બેસણા આજકલ

બેસણા આજકલ

- in Entertainment, Laughing Zone
3708
Comments Off on બેસણા આજકલ

‘બધિર’ અમદાવાદી

જેમ લોકસેવકો દ્વારા થતી અમુક જાહેરાતો પ્રથમ વિધાનસભા કે સંસદ ભવનમાં ધારાસભ્યો કે સંસદસભ્યો સમક્ષ થતી હોય છે પછી એની માહિતી અખબારો દ્વારા આમ જનતા સુધી પહોંચતી હોય છે. એમ જ છેલ્લાં કેટલાંક વરસોમાં બેસણાના દિવસની જાહેરાત સ્મશાનમાં હાજર લોકો સમક્ષ કરવાનો શિરસ્તો પડી ગયો છે. સામાન્ય રીતે દેહને અગ્નિદાહ દેવાય કે પછી ગેસ અથવા ઇલેક્ટ્રિક ફર્નેસને અર્પણ કરવામાં આવે ત્યારબાદ નજીકના સગાઓમાં બેસણું ક્યારે રાખવું એની ચર્ચા શરૂ થતી હોય છે. કાકા ઉંમરલાયક હોય, લાંબા સમયથી બીમાર હોય અને મોટો દલ્લો મૂકીને જવાના હોય એવા કિસ્સામાં અમુક કુટુંબોમાં તો ‘ડોહા આજે જાય, તો આજે મંગળવાર એટલે આજનો દિવસ તો ગયો. કાલે બુધવારે બેવડાય એટલે બેસણું ન રખાય. રવિવારે રજા ખરી પણ બહુ મોડું કહેવાય. ગુરુવારે વર્કિંગ ડે છે, પણ રખાય. સવારે નવથી અગિયાર કે સાંજે પાંચથી સાત રાખીએ તો લોકો ઓફિસે જતાં કે આવતાં અહીં થઇને જઇ શકે’ એવું વિચારી રાખતા હોય છે. શું છે કે એક કામ પતે. ડોહાને પોતાને જ નથી પૂછતા એ જ ગનીમત છે. બાકીના કિસ્સામાં મોટે ભાગે શોકાતુર વ્યક્તિ વતી બાકીના લોકો પોતાને આવવામાં અનુકૂળ પડે એવા દિવસોનું સૂચન કરતાં હોય છે. એ પૈકીના એક દિવસ પર ઘટનાસ્થળ પર હાજર વડીલ પાસે મંજૂરીની મહોર મરાવી દેવાય પછી મસાણિયાઓ સમક્ષ બે હાથ જોડીને ‘ગુરુવારે પાંચથી સાત’ એવા અલ્પ શબ્દોમાં એની જાહેરાત કરવામાં આવતી હોય છે.

આજકાલ બેસણાની જાહેરાત અખબારોમાં આવે એ પહેલાં સારા શબ્દોમાં કમ્પોઝ કરીને વોટ્સએપ ગ્રૂપ્સ અને કોન્ટેક્ટસમાં ફરતો કરવાનો રિવાજ છે. જેને પણ એ મેસેજ પહોંચે એ હરખપદૂડો પાછો બીજાને નહિ ખબર હોય એમ સમજીને એ ઓળખતો હોય એ બધાને ફોરવર્ડ કરી દેતો હોય છે. સરવાળે મૃતકના સગાના ઈનબોક્સમાં બેસણમ-બેસણી થઇ જતી હોય છે! ફેસબુક ઉપર પડ્યા પાથર્યા રહેનારામાંના અમુક તો દાદાને કાઢી જાય એ પહેલાં તો એમના ફોટા સાથે ‘……’ એવો સ્ટેટસ મેસેજ ‘…….’ના સાથે ચઢાવી દેતા હોય છે. એ સ્ટેટ્સ મેસેજ એ એક જાતનું ઇ-બેસણું જ ગણાય! ફેસબુક એ બહારગામ કે પરદેશમાં રહેતા સગાંસંબંધી અને મિત્રો માટે સમાજ સમક્ષ પુરાવો રહે એ રીતે શોક વ્યક્ત કરવાની અદ્ભુત જગ્યા છે! એમાં ઘણા ઇંગ્લિશમાં લાંબો શોક સંદેશ લખીને શોક સાથે ઇંગ્લિશનું જ્ઞાન પણ પ્રદર્શિત કરતા હોય છે. જ્યારે મોટાભાગના લોકો મકોડા જેટલું ‘….’ ‘ૐ શાંતિ’ લખીને સંતોષ માનતા હોય છે. સ્ટેટસ મૂકનાર વ્યક્તિ નારી જાતિની અને દેખાવડી હોય તો સ્ટેટસ નીચે શોકાતુરોની ભીડ જામે છે. એમાંના અમુક તો પ્રત્યક્ષ સગાંથી પણ વધુ ભાવુક થઇ જતાં હોય છે.

પરંપરાગત બેસણામાં પણ ઘણો બદલાવ આવ્યો છે. વરસો પહેલાં એક સ્વજનના બેસણાની ચર્ચા ચાલતી હતી ત્યારે એક કુટુંબી બહેન બોલ્યાં કે ‘મંડપ અને ખુરશીઓની વ્યવસ્થા પણ કરવી પડશે ને?’ ત્યારે એમના સાસુએ ‘તારા સસરા ગુજરી ગયા છે, એમનું લગન નથી લીધું. બેસ છાનીમાની’ કહીને તોડી પાડ્યા હતા. જ્યારે આજે એ બહેનની કલ્પના હકીકત બની ગઇ છે. આજકાલ ઢીંચણના સાંધાનું રિપ્લેસમેન્ટ કરતા ડોક્ટરોને તડાકો છે અને એ જ કારણથી ફરાસખાનાવાળાને પણ બેસણા નિમિત્તે ખુરશીઓની વર્ધી મળતી થઇ છે. બેસણા માટે હોલ ભાડે રાખવાનું, દિવંગતની જીવન ઝરમર ફોટા કે વીડિયો સ્વરૂપે દર્શાવવાનું અને દિવંગતના લાઇવ સાઇઝના ફોટાની આસપાસ ફૂલોનું ડેકોરેશન કરવાનું સામાન્ય થઇ પડ્યું છે. અગાઉના બેસણામાં સમય પસાર કરવા માટે લોકો પાથરણામાંથી દોરા ખેંચી અને એમાં ગાંઠો મારીને કે વળ ચઢાવીને એની દિવેટ બનાવવાની પ્રવૃત્તિમાં પરોવાઇ જતા. આજકાલ એનું સ્થાન મોબાઇલે લીધું છે. ગુલાબના હાર પાછળ ફોટામાં માજી મલકતાં હોય, જગજિતસિંહના રેશમી અવાજમાં ‘હે રામ…’ વાગતું હોય ત્યારે કોઇના મોબાઇલમાં ‘ઐસી ધાકડ હૈ… ધાકડ હૈ… ઐસી ધાકડ હૈ…’નો રિંગટોન ભભૂકી ઊઠે એવી દુર્ઘટનાઓ હવે સામાન્ય છે. ધોળા સાડલાને સ્થાને સફેદ સલવાર કમીઝ આવી ગયા છે. ધોતિયા ગાયબ છે. શોકદર્શક ‘બેસણા’ને બદલે ‘પ્રાર્થનાસભા’ પણ ગોઠવાતી હોય છે અને એ બહાને ગાવા-વગાડવાવાળા અને સાઉન્ડ સિસ્ટમ ભાડે આપનારને પણ ધંધો મળતો થયો છે. ફક્ત સ્થૂળ લોકાચાર નિભાવવા આવતા લોકોની અવરજવર વચ્ચે સ્વજન ગુમાવનારની આંખમાંથી આંસુનું ટીપું પાંપણ પર આવીને અટક્યું હોય એ જોવાની પણ ભાગ્યે જ કોઇને પડી હોય છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો