જિજ્ઞાસા સોલંકી
સાહિત્ય અને સંગીત જેમને વારસામાં મળ્યા છે, તો આયુર્વેદ થકી નિર્દોષ ઉપચાર દ્વારા વધુ ને વધુ લોકોને ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ લઇ જવામાં જેમનો નોંધપાત્ર ફાળો છે તેવા સુરતના ડૉ.ધર્મિષ્ઠા ત્રિવેદી એક સેવાભાવી વ્યક્તિત્વ છે. અત્રે પ્રસ્તુત છે..સેવાકીય પ્રવૃત્તિની સાથે સાથે સાહિત્યને પણ વરેલા એવા તબીબ ધર્મિષ્ઠાબેન સાથેની મુલાકાતના કેટલાક અંશ..
મનુષ્યશરીર પ્રકૃતિ દ્વારા નિર્મિત છે. એ જ પ્રકૃતિએ એના માટે ઔષધીઓનું નિર્માણ કર્યું છે. ભારતીય સંસ્કૃતિ મુજબ વનસ્પતિ, જડીબુટ્ટીઓ દ્વારા સારવાર-ઉપચારનું સદીઓ જૂનું માધ્યમ આયુર્વેદ આજના સમયમાં અત્યંત પ્રચલિત થઇ રહ્યું છે. નિર્દોષ ઉપચાર દ્વારા વધુ ને વધુ લોકોને ઓલ્ટરનેટિવ મેડિસિન તરફ લઇ જવામાં સુરતના ડો. ધર્મિષ્ઠા ત્રિવેદીનો પણ નોંધપાત્ર ફાળો છે. આયુર્વેદમાં જ નહિ, પરંતુ અન્ય ક્ષેત્રે પણ એમના યોગદાનની વાતો તેઓ ફીલિંગ્સ સાથે શેર કરે છે…
સાહિત્ય અને સંગીત ડૉ.ધર્મિષ્ઠાબેનને વારસામાં મળ્યા છે. તેઓના પિતા ચુનીભાઇ ભટ્ટ ક્લાસ વન ઓફિસર હતા. ગુજરાત રાજ્યના સમાજ શિક્ષણ અધિકારી રહી ચૂકેલા ચુનીભાઇ ભટ્ટને પ્રૌઢ શિક્ષણમાં અમૂલ્ય યોગદાન બદલ ‘નહેરુ લિટરસી એવોર્ડ’ મળ્યો હતો.
સુરતના કાનજીભાઇ દેસાઇ સમાજ શિક્ષણ ભવન- ચોક બજાર સાથે તેમના પિતાશ્રી સ્થાપનાકાળથી જોડાયેલા હતા. અનેક સાહિત્યકારોની અવરજવર તેમના ઘરે કાયમ રહેતી. ઉમાશંકર જોશી, ઇશ્ર્વર પેટલીકર, યશવંત શુક્લ, રામનારાયણ પાઠક, ભગવતીકુમાર શર્મા, ગનીભાઇ દહીંવાલા જેવા અનેક લેખકો અને કવિઓની રાત્રે મહેફિલ જામતી. એ મહેફિલના ધર્મિષ્ઠાબેન સાક્ષી. બાળપણથી તેમનામા એટલે જ સાહિત્યના બીજ રોપાયા. નારગોલ દરિયાકિનારે આ લેખકોની શિબિર યોજાતી. નાની ઉંમરમાં જ એમાંથી ઘણું બધું શીખવા મળ્યું. આવા સાહિત્યકારોને લીધે એમને વાંચન અને લેખનનો શોખ જાગ્યો. આ જ્ઞાન અને અનુભવનો નીચોડ કામ લાગ્યો એમને નાટકો લખવામાં.
અનેક શાળા અને મહિલા સંસ્થાઓમાં તેઓ જુદા જુદા વિષયો પર વક્તવ્ય આપે ત્યારે શરૂઆતમાં જે તે વાત એક સંદેશાત્મક નાટક દ્વારા રજૂ કરવામાં આવે છે. આ પ્રયોગ દ્વારા શ્રોતાઓ રસપૂર્વક એમનું વક્તવ્ય માણે અને સહેલાઇથી સમજી શકે છે. અંતે પ્રશ્ર્નોત્તરી કાર્યક્રમ રાખવામાં આવે. એમાં દરેક પ્રશ્ર્નોનું સમાધાન કરવાના પ્રયત્નો તેઓ કરે. ડો. ધર્મિષ્ઠાબેન સમાજકલ્યાણ અર્થે વિવિધ કાર્યો કરે છે. જેમ કે, પ્રેરણાજાગૃતિ શિબિરનું આયોજન કરવું, સિનિયર સિટિઝન ગ્રૂપમાં લેક્ચર આપી એમને પોઝિટિવ જીવન જીવવાની પ્રેરણા પૂરી પાડવી, પેરેન્ટ્સ અને બાળકોને કાઉન્સેલિંગ દ્વારા મદદરૂપ થવું, કોલેજ ગર્લ્સના પ્રશ્ર્નો હલ કરવા, એમને હર્બલ બ્યૂટીટિપ્સ આપવી, બીફોર મેરેજ કાઉન્સેલિંગ દ્વારા લગ્ન માટે એમનું મન અને
શરીર તૈયાર છે?.. એનું નોલેજ આપવું વગેરે જેવા અનેક પ્રશ્ર્નો અને મૂંઝવણોનો ઉકેલ લાવવા તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.
વર્ષ 1977માં ધર્મિષ્ઠાબેન જ્યારે કોલેજમાં અભ્યાસ કરતાં હતાં એ દિવસ યાદ કરતાં તેઓ કહે છે કે, ‘એક દિવસ હું કોલેજથી ઘરે આવી ત્યારે અચાનક પપ્પાએ આંગણવાડી અને પ્રૌઢ શિક્ષણમાં ભણતી બહેનો માટે એક લેક્ચર આપવા જણાવ્યું. જે વક્તાને બોલાવ્યા હતા તેઓ કોઇ કારણોસર આવી શક્યા નહોતા. શું બોલું, કયા વિષય પર બોલું કંઇ સમજાતું નહોતું. કોઇ પણ તૈયારી વગર મેં ત્યારે રસોડું એ જ દવાખાનું વિષય પર સ્પીચ આપી. પ્રશ્ર્નોત્તરી દરમિયાન સંતોષકારક જવાબ મળવાથી બહેનો પણ ખૂબ પ્રભાવિત થઇ. આગળ તેઓ કહે છે કે, ત્યાંના અધિકારીઓએ મારા વક્તવ્ય પરથી નાની પુસ્તિકા તૈયાર કરીને સૌ બહેનોને વહેંચી. આમ મારા પ્રથમ લેક્ચર વખતે જ મારી પુસ્તિકા પણ છપાઇ ગઇ. એ વાતે મને આશ્ર્ચર્ય અને આનંદની લાગણી થઇ. ત્યારથી શરૂ થયેલો એ પ્રવાસ હજુ ચાલુ જ છે.
ધર્મિષ્ઠાબેન ઝૂંપડપટ્ટીના બાળકોને પણ મફત શિક્ષણ આપે છે. ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના માર્ગદર્શન મુજબ મિસિંગ ચિલ્ડ્રન માટે દર મહિને સુરત ઉમરા પોલીસ સ્ટેશનની મુલાકાત લઇ રિપોર્ટ કરી તેઓ સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને આપે છે.
ધર્મિષ્ઠાબેનના ભાઇ સ્વ. પરેશભાઇ ભટ્ટ સુરતના સુગમ સંગીતના રસજ્ઞ લોકોને મફત સંગીત શિક્ષણ આપતા. ખૂબ ટૂંકી વયે એમનું આકસ્મિક મૃત્યુ થયું હતું. એમના અવાજમાં એટલું તો ખેંચાણ હતું કે શહેરની વરસો જૂની સન્માનિત કલાસંસ્થા સપ્તર્ષિના દરેક કાર્યક્રમની શરૂઆત આજે પણ સ્વ. પરેશ ભટ્ટના સંગીત આલાપથી જ થાય છે. સંગીતનો આટલો અદ્ભુત વારસો ધરાવતા ડો.ધર્મિષ્ઠાબેનને પણ સંગીતક્ષેત્રે અનેક પુરસ્કારો મળ્યા છે.
ડો. ધર્મિષ્ઠાબેન અંતરિયાળ ગામડાંઓમાં ફરીને ત્યાંના ગરીબ સ્થાનિક રહેવાસીઓને ‘રસોડું એ જ દવાખાનું’ વિષય પર ફ્રી વક્તવ્યો આપે છે. રોગોના ઘરગથ્થુ ઉપચારો કઇ રીતે થઇ શકે એના વિશે સ્થાનિક લોકોને વાકેફ કરે છે. આર્થિક રીતે પછાત ગરીબ લોકો પૈસાના અભાવે બીમારીનો ઇલાજ કરી શકતા નથી એવા અસહાય લોકોને ધર્મિષ્ઠાબેન હાઉસહોલ્ડ મેડિસિન બનાવતાં શીખવે છે. તેઓ કહે છે કે, ગામડાંમાં જ સહેલાઇથી મળી રહેતી વનસ્પતિમાંથી દવા બને છે. જેવી કે આંકડાના કુમળા પાનમાં મરી મૂકી પાનના બીડાની જેમ ચાવવાથી તાવ ઊતરી જાય છે. મેલેરિયા માટે રિસર્ચ પણ કર્યું અને આ દવાની પેટન્ટ પણ બની. હળદરના પાઉડરને માટીની તાવડીમાં ગરમ કરી સાકર અથવા ગોળ મિક્સ કરી ગોળી બનાવી લેવાથી સૂકી ખાંસી મટે છે. એવા તો અનેક રોગોનો ઘરગથ્થુ ઇલાજ કરીને ગરીબ-પછાત લોકોની તેઓ સેવા કરે છે. મહિલાઓમાં વધી રહેલા રોગોમાં સૌથી જીવલેણ રોગ બ્રેસ્ટ કેન્સર અને ઓવેરિયન કેન્સર છે. ડો. ધર્મિષ્ઠાબેન એમના દરેક વક્તવ્યમાં આ રોગો સામે શું સાવચેતી રાખવી જોઇએ એ અચૂક કહે છે. ‘ખાસ તો, અંતરિયાળ ગામડાંઓની સ્ત્રીઓમાં આ અવેરનેસ લાવવી ખૂબ જરૂરી છે.’
ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ, ફોર આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રિબ્યુશન ટુ આયુર્વેદિકથી સન્માનિત થયેલ ડૉ.ધર્મિષ્ઠાબેનને આ સન્માન ઈંઅઊઠઙ (ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્લ્ડપીસ), અમેરિકા તરફના સાર્ક દેશોના પ્રમુખ ડો. લીયો રીબેલોની હાજરીમાં અપાયું હતું. જ્યારે ગાંધીનગર ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ર008માં આયુર્વેદમાં શ્રેષ્ઠતમ પ્રદાન બદલ તેઓને એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
ઘરઆંગણે પણ અનેક એવોર્ડ્સ અને પ્રમાણપત્રો મેળવનાર ડૉ. ધર્મિષ્ઠાબેન અંતમાં સહજ રીતે કહે છે કે, ‘આ પ્રવૃત્તિથી મને સંતોષની લાગણી થાય છે. સારાં કાર્યો એનો પ્રચાર ખુદ કરે છે.’