ર018ને શાહી બનાવનાર સિતારાઓના લગ્નોમાં ગ્લેમરનો શાનદાર ભપકો

ર018ને શાહી બનાવનાર સિતારાઓના લગ્નોમાં ગ્લેમરનો શાનદાર ભપકો

- in Cover Story
1426
Comments Off on ર018ને શાહી બનાવનાર સિતારાઓના લગ્નોમાં ગ્લેમરનો શાનદાર ભપકો


ર018ના વર્ષમાં ભારતે મુખ્યત્વે ચાર સિતારાઓના વેડિંગ ઠાઠ જોયા. પ્રિયંકા-નિક, દીપિકા-રણવીર, ઇશા-આનંદ અને કપિલ-ગિની! એમના પ્રિવેડિંગથી માંડીને રિસેપ્શન સુધીની અપડેટ્સ જાણવા માટે મીડિયા તત્પર રહ્યું. એક પછી એક વીડિયો અને ફોટો બહાર આવતા ગયા! લગ્નનો ‘ઠસ્સો’ કોને કહેવાય એ કદાચ ગયા વર્ષે સુપેરે જાણવા મળ્યું. એમની વેડિંગ-સેરેમની વિશેના તથ્યોએ ભારતીયોની ફેશન તથા સ્ટાઇલિંગ-સેન્સ અંગેની ઘણી રોચક બાબતો ઉજાગર કરી. લેટ્સ સ્ટાર્ટ ધેન…!
– પરખ ભટ્ટ

શરૂથી આરંભ કરીએ. વર્ષ ર017… વેનિટી ફેર ઓસ્કરની પાર્ટીમાં મહેમાનો ટહેલી રહ્યા છે. અમેરિકન ટીવી સીરિઝ ક્વોન્ટિકો કરી રહેલી પ્રિયંકા પણ ત્યાં હાજર છે. રપ વર્ષનો વિદેશી સિંગર નિક જોન્સ એ પાર્ટીમાં મોજુદ છે અને ક્યારનોય પ્રિયંકા સામે ટીકટીકીને તાકી રહ્યો છે! એક ક્ષણ એવી આવે છે, જ્યારે બધાની વચ્ચે તે ઊભો થઇને પ્રિયંકાના ઘૂંટણિયે બેસીને તેને એક પ્રશ્ર્ન કરે છે : ‘તું વાસ્તવમાં છો. મારા સમગ્ર જીવન દરમિયાન તું ક્યાં હતી?’ બીજી બાજુ, પ્રિયંકા પણ એમ કંઇ આસાનીથી ભાવ તો ન જ આપી દે. તેણે પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મને અને મારા નખરાને સહન કરી શકે એવો છોકરો મળવો અત્યંત મુશ્કેલ છે!

પાર્ટી તો વાજતે-ગાજતે પૂરી થઇ ગઇ, પરંતુ પ્રિયંકાના મગજમાંથી આ ઘટના હટવાનું નામ નહોતી લઇ રહી. ત્યાર બાદ તો નિક લગભગ દરરોજ પ્રિયંકા સાથે ટેક્સ્ટ મેસેજમાં વાત કરવા લાગ્યો. મે મહિનો આવી ગયો. ‘મેટ ગાલા એવોર્ડ્સ’ની રેડ કાર્પેટ પર બંને જણાં ઇન્ટરનેશનલ ફેશન ડિઝાઇનર રાલ્ફ લૌરેનના કોસ્ચ્યુમ્સ પહેરીને જોવા મળ્યા. અલબત્ત, કપલ તરીકે તો નહીં જ! એ પછી ફરી એક વર્ષનો લાંબો ગેપ પડી ગયો, જ્યારે પ્રિયંકા અને નિક એકબીજાને મળ્યા નહીં. ર018ની સાલનું મેટ ગાલા ફંક્શન આવી પહોંચ્યું ત્યારે છેક બંને એકસાથે જોવા મળ્યા. ત્યાર બાદ સમયનો કાંટો તેજીથી ઘૂમ્યો. એકબીજા સાથે ત્રણ વખત ડેટ પર ગયા પછી નિક જોન્સે પ્રિયંકાની માતા મધુ ચોપરાને બોલાવીને કહ્યું કે, ‘હું તમારી દીકરીનો હાથ માગવા જઇ રહ્યો છું!’ પ્રિયંકાના બર્થ-ડે પર મધરાત સુધી પ્રતીક્ષા કર્યા બાદ નિકે પ્રિયંકાને વીંટી પહેરાવી, જેથી જન્મદિવસનું સેલિબ્રેશન અને એંગેજમેન્ટ સેરેમની ક્રોસઓવર ન થાય! સગાઇ માટે જ્યારે નિકે પ્રિયંકાને પ્રપોઝ કર્યું એ વાત તો હજુય વધારે રસપ્રદ છે.

નિક કહે છે, ‘ર017ની માફક આ વર્ષે પણ ફરી એકવાર હું ઘૂંટણિયે બેઠો હતો. પ્રિયંકાની સામે રિંગ ધરતાં પહેલાં એને મેં એક જ સવાલ પૂછ્યો : મારી સાથે લગ્ન કરીને શું તું મને દુનિયાનો સૌથી સુખી માણસ બનાવી શકીશ?’ આટલું કહીને એ અટકી ગયો. પ્રિયંકા લગભગ 45 સેક્ધડ સુધી એકીટસે નિકને તાકતી રહી! નો રિપ્લાય! નિરવ શાંતિ. હોલમાં ઊભેલી દરેક વ્યક્તિના હૃદય જોરજોરથી ધડકી રહ્યાં હતાં. સમય જાણે થંભી ગયો હતો. પ્રિયંકાનો કશો જ પ્રત્યુત્તર ન આવતાં નિકે ફરી એને કહ્યું, ‘અગર તને કોઇ વાંધો ન હોય તો હું હવે આ વીંટી તારી આંગળીમાં પહેરાવવા જઇ રહ્યો છું!’ આટલું બોલીને એણે પ્રિયંકાને પોતાની ફિયાન્સે બનાવી લીધી. થોડા જ મહિનાઓની અંદર બંનેના પરિવારમાં લગ્નની શરણાઇના સૂર ગૂંજી ઊઠયા.

હિન્દુ અને ક્રિશ્ર્ચિયન વિધિથી લગ્નો ગોઠવવામાં આવ્યાં. જોધપુરના ઉમેદ ભવન પેલેસમાં ભવ્યાતિભવ્ય સમારોહનું આયોજન કરીને આમંત્રિતોને જલસો પાડી દેવાયો. વ્હાઇટ વેડિંગ ગાઉનને તૈયાર કરવા પાછળ પ્રખ્યાત અમેરિકન ડિઝાઇનર રાલ્ફ લૌરેનનો હાથ છે, જેમણે પોતાની પ0 વર્ષની કરિયરમાં ફક્ત ત્રણ વ્યક્તિઓ માટે જ જાતે ડ્રેસ ડિઝાઇન કર્યા છે, જેમાં પોતાની દીકરી, પુત્રવધૂ, અને ભત્રીજી! ‘હેલો’ મેગેઝિનના ઇન્ટરવ્યૂમાં પ્રિયંકાએ કહ્યું કે, ‘વેસ્ટર્ન વેડિંગ માટે હું અને નિક પુષ્કળ ડિઝાઇનર્સ સાથે વાતચીત કરી રહ્યા હતા. પરંતુ કોઇ અમને જોઇએ એવું કામ ન આપી શક્યું. આખરે એક દિવસ રાલ્ફ લૌરેનને અમારા લગ્નના સમાચાર મળ્યા ત્યારે એણે સામે ચાલીને અમારા બંનેના કોસ્ચ્યુમ ડિઝાઇન કરવા માટેની ઓફર મૂકી. અમારી લવસ્ટોરી (મેટ ગાલા ફંક્શન)ની શરૂઆત જ રાલ્ફ લૌરેનના ડ્રેસ સાથે થઇ હતી એ કારણોસર અમે એમની ઓફરનો ઇન્કાર ન કરી શક્યા. સ્કેચ પ્રેઝન્ટેશનનો દિવસ આવ્યો. ફાઇનલ ડ્રેસની ડિઝાઇન જોઇને સૌ કોઇ અચંબિત બની ગયા. આટલા અદ્ભુત ડ્રેસ વિશેની કલ્પના અમે ક્યારેય નહોતી કરી!’

18ર6 કલાકોની અંદર રાત-દિવસ કામ કરીને ર3 લાખ 80 હજાર મોતી અને 7પ ફૂટનો ઝીણો રેશમનો જાળીદાર બુરખાનો પ્રિયંકાનો વેડિંગ ડ્રેસ તૈયાર કરવામાં આવ્યો. હિન્દુ વિધિથી થવા જઇ રહેલા લગ્નનો કોન્ટ્રાક્ટ ભારતીય ડિઝાઇનર સબ્યસાંચી મુખર્જીને અપાયો. ઘેરા લાલ રંગના પ્રિયંકાના લહેંગાને તૈયાર કરવા માટે સબ્યસાંચીએ 37ર0 (સળંગ ર4 કલાક કામ કરે તો પણ ડ્રેસને તૈયાર થવામાં 1પપ દિવસનો સમય લાગી જાય!) કલાકનો સમય લીધો! એ પણ એકલા હાથે તો નહીં જ, 110 એમ્બ્રોઇડરી કરનાર કામદારોને સાથે રાખીને! રર કેરેટ ગોલ્ડના મોતીનો ઉપયોગ થયો હોય એવા કોસ્ચ્યુમ વિશે પ્રિયંકાએ મેગેઝિન ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘હું પહેલેથી જ ચાહતી હતી કે મારા લગ્નના લહેંગાનો રંગ પારંપરિક લાલ રાખવામાં આવે. પરંતુ સબ્યસાંચીએ એમાં ફ્રેન્ચ એમ્બ્રોઇડરી અને વેસ્ટર્ન જ્વલેરી ઉમેરી ચાર ચાંદ લગાવી દીધા.’
વેડિંગ ઓફ ધ યર!

(ઇશા અંબાણી-આનંદ પિરામલ)
ઇશા અંબાણી અને આનંદ પિરામલની વેડિંગ સેરેમનીનો સમાવેશ ભારતના આજ સુધીના સૌથી ઠાઠમાઠવાળા લગ્નોમાં કરી શકાય. ઉદયપુર ખાતે ગોઠવાયેલા પ્રિવેડિંગ ફંક્શનમાં હજારો લોકોેને અંબાણી પરિવારે આમંત્રિત કર્યા હતા, પરંતુ વિશ્ર્વની સૌથી મોંઘી પ્રોપર્ટીમાંના એક ગણાતા ‘એન્ટિલા’ હાઉસ મુંબઇમાં ગોઠવાયેલા લગ્ન માટે બંને પરિવારની સાવ અંગત કહી શકાય એવી 600 વ્યક્તિને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું! ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટનના પત્ની અને સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટન, ભૂતપૂર્વ સ્ટેટ સેક્રેટરી જોન કેરી સહિત બોલિવૂડ-હોલિવૂડ અને રાજકારણના પુષ્કળ માંધાતાઓએ આ પ્રસંગે હાજરી નોંધાવી.

વિશ્ર્વના ટોચના ધનિકોમાં જેમની ગણતરી થાય છે એવા રિલાયન્સ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તથા એમના પત્ની નીતા અંબાણીની પુત્રી ઇશા અંબાણીએ આનંદ પિરામલ સાથે વિવાહ કર્યા. અજય પિરામલ અને સ્વાતિ પિરામલના પુત્ર અને અબજો રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ‘પિરામલ ગ્રૂપ’ની ધૂરા ગણાતા આનંદે પોતાના લગ્નનું રિસેપ્શન બીકેસી (બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ) બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં ગોઠવ્યું હતું. સત્તાવાર તો નહીં, પરંતુ રિલાયન્સના કેટલાક અંગત સૂત્રોનું કહેવું છે કે, અંબાણી પરિવારે લગ્ન સમારંભ માટે કુલ 70 કરોડથી પણ વધુ રૂપિયાનો ખર્ચો કર્યો છે. પ્રણવ મુખર્જી, રાજનાથ સિંહ, પ્રકાશ જાવડેકર, મમતા બેનર્જી, વિજય રૂપાણી, ચંદ્રાબાબુ નાયડૂ તથા દેવેન્દ્ર ફડણવીસ જેવા રાજકારણીઓ ઉપરાંત બચ્ચન ફેમિલી સહિત અન્ય બોલિવૂડ-હોલિવૂડ સુપરસ્ટાર્સની હાજરી તો ખરી જ! એમ કહોને કે ર7 માળના એન્ટિલા બિલ્ડિંગમાં અઠવાડિયાઓ સુધી સગાઇ-લગ્નની રોનક છવાયેલી રહી.

રિલાયન્સ ગ્રૂપના કર્મચારીઓ માટે પણ બંને વેવાઇઓએ અલગ રિસેપ્શન ગોઠવ્યું હતું, જેમાં દેશના ટોચના બિઝનેસમેન તથા કંપનીના એમ્પ્લોયર્સને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. લતા મંગેશકરના ગાયત્રી મંત્ર-ગાયનનો વીડિયો સોશિયલ મીડિયામાં તમામ પ્લેટફોર્મ પર ભરપૂર રીતે વાયરલ થયો હતો. ગ્રામી તથા ઓસ્કર એવોર્ડ વિજેતા એ.આર.રહેમાન અને તબલાવાદક ઝાકિર હુસેને પણ ખાસ ઉપસ્થિતિ નોંધાવીને આમંત્રિતોને સંગીતના સૂર થકી ડોલાવ્યા. હજુ ર019માં આકાશ અંબાણીના લગ્નના પણ ભણકારા વાગી રહ્યા છે. જોવાનું એ રહ્યું કે નવા વર્ષે અંબાણી પરિવાર લગ્નોત્સવના કેવાક નવા આયામો સર કરે છે?

દીપ-વીરના સ્વપ્ન-વિવાહ!
લગ્ન પહેલાના ચાર દિવસો દરમિયાન દીપિકા-રણવીરે મુંબઇથી શરૂ કરેલી સફર 16,ર87 કિ.મી.નું અંતર કાપીને પૂરી થઇ. મુંબઇથી બેંગ્લોર, ત્યાંથી ફરી મુંબઇ અને ત્યાર બાદ ઇટાલીના લેક કોમો શહેરમાં પહોંચીને તેમણે લગ્ન કર્યા. 14-15 દિવસોનો લગ્ન સમારોહ પૂર્ણ કરીને તેઓ ફરી બેંગ્લોર પરત ફર્યા. ત્યાંનું રિસેપ્શન પૂરું કરીને ફરી પાછા મુંબઇ! દીપિકાના આઇવરી અને ગોલ્ડ રંગના ચિકનકારી-લહેંગાને ડિઝાઇન કરવા માટે બોલિવૂડ ડિઝાઇનર અબુ જાની- સંદીપ ખોસલાને 16,000 કલાકનો સમય લાગ્યો હતો. લેક કોમો વિલા ખાતેના લગ્ન સમારોહ બાદ દીપિકા-રણવીરે મુંબઇ અને બેંગ્લોરમાં જે રિસેપ્શન ગોઠવ્યા હતા તેમાં અમિતાભ બચ્ચનનો ડાન્સ કરતો વીડિયો ખાસ્સો વાઇરલ થયો હતો.

પરીકથા સમાન આ લગ્નના બંને વર-વધૂના વેડિંગ કોસ્ચ્યુમ ડિઝાઇન કરનાર સબ્યસાંચી મુખર્જીની ગણતરી બોલિવૂડના ટોચના ડિઝાઇનર્સમાં થાય છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર તેમણે કોસ્ચ્યુમ-મેકિંગનો વીડિયો શેર કર્યો હતો. કોંકણી અને સિંધી રીતિ-રિવાજોથી લગ્ન સમારોહ સંપન્ન થયો.

ચોથા લગ્ન જે ચર્ચામાં રહ્યા એ હતા કપિલ શર્મા અને ગિનીના. તેમના લગ્નના અચાનક આવેલા સમાચારથી કપિલના ચાહકોમાં આશ્ર્ચર્ય સર્જાયું હતું.
ખેર, સૌથી ધ્યાનાકર્ષક બાબત રહી, વેડિંગ કોસ્ચ્યુમ્સ! જેની ચર્ચા ભારતભરમાં થઇ. મનિષ મલ્હોત્રાએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર જ્યારે ઇશા અંબાણીના વેડિંગ કોસ્ચ્યુમનો ફોટો અપલોડ કર્યો ત્યારે લોકો મોંમાં આંગળા નાખીને જોતા રહી ગયા. લગ્ન તથા રિસેપ્શનમાં હજારો કલાકોની મહેનત બાદ હાથની કલાકારી થકી તૈયાર થયેલા ડિઝાઇનર કપડાં પહેરવાનો ટ્રેન્ડ હવે શરૂ થઇ ગયો સમજો, પરંતુ વરસોથી ડિઝાઇનિંગ ક્ષેત્રે કામ કરી રહેલા આ ધુરંધરો વિશે પણ ઊંડાણમાં ઉતરવા જેવું ખરું!….
ભારતીય વેશ-પરિધાન

સ્ટોરી ઓફ ધ ફેશન રિવોલ્યુશન!
અમુક પ્રકારના પારંપરિક કોસ્ચ્યુમ્સ ઉપરાંત પણ ભારત પાસે શ્રેષ્ઠતમ ફેશન-સેન્સ અને સ્ટાઇલિંગનું જ્ઞાન છે એ વાત પુરવાર થયાને લગભગ દોઢ દાયકો પૂરો થવા આવ્યો, આટલા વરસોની અંદર ફેશન ઇન્ડસ્ટ્રીમાં પુષ્કળ ફેરફારો આવ્યા જેને નજરે નિહાળનાર ડિઝાઇનર્સના અંગત જીવનની કેટલીક ગુફ્તગૂ!….

ફેશન ડિઝાઇનર્સનું સ્થાન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ હોઇ શકે એ માન્યતાને ધીરે ધીરે જાકારો મળી રહ્યો છે. ર017થી શરૂ થયેલી સ્ટાર-સ્ટડેડ મેરેજ સેરેમની ઉપરાંત અન્ય ઇવેન્ટ્સમાં ઇન્ડિયન ડિઝાઇનર્સનો જ દબદબો ચાલી રહ્યો છે. ભારે ભરખમ ચળકતા વેડિંગ ડ્રેસને બનાવવા પાછળ કેટલી જહેમત ઉઠાવવી પડી એ જાણવામાં આપણો રસ વધી રહ્યો છે, જેનું સ્વાભાવિક કારણ છે ભારતીયોમાં આવી રહેલું ફેશન રિવોલ્યુશન ! અનુષ્કા-વિરાટ, દીપિકા-રણવીર, પ્રિયંકા-નિક, કપિલ-ગિની અને ઇશા અંબાણી-આનંદ પિરામલના લગ્નની ચર્ચાનો સમાવેશ આજે હોટેસ્ટ-ટોપિકમાં થઇ રહ્યો છે. કારણ કે, તેમની સેરેમનીમાં ભાગ લેનાર આમંત્રિતોનું ફોક્સ પોઇન્ટ છે – સ્ટાઇલિંગ!
મનિષ મલ્હોત્રા, અનિતા ડોંગરે, સબ્યસાંચી મુખર્જી, નીતા લુલા, રોહિત બાલ, રોહિત વર્મા, રીતુકુમાર, તરુણ તાહિલિયાની જેવા અગણિત નામો એવા લઇ શકાય જેમણે પાછલા એક દાયકાની અંદર ભારતીય ફેશનનો ચહેરો બદલવામાં અમૂલ્ય ફાળો આપ્યો છે. આજે એમાંના જ અમુક ખાસ ડિઝાઇનર્સના અંગત જીવન અને પ્રોફેશનલ કરિયર વિશે વાત કરવી છે. લેટ્સ સ્ટાર્ટ ધેન!

મનિષ મલ્હોત્રા
બોલિવૂડ અને ઇન્ડિયન ફેશનના સમાનાર્થી શબ્દ તરીકે જેનું નામ લઇ શકાય એ છે મનિષ મલ્હોત્રા. કરીના કપૂર ખાનથી શરૂ કરીને ઐશ્ર્વર્યા રાય બચ્ચન અને દીપિકા પદુકોણથી માધુરી દીક્ષિત સુધીના કલાકારોમાંથી એકપણ વ્યક્તિ એવી નથી જેના માટે મનિષ મલ્હોત્રા લેબલ દ્વારા ડ્રેસ ડિઝાઇન ન થયા હોય! કોઇ ફેશન સ્કૂલમાંથી ટ્રેનિંગ લીધા વગર ફક્ત આપબળે ઇન્ડસ્ટ્રીમાં પોતાની બ્રાન્ડ ઊભી કરનાર મનિષ મલ્હોત્રાની બેકસ્ટોરી પણ ઉતાર-ચઢાવથી ભરપૂર રહી. ફિલ્મ જોઇને સ્ટાઇલિંગ શીખી શકાય એ વાતને પચવામાં પહેલા તો થોડોક વખત લાગે! 1ર વર્ષથી મનિષ મલ્હોત્રા લેબલ ઇન્ડિયન ફેશન ઇન્ડસ્ટ્રીમાં સફળતાના શિખરો સર કરી ચૂક્યું છે. મુંબઇના સામાન્ય પંજાબી પરિવારમાંથી ફક્ત ફિલ્મો જોઇને મોટા થયેલા પ0 વર્ષીય ડિઝાઇનર મનિષના શબ્દો – ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે ખાસ કશું જ નહોતો જાણતો. પહેલાના દિવસો યાદ કરું છું તો સમજાય છે કે કરેલી મહેનત ક્યારેય એળે નથી જતી. ભલે કોઇ ફેશન સ્કૂલમાં ભણ્યો નહીં, પરંતુ મારા કિસ્સામાં ભણતર કરતાં ગણતર વધુ કામ આવ્યું. શરૂ શરૂમાં ડિરેક્ટર્સને ખાસ વિનંતી કરતો કે મને ફિલ્મની સ્ક્રિપ્ટ થોડીક વહેલી આપો તો સારું, જેથી કલાકારોના કોસ્ચ્યુમ્સ ડિઝાઇન કરવામાં પૂરતો સમય મળી રહે. એસાઇન્મેન્ટ મળ્યા પછીની જફા વિશે તો શું વાત કરું! સ્કેચ-વર્કથી માંડીને દરજીને સિલાઇકામમાં એક્યુરસી રાખવા સુધીની તમામ બાબતો પર મેં અંગત ધ્યાન આપ્યું છે. મહિનાઓ સુધી વહેલી સવાર લગી જાગીને કોસ્ચ્યુમ ડિઝાઇન કર્યા છે. નંબર વનની પોઝિશન મેળવવા માટે અથાગ પરિશ્રમ અને પરસેવો રેડ્યો છે. મારી જિંદગી અને કરિયરની પસંદગી કરવાનો સંપૂર્ણ અધિકાર મારા હાથમાં રહ્યો એ વાતનું ગૌરવ અને ખુશી છે.’

સબ્યસાંચી મુખર્જી
એથનિક-વેરથી માંડી રોજબરોજ પહેરી શકાય એવા આઉટ-ફિટ્સની વાત આવે ત્યારે સબ્યસાંચીનો ચહેરો નજર સમક્ષ તરવરી ઊઠે! એમાંય ખાસ કરીને વેશ-પરિધાન બાબતે ભારતની સર્વોચ્ચ ઓળખાણ એટલે અહીંની રંગબેરંગી સાડીઓ! ટ્રેડિશનલ ઇન્ડિયન આઉટફિટમાં સબ્યસાંચી મુખર્જીએ લાવેલું રિવોલ્યુશન વિશ્ર્વપ્રખ્યાત છે. બ્રાઇડલ બિઝનેસ અને ટ્રેડિશનલ ટેક્સટાઇલની મોડર્ન ડિઝાઇનના ચલણમાં આવવા પાછળનો શ્રેય એમને આપવો ઘટે!
કોલકાતામાં જન્મેલા સબ્યસાંચીનો ભૂતકાળ ઘણા અંશે પીડાદાયક પુરવાર થયો. પિતાની નોકરી છૂટી ગયા બાદ ભણવાના પૈસા પણ ન બચ્યા ત્યારે ઘરની તમામ આર્થિક જવાબદારીઓનો ભાર એમના માથે આવી ગયો. ફેશન સ્ટાઇલિંગમાં પૂરેપૂરો રસ, પરંતુ પરિવાર તરફથી એ ક્ષેત્રમાં આગળ વધવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવી. પોતાની કિતાબો વેચીને એકલા હાથે એમણે પોતાના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો. નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ફેશન ટેક્નોલોજી (એનઆઇએફટી)માંથી ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ ર00રની સાલમાં સબ્યસાંચીએ સૌ પ્રથમ વખત ‘ઇન્ડિયા ફેશન વીક’માં ભાગ લઇને પોતાની ફેશન કરિયર શરૂ કરી. સાડી, લહેંગા, સલવાર-કમીઝમાં એમ્બ્રોઇડરીથી માંડીને ફેબ્રિક્સ તથા ટેક્સચર વિશેની ઝીણામાં ઝીણી વિગતો પર પૂરતું ધ્યાન રાખનાર ટોચના ડિઝાઇનર્સમાં એમનો સમાવેશ થાય છે. છેલ્લાં 1પ વર્ષથી પોતાની યુનિક ડિઝાઇન અને આઇકોનિક ખાદી, કોટન તથા હેન્ડ વુવન સાડીઓના લીધે બોલિવૂડ-હોલિવૂડમાં તેઓ ભારતના પારંપરિક વસ્ત્ર પરિધાનને પ્રસ્તુત કરી રહ્યા છે.

નીતા લુલા
ફક્ત એક કારીગર અને રૂપિયા પ00ની રોકાણ મૂડી સાથે ફેશન ડિઝાઇનિંગની સફર શરૂ કરનાર નીતા લુલા વિશેની સૌથી રસપ્રદ બાબત એ છે કે તેઓ ભારતના એકમાત્ર ફેશન ડિઝાઇનર છે, જેમણે ચાર-ચાર નેશનલ એવોર્ડ જીત્યાં છે. 30 વર્ષની લાંબી જર્નીમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં પોતાની કલાત્મકતાનો પરચો આપ્યો. નાનપણમાં સ્પોર્ટસમાં ભારે રસ. માતાને સતત ચિંતા રહે કે આ છોકરી મોટી થઇને કરશે શું? નથી રસોઇ બનાવતાં આવડતી કે નથી સીવણકામ! ઉનાળુ વેકેશનમાં નીતાનું ધ્યાન ‘સેવન્ટીન’ અને ‘કોસ્મોપોલિટન’ પર ગયું જેનાથી તેને સ્ટાઇલિંગ અને ફેશનની દુનિયા વિશે ખબર પડી. હાઇસ્કૂલ અને કોલેજ ડિગ્રી ન લેવી પડે એ માટે ફક્ત 16 વર્ષની નાની ઉંમરે નીતાએ લગ્ન કરી લેવાનું પસંદ કર્યું. પરંતુ નસીબમાં તો કંઇક બીજું જ લખાયેલું હતું!

ઉચ્ચ ખાનદાનમાં લગ્ન થવા જઇ રહ્યાં હતાં એટલે નક્કી થયું કે કૂકિંગ અથવા સીવણકામમાં ડિગ્રી લઇ લેવી જોઇએ. મુંબઇની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં ‘પેટર્ન મેકિંગ એન્ડ ગારમેન્ટ મેન્યુફેકચર’ ક્ષેત્રે ડિપ્લોમા કરવાનો નિર્ણય લેવાયો. નીતાની ફેશન કોરિયોગ્રાફી પ્રત્યેની જાગૃતિ જોઇને યુનિવર્સિટીના ગેસ્ટ લેકચરર જેની નાઓરોજીએ એને પોતાની આસિસ્ટન્ટ બનવાની ઓફર આપી.

અઢી વર્ષ સુધી એમની સાથે કામ કર્યા બાદ નીતાને ‘તમાચા’ ફિલ્મ માટે કોસ્ચ્યુમ ડિઝાઇનિંગની ઓફર મળી. ત્યાર બાદ તો જોધા અકબર, દેવદાસ, મોહેં-જો-દારો, લમ્હે, તાલ, હમ દિલ દે ચૂકે સનમ, મણિકર્ણિકા વગેરે 300થી પણ વધુ નેશનલ-ઇન્ટરનેશનલ ફિલ્મોમાં તેમણે કામ આપ્યું. એક કારીગર સાથે શરૂ થયેલી સફરે આજે એમને 10 લાખથી વધુ ગ્રાહકો અપાવ્યા!

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો