણે ‘ટર્મિનેટર’ બનાવી તો તેમની પાછળ અઢળક મશીન, રોબોટની ફિલ્મ બનવા લાગી. ‘એલિયન્સ’ કરી તો પરગ્રહવાસીઓ પર ફિલ્મો બનાવનારા ફૂટી નીકળ્યા. તેમાં ‘ટાઇટેનિક’ અનોખો વિષય સાબિત થયો. કહેવાય છે કે જેટલો ખર્ચ ટાઇટેનિક જહાજ બનાવવામાં નહોતો થયો તેનાથી અધિક ગણો ખર્ચ ફિલ્મ બનાવવામાં થયો હતો. ખૂબ ઓછી પણ યુગો સુધી યાદ રહે તેવી ફિલ્મોનું નિર્માણ કરવું એ કેમરુનની માસ્ટરી છે. અવતાર ફિલ્મથી તેમણે થ્રીડી એરાને જન્મ આપ્યો. આખી ફિલ્મને થ્રીડીમાં શૂટ કરવાનું સાહસ આ બંદાએ કર્યું હતું. આજે પણ તેમની ફિલ્મની કમાણીનો રેકોર્ડ અકબંધ છે.
અદ્ભુત રાઇટર અને અદ્ભુત ડિરેક્ટર એટલે ક્રિસ્ટોફર નોલાન. ચેલેન્જિંગ ફિલ્મ બનાવવી એ નાલોનની આદત છે. તેની ફિલ્મ સમજવામાં જેટલી ટફ હોય છે એટલી જ ટફ તેને બનાવવી છે. આ એક એવો દિગ્દર્શક છે જે આખી ફિલ્મ સ્ટોરી બોર્ડ પર પહેલાં તૈયાર કરે છે. જેમ્સ કેમરુન અને સ્ટીવન સ્પીલબર્ગ પણ આ જ શ્રેણીમાં આવે છે. શૈશવકાળથી જ ફિલ્મ સાથે લગાવ ધરાવનાર નોલાને પ્રથમ ફિલ્મ લોકફાળાથી બનાવી હતી. ત્યાર બાદ ‘મોમેન્ટો’ આવી. જેના પરથી આમિર ખાનની ‘ગજની’ બની હતી. પછી અજબ કહી શકાય તેવી ‘ઇન્સોમ્નિયા’ બનાવી. નોલાન ગ્રેટેસ્ટ ડિરેક્ટરની હરોળમાં આવી ગયા પછી તેમણે એ સાહસ કર્યું જે ભલભલા દિગ્દર્શકો કરવા તૈયાર ન હતા. ‘બેટમેન’ નામ ફેમસ હતું પણ ફિલ્મ બનાવવામાં ખૂબ નિષ્ફળતા મળતી હતી તેવો તેનો ભૂતકાળ હતો. નોલાને અંતે બેટમેન પર જ હાથ અજમાવ્યો અને ડીસી કોમિક્સની ખાલી થતી તિજોરીને ચિક્કાર ડોલરથી ભરી દીધી. જે માણસે લોકફાળાથી ફિલ્મ બનાવી હતી એ હવે ફિલ્મ બનાવવાનું આયોજન કરે છે ત્યારે નિર્માતાએ બજેટ માટે તિજોરી ખોલી નાખવી પડે છે. કારણ કે, તેની ફિલ્મનું બજેટ ર000 કરોડ સુધી પહોંચી જાય છે. છેલ્લે આવેલી ‘ડન્ક્રિક’ ફિલ્મ અસાધારણ સાબિત થઇ હતી.
સ્ટીવન સ્પીલબર્ગની જેમ માર્ટિન સ્કોર્સિસની વય પણ દાદાની થઇ ગઇ છે. 7પ વર્ષના જાંબાઝ દિગ્દર્શકની હથોટી ખૂબ અનોખી છે. તેની ફિલ્મો એટલે ક્રિમિનોલોજીનું માસ્ટરક્રાફટ. ગેંગવોર પર ફિલ્મ બનાવવાનું માર્ટિન સ્કોર્સિસે શીખવ્યું તેમ કહીએ તો પણ ખોટું નથી. હિંસાથી ભરપૂર હોય છે પણ ફિલ્મનું નિદાન સચોટ હોય છે. માર્ટિન સ્કોર્સિસ અનેક ફિલ્મકારોના પ્રણેતા અને પથદર્શક છે. તેમની ફિલ્મો જોઇને ઘણા દિગ્દર્શક બન્યા છે. અનેક લેન્ડમાર્ક ફિલ્મોના જનક માર્ટિનને ફિલ્મ ‘ધ ડિપાર્ટેડ’ માટે બેસ્ટ ડિરેક્ટરનો ઓસ્કર મળ્યો હતો.