અનેક તર્કવિતર્કોનો ત્યારે અંત આવ્યો કે જ્યારે અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સશક્ત પ્રતિદ્વંદ્વી હિલેરી ક્લિન્ટનને ભારે બહુમતીથી હરાવીને અમેરિકી રાષ્ટ્રપતિપદની ચૂંટણી બાકાયદા જીતી ગયા. ચૂંટણી પહેલાં સાવ નબળા અને કહો કે નગણ્ય એવા ગણાતાં ટ્રમ્પ ચૂંટણીને અંતે વિજેતા જાહેર થયા એ પણ સૌના માટે આશ્ર્ચર્યજનક બાબત તો છે જ, પરંતુ સત્તાના કોઇપણ સ્તરે લગીરેય અનુભવ ન ધરાવતા ટ્રમ્પ ઉદ્યોગ જગતના બહુ જૂના ખેલાડી છે. એમણે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાની નીતિમાં સામ-દામ-દંડ-ભેદની નીતિઓને સુપેરે પ્રયોગમાં લઇને બિલ ક્લિન્ટનથી માંડીને બરાક ઓબામા સુધીની અમેરિકી પ્રમુખના કાર્યકાળમાં સત્તાનો સતત અને એકદમ નજીકનો અનુભવ ધરાવતા હિલેરી ક્લિન્ટનને શિકસ્ત આપી છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઇ આવ્યા એ આમ તો આશ્ર્ચર્યજનક વાત છે. સત્તાના કોઇપણ સ્તરે કોઇ જ અનુભવ તેઓ ધરાવતા નથી. આમ છતાં તેમણે હિલેરી ક્લિન્ટન જેવા પીઢ રાજકારણીને મહાત આપી. ઉદ્યોગજગતના બહુ જૂના ખેલાડી ટ્રમ્પની જીત પાછળનું કોઇ કારણ હોય તો તે છે અમેરિકી મિજાજને પારખવાની એમની શક્તિ…
ટ્રમ્પ ઉદ્યોગ જગતના જૂના ખેલાડી છે એ નાતે એમના તરફથી કોઇક ને કોઇક અવનવી બાજી રમવામાં આવશે એવી ગણતરી સૌની હતી. પરંતુ જ્યારે ટ્રમ્પ પોતાનું ટ્રમ્પકાર્ડ ચાલ્યા ત્યારે સૌ અવાક્ રહી ગયા અને અમેરિકી નાગરિકોએ ખોબલે ખોબલે મત આપીને ટ્રમ્પને વધાવી લીધા.
ટ્રમ્પની જીત પાછળનું સૌથી મોટું કારણ હોય તો એ અમેરિકી મિજાજને પારખવાની એમની શક્તિ છે. એક સફળ અબજોપતિ ઉદ્યોગપતિ તરીકે એમની કાર્યશૈલીમાં આ બાબત વણાયેલી છે. વિશ્ર્વભરમાં અત્યારે એક પ્રકારે પરોક્ષ મંદીનો માહોલ બની રહ્યો છે ત્યારે ધંધા-રોજગાર ઉદ્યોગ અગત્યના બની જાય એ સ્વાભાવિક છે. અમેરિકા આમ તો મલ્ટિનેશનલ નેશન છે પરંતુ ત્યાંના મોટાભાગના લોકો, તકનીકની દૃષ્ટિએ, મહેનત-મજૂરીની દૃષ્ટિએ અન્ય લોકો કરતાં ખાસા પાછળ પડે છે. એટલે જ બરાક ઓબામા હોય કે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે અમેરિકી નાગરિકોના હકમાં, આઉટ સોર્સિંગ કે
બહારથી આવીને વસનારા કર્મઠ લોકો સામે લાલ આંખ કરવાની વાત દોહરાવતા રહેવું પડે છે.
આમ પણ જે રીતે ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે કોલ સેન્ટરમાં કામ કરનારા ભારતીય લોકોની જે રીતે મજાક કરી હતી અને બિલકુલ ઓબામાની જેમ જ આઉટ સોર્સિંગ ઉપર પ્રહાર કર્યા હતા, એ ઉપરથી તો એક એવી ધારણા બંધાઇ છે કે ટ્રમ્પ ભારતીયો અને ખાસ કરીને તકનીકી ક્ષેત્ર સાથે સંકળાયેલા ભારતીયો માટે કોઇક ગંભીર પગલાં લેશે. જો કે, બીજી તરફ એ વાત પણ એટલી જ સાચી છે કે સતત યુદ્ધખોરી અને બેકારી વચ્ચે અથડાતા-ફૂટાતા અમેરિકી યુવાનોને પોતાની તરફ આકર્ષવા માટે એ ટ્રમ્પનું ટ્રમ્પકાર્ડ હતું. એમણે યુવાનોની યુદ્ધથી દૂર શાંતિપ્રિય પરિસ્થિતિ અને નિશ્ર્ચિત આવકની રોજગારી-કામકાજ પ્રત્યેના વલણને જોઇ-જાણીને પોતાનો ચૂંટણી પ્રચાર એની આસપાસ રાખ્યો હતો. જો કે, રાજનીતિમાં કહેવાય છે અને એમાં ય ચૂંટણી પ્રચાર વખતે કહેવાય છે એ તો ખાસ, ચૂંટણી જીત્યા પછી ક્યારેય પાળવામાં આવતું નથી.
છતાં અમેરિકી વહેણ અને તે બાબતોના જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત માટે સાવ નિરાશાજનક સાબિત થશે નહીં. એક મત એવો પણ છે કે તેઓ આતંકવાદ વિરોધી આક્રમક વલણને લીધે, આતંકવાદને પોષતા અને ખાસ તો ભારતના વિરોધી દેશો, પાકિસ્તાન અને ચીન માટે ચોક્કસપણે મુશ્કેલી ઊભી કરી શકે છે. યેનકેન પ્રકારેણ જે રીતે ચીન અને પાકિસ્તાન છેલ્લા દશકોથી અમેરિકાનો રાજકીય અને અબજો ડોલર્સની આર્થિક સહાય લઇને અમેરિકી શક્તિ અને સમૃદ્ધિનો દુરુપયોગ કરી રહ્યા છે એમ થવા દેવાની ટ્રમ્પ બિલકુલ વિરુદ્ધ છે. ટ્રમ્પના ભાષણો અને અત્યાર સુધીના વલણ ઉપરથી લાગે છે કે તેઓ આ બંને દેશોને મુશ્કેલીઓ સર્જી શકે છે. અમેરિકાના નાણાંના જોરે પાકિસ્તાને પોતાના શસ્ત્ર, સુરક્ષા અને રાજકીય કદ વધાર્યા છે. જ્યારે ચીને પોતાનો આર્થિક વિકાસ સાધ્યો છે. જાનના બદલામાં અમેરિકાના ભાગમાં હંમેશાં ઘસાવાનું આવ્યું છે. એનો મહામૂલો ડોલર આ દેશોના વિકાસ અને સુરક્ષામાં એટલો બધો કામમાં આવ્યો છે કે હવે એ
અમેરિકાના વિકાસ અને સુરક્ષાની સામે ખતરારૂપે મંડરાવા લાગ્યો છે. એટલું જ નહિ, ચીનના વેપાર વિકાસને લીધે અમેરિકી કંપનીઓ અને એના અમેરિકન કર્મચારીઓ માટે પણ ધંધા-રોજગારનો એક અવકાશ સર્જાયો છે. આઉટ સોર્સિંગ સેક્ટરમાં નોકરીઓ નીતિવિષયક ફેરફાર આવે તો ભારતના તકનિકી વ્યવસાયને પણ નુકસાન થાય એમ છે. છતાં સરવાળે જોઇએ તો એમાં ચીનને વધુ નુકસાન થાય એમ છે.
રહી વાત પાકિસ્તાન અને એના આતંકવાદની. પૂર્વ અમેરિકી રાજદ્વારી વિલિયમ એચ. એવરી તો ત્યાં સુધી કહે છે કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાન માટે ટ્રમ્પનો વિજય સૌથી ખરાબ અહેવાલ બની રહ્યા હતા. જગજાહેર બાબત છે કે ટ્રમ્પ પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ કહી ચૂક્યા છે. તો જ્યારે અમેરિકાના પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા કે ભારતીય વડાપ્રધાને તરત જ એમને ફોન કરીને અભિનંદન આપ્યા છે. કૂટનીતિના ક્ષેત્રમાં ટ્રમ્પ કરતાં નમોની પાસે બહોળો અનુભવ છે. વડાપ્રધાનપદની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના દબદબાને સ્થાપિત કરવાની સંપૂર્ણ કવાયત એની શાહિદી પૂરે છે, ત્યારે હવે એવી આશા પ્રબળ બની છે કે આતંકવાદના વિરોધના મુદ્દા પર ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સાથે સહયોગ વધારશે અને એ મુદ્દા પર પાકિસ્તાનને ઘેરવામાં બરાક ઓબામા કરતાં પણ મજબૂત રીતે ભારતની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહેશે. આમ તો રિપબ્લિકનના બહુમતવાળી અમેરિકી સંસદે પોતાના દેશમાં પાંગરેલી અને ફૂલેલી-ફાલેલી આતંકવાદી સંસ્થાઓ પર કાર્યવાહી ન કરવા પર પાકિસ્તાનને ૩૦ કરોડ ડોલરની સૈન્ય મદદ અટકાવી છે તે પણ ઘણી સૂચક છે. ડોનાલ્ડ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર છે અને અમેરિકી સંસદમાં એમના પક્ષની બહુમતી છે એટલે સંજોગોની દૃષ્ટિએ તકો ઉજ્જવળ છે.
ચીન માત્ર ભારતની સુરક્ષાને કે શક્તિને પડકારરૂપ છે એવું નથી. રશિયા પછી અમેરિકા માટે ચીન પણ એક માથાનો દુ:ખાવો છે. એને ચેક-મેટ આપવા માટે ટ્રમ્પ પોતાના જેવા જ આક્રમક રાજનેતા નમોની સાથે ઊભા રહીને એમને કેટલીક બાબતોએ બિનશરતી ટેકો આપી શકે છે. એમાં સુરક્ષા પરિષદમાં ભારતની કાયમી
સભ્યપદની માગણીને ટેકો આપવાનું પગલું અત્યંત મહત્ત્વનું સાબિત થઇ શકે એમ છે. વળી ચીન ત્યાં પાકિસ્તાનની તરફેણમાં ભારતને આવો દરજજો આપવાનો સતત અને ખૂલ્લેઆમ વિરોધ કરી રહ્યું છે ત્યારે ચીનવિરોધી માનસિકતા ધરાવતા ટ્રમ્પ પોતાના અમેરિકાને ફરીથી મહાન બનાવવા માટે પણ ભારત સાથે ખભેખભો મિલાવી શકે એમ છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વિશે ભારતીયોએ આવી આશા સેવવાના અનેક કારણો છે. એમાં સૌથી અવ્વલ છે કે તેઓ એકમાત્ર એવા ઉમેદવાર છે જેમણે ચૂંટણી પહેલાં ભારતીય અમેરિકી સમુદાયને સંબોધિત કર્યો છે. એટલું જ નહિ, એમણે પોતાના પરિવાર સહિત હિન્દુ પૂજાવિધિ પણ કરી તેમજ દિવાળી, નૂતનવર્ષની ઉજવણીમાં પણ હોંશથી ભાગ લીધો છે. અમેરિકામાં ભારતીયોનો દબદબો તો ઘણાં સમયથી છે અને નમોના ઓબામા સાથેના સંબંધો અને અમેરિકી સમુદાયના પ્રયાસો જોતાં આ આં.રા. સંબંધ રાજનીતિ અને સુરક્ષાની એક નવી ધરી ઊભી કરી શકે એમ છે. આ લખાઇ રહ્યું છે ત્યારે ભારતીય મૂળના નિક્કી હેલીની નિમણૂક યુએન-સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકી પ્રતિનિધિ તરીકે કરી છે. આવી સિદ્ધિ મેળવનારા નિક્કી હેલી ભારતીય મૂળના પ્રથમ મહિલા છે. ટ્રમ્પના આ પગલાંને પણ ભારત માટે એક શુભ સંકેત તરીકે જોવાઇ રહ્યું છે.