
દુનિયાની 600 કરોડની આબાદીમાં ‘મુક્તાવલી તપ’ કરનારા એક એવા જૈન સાધ્વીને ક્ષત્રિય, પટેલ, બ્રાહ્મણ, લૂહાણા, આહિર, સોની, ભાનુશાલી, વણિક આદિ સમાજના ભાવિકોએ પારણા કરાવ્યા. સેંકડો ભાવિકોએ આજીવન ફ્રીજના ઠંડા પાણી ન પીવાના પ્રત્યાખ્યાન કર્યા . સમગ્ર ગોંડલ સંપ્રદાય તરફથી પૂજ્ય તપસ્વી મહાસતીજીને ‘મહાતપસ્વી’ બિરુદ અર્પણ કરવામાં આવ્યું છે. જાપાનમાં પણ જૈન ધર્મનો વ્યાપ વધી રહ્યો છે. જાપાનીઝ મહિલા ચુરૂશી મિયાઝાવાએ જૈન વિચારધારા અપનાવી તુલસી નામ ધારણ કર્યું, અને ત્યાં ગુરુમંદિરની રચના કરી.
સામાન્ય રીતે ઉત્સવની વાત આવે તો મોજમજા કરવાનો જ વિચાર મનમાં ઝબકે, પરંતુ જૈન ધર્મમાં ઉત્સવો હોય છે ત્યાગ, તપશ્ર્ચર્યા, સંયમ અને સાધનાના ! જૈન ધર્મના ભક્તો ભક્તિ, ઉપવાસ અને મંત્રજાપનો ઉત્સવ મનાવતા હોય છે, તેમાંથી તે આધ્યાત્મિક આનંદ મેળવે છે.
પર્વાધિરાજ પર્યુષણ આવો જ એક ઉત્સવ છે. જાણીતા લેખક અને જૈન તત્વદર્શનના વિદ્વાન કુમારપાળ દેસાઇએ લખ્યું છે કે માનવી પર્યુષણ પર્વમાં પોતાની જાતને પૂછે છે કે તું કોણ છે? તેં શું મેળવ્યું છે? અને જીવનમાં શું પામવાનું તારું લક્ષ્ય છે. ભૌતિક સમૃદ્ધિની પાછળ દોડતા માનવીને મૂર્ચ્છામાંથી જગાડતું પર્વ એટલે પર્યુષણ.
પર્યુષણમાં ચાર મહિના સાધુજનો એક સ્થળે સ્થિર વાસ કરે છે અને ધર્મની આરાધના પોતે તો કરે જ છે, ભક્તજનોને પણ કરાવે છે. પર્યુષણનો લાક્ષણિક અર્થ થાય છે, આત્માની સમીપ વસવું.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબનો જન્મ 26 સપ્ટેમ્બર 1971ના નાગપુરમાં રત્નકુક્ષિણી માતા શ્રી પુષ્પાબેન કનૈયાલાલ ભાયાણીની કુક્ષિએ થયો હતો. બહુ જ નાનપણથી દૈવી શક્તિને અનુભવનારા અને અનુસરનારા મહાવીરને 18 વર્ષની વયે સંકેત પ્રાપ્ત થયો, “તારું આયુષ્ય અલ્પ છે. જે કરવું હોય તે કરી લે.
સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, ચૈન્નઈ, કોલકાતા આદિ મહાનગરો અને દેવલાલી, ચીંચણ, પરમધામ જેવી આધ્યાત્મિક અને પાવનભૂમિ અને કચ્છના પુનડી જેવાં નાનકડા ક્ષેત્રોમાં એક એકથી શ્રેષ્ઠ અને આત્મલક્ષી ચાતુર્માસ કર્યા. પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજે અર્હમ યુવા સેવા ગ્રૂપની પ્રેરણા કરી એમાં દેશ-પરદેશમાં 55 થી વધુ શાખાઓમાં હજારો જૈન-અજૈન યંગસ્ટર્સ એમાં જોડાયાં છે અને માનવતા અને જીવદયાના
સત્કાર્યો સાથે સ્વયંના આત્માને પ્રતિ દિન વન સ્ટેપ અપ લઈ જઈ રહ્યાં છે. 52 વર્ષની ઉંમર અને 32 વર્ષની દીક્ષા પર્યાયવાળા પરમ ગુરુદેવ 57 જેટલાં પુણ્યાત્માઓને દીક્ષાના દાન આપી, દાનેશ્ર્વરીના પદ સન્માનથી સન્માનિત તો થયા પણ એથી વિશેષ એમણે એમના સાધુત્ત્વની સાર્થકતાનું અનુપમ દર્શન કરાવ્યુ છે. રાષ્ટ્રસંત વિશ્ર્વ શાંતિ અને વિશ્ર્વ મૈત્રીની ભાવના સાથે, ઉન્નતિ લક્ષી અનેક સત્કાર્યો, માનવતા અને જીવદયાના અવિરત કાર્યોની સાર્થકતાએ રાષ્ટ્રસંત ના ગૌરવવંતા પદના અધિકારી બન્યાં છે. સૃષ્ટિના સર્વ જીવો પ્રત્યે મૈત્રી અને કરુણાના ભાવે માનવ અને મૂક જીવોની જરૂરિયાતોને પૂરી કરવા, એમને શાતા પમાડવા સતત પુરુષાર્થશીલ પરમ ગુરુદેવ દીન-દુ:ખીઓના ‘કરુણા નિધાન’ છે.
મહાવીર નામે જન્મેલાં અને સામાન્ય પરિવારમાં ઉછરેલા એક સામાન્ય યુવાન આજે ઉત્કૃષ્ટ સાધના, પ્રબળ પુરુષાર્થ અને આત્મસિદ્ધિના લક્ષ્ય સાથે અસાધારણ પ્રતિભાના ધારક, આત્મ ઊંચાઈને પામેલા, જ્ઞાન જ્યોર્તિધર, મહાપ્રભાવક પરમ ગુરુદેવ તરીકે દેશ-પરદેશમાં ખ્યાતિ પામ્યાં છે.
ગિરનારની પવિત્ર ભૂમિ પર મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમવિશુદ્ધિ મહાસતીજીએ 285 ઉપવાસની ઉગ્ર મુક્તાવલિ મહાતપ્ની આરાધના કરી છે. માત્ર 22 વર્ષના સાધવીના આ તપની અનુમોહના કરવા અનેક સંઘો અને દેશવિદેશના ભાવિકો જોડાયા હતા.
મહાતપસ્વી સાધ્વી પૂજ્ય શ્રી પરમવિશુદ્ધિ મહાસતીજી જૈન ધર્મના મહાન સંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના શિષ્યા છે. 18 મહિના પહેલાં જ તેમણે દીક્ષા અંગીકાર કરી હતી. તેમણે નિરંતર 30 ઉપવાસની માસક્ષમણ આરાધના વડે સંયમ જીવનનો પ્રારંભ કર્યો હતો. દીક્ષા જીવનના પાંચમા મહિને 39 ઉપવાસની આરાધના પૂર્ણ કરી સાતમા મહિને મુક્તાવલી મહાતપનો પ્રારંભ કર્યો હતો.
આ કાળમાં 285 ઉપવાસ સાથેની ‘મુક્તાવલી મહાતપ’ની ઉગ્રાતિઉગ્ર સાધના કરીને સમગ્ર જૈન સમાજનું ગૌરવ વધારનારા જૈન ધર્મગુરુ રાષ્ટ્રસંત ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીની મહાન તપ સાધનાની પૂર્ણતા પર એમના પારણા અવસરે યોજાયેલો તપોત્સવ વિશ્ર્વના લાખો ભાવિકોને વંદિત-અભિવંદિત કરી રહ્યો છે.
મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ વિશુદ્ધિજી મહાસતીજીના તપની અનુમોદના કરવા માટે પૂજ્ય શ્રી કલ્પનાબાઈ મહાસતીજીની પાવન ઉપસ્થિતિ સાથે દેરાવાસી પંથના આચાર્ય ભગવંત શ્રી જયસુરિશ્ર્વરજી મહારાજ, આચાર્ય ભગવંત શ્રી હેમવલ્લભસુરિશ્ર્વરજી મહારાજના સંતો તેમજ જૂનાગઢમાં સ્થિત વિવિધ આશ્રમોથી મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ, મહામંડલેશ્ર્વર શ્રી રાહુલેશ્ર્વરાનંદજી આદિ સાથે જૂનાગઢના ક્ષત્રિય સમાજ, બ્રાહ્મણ સમાજ, સોની સમાજ, આહિર સમાજ, સિંધી સમાજ, ભાનુશાલી સમાજ, લુહાણા સમાજ, કડવા પટેલ સમાજ, લેઉઆ પટેલ સમાજ, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ, વણિક સમાજ, જૈન સોશિયલ ગ્રૂપ, જૈન જાગૃતિ ગ્રૂપના હજારો ભાવિકો સાથે સમગ્ર સૌરાષ્ટ્રના શ્રીસંઘો, ગુજરાત, કોલકાતા, મુંબઈ મહારાષ્ટ્રના શ્રી સંઘો, અનેક સંસ્થાઓ તેમજ એમ. એલ. એ શ્રી સંજયભાઇ કોરડીયા, ડેપ્યૂટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, ડિસ્ટ્રિક્ટ જજ શ્રી નરેશજી જૈન અને વિવિધ ક્ષેત્રોથી પધારેલા ભાવિકોની સાથે દેશ-વિદેશના મળીને હજારો ભાવિકો આ ઐતિહાસિક અવસરમાં જોડાઈને ધન્ય ધન્ય બન્યાં હતાં.
ગિરનાર ભૂમિ પર નવનિર્મિત પારસ-ધામના આંગણે છેલ્લાં ઘણા દિવસોથી ગાજતા ગુંજતા આ તપોત્સવના અંતિમ ચરણ સ્વરૂપ મહાતપસ્વી મહાસતીજીના પારણા અવસરે એમના તપની અનુમોદના કરતી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા પારસધામના આંગણેથી પ્રારંભ થઈને નેમ દરબારના શામિયાણામાં પધારતાં જ અહોભાવથી ભક્તિભીના વધામણાં કરાવવામાં આવ્યા હતા.
જિનશાસનના અવિભાજ્ય તત્ત્વ એવા તપ ધર્મ અને તપસ્વી આત્માના પુરુષાર્થની પ્રશસ્તિ કરતા આ અવસરે પરમ ગુરુદેવે બોધ વચન ફરમાવતાં સમજાવ્યું હતું કે, આ જગતમાં થોડાં થોડાં અંતરે આહારની દુકાનો જ્યારે દુનિયાના લોકોની આહાર લોલુપતાનો ચિતાર આપી રહી છે એવા સમયમાં તપસ્વી આત્મા તપશ્ર્ચર્યાના મોલ સર્જીને તપના તેજ પ્રસરાવી રહ્યાં છે.
તપસ્વી મહાસતીજીની દીર્ઘ તપશ્ર્ચર્યાની અનુમોદનારૂપે આજીવન ફ્રિજના ઠંડા પાણીનો ત્યાગ કરવાની પરમ ગુરુદેવની પ્રેરણાએ હજારો ભાવિકોએ સ્વીકાર કરતાં જયકાર વર્તાયો હતો. આ અવસરે સનાતન પરંપરાના જૂનાગઢના મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુએ તપસ્વી મહાસતીજી પ્રત્યે વંદિત ભાવે એમના તપની અનુમોદના કરી હતી તેમજ શ્રી રાહુલેશ્ર્વરાનંદજીએ મહાતપસ્વી મહાસતીજીને કુળ, સંપ્રદાય, ગુરુ- ગુરુણીનું ગૌરવ
વધારનારા આત્મારૂપે ઓળખાવીને શુભેચ્છા વંદના આપી હતી. સર્વત્ર આનંદ અને હર્ષનો ગૌરવનાદ ગૂંજી ઉઠ્યો હતો જ્યારે વર્લ્ડ રેકોર્ડ ટીમ તરફથી પરમ વિશુદ્ધિજી મહાસતીજીની તપશ્ર્ચર્યાને વર્લ્ડ રેકોર્ડમાં રજિસ્ટર કરીને એનું સર્ટિફિકેટ અહોભાવથી પરમ ગુરુદેવના કરકમલમાં, ગોંડલ સંપ્રદાયને એનાયત કરવામાં આવ્યું હતું. લાભાર્થી શ્રી અવંતિભાઈ કાંકરિયા પરિવાર અને શ્રી હિતેનભાઈ મહેતા પરિવાર દ્વારા મહાતપસ્વી મહાસતીજીને અંતરના ઉલ્લાસ-આનંદપૂર્વક શાલની અર્પણતા કરવામાં આવી હતી. અવસરમાં ઉપસ્થિત અનેક શ્રીસંઘો અને સંસ્થાઓના પદાધિકારીઓએ આ અવસરે શાલ અર્પણ કરીને મહાતપસ્વી મહાસતીજીની અનુમોદના કરતાં સર્વત્ર હર્ષ છવાયો હતો.
સવિશેષ એ ધન્ય ઘડીએ, ધન્ય પળ સર્જાઈ હતી જ્યારે સૌના હૃદયમાંથી સૌના મુખમાંથી પ્રગટ થતા જયકારના નાદ અને અહોભાવના ભક્તિગાન વચ્ચે હજારો ભાવિકોએ પોતાના ઘરેથી બનાવીને લાવેલા સાકર જળથી મહાતપસ્વી પરમ વિશુદ્ધિજી મહાસતીજીને પારણાં કરાવવામાં આવ્યા.
સોનામાં સુગંધ ભળે તેમ તપોત્સવ અવસરે જૂનાગઢમાં ચાતુર્માસ બિરાજમાન પૂજ્ય શ્રી ભવિતાબાઈ મહાસતીજી અને પૂજ્ય શ્રી જયણાબાઈ મહાસતીજીના 25 ઉપવાસના પારણાં થતાં નેમ દરબારમાં હર્ષ છવાયો હતો.
નૂપુર એકેડમી રાજકોટ દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ સાથે તપ ધર્મની અનુમોદના કરવામાં આવી હતી. પધારેલા હજારો ભાવિકો માટેના નવકારથી ભોજન તેમજ બહુમૂલ્ય પ્રભાવના અર્પણ કરવાનો લાભ શ્રી અવંતિભાઈ કાંકરીયા પરિવાર – પારસધામ દ્વારા લેવામાં આવ્યો હતો.
જૈન ધર્મમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. તે રીતે મંત્રજાપનું પણ એટલું જ મહત્વ છે. મુંબઇના વિલેપારલે જૈન સંઘ ખાતે ‘નવકાર ઉતારે ભવ પાર’ શિબિરના પ્રવચનમાં પૂજ્ય શ્રી ધીરગુરુદેવે જણાવ્યું હતું કે કોઇપણ શબ્દનો ભાવથી જાપ કરવામાં આવે તો તે મંત્ર બની જાય છે. તેને જ્યોતસિદ્ધિ કહેવામાં આવે છે. અહીં પૂજ્ય ધીરગુરુદેવની નિશ્રામાં ભક્તામરમાં ભાવિકો ભાવવિભોર બન્યા હતા. ગુરુદેવે કહ્યું હતું કે ભક્તની ભક્તિથી તે સ્વયં ભગવાન બની રહે છે. જૈન ધર્મ હવે દેશવિદેશમાં ફેલાઈ રહ્યોં છે. જાપાનમાં પણ અનેક જાપાનીઝ નાગરિકો જૈન ધર્મ પ્રત્યે આકર્ષાઇ રહ્યા છે. જાપાનમાં અત્યારે ત્રણ જિનાલાય છે.
તાજેતરમાં જાપાનના જૈન ભક્તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નેનાવા ગામે આવ્યા હતા. અહીંથી પુણ્યસમ્રાટ તરીકે ઓળખાતા જૈનાચાર્ય જયંતસેનસૂરીશ્ર્વરજી મહારાજની ગુરુમૂર્તિ લઇને જાપાન ગયા હતા. ત્યાંના નાગાનૌકેન શહેરમાં ગુરુમંદિરનું નિર્માણ કરી આ પ્રતિમાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી.
જાપાનની મહિલા ચુરૂશી મિયાઝાવાએ જૈન ધર્મ અંગીકાર કરી પોતાનું નામ તુલસી રાખ્યું છે. તે જૈન ધર્મનો પ્રચાર કરી લોકોને સત્ય, અહિંસા, અપરિગ્રહના માર્ગે વાળી રહ્યા છે. જાપાનથી જૈન વિચારધારા ધરાવતા 12 સભ્યો ગુજરાતના જૈન તીર્થધામોની મુલાકાતે આવ્યા હતા. તેમાં આદીશ અને નેમિશ નામના બે બાળકો પણ હતા.
ચુરૂશી મિયાઝાવા ઉર્ફે તુલસી રાજસ્થાનમાં જૈનાચાર્ય જયંતસેનસૂરીશ્ર્વરજી મહારાજના દર્શને ગયા હતા ત્યારથી તેમનું જીવન બદલાઇ ગયું. ગુરુદેવે નવકાર મંત્ર લખીને આપ્યો ત્યારથી જાણે કોઇ ઋણાનુબંધ હોય તેમ તેને ગુરુદેવ તેમજ નવકાર મંત્રની લગન લાગી ગઇ.
તુલસીના માધ્યમથી જાપાનમાં 1000થી વધુ લોકોએ માંસાહારનો ત્યાગ કર્યો છે. પાંચસોથી વધુ લોકોએ તો લસણ, કાંદા, બટાટા પણ છોડી દીધા છે.
તુલસી સાયકોલોજિસ્ટ છે અને નવકાર મંત્રથી દર્દીઓના રોગ દૂર કરે છે. બ્રિટનના ફિલોસોફર આલ્ફર્ડ ટેનિસન કહે છે કે જૈન ધર્મ સૌથી જૂનો અને પૂર્ણ અહિંસાનો ધર્મ છે.
અમેરિકન સિવિલ રાઇટસના પ્રણેતા માર્ટિન લ્યુથર કિંગનું કહેવું છે કે જૈન ધર્મ અહિંસાના સિદ્ધાંતોને સર્વોચ્ચ મહત્વ આપે છે. થોમસ મોરિસ, જે જાણીતા અંગ્રેજી લેખક હતા તેમણે કહ્યું છે કે જૈન ધર્મ અદ્ભૂત છે જે અહિંસા, શાંતિ અને કરુણા પર આધારિત છે. આ ઉપરાંત વિશ્ર્વભરના અનેક તત્વચિંતકોએ જૈન ધર્મના સિદ્ધાંતોની સરાહના કરી છે.

