બોલેવિયાના રાષ્ટ્રપતિ મોરાલિસે સમુદ્રની સપાટીથી ૪૦૦૦ મીટર ઊંચાઇ પર તૈયાર કરેલા એક રોપ-વેનું ઉદ્ઘાટન કર્યું હતું. બોલેવિયાના બે શહેર લાવાજ અને મલ્ટોને જોડતા આ રોપ-વે રોજ ચાર લાખ લોકોને પ્રવાસ કરાવે છે. રોપ-વેને કેબલકાર પણ કહેવાય છે. ત્રણ ફેઝમાં ચાલતી આ કેબલકારનો ખર્ચ ૧૨૦૦ કરોડ રૂપિયા આવ્યો છે. બંને શહેર વચ્ચે આ રોપ-વે ૧૩ જગ્યાએ ઊભો રહે છે. આ કેબલકારનું નેટવર્ક સંપૂર્ણ સ્વયંસંચાલિત છે. જેમાં એક જ સમયે બંને બાજુ ૩,૦૦૦ લોકો ૧૦ કિ.મી. જેટલું અંતર કાપી શકે છે.
મનુષ્ય સંસ્કૃતિનો આરંભ થયો ત્યારથી જ માનવને આકાશમાં ઊડવું ગમે છે. વિમાનની શોધ આ રીતે થઇ છે. એ પહેલાં મનુષ્ય રોપ-વેનો ઉપયોગ કરતો આવ્યો છે. જમીન પરથી પહાડના શિખર સુધી માલસામાન પહોંચાડવા માટે રોપ-વેનો આરંભ થયેલો. અત્રે પ્રસ્તુત છે આ રોપ-વેની રોમાંચક સફરની અદભૂત વાતો..
હિમાલય પર્વતમાળાનું પૂર્વ તરફ આવેલું નાનકડું રાજ્ય સિક્કીમ પ્રકૃતિપ્રેમી માટેનું સ્વર્ગ છે. ગંગટોક સિક્કીમની રાજધાની છે, જે પ,૮૦૦ ફૂટની ઊંચાઇએ વસેલી છે. દાર્જિલિંગ અહીંથી ૧૦૦ કિ.મી. દૂર છે. કાંચનજંઘાને લીધે સિક્કીમનું સૌંદર્ય અસાધારણ અને મનોહારી બન્યું છે. બરફાચ્છાદિત કાંચનજંઘાને લોકો દેવ માને છે. ગંગટોકમાં પ્રાચીનતા અને આધુનિકતાનો સુગમ સંગમ જોવામાં આવે છે. તેને પૂરું માણી શકાય તે માટે એક રોપ-વે તૈયાર કરવામાં આવ્યો છે, જે નીચે દેવરાણી બજારથી શરૂ થઇ વિધાનસભા સુધી પહોંચે છે. રોપ-વેમાં પ્રવાસ કરતાં સહેલાણીઓને ગંગટોક-ઘાટી અને તિસ્તા નદીના અનુપમ સૌંદર્યના દર્શન કરવાની તક મળે છે.
વિદેશના કોઇ પણ શહેરનું પ્રાકૃતિક સૌંદર્ય માણવું હોય તો એકવાર બ્રાઝિલ જવું જોઇએ. ઈસુની વિશાળ પ્રતિમા અને સાંબા ફેસ્ટિવલને લીધે બ્રાઝિલનું રિઓ-દ-જનેરો શહેર પ્રખ્યાત બન્યું છે. આ નગરની જનસંખ્યા ૬પ લાખ જેટલી છે. ઉત્તર દક્ષિણ અમેરિકામાં તે છઠ્ઠા નંબરનું શહેર છે. સત્તરમી સદીમાં સોનું અને હીરા મળી આવ્યા એટલે તેના નિકાસ માટે રિઓે ખૂબ અગત્યનું બંદર બની ગયું. રિઓેમાં સુગરલોફ પર્વત શિખરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. તેનો આકાર એક પાઉં રોટી જેવો છે. તેના અંગૂઠા જેવા આકારની ટોચ પર જવા માટે સન્-૧૯૧૨થી એક રોપ-વે બનેલો છે, જે છેક ૧૩૦૦ ફૂટ ઊંચે પહોંચાડે છે. કેટલીક વાર ધુમ્મસમાંથી પણ પસાર થવું પડે છે. અહીંથી આખું રિઓ શહેર નયનરમ્ય લાગે છે.
નેપાળમાં ૧૨,૧૭૫ ફૂટની ઊંચાઇએ આવેલા મુક્તિનાથ મંદિરના દર્શન માટે રોપ-વેની સગવડતા છે. ઉત્તરાખંડમાં આવેલું મસૂરી સમુદ્રની સપાટીથી ૬,૦૦૦ ફૂટની ઊંચાઇએ આવેલું છે. તે દહેરાદૂનથી ૩૫ કિ.મી. દૂર છે. સહેલાણીઓમાં તે લોકપ્રિય છે. મસૂરી હિમાલય પર્વતની શિવાલિક શ્રેણીમાં આવે છે. તેની ઉત્તરમાં બરફાચ્છાદિત પહાડો અને દક્ષિણે હરિયાળા જંગલોથી આચ્છાદિત ઘાટી દેખાય છે. જેને લીધે મસૂરીનું સૌંદર્ય જાણે કે ધરતીએ ઓઢેલી લીલી ચાદર જેવું રમણીય લાગે છે. ગન હિલ શિખર પર જવા માટે રોપ-વે બનાવવામાં આવ્યો છે, જે પર્યટકોમાં ખૂબ લોકપ્રિય થયો છે. અહીંથી હિમાલય પર્વતની અન્ય જગ્યાઓની જેમ પીઠવાડા અને ગંગોત્રીનો ભવ્ય નજારો જોઇ શકાય છે. સિમલા નજીક ટિમ્બર ટ્રેઇલ નામના સ્થળે પણ એક ખાનગી હોટેલના માલિકે રોપ-વે શરૂ કર્યો છે.
રોપ-વેને લીધે વિદેશમાં કેટલાંક શહેરો પહાડ પર વસ્યા છે. લોકો રોપ-વેમાં જ બેસી નીચે મહાનગરમાં આવે છે…
મનુષ્ય સંસ્કૃતિનો આરંભ થયો ત્યારથી જ માનવને આકાશમાં ઊડવું ખૂબ ગમે છે. વિમાનની શોધ આ રીતે થઇ છે. એ પહેલાં મનુષ્ય રોપ-વેનો ઉપયોગ કરતો આવ્યો છે. જમીન પરથી પહાડના શિખર સુધી માલસામાન પહોંચાડવા માટે રોપ-વેનો આરંભ થયેલો. જે સ્થળે રેલવે, ઘોડા, ખચ્ચર કે બીજું વાહન કામ નથી લાગતાં ત્યાં રોપ-વેનો ઉપયોગ કરવામાં આવે છે. રોપ-વેની શરૂઆત ક્યારે થઇ તે માહિતી મળતી નથી, પરંતુ તેમાં વપરાતી ગરગડીનો ઉપયોગ સન્-૧૬૪૪માં એક ડચ ઇજનેરે કર્યો હતો. જમીન પરથી માલસામાન, અનાજ, લાકડાં વગેરે પહાડ પર પહોંચાડવા માટે શણનાં દોરડાં પર બાલદીઓ લગાડી રોપ-વેની શરૂઆત થયેલી. ૧૮૬૦માં લોખંડના તારનો ઉપયોગ શરૂ થયો એ પછી કેબલ વપરાવા લાગ્યા.
રોપ-વે બે પ્રકારના હોય છે. સિંગલ રોપ-વે અને ડબલ રોપ-વે. સિંગલ રોપ-વેમાં બંને બાજુના છેડે મોટી સાઇઝના મજબૂત ડ્રમ હોય છે. એક છેડાનું ડ્રમ ફરવા માંડતાં દોરડું તેમાં વીંટાતું જાય છે, જ્યારે સામે છેડાના ડ્રમમાં વીંટાયેલું દોરડું ડ્રમ ફરતાંની સાથે ખૂલતું જાય છે. આ સાથે દોરડાને બાંધેલી કેબિનો સરકતી જાય છે. સિંગલ રોપ-વેની લંબાઇ વધારે હોય છે. બંને બાજુ દોરડાં સાથે ‘ટર્મિનલ’ ડ્રમ જોડાયેલા હોય છે. રોપ-વે એટલે આકાશમાં હિંચકતા ઝૂલા. તેનો વ્યાસ ૬ થી ૧૦ ફૂટ જેટલો હોય છે. આ પ્રકારનો રોપ-વે લાંબા અંતર અને ભારે વજનના સામાન માટે હિતકાર નથી. અત્યારે નવી ટેક્ધિકને લીધે કલાકમાં ૧૦૦ ટન સામાન ખેંચી શકાય છે. કોલસા અને લોખંડની ખીણોમાં રોપ-વેનો ઉપયોગ કરાય છે.
ડબલ રોપ-વેમાં એકના બદલે બે દોરડાને આધારે કેબિન આગળ વધે છે. એક દોરડું સ્થિર રહે છે, જ્યારે બીજું દોરડું એક છેડાથી બીજા છેડે આગળ સરકે છે. આ બે દોરડાં વચ્ચે ગરગડીના આધારે લટકતી ટ્રોલી પણ આગળ સરકતી જાય છે. સિંગલ રોપ-વે કરતાં ડબલ રોપ-વે વધારે મજબૂત અને સલામત ગણાય છે. રોપ-વેને ગતિ આપવા માટે કેટલીકવાર ‘હાઇડ્રોલિક બ્રેક’નો ઉપયોગ કરવામાં આવે છે. રોપ-વે એ રીતે બનાવવામાં આવે છે કે તેના પર ગરમી, વરસાદ અને હિમપ્રપાતની કોઇ અસર નડતી નથી. ઝૂલાની ઉપરના ભાગમાં ઇલેક્ટ્રિકનો કરંટ પસાર થાય છે, જેથી રોપ-વેને ગતિ મળે છે. અત્યારે નાના રોપ-વે પ્રચલિત થયા છે. નેવીમાં ભાર ઉપાડવા માટે તેનો ઉપયોગ થાય છે. વજનદાર સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે તેનો સતત ઉપયોગ થઇ રહ્યો છે.
રોપ-વેને લીધે વિદેશમાં કેટલાંક શહેરો પહાડ પર વસાવવામાં આવ્યાં છે. લોકો રોપ-વેમાં સવાર થઇ નીચે મહાનગરમાં આવે છે અને કામ કરી સાંજે રોપ-વે દ્વારા પોતાના ઘરે પાછા ફરે છે. પોતાની કાર તેને લેવા માટે ત્યાં પાર્ક કરેલી હોય છે. જરૂર પડે તો પોતાની કાર રોપ-વે દ્વારા પહાડ પર લઇ જઇ શકે છે.
અત્યારે તો રોપ-વે સહેલાણીઓને હિલ સ્ટેશનોમાં અનેરો રોમાંચ પૂરો પાડે છે. તેમાં બેઠા પછી એમ જ લાગે કે જાણે આપણે હવામાં ઊડનખટોલામાં તરી રહ્યા છીએ. ભારતમાં ભ્રમણ કરનારા પર્યટકો રોપ-વેનો આનંદ માણે છે. યુરોપ, અમેરિકામાં વધુ ને વધુ હિલ સ્ટેશનો વિકસાવવા રોપ-વે ટેક્ધિકનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે અવિકસિત ક્ષેત્રમાં તેનો ઉપયોગ થાય છે. ઊંચા શિખરો, ઊંડી ખીણો તથા ખતરનાક નદીઓને પાર કરવા માટે રોપ-વે ખૂબ ઉપયોગી સિદ્ધ થયા છે. કોઇ પણ પ્રકારનો ભય રહેતો નથી. રોપ-વેને લીધે મનુષ્યની કાર્યશક્તિ વધી છે.
ભારતમાં મસૂરી, નૈનીતાલ અને હરદ્વારમાં રોપ-વેની શરૂઆત થયેલી એ પછી હવે તો ગુજરાતમાં પાવાગઢ અને સાપુતારામાં રોપ-વે ચાલે છે. આ સિવાય ગુલમર્ગ, વૈષ્ણવીદેવી, હરદ્વાર, સિક્કીમ, દાર્જિલિંગ, રાયગઢ વગેરે હિલ સ્ટેશનોમાં સહેલાણીઓ કેબલકારનો રોમાંચ અનુભવે છે. મહારાષ્ટ્રના રાયગઢ ફોર્ટ સુધી પહોંચવા માટે એક રોપ-વે તૈયાર કરવામાં આવ્યો છે, જેનો દર વર્ષે એક લાખ લોકો લાભ લે છે. જોગ એન્જિનિયરિંગ કંપનીને પચડ ગામથી રાયગઢ કિલ્લા સુધી પહોંચવા માટે રોપ-વેનું કામ આપવામાં આવેલું, પરંતુ તેમાં અડચણો આવવાથી આ કામ પૂરું થતાં અગિયાર વર્ષ લાગ્યાં હતાં. રાયગઢ પૂણેથી ૧૬૦ કિ.મી. દૂર છે. મહારાષ્ટ્રનો આ પ્રથમ રોપ-વે છે. રાયગઢ ફોર્ટ સુધી પહોંચવામાં પાંચ જ મિનિટ લાગે છે. આથી એક જ વર્ષમાં બાંધકામનો ખર્ચ નીકળી ગયો છે. સન્-૧૯૯૬માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું. એક ટ્રોલીમાં ૧૬ પર્યટકો બેસી શકે છે.
હરદ્વાર તો હિમાલયનું પ્રવેશદ્વાર છે. અહીંથી જ ઉત્તરાખંડની યાત્રાનો આરંભ થાય છે. હરદ્વારમાં અનેક મંદિરો, મઠો, આશ્રમો તથા અન્નક્ષેત્રો આવેલાં છે. અહીંનું મુખ્ય આકર્ષણ ત્યાંની ‘હર-કી-પૌડી’ છે. અહીં ગંગા કાંઠે અનેક ઘાટ છે, જ્યાં યાત્રીઓ ગંગાસ્નાન માટે આવતા હોય છે. આ હર-કી-પૌૈડી પાસેના પહાડની ટોચ પર મનસા દેવીનું મંદિર આવેલું છે, ત્યાં જવા માટે રોપ-વેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રોપ-વેમાંથી હરદ્વાર શહેરનું તથા સામેના ગંગાપટનું સુંદર વિહંગમ દૃશ્ય જોવા મળે છે. અમે હરદ્વારની મુલાકાત ૧૯૮૧માં લીધેલી ત્યારે રોપ-વેની ટિકિટના રૂા. ૧૦ લેવામાં આવતા હતા. પ્રથમ વાર રોપ-વેની સફર કરવી એક આહલાદક અનુભવ હતો. ચારે બાજુ ફેલાયેલી હરિયાળી જોઇ મન પુલકિત થઇ જાય, એ સાથે વચમાં આવ્યા પછી ડર પણ લાગે કે ‘ટ્રોલી તૂટશે તો નહીં ને!’ હરદ્વારમાં દર બાર વર્ષે કુંભભેળો ભરાય છે. એ સમયે મનસા દેવી જવા માટે પ્રચંડ ભીડ
ઊમટી પડે છે.
શ્રીનગરથી પશ્ર્ચિમમાં ગુલમર્ગ આવેલું છે. તે અતિ રમણીય છે. તે ૮,પ૦૦ ફૂટની ઊંચાઇએ આવેલું છે. ગુલમર્ગ શ્રીનગરથી ૪૬ કિ.મી. દૂર છે. હરિયાળા મેદાનવાળા ગુલમર્ગમાં આધુનિક હોટેલો, પર્યટક નિવાસ તેમજ અનેક ટુરિસ્ટ હબ આવેલાં છે. ગુલમર્ગથી આગળ ખીલનમર્ગ તથા મલ પથ્થર આવેલા છે. ગુલમર્ગથી ગંડોલા રોપ-વે તૈયાર કરાયો છે. બીજા ફેજ પર રોજ ૩૦૦૦ પર્યટકો આવ-જા કરી શકે છે. પાંચ કિ.મી. લાંબો આ રોપ-વે એશિયામાં સૌથી લાંબો રોપ-વે છે.
વૈષ્ણવીદેવી જમ્મુ-કાશ્મીરનું પ્રખ્યાત તીર્થસ્થાન છે, જ્યાં લાખો ભક્તો દર વર્ષે આવે છે. જમ્મુથી પ૦ કિ.મી. કટરા ગામ આવે છે. ત્યાંથી પગપાળા યાત્રા કરવાની રહે છે. હવે તો કટરા સુધી રેલવે પણ પહોંચી ગઇ છે. કટરાથી વૈષ્ણવીદેવી ૧૨ કિ.મી. અંતર પર છે. વૈષ્ણવીદેવીનું તીર્થ એક મોટી ગુફામાં આવેલું છે. આ ગુફામાં સ્થાપિત દેવીની ત્રણ મૂર્તિઓની પૂજા થાય છે. આ મૂર્તિઓ મહાસરસ્વતી, મહાલક્ષ્મી તથા મહાકાલી છે. આ ગુફાતીર્થને શ્રી વૈષ્ણવીદેવી દરબાર કહેવાય છે. કટરાથી વૈષ્ણવીદેવી પહોંચવા માટે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. એટલા માટે કટરાથી વૈષ્ણવીદેવી સુધી રોપ-વે બાંધવાનું નક્કી કરાયું. અત્યારે તેનું કામ ખૂબ ઝડપથી ચાલુ છે. સન્-ર૦૧૫ના અંતમાં તે શરૂ થઇ જશે જેને લીધે યાત્રાળુઓને આ યાત્રા સરળ થઇ જશે. વૈષ્ણવીદેવીની ગુફા ૧૦૦ ફૂટ લાંબી છે, તે પર૦૦ ફૂટ ઊંચાઇએ આવેલ છે.
સાપુતારા એક માત્ર ગુજરાતનું હિલ સ્ટેશન છે. જે નાશિકથી ૮૦ કિ.મી. તથા બિલીમોરાથી ૧૧૦ કિ.મી.ના અંતરે આવેલું છે. તે ડાંગ જિલ્લામાં આવેલું છે. અહીંનો રોપ-વે ખાનગી હોટલ ચીમની દ્વારા ચલાવવામાં આવે છે, તે સનસેટ પોઇન્ટ સુધી ચાલે છે. સાપુતારા ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પર આવેલું ગિરિમથક છે. સાપુતારાનો અર્થ થાય છે – સાપનો વસવાટ. જોકે હવે અહીં સાપ જોવામાં આવતા નથી. પરંતુ તેનું સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે. ચોમાસામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના પર્યટકો ઊમટી પડે છે. અહીંના રીમઝીમ વરસાદમાં સહેલાણીઓને સ્વૈરવિહાર કરવો ખૂબ ગમે છે. જ્યાં જુઓ ત્યાં હરિયાળા પહાડો, તેના પર સ્વૈરવિહાર કરતા વરસાદી મેઘ અને ગાઢ જંગલો વચ્ચેથી પસાર થતાં પર્યટકોને આહલાદક અનુભવ થાય છે. સહેલાણીઓ માટે જિપ રાઇડિંગ, પેરાગ્લાઇડિંગ, માઉન્ટેન બાઇકિંગ અને માઉન્ટેનિયરિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ચારે બાજુ વહેતાં ઝરણાંનો મંજુલ નાદ સહેલાણીઓને રોમાંચિત કરે છે. અઢી કિ.મી. ક્ષેત્રમાં ફેલાયેલ સાપુતારા એ મધ્યમવર્ગનું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. એકવાર સનસેટ પોઇન્ટ સુધી જતાં રોપ-વેની ટ્રોલી વચમાં જ અટકી ગયેલી. પરિણામે ૧૮ પર્યટકોના જીવ જોખમમાં પડેલ, પરંતુ તેમને બચાવી લેવામાં આવેલા. પશ્ર્ચિમ બંગાળનું દાર્જિલિંગ તેના પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રખ્યાત છે. અનુપમ સૌંદર્યથી છલકાતી આ ઘાટી સાચે જ પૃથ્વી પર સ્વર્ગ છે. ચારે બાજુ કાંચનજંઘાના બરફના પહાડો, લીલીછમ હરિયાળી, શુદ્ધ હવા, ઉપર નીલ આસમાન અને ઉત્તુંગ હિમશિખરોની તળેટીમાં નીચે હરિયાળી – આ બધું જોઇને મન પુલકિત થઇ જાય છે. દાર્જિલિંગ તેની ટ્રોયટ્રેન અને ટાઇગર હિલ માટે પ્રખ્યાત છે. ટાયગર હિલનો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા રોપ-વેની વ્યવસ્થા છે.
રોપ-વેને લીધે સમયનો બચાવ થાય છે. ગિરનાર પર્વત પર પહોંચવા માટે ત્રણ કલાક લાગે છે. રોપ-વે બનાવવામાં આવે તો ૧૦ મિનિટમાં પહોંચી શકાય છે. યુરોપ, અમેરિકાના તમામ વિકસિત દેશો વધુ ને વધુ હિલ સ્ટેશનો વિકસાવવા રોપ-વે યાને કેબલકારનો ઉપયોગ કરે છે. ઉત્તુંગ પહાડો વચ્ચે ઘાટી, નદી, સરોવરો અને જંગલો પરથી પસાર થતો રોપ-વે બાંધતી સમયે અનેક અડચણોનો સામનો કરવો પડ્યો છે. અમેરિકા, જાપાન, સ્કોટલેન્ડ, ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જર્મની, બોલેવિયા, બ્રાઝિલ, નેપાળ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, ચીન, સ્વિત્ઝર્લેન્ડ અને ઇંગ્લેન્ડ રોપ-વેનો ઉપયોગ કરે છે. અમેરિકામાં રોપ-વેને એરિયલ ટ્રામ કહેવાય છે. પાંચ મિનિટમાં આઇલેન્ડથી મેનહટન શહેરમાં પહોંચી શકાય છે.
દુનિયામાં જો ક્યાંય સ્વર્ગ હોય તો તે સ્વિત્ઝર્લેન્ડમાં છે. સ્વિત્ઝર્લેન્ડ એટલે મૂર્તિમંત સૌંદર્યનો દેશ. ઊંચા પહાડો, ચારે બાજુ હરિયાળા મેદાનો અને નીચે કલકલ નાદે વહેતી નાની નદીઓ નયનરમ્ય દૃશ્ય નિર્માણ કરે છે. સ્વિત્ઝર્લેન્ડના ગામડાના ઘરો ફૂલોથી આચ્છાદિત હોય છે. ઘરનું આંગણ અને છત પણ પુષ્પોથી ભરાયેલાં હોય છે. અહીંના પહાડી પ્રદેશ આધુનિક છે. તેના શિખરો સુધી નાનકડી ટ્રેન અને રોપ-વે પહોંચી ગયા છે. દુર્ગમ પહાડ પર કેબલકાર ચાલે છે. સ્વિત્ઝર્લેન્ડનું સૌથી મોટું શિખર ગ્રીનગ્રાન્ડ છે. મોન્ટ્રેલથી નાની ટ્રેન મળે છે. ગામો પહાડ પર વસેલાં છે. ગામના એક છેડે રોપ-વેનું સ્ટેશન હોય છે. રસ્તાની બંને બાજુ લીલાંછમ વૃક્ષો, હરિયાળા પહાડો, માઇલો લાંબી ઊંડી ખીણો, ઝરણાં આ બધું જોઇ મન ગાવા લાગે છે. પહાડ પરથી રોપ-વે દ્વારા શહેરમાં પહોંચીને કામ કરીને સાંજે ફરીવાર રોપ-વેમાં બેસી ઘરે પાછું ફરી શકાય છે.
રોપ-વે તૈયાર કરવામાં ખર્ચ થોડો આવે છે અને તેમાં ઊર્જા મર્યાદિત પ્રમાણમાં વપરાય છે. અમેરિકાના ફલોરિડા રાજ્યના ડેનવરના હૂવર ડેમ પર સૌથી મોટી કેબલકાર છે. તેને એરિયલ રોપ-વે કહેવામાં આવે છે. સ્કોટલેન્ડમાં રોપ-વે સન્-૧૮૭૭માં શરૂ થયેલ હતો. ઓસ્ટ્રેલિયા પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવે છે. આ દેશ આગળ દક્ષિણમાં કોઇ દેશ નથી. ઓસ્ટ્રેલિયા ભારત કરતાં મોટો દેશ છે. તેનું ક્ષેત્રફળ ૭ર લાખ ચોરસ કિ.મી. છે અને વસતી બે કરોડ જેટલી, જ્યારે ભારતનું ક્ષેત્રફળ ૩૭ લાખ ચોરસ કિ.મી. અને જનસંખ્યા ૧૩૦ કરોડની છે. પ્રશાંત મહાસાગરને અડીને આવેલા કેન્સ શહેરમાં કુહાંડા રેનફોરેસ્ટમાં સાડા સાત કિ.મી. લાંબો રોપ-વે છે. તેને સ્કાયરેલ કહેવામાં આવે છે. તેમાંથી પસાર થતી વખતે ઓસ્ટ્રેલિયાનાં અનુપમ પ્રાકૃતિક સૌંદર્યનાં દર્શન થાય છે. લીલીછમ હરિયાળી અને તેની વચ્ચેથી વહેતી લેહન નદીમાં આ રોપ-વેનું પ્રતિબિંબ જોઇ શકાય છે.
કાશ્મીર પછી હિમાચલમાં એક રમણીય પ્રદેશ છે..હિમાચલ પ્રદેશ. હિમાચલ કાશ્મીર તથા ઉત્તરાખંડના ગઢવાલની વચ્ચે ફેલાયેલો છે. મનાલીની આબોહવા સોહામણી છે. અનુપમ સૌંદર્યથી છલકાતું મનાલી સાચે જ સૌંદર્યભૂમિ છે. ઉનાળામાં તથા શરદઋતુમાં અહીં પર્યટકોની ભીડ રહે છે. ટુરિસ્ટોને આકર્ષવા માટે હિમાચલ સરકાર રોપ-વે તૈયાર કરી રહી છે. મનાલી પાસે સોલાંગ ઘાટીમાં એક રોપ-વે કાર્યરત છે. આ રોપ-વે કમ સ્કેરિંગ સેન્ટર પણ છે, જે અનેક સહેલાણીઓને અહીં લાવે છે. અહીં સંખ્યાબંધ ટુરિસ્ટ કોટેજિસ છે, જ્યાં પર્યટકો સહકુટુંબ રહી શકે છે.
પાવાગઢ પર રોપ-વેનો રોમાંચ
ગુજરાતનું પાવાગઢ તીર્થસ્થાન અતિ પ્રાચીન ગણાય છે. વડોદરાથી ગોધરા જતી રેલવેમાં ચાંપાનેર જવાનું અને તેની નજદીક પાવાગઢ નામના પર્વત પર મહાકાલી માતાનું મંદિર આવેલું છે. કહેવાય છે કે, આ મહાકાળી માતાની સ્થાપના ઋષિ વિશ્ર્વામિત્રે કરેલી છે. નદીનું નામ પણ વિશ્ર્વામિત્રી છે. મહાકાળી માતાના મંદિર પરથી આસપાસ ચારે બાજુ પથરાયેલું દૃશ્ય ભવ્ય લાગે છે. આ મંદિર સુધી પહોંચવા માટે અડધે અડધે રસ્તેથી સીધી ચઢાઇ કરવી પડતી હતી. વયસ્કો માટે તે ખૂબ દુષ્કર હતું. છેવટે યાત્રિકોને ત્યાં પહોંચવું સરળ પડે તે માટે ગુજરાત સરકારે રોપ-વેની વ્યવસ્થા કરી છે. પાવાગઢના મહાકાલી માતાના ગરબા પ્રસિદ્ધ છે. નવરાત્રિમાં મોટો મેળો ભરાય છે. રોપ-વે દ્વારા ચાર જ મિનિટમાં દોઢ કિ.મી.નું અંતર કાપીને આ મંદિર સુધી પહોંચી શકાય છે. કેટલાંક પગથિયાં ચઢી પર્વતના શિખર પર મહાકાલી માતાનું મંદિર આવે છે. બીજી ટેકરી પર ભદ્રકાળી માતાનું મંદિર છે. આમ, ભક્તો અને માતાજી વચ્ચેનો સેતુ બન્યો છે રોપ-વે.