ધણી ધારતાં ન આવડ્યું

ધણી ધારતાં ન આવડ્યું

- in Navlika
1511
Comments Off on ધણી ધારતાં ન આવડ્યું
ધણી ધારતાં ન આવડ્યું

ચંદ્રકાન્ત પટેલ(જૂનાગઢ)

જેના અંગ માથે ઢાંકવા પૂરાં લૂગડાં નથી. ભૂખથી જેના પેટ કોહવાઇ ગયા છે એ દૂધમલિયાં છોકરાં માતાના ફાટેલ-તૂટેલ સાડલામાં મોં છૂપાવે છે…

આભલાની અટારીએ કાળી ડિબાંગ રાતના અંધારાં બંધાઇ રહ્યાં હતાં. ચુડેલના ઝટિયા જેવી રીછડિયું ખાઉં… ખાઉં… કરીને અવનીને ભીડી દેવા તેજીલો તોખાર બનીને દોડી રહી હતી. આકાશી કરહળના દોરિયા અઘોરીની આંખ જેવા સિંદુરિયા બની ગયા હતા. અંધકાર-ઉજાસના છેલ્લા કિરણ-ઝબકારનેય કાંધરોટું પકડીને ચાટી ગયો હતો.

વિજોગણની આંખમાં આંસુ ટપકે તેમ આકાશમાંથી અંધારું ટપકી રહ્યું હતું. ઠાકરના મંદિરની આરતીનો છેલ્લો રણકાર પણ ભાદરના ભેંકાર કાંઠામાં રણકીને સૂન-મૂન થઇ ગયો હતો.

આવા વખતે ઓરડામાં બે નાનાં-નાનાં બાળકો વાળુ માટે ધમપછાડા કરી રહ્યાં હતાં. દૂધમલિયાં દીકરાઓના ફૂલ જેવા મુખડાં જોઇને મા મરક… મરક…મલકાતી હતી. એ સ્ત્રીનું નામ હતું રાજબા.

બેય છોકરાવને ખવડાવી-પીવડાવી લીધા પછી રાજબાએ બંનેને પથારી કરીને સુવડાવી દીધા, ને પોતે વાળુ કરવા ભાણા પર બેઠી. હજુ તો મોઢામાં અન્નનો કોળિયો મૂકવા જાય છે ત્યાં જ બહારથી અવાજ સંભળાયો.

‘ઘરમાં કોઇ છે?’

‘હાલ્યા આવો પધોરા ફળીમાં…’ એમ કહેતી રાજબા એંઠે હાથે જ ઓસરીમાં આવી. ઊતાવળથી ચાલવા જતાં એનું માથું ઉંબરામાં ભટકાયું અને થાંભલીને ટેકો દેવા જતાં હાથમાં રહેલી બંગડીઓને ભીંસ આવતાં એ તડોતડ તૂટી પડી. અપશુકનની એંધાણી થઇ, છતાં રજપૂતાણી જરાય થડકી નહિ. એણે આગંતૂક સામે નજર નોંધી.

દોઢીના ઓટલા પાસે ઘોડાને ઊભો રાખીને આગંતૂક ફળીમાં આવ્યો. દીવાના ઝાંખા અજવાળામાં રાજબાએ જોયું તો એના બેય ખભા પર બંદૂકો લટકતી હતી. સમજદાર રજપૂતાણીને પારખતાં વાર ન લાગી કે એ સિપાઇ હતો. આગંતૂકે રાજબાના ઝગારાં મારતાં મુખ સામે જોતાં કહ્યું, ‘મારું નામ મેરામ. હું ગોંડલ ઠાકોરની એજન્સીમાં પોલીસ તરીકે નોકરી કરું છું.’

રાજબાએ અંધારામાં પણ મેરામની શોકભરી મુખાકૃતિ વાંચી લીધી. અમંગળની એંધાણીએ રજપૂતાણી સહજ થડકી ગઇ. પછી ડોક ફેરવીને એક નજર એણે તૂટેલી બંગડીના વેરાયેલા ટુકડા પર નાખી. મેરામના અવાજની ધ્રુજારીએ એને એટલું તો સમજાવી દીધું હતું કે વાત કંઇક અમંગળ બની છે, છતાં વધુ જાણવા ખાતર પૂછ્યું.

‘આવા અસુર-વેળાએ આવવાનું કારણ?’

‘બા! કહેતાં તો આ જીભ નથી ઊપડતી, પણ કીધા વગર છૂટકો નથી. ઘેલુભા દરબાર ડાડુકાના સરકારી ઉતારામાં કામ આવ્યા.’ મેરામે અવાજમાં કાળજી રાખવા પ્રયત્ન કર્યો.

ધણીના મરણના સમાચાર સાંભળી રાજબાને બ્રહ્માંડ ફરતું લાગ્યું. પણ વીર પતિનું પડખું સેવનાર એ વીર નારીએ શોકની એક પણ રેખા મુખ પર કળાવા દીધી નહિ. તેણે ખૂબ જ સ્વસ્થતાથી પૂછ્યું,

‘કેવી રીતે?’

‘બા’રવટિયાના હાથે બા…’

‘ધિંગાણે કે પછી… ભાગતા… ભાગતા?’

‘ધિંગાણે રમતાં… રમતાં…’ કહીને મેરામે વિગતથી વાત કરી.

‘રૈયતને રંજાડનાર નામચીન પોલો લાખિયા અને નાથા બા’રવટિયાને પકડવા માટે અમે બધા રોંઢા ટાણે મેરવદરથી નીકળ્યા. સાથે કુતિયાણાના ફોજદારનેય લીધા હતા. ઓઝડવા દી’રિયો એવે ટાણે અમે સહુ ડાડુકા આવી સરકારી ઉતારામાં કહુંબા પીવા બેઠા. ઠાકોરનો હુકમ હતો કે આ બા’રવટિયાને જીવતા ઝાલજો. પણ બા’રવટિયાને આની ગંધ આવી ગઇ હતી. એથી એ ખાખી પહેરવેશમાં ધણ ભેળાં આવ્યા. ગાયોનો ઓથ લઇને ચોરા લગી આવી પૂગ્યા. ચોરા આડેનો ઊંચા પગથારનો ઓથલઇને ઘેલુભા બાપુ માથે ફેર કર્યો. પણ વાર ખાલી ગયો. બાપુ ઊભા થઇ ગયા ને હાથમાં બંદૂક લઇ એમણે પડકાર કર્યો કે મરદના દીકરા આમ ગાયોનો ઓથલઇને વાર નો કરે. ભાયડા હો તો સામે આવો કૂતરાઓ..! કહીને બાપુએ બંદૂક તાકીને બા’રવટિયા કોર્ય દોટ મૂકી. ત્યાં ધણની છેલ્લી ગાયની ઓથલઇને ચાલ્યા આવતા નાથાએ બાપુ પર બંદૂકનો ભડાકો કર્યો. ગલોલી બાપુની છાતી વીંધતી આરપાર નીકળી ગઇ. બાપુ સામી છાતીએ મરાણા, તંઇ ભારે રૂડાં દેખાણાં…’

વાત સાંભળી ઘડીક રાજબા થથરી ગઇ. પછી તો એનામાં કોઇ અલૌકિક શક્તિ આવી ગઇ. ભવાં તંગ થયાં. મુખ પરની રેખાઓ બદલી.

બારવટિયાના નામ પર ચરી ખાનારા એ બધાય નમાલાઓ છે. પરજાના જાન-માલ લૂંટવા. એકલ-દોકલ બેન-દીકરીઓની આબરુ માથે હાથનાખવો. ગાવડિયુંનાં ધરણને વાળી જાઉં. એવા કામો કરનારને તું બા’રવટિયા કે’છે મેરામ? ઇ બા’રવટિયા નંઇ પણ ચોરટા છે ચોરટા…’ બોલતાં રાજબાના શરીરમાં અગમ્ય શક્તિ પ્રગટી ઊઠી. એ ધીમેથી બોલી, ‘સામી છાતીએ રાજપૂત બાખડ્યો અને મોતને મીઠું કર્યું એ વાતનો કાંઇ સોગ થોડો હોય મેરામ…!’

માઠા સમાચાર દઇને મેરામ જતો રહ્યો. ધણીના મોતનો શોક હૈયા માથે દાબી રાજબા ઓરડામાં આવી. નિદ્રા-દેવીના ખોળે પોઢેલા બેય છોકરાં પાસે ગઇ. બેય બાળકો માથે નજર નાખી. અમાસની કાળી-ભમ્મર રાતમાં યે એની આંખોમાં આંસુનાં બે ટીંપાં ઝબકી ગયાં. બંને બાળકોના ગાલ પર એણે એક-એક ચુંબન લીધું. પછી ખાટલાની પાંગથપર બેસીને આંખનું પોપચુંય ઢાળ્યા વગર રાત પસાર કરી.

આંખમાંથી આંસડું ય પાડ્યા વગર એણે ચૂડલો ભાંગ્યો. ગવનની ચુંદડી ઉતારી. માથે મલીર ઓઢ્યું. સેંથામાંથી હિંગળો ભૂંસી નાખ્યો ને આંખમાં આંજેલ કાજળ ધોઇ નાખ્યું.

પતિના મૃત્યુ કરતાં તેને પોતાના ભરણપોષણ, આજિવિકાનું દુ:ખ વધારે લાગ્યું. નેકી-ટેકીથી જીવનાર રાજપૂતના ઘરમાં કાળ-દુકાળના ભાથાસમું ધન તો હતું નહિ.

ઘેલુભા લીંબડીના ઝાલા કૂળનો ગરાસિયો હતો. અંદરોઅંદરની ખટપટને કારણે એ ગોંડલની એજન્સી પોલીસમાં ભરતી થઇ ગયો હતો. પતિ હયાત હતો ત્યાં સુધી તો આજિવિકાનો સવાલ રાજબાને નડ્યો ન હતો. પણ પતિના મોત પછી સાવ નાનો દેખાતો પ્રશ્ર્ન વિકરાળ જડબાં ફાડીને ઊભો રહી ગયો. હવે શું કરવું? ઘરમાં હતાં એ ઠામ-વાસણ વેચીને એણે પતિનું કારજ તો કર્યું, પણ પછી…?

આવક બંધ થવાને કારણે ખાવાના સાંસા પડ્યા. ભૂખની અગ્નિ પ્રજ્વવળતી રહી. પોતે તો ઠીક પણ ગુલાબનાં ફૂલ જેવાં બેય બાળકોને ભૂખના દુ:ખથી વલવલતાં જોઇને રજપૂતાણીની આંખમાંથી દડ્ દડ્ આંસુ પડતાં હતાં.

પોતાનો માળો ઢાંકીને બેઠેલી એ બાઇ દુ:ખના રોદણાં કોઇ પાસે રડી નહિ. કોઇને કંઇ કળાવા દીધું નહિ. પણ એક પછી એક દિવસ કારમા આવવા લાગ્યા. લાંઘણ ઉપર લાંઘણ પડવા લાગી. જોઇને રાજબા સાવ ભાંગી ગઇ. સમયના કાળચક્ર સામે એ તૂટી પડી. નાનાં છોકરાઓની દયા જોઇને એ વિધવા બાઇ રડી પડી. જો પંડ્યે એકલી હોત તો એ ભાંગત નહીં. પણ છોકરાંવના કરમાયેલા મુખ અને ભૂખ્યા પેટે એને હલબલાવી નાખી હતી. પરવશ કરી દીધી હતી.  પંખી વિનાના સૂના માળા જેવું મન લઇને એક દિવસ કોઇને પણ કીધા વગર આજિવિકા મેળવવા માટે વિધવા રજપૂતાણી ગોંડલ ઠાકોરની કચેરી કોર્ય હાલી નીકળી. ડાબા-જમણા હાથની આંગળીઓ પકડીને બેય બાળકો ચાલતાં હતાં. માગવાની શરમથી એનાં પગલાં પાછાં પડતાં હતાં. પણ ભૂખ્યા બાળકોના લેવાઇ ગયેલા નિસ્તેજ મુખ એને પરાણે ઠાકોરની કચેરી તરફ ખેંચી રહ્યાં હતાં.

ભૂખ્યા બાળકોની ચાલવાની તેવડ રહી નહોતી. બંને બાળકો અશક્તિને કારણે પડતા-આખડતા મા પાછળ ખેંચાતા જાય છે. પડતાં બાળકોને જાળવીને ઊભા કરતી રજપૂતાણી ઠાકોરની કચેરીમાં આવીને ઊભી રહી. ઠાકોર ડાયરો ભરીને બેઠા હતા.

રજપૂતાણીએ ડાયરા સામે નજર નાખી. આ ડાયરો કંઇ હકડેઠાઠ જામ્યો નહોતો. પંદરથી વીસ માણસો ઠાકોર સામે બેઠા હતા. કાવા-કસુંબાને ઠેકાણે કોરોધાકોર હોકો ગગડતો હતો. આ કંઇ ખોબા જેવડા માણાવદરના દિલાવર રાજા કમાલુદ્દીનની કચેરી ન હતી કે ભાટ ચારણોને કચેરીમાં જેમણે એક કેડીના બારસો ઘોડાઓના દાન કર્યા હતા…!

આ તો એવા ઠાકોરની કચેરી હતી કે જ્યાં કવિઓને રાજમાં રોકીને પાછળથી તલેતલનું બિલ પડાવાતું. અસલ વાણિયાશાહી જ જોઇ લ્યો..! તેલમાં માખી પડી હોય તોય ચૂસી જાય તેવા કંજૂસ અને ચપળ બુદ્ધિના ઠાકોરની કચેરી હતી. આવી બધી વાતો રાજબાએ સાંભળી હતી. ડાયરો જોઇને એ ઝાંખી પડી ગઇ. દારિદ્રયને કારણે એણે માગવા પગ ઉપાડ્યો હતો એવું નહોતું. પણ વર્ષો સુધી ઠાકોરની એજન્સી પોલીસમાં પોતાના ધણીએ ઇમાનદારીપૂર્વક જે સેવા આપી હતી તેના બદલામાં આજે રજપૂતાણી ભીખ માગવા નહિ પણ વરસોની સેવાનો બદલો માગવા આવી હતી.

એ જ્યાં ઊભી હતી તેની સામે જ માથા પર આંટિયાળી પાઘડી બાંધીને ગોંડલના ઠાકોર સિંહાસન પર બેઠા હતા. તેનું મુખ મરક… મરક… થઇ રહ્યું છે. કાળા મલીરમાં ઢંકાયેલી રજપૂતાણીએ વાંસો ફરીને અરજ કરતાં કહ્યું,

‘ઠાકોર સા’બ..! મારા ધણીએ રાજની સેવા કરતાં કરતાં પોતાના પ્રાણની આહુતિ આપી દીધી છે. એ તો આપ જાણતા જ હશો. એ સેવાને બદલે જો આપના ધ્યાનમાં આવે અને મારું ગુજરાન થાય એવી જીવાઇ અને આજિવિકા રાજ તરફથી મળે તો લેવા આવી છું.’

ઠાકોર હોકો ગગડાવતાં રજપૂતાણી સામે જોઇ રહ્યા. જેના અંગ માથે ઢાંકવા પૂરાં લૂગડાં નથી. ભૂખથી જેના પેટ કોહવાઇ ગયા છે એવાં દૂધમલિયાં છોકરાં માતાના ફાટેલ-તૂટેલ સાડલામાં મોં છૂપાવે છે ને ધરાર ટકાવેલ સાડલામાં રજપૂતાનું સોટા જેવું શરીર અછતું ન રહ્યું. ‘બાપુ…’ ડાયરામાંથી કોઇ બોલ્યું… ‘આ તો ઘેલુભાના ઘરવાળા રાજબા. એનો ધણી આપણી એજન્સી પોલીસમાં નોકરી કરતો હતો. બા’રવટિયાઓ સાથે ઝપાઝપીમાં કામ આવ્યો છે. બાઇ બહુ દુ:ખી છે. આપની પાસે મોટી આશા લઇને આવી લાગે છે.’

‘મોટી આશા..!’ ઠાકોરે મમરો મૂક્યો.

રજપૂતાણીએ ઠાકોર સામે દૃષ્ટિ માંડી. કટાક્ષના વેણ એની છાતી સોંસરવા નીકળી ગયા. એ સમસમી ગઇ. માગવું અને મરવું બેય બરાબર છે એવું એને આજે બરાબર સમજાઇ ગયું. ડાયરાની નજર ઠાકોર સામે મંડાણી. ઠાકોરે હોકાનો ઘૂંટ લેતાં ડોકું ઊંચું કર્યું. રજપૂતાણીની ઉંમર અને સુંદરતા જોઇને પૂછ્યું,

‘તારી ઉંમર કેટલી બાઇ?’

‘પચીસને આળેગાળે બાપુ…’

‘બસ! તો તો… તું બીજું ઘર કરી લે…’

સાંભળતાં તો ચીંથરેહાલ રજપૂતાણીના રુંવાડાં ધણધણીને બેઠાં થઇ ગયાં. છતાં મનનો ગુસ્સો દબાવીને એણે પૂછ્યું,

‘બીજું ઘર..?’ ‘હા, નાતરું ને પુનર્લગ્ન તો થઇ શકે ને બાઇ?’ ‘બધા માટે નહિ ઠાકોર. પતિની બિનહયાતીમાં જે પંડ્યનું ચારિત્ર્ય જાળવી નો શકે તેના માટે. પણ જે પતિવ્રતાનો ધરમ સમજનાર અસ્તરી હોય તેના માટે નહિ…’

તેની ચપળ બુદ્ધિ ઉપર ઠાકોર વારી ગયા. પણ મનનો ઊભરો બહાર આવવા દીધો નહિ. એ જ ગંભીર મુખમુદ્રાએ બોલ્યા,

‘તારી વાત સો આની સાચી છે. પણ તું હજી નાની છે. તારામાં જુવાની છે. ગુણ છે અને જીવતરની મઝલ ખૂબ લાંબી છે. આમ એકલા જીવતર શેં વીતશે તારાથી…?’ ‘બસ કરો ઠાકોર, વધુ બોલશો નંઇ હવે…’ રજપૂતાણીના મોં પર નિરાશાની રેખાઓ દોડી ગઇ. ધરતીનું પેટાળ ફાડી નાખે એવો નિ:સાસો એના મુખમાંથી સરી પડ્યો, ને પછી ઉમેર્યું,

‘મારા બાપને ત્યાં મેં ગોંડલ ઠાકોરના વખાણ સાંભળ્યા હતા. પણ આજે ખબર પડી કે ડુંગરા આઘેથી જ રળિયામણા લાગે છે.’‘બહુ રૂડું કીધું તેં બાઇ..! પણ વખાણથી ફુલાઇ જાઉં એટલા ટૂંકા પેટનો હું નથી. મારું કહેવું છે કે તું કોઇ સારું ઘર અને સારો વર જોઇને અંગ ઢબુરીને બેસી જા…’

‘એટલે બીજો ધણી ધારી લઉં એમ જ ને..!’ રજપૂતાણી ગરજી. ‘હા… હા… એમાં વાંધો ય શો?’..‘એક ભવમાં બે ભવ કરું?’

‘વખત આવ્યે… એવું ય કરવું પડે બાઇ..!’ ‘આ ગોંડલનો રાજવી બોલે છે?’ રજપૂતાણી વિફરી… ‘એમાં તને કોઇ સંદેહ છે બાઇ..?’.. હવે રજપૂતાણીથી સહન ન થયું. એનું આખું શરીર ધ્રૂજવા લાગ્યું.

‘ઠાકોર! તમે તો પરજાના પિતા ઠેકાણે છો. બોલવામાં તો જરાક વિચાર કરો… મરજાદ રાખો… અને હું બીજા ધણીની ભૂખી નથી…’ રજપૂતાણી નફ્ફટ બની અને આગળ ઉમેર્યું.

‘ઠાકોર! હું તો તમારી દીકરી કે’વાઉ. દીકરી સામે બાપ આવા શબ્દો બોલે?’ બોલતાં તો એના ગળામાં ડૂમો ભરાણો, ને આંખોમાંથી આંસુડાં ખરવા લાગ્યાં.

ન કહેવાના વેણ ઠાકોરે રજપૂતાણીને કહ્યા એથી ડાયરો સ્તબ્ધ થઇ ગયો. રજપૂતાણીએ મલીરના છેડેથી આંસુ લૂછતાં કહ્યું,

‘ઠાકોર! હું તો એવા વીર પુરુષને વરી હતી કે જેમણે ધણીનું ખાઇ ઉજાળ્યું. હું ભરણપોષણની ભૂખીય નથી. કોકનું દીધેલું કેટલા દા’ડા? જો પરભુની મે’ર થાય તો જુગોજુગ નો ખૂટે..! હું તો ઠીક પણ બીજા કોઇને આવા વેણ નો સંભળાવતા…’ ઠાકોર મૂછમાં હસ્યા, ને હજુ અધૂરું હોય તેમ અંગારો મૂક્યો. ‘બાઇ! તેં ધણી કરવામાં ભૂલ કરી છે ત્યારે આ વખત આવ્યો ને?’ સાંભળતાં તો રજપૂતાણી માથે જાણે વીજળી ખળેળી. ચંડિકા જેવું એનું સ્વરૂપ થઇ ગયું. ધાર કાઢેલ બરછી જેવા વેણ ઠાકોરના મોં ઉપર ઝાંટોડતા રજપૂતાણી ગરજી.

‘ઠાકોર! મેં ધણી ધારવામાં ભૂલ નથી કરી, પણ મારા ધણીએ નમાલો ધણી ધાર્યો જેથી કરીને મારે આજ ડાયરાની વચાળે વહરા વેણ સાંભળવાનો વારો આવ્યો.’ આટલું સાંભળતાં તો ઠાકોરની રોમરાઇ અવળી થઇ ગઇ. પણ ભૂલ પોતાની જ હતી. શું થાય? પસ્તાવો થવા લાગ્યો. ડાયરો હિમ જેવો ઠંડોગાર થઇ ગયો. ઠાકોરને મોઢામોઢ કહેનાર આ વિધવા બાઇ સૌને તાડ જેવી લાગી. રાજબાએ બેય દીકરાના માથા પર હાથ ફેરવતાં કહ્યું, ‘કરોડ વરહના કરે ઠાકર મારા આ દૂધમલિયા દીકરાઓને… ઇ કાલ્ય મોટા થઇ જાહે… હાલો મારા સાવજ. ભૂલ થઇ ગઇ આપણી કે ભિખારીને ઘેર માગવા આવ્યા…’ ને છેલ્લી નજર ઠાકોર પર નાખતા રજપૂતાણી આગળ બોલી, ‘તારા ભંડાર અભરે ભરાય વીરા..!’ અંતરના અગોચર ખૂણામાંથી દબાઇને નીકળેલા એ છેલ્લા શબ્દોએ ડાયરાના માણસો અને ઠાકોરના કાળજાને ય ખળભળાવી મેલ્યું. ઠાકોર સિંહાસન ઉપરથી ઊભા થઇ ગયા ને બોલ્યા, ‘બાઇ! પાછી વળ. હું તને આજિવિકા બાંધી આપવા કબૂલ થાઉં છું.’ રજપૂતાણીએ ડોક મરડીને પાછળ જોયું ને બોલી,

‘ઠાકોર! હવે તમારી બાંધેલી જીવાઇ પર જીવું તો મારા સરગાપરને દુવારે મા’લતા મરેલા ધણીને કાળજે કાપો પડે. એના રૂદિયાને ક્યાંય જંપ નો વળે. દુ:ખના દા’ડા જાતા વાર નંઇ લાગે ઠાકોર. બાકી તમારા જેવા ટૂંકા મનવાળાનો દાણોય ભૂલેચૂકે અમારા ઉદરમાં પડી ગયો તો…’ રજપૂતાણી આગળ બોલે તે પહેલાં ઠાકોર બોલ્યા, ‘બસ કર બાઇ… હવે મારાથી સંભળાતું નથી.’ ‘ઠાકોર! મારાથી યે સંભળાતું નહોતું. તોય એક અસતરી થઇને તમારા બરછી જેવા વેણ સાંભળી શકી તો તમે તો મરદની જાત્ય થઇને નહિ સાંભળી શકો?’ ‘હું રાજીખુશીથી તારી જીવાઇ બાંધી આપું છું. તારી સચ્ચાઇએ મારા કાળજાને ઠંડક આપી છે. તારી ખુમારીએ મને ઝુકાવી દીધો છે.’

‘ઠાકોર! પહેલાં આટલા માણસોની વચમાં મને ભૂંડી લગાડી ને હવે આજિવિકાની વાત કરી મારા દલડાને કોચવવા માગો છો? હું તનતોડ મે’નત કરીશ, પણ તમારા જેવા છીછરા મનવાળાની આજિવિકા ઉપર નહીં નભું…’

ડાયરામાંથી મહાજનોના ગણગણ અવાજો આવવા લાગ્યા. આખો ડાયરો ઊભો થઇ ગયો ને રાજબાને સમજાવવા લાગ્યો, પણ વટે ચડેલી રજપૂતાણી માનતી નથી. બે-ચાર આધેડ ઉંમરના માણસોએ હાથજોડીને બહુ બહુ કાકલુદી કરી ત્યારે રાજબાએ કહ્યું,

‘ઠીક છે, હું તમારી મરજાદ લોપતી નથી. પણ ઠાકોરનો દાણો તો નહીં જ ખાઉં… જો ઠાકોરની મરજી હોય તો મારા બેય દીકરાઓનો ભણતરનો ખર્ચો રાજ તરફથી થાય. બાકી, બીજું મને કંઇ નો ખપે.’

ઠાકોરે રાજબાના બેય દીકરાઓને રાજના ખર્ચે ભણાવવાનું કબૂલ કર્યું. સ્ત્રીના ગૌરવને અડગ ઉન્નત રાખનાર એ રજપૂતાણી દરેક સ્ત્રીને કાળજે આજે પણ કોતરાઇ ગઇ છે.

‘ઠાકોર, મેં ધણી ધારવામાં ભૂલ નથી કરી, પણ મારા ધણીએ નમાલો ધણી ધાર્યો જેથી મારે આજ ડાયરાની વચાળે વહરા વેણ સાંભળવાનો વારો આવ્યો’..

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ