ડૉ. તેજલ દલાલ
ઉનાળામાં સૂર્યના આકરા તાપથી ત્વચાનું રક્ષણ કરવા સન સ્ક્રીન લોશનનો આપણે ઉપયોગ કરીએ છીએ. આખી બાંયના કપડાં પહેરીએ છીએ, જેથી ત્વચા કાળી ન પડી જાય. આ ઉપરાંત અનેક પ્રયોગો દ્વારા જાતને ફિટ રાખીએ છીએ. પરંતુ, તડકો આંખને કેટલો ડેમેજ કરે છે, એ તરફ ક્યારેય ધ્યાન આપીએ છીએ ખરા? શરીરનું તાપમાન માપવા માટે જે રીતે થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે એ રીતે સૂર્યના યુવી કિરણોથી થતા નુકસાનની જાણ કરવા યુવી ઇન્ડેક્સ ગણવામાં આવે છે. યુવી ઇન્ડેક્સને ઘ-11+ એવી માત્રામાં માપવામાં આવે છે. જેટલો અંક વધુ તેટલું નુકસાન વધુ ગણાય છે. ઉનાળામાં આપણા દેશમાં લગભગ મોટાભાગના શહેરમાં તે 11+ છે. જે બહુ વધારે ગણી શકાય. આવી સ્થિતિમાં ત્વચાની સાથે આંખનું ધ્યાન અચૂક રાખવું જોઇએ.
સૂર્યના કિરણોમાં ઘણા અદૃશ્ય કિરણો પણ હોય છે. તેમાંથી સૌથી વધુ નુકસાનકારક કિરણોમાંનું એક યુવી રેઝ છે. યુવી રેઝનો અમુક ભાગ જેને વેક્યુમ યુવી, ફાર યુવી અને યુવી સી કહેવામાં આવે છે, તેને પૃથ્વી પર આવતાં ઓઝોન લેયર અટકાવે છે. બાકીનો ભાગ જેને યુવી બી અને યુવી એ કહેવામાં આવે છે, તે મનુષ્ય સુધી પહોંચતો હોય છે. પરંતુ આપણે બધા જાણીએ જ છીએ કે ઓઝન લૅયરમાં ગાબડાં પડી ગયાં છે. તેથી હાનિકારક એવા વેક્યુમ, ફાર અને યુવી સી કિરણો આપણા સુધી પહોંચે છે. જે ત્વચાની સાથે આંખને નુકસાન પહોંચાડે છે. તેથી સારી ગુણવત્તાવાળા ચશ્માં પહેરવા ખૂબ જરૂરી છે.
ઉનાળાની ગરમીને કારણે સામાન્ય તકલીફો જેવી કે આંખ આવવી, આંખમાં એલર્જિ થવી, આંખ ડ્રાય થવી વગેરે થાય છે. આ ઉપરાંત યુવી કિરણોને લીધે મોતિયો વહેલો આવે છે. વૅલ, એને આંખના પડદાનો ઘસારો ગણાવી શકાય.
અમેરિકન એકેડેમી ઓફ ઓફથેલમોલોજીના એક સર્વે મુજબ યુવી કિરણોથી આંખમાં ઘણું નુકસાન થાય છે. તેનાથી 8-10 વર્ષ વહેલો મોતિયો થઇ શકે છે. ઉનાળામાં બાળકોને વેકેશન હોવાથી તેઓ બહાર રમવા તથા અન્ય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે, જેનાથી સૂર્યના કિરણોનું એક્સપોઝર ઘણું વધુ હોય છે. જેથી પડદા પર નુકસાનનુ પ્રમાણ વધુ રહે છે.
ડ્રાય આઇઝ :- ઉનાળાની ધૂળ તથા વધુ પડતી ગરમીના લીધે આંખમાં કુદરતી રીતે બનતા આંસુનું પ્રમાણ ઘટી જાય છે. તેના લીધે આંખમાં બળતરા તથા ઇરિટેશન થતું રહે છે. આ બળતરા જેમને ડ્રાય આઇઝની તકલીફ છે તેને વધારે થાય છે. કોમ્પ્યૂટર પર સતત કામ કરનાર વ્યક્તિને પણ આ સમસ્યા થાય છે. તેમાંથી છૂટકારો મેળવવા આર્ટિફિશિયલ લુબ્રિકેશન ડ્રોપનો ડોક્ટરની સલાહ અનુસાર ઉપયોગ કરી શકાય.
એલર્જિ :- ઉનાળામાં ધૂળમાં પોલન તથા રજકણોનું પ્રમાણ વધુ હોય છે. તેના લીધે એલર્જિ પણ વધારે જોવા મળે છે. એમાં આંખમાં મીઠી ખંજવાળ આવવી, પાણી નીકળવું એવી તકલીફ પડતી હોય છે. ડોક્ટરની સલાહ મુજબ તેની યોગ્ય સારવાર કરી શકાય છે.
ક્ધજેક્ટિવિટી :- જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહે છે, તેનું પ્રમાણ પણ વધારે હોય છે. આ ચેપ લાગવાથી થાય છે. તેથી તેની કાળજી રાખવી જરૂરી બને છે. જેમને આંખ આવી હોય તેણે આંખને મસળવી કે અડવું જોઇએ નહીં. તેનાથી તેની આંગળીમાં લાગેલો ચેપ અન્ય વ્યક્તિને પણ લાગી શકે છે. આવી સ્થિતિમાં હાથ અને આંખો ચોખ્ખા પાણીથી ધોવા જોઇએ.
મોતિયો :- મોતિયો આવે એટલે સામાન્ય રીતે આપણે નેત્રમણી મૂકાવતા હોઇએ છીએ. આ નેત્રમણી યુવી બ્લોકર હોય છે, પરંતુ તે વાતાવરણની બ્લ્યુ લાઇટને બ્લોક કરે છે કે નહીં તે ચેક કરી લેવું જોઇએ. બ્લ્યૂ લાઇટને બ્લૉક કરે એવો જ નેત્રમણી મૂકાવવો જોઇએ.