
સ્વામી વિવેકાનંદ ભવિષ્યવેત્તા નહોતા. પણ યુગદ્રષ્ટા હતા. એક વખત સાંજે તેઓ બેલુર મઠમાં ગહન ધ્યાન કર્યા પછી ગુરુભાઈઓ સાથે બેઠા હતા. ત્યારે બોલી ઊઠ્યા, ‘જોઈ લીધાં, જોઈ લીધાં, ભારતના ઇતિહાસના છસ્સો વર્ષનાં પાનાંજોઈ લીધાં.’ આ સાંભળીને તેમના ગુરુભાઈઓને આશ્ર્ચર્ય થયું તેઓએ પૂછ્યું, સ્વામીજી શું જોયું? સ્વામી વિવેકાનંદજીએ કહ્યું, મેં જોયું કે ભારત એટલું બધું મહિમાન્વિત થઈ ગયું છે કે એની પ્રાચીન મહિમા મ્લાન થઈ જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે ભારત આર્થિક ક્ષેત્રે એટલું મહાન બનશે કે તેનો પ્રાચીન વૈભવ ઝાંખો પડી જશે. તેમની ત્રિકાલજ્ઞ દૃષ્ટિની સમક્ષ ભારતનો ભવ્ય ભૂતકાળ અને એથીય વધુ ભવ્ય ભવિષ્ય પ્રગટ થયું હતું. આ ભવિષ્યદર્શનની બેચાર વાતો આકસ્મિક રીતે એમના મુખમાંથી નીકળી ગઈ હતી.
1897માં એમણે કહ્યું હતું કે આજથી પચાસ વર્ષ પછી ભારત સ્વાધીન થશે. બરાબર પચાસ વર્ષ પછી 1947માં તેમણે જેમ કહ્યું હતું, તેમ ભારત સ્વતંત્ર થયું. 1893 સપ્ટેમ્બરના શિકાગો ખાતે ધર્મસભા યોજાઈ તે પહેલાં સ્વામીજી બોસ્ટનમાં રહેતા હતા. સ્વામીજીએ ભારતમાતાના ભવ્ય ને દિવ્ય સ્વરૂપને વિશ્ર્વના સિંહાસન પર વિરાજમાન થયેલું સ્પષ્ટપણે જોયું છે. એ પણ આપણા અસ્તિત્વ જેટલું જ સ્પષ્ટ રૂપે જોયું છે એટલે એ સ્વરૂપ અવશ્ય પ્રગટ થશે જ.
કલકત્તાના સ્ટાર થિયેટરમાં 1898માં, 11મી માર્ચે ભરાયેલી વિશાળ જનસંખ્યાવાળી જાહેરસભામાં તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું ‘ભારતમાં આધ્યાત્મિકતા એટલી બધી ભરપૂર હતી, કે તેની મહત્તાએ તેને એ કાળની જગતની તમામ પ્રજાઓમાં સૌથી મહાન પ્રજા બનાવી હતી. અને જો પ્રાચીન પરંપરા અને આશા પર ભરોસો મૂકાતો હોય તો આપણા એ સોનેરી દિવસો પાછા આવશે.’
1897માં મદ્રાસના ભાષણમાં સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું ‘જગતમાં મહાન વિશ્ર્વ વિજય મેળવનારી પ્રજાઓ થઈ છે. આપણે પણ મહાન વિજેતાઓ થયા છીએ. આપણા વિજયની ગાથાને ધર્મ અને આધ્યાત્મિકતાના વિજયની ગાથા તરીકે ભારતના મહાન સમ્રાટ અશોકે વર્ણવી છે. ફરી એક વાર ભારતે વિશ્ર્વનો વિજય કરવો જ જોઈએ… આપણી સમક્ષ આ મહાન આદર્શ છે અને દરેકે ભારત દ્વારા વિશ્ર્વનો વિજય કરવા માટે તૈયાર થવાનું છે. એનાથી જરાય ઓછું નહીં. આપણે સહુએ આને માટે કમર કસવાની છે, તનતોડ પ્રયાસ કરવાનો છે. ભલે પરદેશીઓ આવીને તેમનાં લશ્કરોથી દેશને ભરી દે. કંઈ પરવા નહીં.
ઓ ભારત! તું ઊભો થઈ જા, અને તારી આધ્યાત્મિકતાથી વિશ્ર્વ પર વિજય મેળવ!’ સ્વામી વિવેકાનંદે ભારતના આત્માને આહ્વાન આપ્યું અને તેના સૂતેલા આત્મામાં પ્રાણ પૂરી પોતાની અગ્નિમય વાણીથી આદેશ આપ્યો કે ભારત સમગ્ર વિશ્ર્વ પર પોતાની આધ્યાત્મિકતાથી વિજય મેળવે. તેમણે ભારતની પ્રજાને વિશ્ર્વવિજયી ભારતનું સ્વપ્ન સેવવા હાકલ કરી. વિકાસશીલ દેશમાંથી ભારત વિકસિત દેશ બને તો શું તેઓ આનંદિત થશે? તે ભૌતિક પ્રગતિ કરી આગળ પડતો દેશ બને તો શું તેઓ પ્રસન્ન થશે? નહીં નહીં, જ્યાં સુધી ભારત સમગ્ર વિશ્ર્વ પર વિજય પ્રાપ્ત કરી વિશ્ર્વવિજયી નહીં બને ત્યાં સુધી સ્વામી વિવેકાનંદજીને પ્રસન્નતા નહીં થાય.
તેમણે કહ્યું હતું – ‘ભારતે સમસ્ત વિશ્ર્વ પર વિજય કરવો જ પડશે.’ એનાથી ઓછું કંઈ જ આનંદ આપી શકે તેમ નથી. ભારતને વિશ્ર્વવિજયી બનાવવા માટે તેમણે ભારતની પ્રજાના પ્રમાદને અને ધર્મના કહેવાતા બાહ્યાચારોને ખંખેરી નાખતા શબ્દોમાં કહ્યું: ‘હવે પછીનાં પચાસ વર્ષ સુધી માત્ર આ જ આપણું કાર્યક્ષેત્ર બનશે – આ આપણી મહાન માતા ભારતભૂમિ. બીજા બધાં દેવ-દેવીઓ ભલે આપણાં મનમાંથી ભૂંસાઈ જતાં.’ ભારતમાતાના આત્માની સાથે તદ્રૂપ થઈને સ્વામી વિવેકાનંદના અંતરમાંથી ઉદભવેલી આવી શક્તિશાળી વાણીએ પ્રજાના મન પર જાદુ પાથર્યો. આવી અસ્ખલિત વાણીથી પ્રજાની રાષ્ટ્રીય ચેતના જાગૃત થઈ.
આ અગ્નિમય શબ્દોએ અનેક વીરોને માતૃભૂમિ માટે બલિદાન આપવા પ્રેર્યા. નેતાજી સુભાષચંદ્ર બોઝ, ભગિની નિવેદિતા, શ્રી અરવિંદ, મહાત્મા ગાંધીજી, ચક્રવર્તી રાજગોપાલાચારી, ડો. રાધાકૃષ્ણન, આ બધા દેશભક્તો ઉપરાંત ફાંસીના ગાળિયાને ફૂલમાળાની જેમ પહેરીને ‘વંદે માતરમ’નો જયઘોષ કરતાં માતૃભૂમિની મુક્તિ માટે પ્રાણ ત્યજી દેનારા અનેક ક્રાંતિકારી યુવાનોના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદ હતા. ક્રાંતિકારીઓના ઘરની તલાશ લેતાં બ્રિટિશ અધિકારીઓને ભૌતિક બોમ્બ તો નહોતા મળતા, પણ ‘એટમ બોમ્બ’થી પણ વધારે શક્તિશાળી એવાં બે પુસ્તકરૂપી બોમ્બ તો જરૂર મળતા, અને તે હતા આ સ્વામી વિવેકાનંદનું બંગાળી ભાષામાં લખાયેલું પુસ્તક ‘પત્રાવલી’ અને બીજું ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’.
‘પત્રાવલી’ ક્રાંતિવીરોનું પ્રેરણાસ્રોેત હતું. ‘પત્રાવલી’ની જનમાનસ ઉપર આટલી પ્રચંડ અસર જોઈને બ્રિટિશ સરકારના ઈન્ટેલિજેન્ટસ ડિપાર્ટમેન્ટે તેના પ્રકાશન પર પ્રતિબંધ લગાડવાનો અનુરોધ કર્યો હતો.
સ્વામી વિવેકાનંદે પોતાની આંતરદૃષ્ટિથી જોઈ લીધું હતું કે જ્યાં સુધી ભારત સ્વાધીન નહીં થાય ત્યાં સુધી આપણા ધર્મને લોકો સમજી નહીં શકે. ગુલામ દેશના લોકોના ધર્મ અને સંસ્કૃતિ ગમે તેટલાં મહાન હોય, તો પણ તે ગુલામ-પરાધીન દેશનાં હોવાથી, વિશ્ર્વના દેશો એની મહત્તાનો ક્યારેય સ્વીકાર નહીં કરે. આથી જ ભારતની સ્વાધીનતાની તેમને સૌ પ્રથમ આવશ્યક્તા જણાઈ હતી.
આ સ્વાધીનતાની પ્રાપ્તિ માટે પ્રજાના માનસમાં ઘર કરી ગયેલી ગુલામ મનોદશાને દૂર કરવાની અને પ્રજાના મનમાં રાષ્ટ્રીય ભાવનાને જાગૃત કરવાની તાતી જરૂર જણાતાં તેમણે અમેરિકાથી ભારત આવ્યા પછીના એમના જીવનનાં મૂલ્યવાન સાત વર્ષમાં આ જ કાર્ય કર્યું. ભારતની પ્રજાના માનસમાં સૈકાઓથી વ્યાપેલી જડતાને હચમચાવી અને તેમાં ચૈતન્યનો પ્રવાહ રેડવાનું કાર્ય કર્યું.
સ્વામી વિવેકાનંદ ભારતને બહુ જ મહત્ત્વ આપતા. આથી કોઈએ તેમને કહ્યું કે, ‘તમે તો સંન્યાસી છો. તમારા માટે તો સમગ્ર વિશ્ર્વ એક કુટુંબસમાન હોવું જોઈએ, તેના બદલે તમે ભારતને આટલું બધું મહત્ત્વ કેમ આપો છો? ત્યારે તેમણે કહ્યું ‘વિશ્વના કલ્યાણ માટે તો ભારતને મહત્ત્વ આપી રહ્યો છું. કારણ કે જો ભારત બચશે તો જ વિશ્ર્વ બચશે. સમગ્ર વિશ્ર્વ ત્યારે જ બચે કે જ્યારે તે આધ્યાત્મિકતાનો સ્વીકાર કરે અને આ આધ્યાત્મિકતાની જનની છે ભારત.’
લાહોરમાં આપેલાં પ્રવચનમાં તેમણે ભારતના ઉધ્ધારની જરૂર ફક્ત ભારતના પોતાના માટે જ નથી, પણ સમગ્ર વિશ્ર્વના કલ્યાણ માટે છે, એ વાત કહેતાં જણાવ્યું હતું; ‘ભારતના ઉદ્ધાર પર આખી દુનિયાના કલ્યાણનો આધાર રહેલો છે. એનું કારણ છે, મારે તમને ખુલ્લેખુલ્લું કહી દેવું જોઈએ કે પાશ્ર્ચાત્ય સંસ્કૃતિના પાયા મૂળમાંથી જ હલી ગયા છે, ભલે ગમે તેવી મોટી મહેલાત હોય, પણ જો તે જડવાદના પોચા રેતીના પાયા પર બંધાયેલી હશે તો તે કોઈ દિવસે જમીનદોસ્ત થવાની જ છે. તેને રોવાનો વખત આવવાનો જ છે. જગતનો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે.’
આ જડવાદના પોચા રેતીના પાયા ઉપર ઊભેલી સંસ્કૃતિને બચાવવાનો એકમાત્ર રસ્તો એ પાયામાં ભારતની આધ્યત્મિકતાને રેડીને તે પાયાને મજબૂત બનાવી દેવામાં રહેલો છે. હવે એ સમય આવી પહોંચ્યો છે કે ભારતે પોતાના આધ્યાત્મિક વૈભવને ખુલ્લો કરી દેવાનો છે. સ્વામી વિવેકાનંદ કહે છે, ‘આત્મનો મોક્ષાર્થં જગત હિતાય ચ’ -પોતાના કલ્યાણને માટે તો ખરું જ, પણ સમગ્ર વિશ્ર્વના કલ્યાણને માટે ભારતે હવે કટિબદ્ધ થવાનું છે. જગતના કલ્યાણનું દાયિત્વ ભારત ઉપર રહેલું છે. એ જવાબદારી વહન કરવા માટે ભારતના લોકોએ પુરુષાર્થ કરવો પડશે. પોતાની અંતર્નિહિત દિવ્યતાને જાગૃત કરવી પડશે. પોતાની આધ્યાત્મિક ચેતનાને વિસ્તારવી પડશે.
જાણે કે સ્વામીજી ગર્જના કરી રહ્યા છે; ‘ઓ ભારત, તું તારા પગ ઉપર ખડો થઈ જા અને તારી આધ્યાત્મિકતાથી વિશ્ર્વ પર વિજય પ્રાપ્ત કર!’ સ્વામીજીનું જગદ્ગુરુ ભારતનું સ્વપ્ન સિદ્ધ થશે. ત્યારે પોતાના તેજોમય કિરણો દ્વારા સમગ્ર વિશ્ર્વ પર જ્ઞાનમય પ્રકાશ રેલાવતી આપણી પ્રાચીન ભારતમાતા વિશ્ર્વની સામ્રાજ્ઞી બની પોતાના ગૌરવવંતા સિંહાસન પર વિરાજમાન હશે. અને ત્યારે એ જગતમાં યુદ્ધો નહીં હોય.
ધર્મોના ઝઘડાઓ નહીં હોય. રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચે ઈર્ષ્યા ને કલુષિતતા નહીં હોય, પણ હશે પ્રેમ અને બંધુતા, શાંતિ અને સમૃદ્ધિ. સમગ્ર માનવજાતિ ભારતમાતાના દૈવી પ્રકાશની છાયામાં સુરક્ષિત અને આનંદિત હશે. વિશ્ર્વને આ સ્થિતિએ પહોંચાડવું એ ભારતનું લક્ષ્ય છે અને ત્યારે જ ભારતે વિશ્ર્વ પરનો સાચો વિજય મેળવ્યો ગણાશે.
તો ચાલો, આપણે સૌ સ્વામી વિવેકાનંદના આ સ્વપ્નને સિદ્ધ કરવા કાર્યમાં ઝંપલાવી દઈએ અને તેમના આહ્વાન – ‘ઊઠો, જાગો, અને ધ્યેયપ્રાપ્તિ થઈ જાય ત્યાં સુધી મંડ્યા રહો’ને લક્ષમાં રાખીને મંડ્યા રહીએ.
સાથે સાથે સ્વામી વિવેકાનંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, ‘સ્વામીજી, તમે સમસ્ત જગતના કલ્યાણ માટે ભારતના પુનર્જાગરણનું અને પોતાની આધ્યાત્મિકતા દ્વારા સમસ્ત વિશ્ર્વ પર વિજય પ્રાપ્ત કરવાનું જે સ્વપ્ન સેવ્યું છે તેને ચરિતાર્થ કરવા માટેની શક્તિ અમને આપો.’

