‘અમ્મા’ની વસમી વિદાય…

‘અમ્મા’ની વસમી વિદાય…

- in Shakti
768
Comments Off on ‘અમ્મા’ની વસમી વિદાય…

મહિલા રાજકારણી તરીકે નવા સીમાચિહ્નો સર કરનાર જયલલિતા

કોઈ રાજકીય નેતાનું અવસાન થાય અને નાગરિકો પોતાના પરિવારનું કોઈ સ્વજન ગુજરી ગયું હોય તે રીતે શોક મનાવે તો નિશ્ર્ચિતપણે માનવું જોઈએ કે એ નેતાએ પ્રજાહિતના અનેક કામો કર્યા છે, પ્રજામાં તેની લોકચાહના ભરપૂર છે. હાલમાં જ  કાર્ડિયાક અરેસ્ટના કારણે અવસાન પામેલ તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાની અંતિમયાત્રામાં આવા દૃશ્યો ઠેરઠેર જોવા મળ્યાં.  તેમના ચાહકો માટે આ ખૂબ મોટો આઘાત હતો. જયલલિતાની અપાર લોકપ્રિયતાનું કારણ હતું કે અમ્માએ તેમના મુખ્યમંત્રી કાળમાં પ્રજાહિતના અને ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ કામ કર્યું હોવાથી તેઓ પ્રજાના હૃદ્યમાં રાજ કરતાં હતા.

છ વાર તામિલનાડુના મુખ્યમંત્રી રહી ચૂકેલ જયલલિતા એક સમયે અભિનેત્રી તરીકે ખ્યાતનામ હતા. તેમનો જન્મ ફેબ્રુઆરી, ૧૯૪૮માં કર્ણાટકના મૈસૂરમાં થયો હતો. બેંગલોરમાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. દસમા ધોરણની પરીક્ષામાં તેમણે તામિલનાડુમાં બીજું સ્થાન મેળવ્યું હતું.

‘અમ્મા કેન્ટીન’, ‘અમ્મા મિનરલ વોટર’, ‘અમ્મા નમક’ જેવી સામાન્ય માણસો માટેની અને ખાસ કરીને મહિલાઓ અંગેની યોજનાએ તેમને ‘અમ્મા’ તરીકે ખ્યાતિ અપાવી.

એમ.જી.રામચંદ્રન ફિલ્મો છોડીને રાજનીતિમાં આવ્યા હતા અને સફળ નેતા બન્યા હતા. જયલલિતા પર એમ.જી.આર.નો મોટો પ્રભાવ હતો. એક ઈન્ટરવ્યુમાં પણ તેમણે કહ્યું હતું કે મારી જિંદગીના એક તૃતીયાંશ હિસ્સા પર મારી માતાનો અને બીજા એક તૃતીયાંશ હિસ્સા પર એમજીઆરનો પ્રભાવ રહ્યો છે. જયલલિતાએ પણ તેમના પગલે પગલે ૧૯૮૨માં સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો. તિરુચૈંદુર બેઠક પરથી તેમણે પોતાની સૌ પ્રથમ ચૂંટણી જીતી. ત્યારબાદ તેઓને રાજ્યસભાના સભ્ય પણ બનાવવામાં આવ્યા હતા. ૧૯૮૭માં એમ.જી. રામચંદ્રનનું નિધન થતાં જયલલિતાને આઘાત લાગ્યો હતો પરંતુ તેમણે ત્યાં સુધીમાં રાજનીતિમાં પોતાનું સ્થાન ખૂબ મજબૂત કરી લીધું હતું. ૧૯૮૮માં અન્નાદ્રુમક પક્ષના બે ભાગ પડી ગયા

જેમાં એકનું નેતૃત્ત્વ એમજીઆરના પત્ની જાનકીએ કર્યું જ્યારે બીજા પક્ષનું નેતૃત્ત્વ જયલલિતાએ કર્યું. ૧૯૮૯માં અલગ થયેલ તેમના પક્ષે પ્રથમવાર ચૂંટણી લડી અને ૨૭ બેઠકો પર વિજય મેળવી વિપક્ષના નેતાનું સ્થાન પ્રાપ્ત કર્યું. તામિલનાડુ વિધાનસભામાં થયેલા એક હોબાળામાં જયલલિતા બહાર જઈ રહ્યા હતા ત્યારે બંને પક્ષના સભ્યો વચ્ચે થયેલ ઝપાઝપીમાં તેમની સાડી ફાટી ગઈ હતી. તેમણે સંકલ્પ કર્યો હતો કે મુખ્યમંત્રી બનીને જ સદનમાં પ્રવેશ કરશે.

૧૯૯૧માં કોંગ્રેસ સાથે સમજૂતી કરીને ચૂંટણી લડયા અને જીતીને પ્રથમવાર મુખ્યમંત્રી બન્યા. આ દરમિયાન વચ્ચે વચ્ચે ઘણીવાર તેમની પર અપ્રમાણસર સંપતિના આરોપ મૂકાયા, હાર પણ મેળવી છતાં તેઓ વધુ મજબૂત થઈને બહાર આવતા.૧૯૯૬-૯૮માં ઉપરોક્ત કારણોસર તેઓ ચૂંટણી હારી ગયા. ૨૦૦૨માં પેટાચૂંટણીમાં ફરી જયલલિતા વિજયી બન્યા. આ વખતે તેમણે કરુણાનિધી સામે બદલો લેવા તેમને જેલભેગા કર્યા હતા એ મુદ્દો પણ ખૂબ ચગ્યો હતો. ૨૦૦૬માં ફરી ચૂંટણી હારી ગયા. ત્યારબાદ ૨૦૧૧ અને ૨૦૧૬માં પણ જયલલિતાએ ભવ્ય વિજય મેળવ્યો અને મુખ્યમંત્રી બન્યા. આમ રાજકારણમાં તેમણે મહિલા તરીકે ભવ્ય સફળતા મેળવી ઈતિહાસ રચ્યો. તેમના પક્ષ અને તામિલનાડુના રાજકારણમાં તેમનું એકહથ્થું શાસન હતું.

૧૧૭ કરોડની સંપતિ સાથે જયલલિતા દેશના સૌથી અમીર મુખ્યમંત્રી હતા. તેમના વોર્ડરોબમાં સાડીઓ અને ચંપલોનો ખજાનો પણ ચર્ચાસ્પદ બન્યો હતો. તેમનાં અંગત જીવન અથવા સંબંધીમાં કોઈ ખાસ ન હતું પરંતુ શશીકલા નામની તેમની બહેનપણી જયલલિતાની ખૂબ નજીક હતી. જોકે આ શશીકલા પર જયલલિતાને ઝેર આપવાનો આક્ષેપ પણ થયો હતો. તેમના દત્તકપુત્ર સુધાકરનના ભવ્યાતિભવ્ય લગ્ન માટે સૌથી મોટી ભવ્ય રિસેપ્શન પાર્ટીનો ગિનેઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. ૫૦ એકર વિસ્તારમાં યોજાયેલ આ રિસેપ્શનમાં લગભગ દોઢ લાખ મહેમાનો આવ્યા હતા.

આઉટલૂક મેગેઝિનને આપેલી એક મુલાકાતમાં જયલલિતાએ કહ્યું હતું કે, ‘તે ક્રિકેટ મેચ જોવા જતાં ત્યારે દૂરબીન લઈને જતાં અને માત્ર પટૌડીને જોતાં રહેતાં.’ જયલલિતાને સંધિવાની બીમારી હોવાથી તેઓ જ્યાં જતા ત્યાં તેમના માટે ખાસ બનાવેલ ખુરશી પહોંચી જતી. એટલું જ નહીં તેઓ જ્યોતિષમાં પણ અખૂટ વિશ્ર્વાસ ધરાવતા હતા. જ્યોતિષશાસ્ત્રથી મળેલ સલાહ અનુસાર તેઓ લીલા રંગની સાડી પહેરતા હતા. તેમના પર લખાયેલ પુસ્તક ‘અમ્મા જર્ની ફ્રોમ મૂવી સ્ટાર ટૂ પોલિટિકલ ક્વીન’ ચર્ચાસ્પદ રહ્યું હતું.

મુખ્યમંત્રી તરીકે જયલલિતાએ મેળવેલ સિદ્ધિઓ અતુલ્ય છે, દરેક મહિલાઓ  અને રાજકીય નેતાઓ માટે પ્રેરણાદાયક છે. તેમણે ગરીબ અને સામાન્ય પ્રજાના હિતમાં એટલા કામ કર્યા હતા કે તેઓ અભિનેત્રથી અમ્માનું બિરુદ મેળવી શક્યા. એમજીઆર કરતાં પણ તેઓ વધુ પ્રભાવશાળી બની ગયા હતા. તેમના સમર્થકો તેમના માટે કોઈપણ હદે જવા તૈયાર રહેતા. તામિલનાડુ સહિત સમગ્ર ભારતની પ્રજા શોકગ્રસ્ત છે કારણકે ભારતે એક પ્રભાવશાળી નેતા ગુમાવી દીધો છે.

ગરીબો માટેની કલ્યાણકારી યોજનાઓએ જયલલિતાને ‘અમ્મા’નું બિરુદ અપાવ્યું….

‘અમ્મા કેન્ટીન’, ‘અમ્મા રસોઈ’, ‘અમ્મા મિનરલ વોટર’, ‘અમ્મા નમક’, ‘અમ્મા સિમેન્ટ’, ‘ક્રેડલ બેબી સ્કીમ’ જેવી સામાન્ય માણસો માટેની અને ખાસ કરીને મહિલાઓ અંગેની આ લોકપ્રિય યોજનાએ તેમને ‘અમ્મા’ તરીકે ખ્યાતિ અપાવી. ૧૯૯૨માં તેમણે અનાથ અને નિરાધાર બાળકો માટે ‘ક્રેડલ બેબી સ્કીમ’ જાહેર કરી હતી જેમાં દરેક સરકારી હોસ્પિટલમાં પારણા લગાવ્યા હતા જેથી ગમે ત્યાં નવજાત બાળકીને ત્યજી દેવાને બદલે લોકો પારણામાં દીકરીઓને મૂકી જતા. અમ્મા કેન્ટીન જેવી યોજનામાં એક રૂપિયામાં ઈડલી, પાંચ રૂપિયામાં સંભાર-ભાત અને દસ રૂપિયામાં શાક-રોટલી મળતી.

ગરીબ વર્ગને મહિને મફત ચોખા મળતા તો વિદ્યાર્થીઓને વિનામૂલ્યે લેપટોપ જેવી યોજનાઓના કારણે જયલલિતાને લોકપ્રિયતા મળી હતી. ગરીબ સ્નાતક યુવતીના લગ્નમાં ચાર ગ્રામ સોનુ અને પચાસ હજાર રૂપિયાની સરકારી મદદ મળતી એટલું જ નહીં પણ એ યુવતી જ્યારે માતા બને ત્યારે પણ સરકાર તેને હજાર રૂપિયાની બેબી-કેર પ્રોડક્ટ આપતી. તેમણે મહિલાઓ માટે ૯ મહિનાની મેટરનીટિ લીવ, દારુબંધી અને મહિલા પોલીસ સ્ટેશનની શરૂઆત કરી હતી. આ ઉપરાંત ૧૦ રૂપિયે લિટર પાણીની બોટલ, રાહતદરે મીઠું, મિક્સર, પંખા વગેરે સહિત વિનામૂલ્યે બિયારણ પણ સરકાર આપતી. જયલલિતાને ‘અમ્મા’નો દરજ્જો આ કલ્યાણકારી યોજનાઓએ અપાવ્યો હતો.

ફિલ્મી કારકિર્દીમાં પણ સુપરહિટ જયલલિતા

૧૯૬૫માં માત્ર પંદર વર્ષની ઉંમરે પહેલીવાર તેમણે ફિલ્મમાં કામ કર્યું હતું અને તેમની અભિનેત્રી બનવાની સફર શરૂ થઈ હતી. તેમની પ્રથમ તામિલ ફિલ્મનું નામ હતું ‘વેનીરા આદાઈ’ જેને ‘એ’ સર્ટિફિકેટ મળ્યું હતું. જોકે જયલલિતાએ આ ફિલ્મ કયારેય જોઈ ન હતી.ત્યારબાદ તેમણે તે સમયના સુપરસ્ટાર એમ.જી. રામચંદ્રન સાથે જોડી બનાવી અને એક પછી એક સુપરહીટ ફિલ્મો આપતાં ગયા.

એક  સમયે તેઓ તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફી લેનાર અભિનેત્રી હતા. છેલ્લે તેઓ ૧૯૮૦માં આવેલ ફિલ્મ ‘નદિયાઈ થેડી બંદા કાદલ’માં દેખાયા હતા. શમ્મીકપૂર પર તેઓ સૌથી વધુ આફરીન હતા. તેમણે એકમાત્ર હિન્દી ફિલ્મ ‘ઈજ્જત’માં કામ કર્યું હતું જેમાં હીરો ધર્મેન્દ્ર હતો. ફિલ્મી કરિયરમાં તેમણે કુલ ૧૨૫ ફિલ્મો કરી હતી જેમાંથી ૧૧૯ બોક્સઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. તેમની ૬ ફિલ્મો હિન્દીમાં ડબ થઈ હતી જ્યારે ૯ ફિલ્મોમાં તેમણે મહેમાન કલાકારની ભૂમિકા ભજવી હતી.

Facebook Comments

You may also like

“નારી સુરક્ષિત કરતાં સ્વરક્ષિત થાય તો વધારે સક્ષમ બને..! સ્વાતિ બેડેકર

પોતાની આવડત અને કુનેહથી આજે કોણ આગળ જઈ