મની મેનેજર
તમારું વ્યક્તિત્વ પૈસો હોવા છતાં દિલનું ગરીબ કે
પૈસો નહીં હોવા છતાં શ્રીમંત જ રહે છે
સંપત્તિનું સર્જન રાતોરાત કે આકસ્મિક શક્ય નથી. યેનકેન પ્રકારેણ પૈસો મેળવીને માલદાર તો સૌ કોઇ થઇ શકે. પરંતુ પુરુષાર્થ કરીને શ્રીમંત તો કોઇક કોઇક જ બની શકે. માલદાર શબ્દ પૈસો મેળવનારા સૌ કોઇ માટે વાપરી શકાય. પરંતુ શ્રીમંત શબ્દ લક્ષ્મી અને કોઠાસૂઝ સાથે સંકળાયેલો છે.
શ્રીમંત બનવા આડે મુખ્યત્વે ત્રણ અંતરાયો પાર કરવા જરૂરી હોય છે. (1) આપણું કામ નહિ, (ર) આંધળું અનુકરણ અને (3) યોગ્ય સ્રોતની પસંદગીનો અભાવ.
(1) આપણું કામ નહિ : 100માંથી 9પ ટકા રોકાણકારો આ માનસિકતા ધરાવે છે. કમાણીમાંથી એટલિસ્ટ 10 નહિ તો છેવટે એક ટકા પણ બચત માટે મનના ગરીબ થઇ જાય અથવા તો બહાના કાઢતા હોય છે. પગારમાં વધારો, એરિયર્સ, બોનસ, એપ્રિલ, ઉઘરાણીનો ચેક… આવી જાય પછી વિચારીશું. (આ તમામ ઘટનાઓ ઘટી ગયા પછી પણ તે તો એમ કહેશે કે આપણું કામ નહિ…) વધારાના નાણાં આવે તો જ બચત કે મૂડીરોકાણ કરવાના ખ્યાલમાંથી બહાર આવે. હાલમાં જે કમાવ છો તેમાંથી એકવાર શરૂઆત તો કરી જ દો. વિલંબમાં વિનાશ અને જાગ્યા ત્યાંથી સવાર…60 વર્ષની વયે રૂા. એક કરોડ મેળવવા માટે તમે રપ વર્ષની ઉંમરે વાર્ષિક 9 ટકા રિટર્ન સાથે મૂડીરોકાણની શરૂઆત કરો તો તમારે મહિને માત્ર રૂા. રર00 આસપાસ જ રોકવા પડશે. પરંતુ જો 30 વર્ષની ઉંમરે જાગ્યા અને 9 ટકા રિટર્ન સાથે મૂડીરોકાણની શરૂઆત કરો તો તમારે મહિને રૂા. પપ00 આસપાસનું રોકાણ કરવું પડશે. પરંતુ જો પ0 વર્ષે જાગ્યા તો…મહિને રૂા. પર000ની જરૂર પડશે.
(ર) આંધળું અનુકરણ : 100માંથી 80 ટકા રોકાણકારો અભ્યાસ અને અનુભવ કેળવ્યા સિવાય માત્ર આંધળું અનુકરણ કરે છે. રાકેશ ઝુનઝુનવાલાએ ફલાણી કંપનીના ખરીદેલા શેર્સની જાણ છ મહિને થાય ત્યારે ભાઇસાહેબ ઓર્ડર નોંધાવશે. સોનામાં પાડોશીને પાંચ લાખનો નફો થયો માટે આપણે પણ… રિયલ એસ્ટેટમાં તેજીનો લાભ લેવા માટે લાંબા હારે ટૂંકો જાય ન્યાયે કેપેસિટી બહારનો ખેલો કરવા જાય. ટૂંકમાં આંધળું અનુકરણ અને ટિપ્સના હથોડા આ બંને મૂડીરોકાણ બજારમાં સૌથી વધુ ડેન્જરસ સાબિત થાય છે. યાદ રાખો… ટિપ્સ વેઇટર્સ માટે હોય ઇન્વેસ્ટર્સ માટે નહિ…!! સાથે સાથે એ પણ યાદ રાખો કે, સટ્ટો સેવિંગ્સની મૂડીમાંથી નહિ, ફાજલ નાણાંના 10મા ભાગમાંથી જ ખેલો. કોઇપણ મૂડીરોકાણ સ્રોતમાં જ્યારે મૂડી રોકો છો ત્યારે તે સ્રોતના તમે માલિક છો અને તેમાં અભ્યાસ, અનુભવ અને આવડતનો ત્રિવેણી સંગમ એટલો જ જરૂરી હોય છે. કોઇપણ ગ્રેટ કંપનીના શેર્સમાં તમે કરેલું મૂડીરોકાણ ગ્રેટ ત્યારે જ ગણાશે કે જ્યારે તમે તેમાંથી રિટર્ન મેળવી શકશો. મૂડીરોકાણ એ એક પ્રોસેસ છે તેને ફ્રેન્ડસ, ફેમિલી કે આલિયા-માલિયા-જમાલિયાની ટિપ્સના આધારે નહિ, યોગ્ય સ્ટેપ્સના આધારે ફોલો કરો…
(3) યોગ્ય સ્રોતની પસંદગીનો અભાવ : જમવામાં જે રીતે વૈવિધ્યતા હોય અને તંદુરસ્તી માટે જે રીતે નહિ ભાવતી વાનગીઓ પણ પરાણે આરોગવી પડે છે તે રીતે પોર્ટફોલિયોમાં પણ સૂગની નજરે જોવાતા મૂડીરોકાણ સ્રોત હોવા જરૂરી છે. નહિ તો તમે ટાર્ગેટ એચિવ નહિ કરી શકો. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં તો રિસ્ક હોય છે માટે રોકાણ ન જ કરાય તે માનસિકતામાંથી બહાર આવો. કારણકે સૌથી વધુ જોખમ ધરાવતા મૂડીરોકાણ સ્રોત શેરબજારો જ સૌથી વધુ રિટર્ન આપનારા સાબિત થયા છે. હા, એ વાતનો ખાસ ખ્યાલ રાખો કે તેમાં 10-ર0 વર્ષના ગાળા માટે મૂડીરોકાણ થયેલું હોવું જોઇએ. કલાક-દિવસ-મહિના કે વર્ષ માટેનો સટ્ટો નહિ… બેંક એફડી, પીપીએફ સહિતના ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપરાંત શેરબજાર, સોના-ચાંદી, રિયલ એસ્ટેટ જેવા મૂડીરોકાણ સ્રોત સાથે પોર્ટફોલિયો સમૃદ્ધ હોવો જોઇએ.
ક્યારેક એવું બનતું હોય છે કે, એક વ્યક્તિત્વ એવું હોય કે પૈસો કમાયા પછી પણ દિલનું ગરીબ જ રહે બીજું વ્યક્તિત્વ એવું હોય કે પૈસો નહિ હોવા છતાં દિલનું શ્રીમંત જ રહે.