કાંતિ ભટ્ટ
અમેરિકામાં હવે આધુનિક લેખકો અને થોડાક એલોપેથી (થોડાક જ) ડોક્ટરો ઉપવાસનું માહાત્મ્ય સમજતા થયા છે. વિખ્યાત ગાયક માઇકલ જેકસન બીમાર પડે તો ઉપવાસ કરતો હતો. માઇકલ જેકસન જિહોવાહ લેટનેસ નામના ધાર્મિક પંથનો સભ્ય હતો અને આ પંથ ઉપવાસમાં શ્રદ્ધા ધરાવે છે…
પ્રથમ તો તમારા હાથમાં જે મેગેઝિન છે તે ‘ફીલિંગ્સ’નો વિશાળ અર્થ સમજીએ. ‘ફીલિંગ્સ’ એટલે ઇમોશન -લાગણી, પ્રેમ, પૅશન અને ટેમ્પરામેન્ટ! રોમન ફિલોસોફર યુરિપીડઝે કહેલું ‘લેટ માય હાર્ટ બી વાઇઝ, ઇટ ઇઝ ધ ગોડઝ બેસ્ટ ગિફ્ટ. હે ભગવાન! મારા હૃદયને, મારી લાગણીઓને ડાહી રાખજે. એ તારી મને આપેલી શ્રેષ્ઠ ભેટ છે. આ મેગેઝિનને અનુરૂપ જ આજનો વિષય છે. હું જૂના મરડાને સારો કરવા પૂણેથી ૧૩ માઇલ દૂર ગાંધીજી સ્થાપિત નિસર્ગોપચાર આશ્રમ (૭૦ વર્ષ પહેલાં સ્થપાયેલું) ગયો હતો. ત્યાં આશ્રમની ઓફિસની દીવાલ પર એક સૂત્ર હતું, ‘તંદુરસ્તી હજાર નિયામત’. ત્યારે મને નિયામતનો અર્થ બરાબર સમજાયો નહીં, પણ હવે લેખક છું ત્યારે નિયામતનો અર્થ મારે માટે અને તમારા સૌને માટે સમજવાનો છે.
નિયામત (ભગવદગોમંડળ ભાગ પાંચમો પાનું પ૦૬૧) એટલે અલભ્ય પદાર્થ, દુર્લભ પદાર્થ. નિયામત એટલે ધન અને દોલત. ટૂંકમાં જો તંદુરસ્ત શરીર નથી તો કરોડોની દોલત નકામી થઇ જાય છે. અમેરિકા અને યુરોપના અખબારો હું જોઉં છું ત્યારે ખબર પડે છે કે હજારો અમેરિકનો જે સારી તંદુરસ્તી નથી રાખતા તે અનેક રોગની સારવારમાં ડોક્ટરી ખર્ચમાં દેવાળિયા થઇ જાય છે. અમેરિકામાં ડોક્ટરો અને એલોપથી એટલા મોંઘા થયા છે કે તેની સારવારમાં ૧૨ ટકા દર્દીઓ દેવાળિયા થઇ જાય છે!
કૃપા કરી આજનો વિષય વાંચી તમારી તંદુરસ્તી સારી રાખો. કાઠિયાવાડી ભાષામાં કહેવત છે કે, ‘સારું શરીર અને તંદુરસ્તી હકડેઠઠ હોય તો દુનિયા જખ મારે છે.’ અંગ્રેજીમાં તો બહુ ઘણા વરસો પછી કહેવત પડેલી – ‘હેલ્થ ઇઝ વેલ્થ’. પણ આપણા શાસ્ત્રોમાં અને ખાસ કરીને જૈન ધર્મમાં તંદુરસ્તી માટે અનેક નિયમો છે. હું ભાવનગર પાસેના મહુવા શહેરમાં મેટ્રિક સુધી (આજનું જજઈ) ભણ્યો. ત્યાં જૈનનો પ્રભાવ પ્રબળ હતો. એક જૈન મુનિ એટલું જીવ્યા કે ૧૩૦ વર્ષ પછી લાંબા જીવનથી કંટાળી ગયા અને તેમની પાલખી કાઢીને તેમને જીવતે જીવતા ધરતીમાં સમાધિ લીધેલી.
આજે ૨૧મી સદીમાં નાના ગામડાથી માંડીને અમદાવાદ, વડોદરા અને ભાવનગર, જામનગરમાં લોકો પોતાના જૂના ધર્મને પાળતા નથી. જૈન ધર્મમાં અને હિન્દુ ધર્મ (જે બંને લગભગ અમુક બાબતમાં સરખા ધર્મ છે)માં ઉપવાસને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. હું જે મહુવા શહેરમાં ભણ્યો ત્યાં શ્રાવણ મહિનો આવે ત્યારે લગભગ આખું મહુવા શહેર શ્રાવણ મહિનાના ઉપવાસ કરતું. આજે ઉપવાસનું મહત્ત્વ પાછું તાજું કરવું જોઇએ. જંકફૂડ અને રેંકડીના બજારુ નાસ્તાનું દૂષણ એટલું વધુ છે કે રોગ પણ એટલા જ વધ્યા છે. તેને કારણે ડોક્ટરોની કમાણી વધી છે. તમે ૧૧-૨-૨૦૧૭ના સમાચાર વાંચ્યા હશે કે ડોક્ટરોની એટલી બધી ડિમાન્ડ હતી કે જામનગરમાં ડોક્ટરોએ જજઈ પાસ થયેલા જુવાનોને આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે રાખ્યા હતા.
‘જો માણસ તંદુરસ્ત ન હોય તો હી કેન નોટ થિંક વેલ, લવ વેલ, સ્લીપ વેલ.’ દરેક પ્રાણીઓ બીમાર પડે ત્યારે ખાવાનું છોડી દે છે. પ્રાણીઓ ઓટોમેટિક સ્વયંભૂ ઉપવાસ કરે છે…
વર્જિનિયા વુલ્ફ નામની અમેરિકન મહિલા લેખકે સ્પષ્ટ કહ્યું છે કે, ‘જો માણસ તંદુરસ્ત ન હોય તો હી કેન નોટ થિંક વેલ, લવ વેલ, સ્લીપ વેલ.’ મારા જીવનમાં ઇશ્ર્વરની સૌથી મોટી ભેટ મને નિસર્ગોપચાર આશ્રમમાંથી ‘તંદુરસ્ત કેમ રહેવું તેની ચાવી’ ૬પ વર્ષ પહેલાં મળી. આજે મારો દવાનો ખર્ચ ઝીરો છે. ૬પ વર્ષથી મેં દવા લીધી નથી. ૮૭ની ઉંમરે હજી ક્રિએટિવ લેખક રહ્યો છું. તમામ લેખ હાથથી લખું છું.
મારા ૧૧૦૦ ચોરસ સ્કેવર ફૂટની જગ્યાના ફ્લેટમાં હું માત્ર ૧૦૦ ફૂટમાં રહું છું. બાકીની જગ્યામાં રૂા. ૬૦ લાખના પુસ્તકોની લાઇબ્રેરી છે. તેમાં ર૦ ટકા પુસ્તકો આરોગ્ય વિષયના છે. તેમાં એક મારું જૂનું અંગ્રેજી આરોગ્યનું પુસ્તક ડો. હરબર્ટ એમ શેલ્ટનનું છે. ૬ ઓક્ટોબર, ૧૮૯પમાં જન્મેલા એલોપથી ભણેલા (પછી એલોપથી છોડી દીધી) ડો. શેલ્ટને ‘હાઇજેનિક સિસ્ટમ’ નામનું પુસ્તક લખ્યું છે. તેમાં પોતાની આત્મકથાના પ્રકરણમાં લખ્યું છે કે, ‘બાળક તરીકે મેં પ્રાણીઓના જીવન અને પ્રાણીઓની ખાવાની ટેવો વગેરેનો અભ્યાસ કર્યો. ડો. શેલ્ટને જોયું કે, દરેક પ્રાણીઓ બીમાર પડે ત્યારે ખાવાનું છોડી દે છે. પ્રાણીઓ ઓટોમેટિક સ્વયંભૂ ઉપવાસ કરે છે. આપણા એલોપથીના ડોક્ટર તમને બીમારીમાં પણ ખા… ખા… કરતા
રોકતા નથી.’
આજથી બરાબર ૭૦ વર્ષ પહેલાં ર૮મી જુલાઇ, ૧૯૪૭ના રોજ ‘અમેરિકન વેજિટેરિયન પાર્ટી’ રચાયેલી. તેના ૮પ વર્ષની ઉંમરના અધ્યક્ષ ડો. જોન મેક્સવેલે તે દિવસે જાહેર કર્યું કે ૧૯૪૮ની અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં તેઓ ‘વેજિટેરિયન પાર્ટી’ રચીને ચૂંટણી લડશે. આમ જગતમાં પ્રથમવાર શાકાહારી પક્ષે રાજકીય સત્તા હાંસલ કરવાનું બીડું ઝડપેલું. તેના ઉમેદવાર ડો. સિમોન ગોલ્ડે તે દિવસે પ્રતિક ઉપવાસ પણ કરેલા. જગતના લોકો અને ખાસ તો અમેરિકનો જે બીમારીમાં પણ ખા-ખા કે પી… પી… કરે છે તેનું ધ્યાન ખેંચવા આ ઉપાય કરેલો.
અમેરિકામાં હવે આધુનિક લેખકો અને થોડાક એલોપેથી (થોડાક જ) ડોક્ટરો ઉપવાસનું માહાત્મ્ય સમજતા થયા છે. વિખ્યાત ગાયક માઇકલ જેકસન બીમાર પડે તો ઉપવાસ કરતો હતો. માઇકલ જેકસન જિહોવાહ લેટનેસ નામના ધાર્મિક પંથનો સભ્ય હતો અને આ પંથ ઉપવાસમાં શ્રદ્ધા ધરાવે છે. જાણીતા નવલકથા લેખક, વાર્તાકાર અને આધ્યાત્મવાદી અપ્ટન સિંકલર પોતે બીમાર પડ્યા ત્યારે દવા લેવાને બદલે ઉપવાસ કરીને બીમારી સારી કરી હતી. જૈન કુટુંબોમાં હજી પણ વડીલો જે ૪૫-પ૦ની ઉંમરથી વધુ હોય તે ઉપવાસમાં ધાર્મિક શ્રદ્ધા રાખે છે. જૈનોની જુવાન પ્રજાને જંકફૂડ ખાતા રોકવી જોઇએ. જૈન ધર્મ ખરેખર આરોગ્ય બક્ષતો ધર્મ છે.
આ ઉનાળો પૂરો થશે પછી ચોમાસું બેસશે. ત્યારે આજના જંકફૂડના જમાનામાં બીમારીઓ શરૂ થશે. તેના અગાઉ અગમચેતી વાપરીને પેટ અને શરીરને સાફ રાખવું જોઇએ. આવી અગમચેતી જૂના જમાનામાં જૈન ધર્મથી માંડીને ઇસ્લામ ધર્મવાળા પાળતા અને ઉપવાસ કરતા. મુસ્લિમો રોજા પાળે છે. શ્રાવણ મહિનામાં હિન્દુ ધર્મીઓ ઉપવાસ-એકટાણાં કરે છે. જૈનોના પર્યુંષણ પર્વ આવે છે પરંતુ હવે આપણે ગાંધીજીએ નિરુપેલા ઉપવાસના નિયમો પાળતા નથી. ફરાળીપુરી, ફરાળી ચેવડો અને છેક ફરાળી ભજિયા સુધી પહોંચી ગયા છીએ! ઉપવાસ શબ્દનો સાચો અર્થ સમજવો જોઇએ. ઉપ એટલે નજીક અને વાસ એટલે બેસવું. તમારી જાત સાથે બેસવું. અગર તો તમારા આત્મા સાથે મેળ સાધવો એટલે ઉપવાસ! ઇશ્ર્વરની સમીપે રહેવાનો ઉપવાસ એ સુંદર મોકો છે. ઉપવાસથી બીજો લાભ તમારી જાણ વગર થાય છે. અમેરિકન અને કેટલાક લેટીન અમેરિકન લેખકો સુંદર કલ્પના માટે ઉપવાસ કરતા. ઉપવાસથી તમારી ફીલિંગ્સ, ઇમોશન્સ તીક્ષ્ણ થાય છે. તમને સુંદર કલ્પના આવે છે. ફિલાડેલ્ફિયાના બે અજ્ઞાની ડેન્ટિસ્ટોએ મારા દાંત પરાણે જબરજસ્તીથી પાડી નાખ્યા. કાળક્રમે મને પેરાલિસિસ થયો છે. પણ છતાં હું આરોગ્યના નિયમો પાળું છું અને તળેલું, ભૂજેલું અને બજારું ખાતો નથી અને રવિવારે એકટાણું કરું છું. તેથી મારી ૮૭ની ઉંમરે તંદુરસ્તી સારી રહે છે. હજી પણ હું આ ઉંમરે હાથથી જ લેખો લખું છું. લેખો ડિક્ટેટ કરતો નથી. ‘ફીલિંગ્સ’ના તંત્રીએ મને લેખ લખવા માટે બે વિકલ્પ આપેલા, તેમાં એક તંદુરસ્તી વિશેનો વિષય હતો. ખોરાકમાં કેવી કાળજી લેવી? તો ટૂંકમાં રેસ્ટોરાંમાં જાઓ તો તળેલું મરી-મસાલાવાળું ન ખાશો. વ્યાયામ (એક્સરસાઇઝ)માં કોઇ દંડ બેઠકનો ઉગ્ર વ્યાયામ કરવાની જરૂર નથી. સવારે ચાલવા જવાનો વ્યાયામ શ્રેષ્ઠ છે. એક ખાસ તકેદારી રાખજો કે ચાલવા જાઓ ત્યારે વાતોડિયા તરીકે મિત્રોને રાખશો નહીં. મૌન પાળીને ચાલવું. દિલ્હીનો એક પ્રખ્યાત લેખક ચાલતા ચાલતા ટીવી ઉપર ઇન્ટરવ્યૂ લે છે તે ખોટો સંદેશ આપે છે. વોકિંગ એન્ડ ટોકિંગ એ ખરાબ ટેવ છે.
આજે દરેક જણ સુખી થવાની રેસમાં લાગ્યો છે અને સૌને વધુ સુખ તે પૈસા અને કીર્તિ મેળવવામાં માને છે અને અમુક લોકો સ્વાદિષ્ટ ભોજનમાં જ સુખ માને છે. મને કોઇ સાચા સુખની ચાવી પૂછે તો કહું કે, સાચું સુખ પૂર્ણ તંદુરસ્તીમાં છે. લેખનો મારો મુદ્દાલેખ છે – તંદુરસ્તી હજાર નિયામત – હેલ્થ ઇઝ વેલ્થ- તે પાળવા જેવો નિયમ અને સૂત્ર છે. નિયામત એટલે મિલકત! આજે ડોક્ટરો-વૈદોની ચુંગાલમાંથી બચવું હોય તો તંદુરસ્તી સારી રાખો. રોગ રહિત શરીરને કારણે તમારા હજારો રૂપિયા બચશે અને હેલ્થ ઇઝ વેલ્થનું સૂત્ર તમારા જીવનનો મંત્ર બનશે.

