ઈન્દુ પંડ્યા
રીટા સેટી ઉપર આંખે હાથ રાખીને વેદનાથી ધ્રુજી ઊઠી. એ મનોમન બબડતી હતી, આ તે કંઇ જિંદગી છે? શું સ્ત્રીના સ્વમાનનું કંઇ મહત્ત્વ જ નહીં? નાના હોઇએ ત્યારે પિતાના દાબમાં રહેવાનું. ભાઇને લાડ-પ્યાર મળે, જ્યારે આપણે વધારાના. વારંવાર સાંભળવાનું કે, ‘બહુ લાડ કરો મા… કાલ સવારે પારકે ઘેર જવાનું છે!’ ભાઇ નાનો હોય તોય દમદાટી આપે. એના બુમબરાડા ચૂપચાપ ખમી લેવાના અને સાસરે જઇને સાસરિયાના મેણાંટોણાં સાંભળવાના. પતિના જોરજુલમ સહન કરવાના.
મહેનત કરીને, ભણીને ડિગ્રી લીધી તોય શાંતિ ખરી? પગાર આવે કે ઝૂંટવી લેવાનો. પતિને બધાની સાથે બોલવાની છૂટ. મજાક મશ્કરી કરે કે રખડે. આપણે નોકરી કરતા હોઇએ ત્યારે કોઇની સાથે બોલીએ તો આવી જ બને. તરત જ ફાવે તેવા શબ્દો બોલીને અપમાન કરે. બેશરમનું બિરુદ મળે. એમાં એકવાર સેમિનારમાં પાંચ દહાડા જવાનું થયું. એમાં તો કેટલા આક્ષેપ થયા. પતિએ ચારિત્ર્ય પર લાંછન લગાડ્યું.
રીટા સ્તબ્ધ બની ગઇ ! એણે વિચાર્યું, બસ હવે બહુ થયું! પાંચ-પાંચ વર્ષથી બધુ સહન કરતી આવી છું. ઘર અને નોકરી વચ્ચે પિસાતી રહી છું. પાડોશી, મિત્રો, સગાંસંબંધી સૌ સાસુ અને પતિને બધા કહેતા, ‘વહુ કેવી ભણેલ-ગણેલ, સમજું અને દેખાવડી છે. વીંઝણની જેમ ઘર અને નોકરીમાં પહોંચી વળે છે. છતાં હસતા મોંઢે સૌની સાથે હળે-મળે છે.’ આમ તો રાજેશ પહેલેથી જ ગુસ્સાબાજ હતો. અહમ્ પણ કેવો…રીટાને જરા પણ ઘેર આવવામાં મોડું થાય તો રીટાને જેમ તેમ બોલવાનું શરૂ થઇ જાય.
આમ તો પહેલેથી જ રીટા સાથે એ ઝઘડીને વાત કરતો. પણ રીટા હસવામાં જ વાત ઠંડી પાડી દેતી. પણ જ્યારે ચારિત્ર્ય માટે બોલવા માંડ્યો ત્યારે રીટાએ કહ્યું, ‘વહુ તરીકે ઘરમાં શું ફરજ નથી બજાવી? માતા તરીકે દીકરીને નથી સાચવી?’ રાજેશે કહ્યું, ‘હવે સામે બકબક શાની કરે છે? તને અહીં રોકી છે જ કોણે? તારા ઉપર ઘર નથી ચાલતું સમજી?’
રીટાએ ઘર છોડવાનો નિર્ણય કરી લીધો. નોકરી પણ છોડી દેવાનો નિર્ણય કરી લીધો. એના બોસે એને સમજાવી.
‘રીટા, મારી દીકરીની ઉંમર જેટલા છો. એથી કહું છું કે દીકરીને ખાતર તમારો નિર્ણય બદલીને સહન કરી લ્યો.’
રીટાએ કહ્યું,‘ સર, હવે હદ થઇ ગઇ છે. સાસરિયાં પણ જુલમ માટે પતિને સાથ આપે છે. બસ, હવે વધુ નહિ.’ રાજીનામું આપીને રીટા ચાલી ગઇ. એના પિયરમાં પણ જાણ કરી ન હતી.
બસ, સાસરિયાંએ સાચી ખોટી વાતો કરીને નિર્દોષતા દર્શાવી. નેહાને બસ એટલું જ કહેવાયું. મમ્મી ઘર છોડીને ચાલી ગઇ હતી. સમય જતાં નેહા એમબીએની ડિગ્રી લઇને જોબ કરવા માંડી. ઘરમાં કાકા-કાકી, ફોઇ-ફુઆ, દાદી વગેરે સભ્યો જોવા મળતા. નેહાના પપ્પા રાજેશભાઇની બદલી કચ્છમાં થઇ હતી. એથી તેઓ મહિનામાં બે વખત આવતા. નેહાને સુરત જોબ મળી ગઇ હતી.
થોડા વખત બાદ નેહાને પૂણેમાં જોબની ઓફર થતાં એ એની બે સહેલી સાથે ત્યાં જોઇન થવા માટે ઘરવાળાને જાણ કરીને હાજર થઇ ગઇ. ત્રણેય સહેલી એક ફ્લેટ ભાડે રાખીને સાથે રહેતી હતી. એના સિનિયર ઓફિસર તરલા મેડમ બહુ માયાળુ હતાં. એક વર્ષમાં તો બધા પરસ્પરથી જાણીતા અને આત્મીય બની ગયા.
એક વખત તરલા મેડમે યાદી આપી, ‘નેહા, આવતા વીકમાં તારો બર્થ-ડે છે ને? આપણે સેલિબ્રેટ કરીએ.’
નેહા આશ્ર્ચર્યથી જોતી રહી. મેડમને બર્થ-ડેની ક્યાંથી જાણ થઇ?
મેડમ હસીને બોલ્યાં, ‘તારા સર્ટિફિકેટ મેં જોયા ન હોય?’
નેહા હસી. ‘ઓહ! મેડમ, આપ કેટલું ધ્યાન રાખો છો?’
થેન્ક યૂ મેડમ…
સમય પસાર થતો રહ્યો. નેહાને ઘરમાં ક્યારેય મમ્મીનું નામ સાંભળવા મળતું નહિ. દાદા-દાદી એને પ્રેમથી બોલાવતા. એના અભ્યાસ અંગે પૂછતા. કાકા-કાકીની પણ નેહા લાડકી હતી. એકવાર નેહા એના કાકી સાથે મોલમાં શોપિંગ કરવા ગઇ હતી. એનામાં કોઇ અજાણી સ્ત્રીએ એનો હાથ પકડી લીધો.
‘અરે, નીની તું? કેટલી મોટી થઇ ગઇ?’
નેહા એની સામે જોઇ રહી! ‘હું તારી મીના આન્ટી… અમે એક પાડોશમાં જ રહેતા… લક્ષ્મીવાડીમાં…’
નેહાની કાકી પાછળથી આવ્યાં, ‘કેમ છો મીનાબેન? નેહા તમને ક્યાથી ઓળખે? લક્ષ્મીવાડીનો પાડોશ છોડીને અમે બીગ બજારની પાછળની સોસાયટીમાં આવ્યા, એને પણ પંદરેક વર્ષ વીતી ગયા.’
મીનાબેન બોલ્યાં, ‘નેહા, તારી મમ્મી ને અમે એક જ પાડોશમાં રહ્યા છીએ. નાનપણમાં તને સૌ નીની કહેતા. અમે લક્ષ્મીવાડીના જૂના પાડોશમાં જ રહીએ છીએ. ત્યાં ક્યારેક આવજે…’
નેહાએ ડોક હલાવી. પછી મૉલમાંથી બહાર નીકળ્યા. ઉંમરલાયક નેહાના માગા આવતા હતા. પરંતુ સારા સારા માગા હાથમાંથી સરી જતા હતા. મમ્મીને દોષ અપાતો હતો. નેહા વિચારતી, મમ્મીનું મગજ અસ્થિર હશે? પાગલખાનામાં હશે? ક્યાં શોધ કરવી? ઘરના કેમ કંઇ બોલતા નથી?
આખરે વિચારો ખંખેરીને પૂણે જવા નીકળી ગઇ. જોબ પર હાજર થઇ ત્યારે મેડમ હસીને બોલ્યાં, ‘ઘેર ગઇ હતી?’
બીજા દિવસે પપ્પાનો ફોન આવ્યો. હલ્લો, નેહુ બેટી કેમ છો? હેથી બર્થ-ડે… ઘરના તારા વતી મંદિરે ગયા છે. તારા નામથી પૂજા ચડાવવાના છે. બધા નિરાંતે વાત કરશે. કંઇક સ્વીટ ખાજે… મારા તરફથી શોપિંગ મોલમાં જઇને ગિફ્ટ લેજે. તારા એકાઉન્ટમાં પાંચ હજાર રૂપિયા જમા કરાવ્યા છે. દીકરી, હું કચ્છમાં છું એથી તારી પાસે આવી શકાશે નહીં, બાય…
મેડમે કહ્યું, ‘નેહા, આપણે ઓફિસેથી જ બહાર જઇશું. કાલે તારી પસંદગીનો ડ્રેસ પહેરીને આવજે.’
બીજા દિવસે નેહા ઓફિસે ગઇ ત્યારે મેડમે એને વીશ કર્યું. કામકાજમાં આખો દિવસ વીતી ગયો. સાંજે મેડમની સાથે જ નેહા બહાર નીકળી. પહેલાં શોપિંગ મોલમાં ગયાં. ત્યાં નેહાને મેડમે ડ્રેસ અપાવ્યો. શોપિંગ મોલમાંથી જરૂરી ચીજવસ્તુની ખરીદી કરી. પછી હોટેલમાં જમવા માટે ગયાં. ધીમે ધીમે નેહાએ મમ્મી વિશે વાત કહી.
‘મમ્મી નાનપણમાં ઘર છોડી ચાલી ગઇ છે. પપ્પાને પૂછ્યું તો એમણે એમ વાત કરી કે એની માનસિક હાલત ઠીક ન હતી. મમ્મી ક્યાં હશે? એની મને જાણ નથી.’
‘મેડમ, મમ્મીને ક્યાં શોધવી? પાગલખાનામાં?’
તરલા મેડમે પૂછ્યું, ‘મમ્મી બહુ યાદ આવે છે?’
નેહાની આંખોમાં ભીનાશ ફરી વળી. મેડમ, નાનપણમાં મમ્મી વિના રડ્યા કરતી. હજુ પણ… નેહાને ગળે ડૂમો બાઝી ગયો.
તરલા મેડમે નેહાના માથે હાથ મૂક્યો.
‘તારે મમ્મીને મળવું છે?’
નેહા બોલી ઊઠી, ‘મેડમ, આપ મારી મમ્મીને મળ્યા છો? ઓળખો છો? ક્યાં છે મારી મમ્મી? એકવાર મમ્મીને બતાવો…’
તરલા મેડમે કહ્યું, ‘તારી મમ્મીને બતાવીશ. પહેલાં આંખો બંધ કર…’
નેહા આંખો બંધ કરીને સ્થિર બેઠી રહી.
થોડીવાર બાદ તરલા મેડમ એને દોરીને હોટેલની બહાર લઇ ગયા. નેહાને આંખો ખોલવા કહ્યું. અવાજ સંભળાયો.
‘નેહુ દીકરી… આંખો ખોલ…’
નેહાએ આંખો ખોલી. તરલા મેડમે એને બાથમાં સમાવી. નેહા આંખો ફાડીને જોઇ રહી.’
‘આપ મારા… મારા… મમ્મી છો? મેડમે ડોક હલાવી.’
‘નેહા બોલી, મમ્મી… મમ્મી… મમ્મી… મારી મમ્મી…’