જાગ્યો મતદાર, વધુ મતદાન કરે

જાગ્યો મતદાર, વધુ મતદાન કરે

- in Politics
2477
Comments Off on જાગ્યો મતદાર, વધુ મતદાન કરે

પરીક્ષિત જોશી

વર્ષ-ર૦૧૭ ની શરૂઆત સાથે જ વિધાસનભાની ચૂંટણીઓનો દોર શરૂ થઇ ચૂક્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ, ર૦૧૭માં ભારતના કુલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. વિવિધ તબક્કે યોજાઇ રહેલી આ ચૂંટણીઓ જે તે રાજ્યની સરકાર તો નક્કી કરશે જ પરંતુ એની સીધી અસર ર૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણીના પરિણામો પર પણ પડશે. એ રીતે આ વિધાનસભાની ચૂંટણીઓ વિશેષ મહત્ત્વની છે. એમાંય જ્યારે આ પાંચ રાજ્યોમાં ઉત્તરપ્રદેશમાં પણ ચૂંટણીઓ યોજાઇ રહી છે ત્યારે એનું મહત્ત્વ ઘણું વધી જાય છે.

મતદારો માટે વિશેષ વ્યવસ્થા :

ચૂંટણી પૂર્વે ચૂંટણીપંચ દ્વારા કેટલીક બાબતો જાહેર કરવામાં આવી હતી. જેમ કે, બધા જ રાજ્યોમાં મતદાન માટે ઇલેકટ્રોનિક વોટિંગ મશીનનો ઉપયોગ કરાશે. ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની સુચારુ વ્યવસ્થા માટે ૧ લાખ ૮પ હજાર બૂથ નક્કી કરાયા છે. ચૂંટણીપંચ દ્વારા આ પાંચે રાજ્યમાં કુલ ૧૬ કરોડ મતદાતા નોંધાયા છે. જેઓ કુલ ૬૯૦ બેઠક પર ઇવીએમથી મતદાન કરી પોતાનો પ્રતિનિધિ ચૂંટશે. આ ચૂંટણીઓમાં જો જાહેર કરાયેલ ઉમેદાવારોમાંથી કોઇ પણ યોગ્ય ન લાગે તો મતદારો નોટાનો ઉપયોગ કરી શકશે. કેટલાક સ્થળોએ મહિલાઓ માટે અલગથી બૂથ પણ બનાવવામાં આવ્યા છે. વળી, દરેક મતદારને ફોટો આઇડી આપવામાં આવ્યા છે.

ઉમેદવારો માટે જાહેર કરેલી વિશેષ આચારસંહિતા :

ચૂંટણીપંચ આમ તો ચૂંટણી સમયે ઘણું કડક વલણ લે છે જ પરંતુ આ વખતે એના દ્વારા ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો માટે કેટલીક વિશેષ આચારસંહિતા જાહેર કરી છે. જેમ કે, પંચે ઉમેદવાર પોતાના પ્રચારમાં કેટલો ખર્ચ કરી શકશે તેની મર્યાદા પણ નક્કી કરી આપી છે. રાજ્ય મુજબ આ ખર્ચ મર્યાદા જુદી જુદી છે. જેમ કે, ગોવા અને મણિપુરમાં ઉમેદવાર ર૦ લાખ ચૂંટણી ખર્ચ કરી શકશે. જ્યારે પંજાબ, ઉત્તરાખંડ અને યુ.પી.માં ર૮ લાખ ચૂંટણી ખર્ચ મર્યાદા જાહેર કરવામાં આવી છે. દરેક ઉમેદવાર બેંક એકાઉન્ટ ખોલાવી ખર્ચ કરી શકશે. મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ જૈદીએ ચૂંટણી પહેલાં નવા નિયમોની જાણકારી આપતાં કહ્યું હતું કે, ઉમેદવારોએ નોમિનેશન પેપરમાં ફોટો લગાવવાનો રહેશે. સાથે ભારતના નાગરિક હોવાનું શપથપત્ર જોડવાનું રહેશે. ઉમેદવારોએ તેમના પર કોઇ ઉધાર નથી તે દર્શાવવું પડશે. ર૦ હજાર રૂપિયાથી વધુ ખર્ચ કરવા માટે બેંકમાં ખાતું ખોલીને ચેકથી પેમેન્ટ કરવાનું રહેશે.

 

ચૂંટણીપંચ આમ તો ચૂંટણી સમયે ઘણું કડક વલણ લે છે જ પરંતુ આ વખતે એના દ્વારા ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો માટે કેટલીક વિશેષ આચારસંહિતા જાહેર કરી છે. જેમ કે, પંચે ઉમેદવાર પોતાના પ્રચારમાં કેટલો ખર્ચ કરી શકશે તેની મર્યાદા પણ નક્કી કરી આપી છે. જોકે આજનો મતદાર વધુ જાગૃત બન્યો છે જે રાજકીય સ્થિતિ બદલી શકે છે…

 

ચૂંટણી પ્રચાર દરમિયાન ધ્વનિ પ્રદૂષણ અને પર્યાવરણને નુકસાન કરે તેવી સામગ્રી પર પ્રતિબંધ મૂકાયો છે. એટલું જ નહિ, રાત્રે ૧૦ વાગ્યાથી સવારના ૬ સુધી લાઉડસ્પીકર પર પ્રતિબંધ રહેશે. આ ચૂંટણીઓમાં દરેક મતદારને ફોટોવાળી રંગીન સ્લીપ અપાશે. પોલિંગ બૂથની બહાર બધા નિયમો દર્શાવતું પોસ્ટર મૂકવામાં આવશે. બૂથ પર મતદારને મદદ કરવા ગાઇડ પણ હશે. મતદાનની ગુપ્તતા જાળવવા માટે ૩૦ ઇંચ ઊંચી સ્ટીલ અને અન્ય સામગ્રીથી બનેલી નાનકડી કેબિન બનાવાશે. ઇવીએમમાં ઉમેદવારોનો ફોટો હશે. મતદાન મથક પર દિવ્યાંગ મતદારો માટે અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી – પ્રથમ તબક્કો – વિક્રમી ૬૪ ટકા મતદાન: : ઉત્તરપ્રદેશ વિધાનસભાની સાત તબક્કે યોજાનાર ચૂંટણીનો પહેલો તબક્કો યોજાઇ ચૂક્યો છે. પ્રથમ તબક્કામાં પશ્ર્ચિમી ઉત્તર પ્રદેશના ૧પ જિલ્લામાં ૭૩ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં ર,૬૦,૧૭,૧૨૮  મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. યુપીમાં કુલ ૪૦૩ બેઠક માટે સાત ચરણમાં મતદાન યોજાશે તેમાં પહેલા તબક્કામાં ૮૩ બેઠક પર ૧૧ ફેબ્રુઆરીએ મતદાન થઇ ચૂક્યું છે. બીજા તબક્કામાં ૬૭ બેઠક પર ૧૫ ફેબ્રુઆરીએ મતદાન, ત્રીજા તબક્કામાં ૬૯ બેઠક પર ૧૯ ફેબ્રુઆરીએ મતદાન, ચોથા ચરણમાં પ૩ બેઠક પર ર૩ ફેબ્રુઆરીએ મતદાન, પાંચમા તબક્કામાં પર બેઠક પર ર૭ ફેબ્રુઆરીએ મતદાન, છઠ્ઠા તબક્કામાં ૪૯ બેઠક પર ૪ માર્ચે મતદાન, સાતમા અને અંતિમ તબક્કામાં ૪૦ બેઠક પર ૮ માર્ચે મતદાન યોજાશે. રાજ્યના કુલ ર.૬ કરોડ મતદારોમાં ૧.૧૭ કરોડ મહિલાઓ છે અને ૧પ૦૮ લોકો કિન્નરો છે. મતદારોની સંખ્યાની દૃષ્ટિમાં સાહિબાબાદ સૌથી મોટો અને જાલેસર સૌથી નાનો મતવિસ્તાર છે. આગરા સાઉથમાં સૌથી વધુ ર૬ ઉમેદવારો અને હસ્તીનાપુરમાં સૌથી ઓછા ૬ ઉમેદવારો મેદાનમાં છે. પહેલા તબક્કામાં જે દિગ્ગજ ઉમેદવારોનું ભાવિ મતપેટીઓમાં કેદ થઇ ચૂક્યું છે એમાં નોઇડાથી રાજનાથસિંહના પુત્ર પંકજસિંહ, મથુરામાંથી કોંગ્રેસના પ્રદીપ માથુર, ભાજપના પ્રવક્તા શ્રીકાંત શર્મા, કૈરાનામાંથી ભાજપના સાંસદ હુકમસિંહના પુત્રી મૃગાંકા સિંહ, ભાજપના સાંસદ સંગીત સોમ અને સુરેશ રાણા, લક્ષ્મીકાંત વાજપેયી, લાલુપ્રસાદના જમાઇ રાહુલસિંહનો સમાવેશ થાય છે.

કેન્દ્રમાં દિલ્હીની ગાદી માટે ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ હંમેશાં વજનદાર માનવામાં આવે છે. એટલે જ દેશના મોટાભાગની રાજકીય પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ, સપા અને બસપા ચૂંટણી મેદાનમાં એકબીજાને પછાડવા માટે પૂર્ણ તૈયારી સાથે ઊતરી ચૂકી છે.

પ્રથમ તબક્કામાં પશ્ર્ચિમી ઉત્તરપ્રદેશના ૧૫ જિલ્લામાં ૭૩ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઇ રહી છે. પ્રાથમિક અંદાજ મુજબ પ્રથમ તબક્કામાં સવારે ૭ વાગ્યાથી સાંજના પ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૪ ટકા મતદાન નોંધાયું છે તેમ ચૂંટણીપંચે જાહેર કર્યું હતું. એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં ૬૪ ટકા મતદાન અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી ઊંચું મતદાન નોંધાયું છે. ૧૯૭૪માં ૬૧.૬૯ ટકા અને ર૦૧૨માં ૬૧.પ ટકા મતદાન નોંધાયું હતું , જે પછી ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ૧પ જિલ્લાની ૭૩ બેઠકો પર સરેરાશ ૬૪ ટકા મતદાન થયું છે.

પંજાબમાં ૭૦ તો ગોવામાં ૮૩ ટકા મતદાન :

ગોવા અને પંજાબમાં વિધાનસભા માટે મતદાનના શરૂઆતના કલાકોમાં લોકોમાં ભારે ઉત્સાહ સાથે મતદાન મથકો પર મોટી લાઇનો જોવા મળી હતી. ગોવામાં મતદાન પૂર્ણ થયા બાદ સામે આવતા આંકડા મુજબ પાંચ વાગ્યા સુધીમાં ૮૩ ટકા જેટલું જંગી મતદાન નોંધાયું છે. તો પંજાબમાં પણ ૭૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે. ૪૦ વિધાનસભા બેઠકો માટે ગોવામાં અને ૧૧૭ વિધાનસભા બેઠકો માટે પંજાબમાં આજે એક જ ચરણમાં મતદાન યોજાયું હતું.

અત્યાર સુધીની ફળશ્રુતિ :

કહેવાય છે કે જ્યારે પણ વધુ મતદાન થાય ત્યારે એ સ્થાનિક સરકાર વિરુદ્ધ મતદારોનો આક્રોશ વ્યક્ત કરતું મતદાન હોય છે. એ રીતે જોવા જઇએ તો ઉત્તરપ્રદેશમાં પહેલા તબક્કે થયેલું વિક્રમી ૬૪ ટકા મતદાન અને ગોવામાં થયેલું જબરજસ્ત ૮૩ ટકા મતદાન ઉપરાંત પંજાબનું ૭૦ ટકા મતદાન એ મતદારોનો જુસ્સો, ઉત્સાહ કે આક્રોશ શું દર્શાવે છે એ તો ૧૧મી માર્ચે જ ખબર પડશે. જોકે, હજુ ઉત્તરપ્રદેશના છ તબક્કા તથા બે રાજ્યોની ચૂંટણી બાકી છે ત્યારે કંઇ પણ કહેવું એ જરા ઉતાવળિયું કહેવાશે. છતાં એક વાત ઊડીને આંખે વળગે એવી છે કે મતદારો જાગ્યા છે અને એટલે મતદાનના આંકડા ઊંચા ગયા છે. સરવાળે લોકશાહી માટે એ સારી નિશાની છે, એમાં લગીરેય મિનમેખ નથી.

Facebook Comments

You may also like

UMBARRO- Gujarati movie special screening by IGSCA Atlanta-USA

IGSCA-International Gujarati Cultural Society Atlanta, USA is committed