વેનેઝુએલાનો વિનાશક ભૂકંપ શું ધરતીનું રેડ સિગ્નલ કે ટેક્ટોનિક પ્લેટોનું સ્વાભાવિક વિજ્ઞાન?

-દીપક જગતાપ  બાળપણમાં રમત સ્વરૂપે પત્તાના મહેલની રમત રમતા હતા. ખૂબ જ મહેનત કરીને બનાવેલો પત્તાનો મહેલ સહેજ આંગળી અડતાં જ કડડભૂસ થઈને ધરાશાયી થઈ જતો. તે સમયે તે માત્ર એક રમત હતી, પરંતુ તાજેતરમાં વેનેઝુએલામાં થયેલ ભૂકંપ પછી ગગનચુંબી ઈમારતોને પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી જોતી બાળપણની એ સંવેદના આજે વેદનામાં પરિણમી છે. ત્યારે …

-દીપક જગતાપ 

બાળપણમાં રમત સ્વરૂપે પત્તાના મહેલની રમત રમતા હતા. ખૂબ જ મહેનત કરીને બનાવેલો પત્તાનો મહેલ સહેજ આંગળી અડતાં જ કડડભૂસ થઈને ધરાશાયી થઈ જતો. તે સમયે તે માત્ર એક રમત હતી, પરંતુ તાજેતરમાં વેનેઝુએલામાં થયેલ ભૂકંપ પછી ગગનચુંબી ઈમારતોને પત્તાના મહેલની જેમ ધરાશાયી થતી જોતી બાળપણની એ સંવેદના આજે વેદનામાં પરિણમી છે. ત્યારે અજાણતા આંગળી અડાડી હતી, જ્યારે આજે માનવજાત કુદરતના સંતુલનને સતત પડકારતી રહી છે.

માનવીએ વિકાસના નામે કુદરત સાથે સતત છેડછાડ કરી છે. ઊંચી-ઊંચી ઈમારતો, વિશાળ ટનલો, વિશાળ ડેમ, ખાણકામ અને જંગલોનો વિનાશ જેવી પ્રવૃત્તિઓએ પ્રકૃતિના સંતુલન પર અસર કરી છે. જોકે વૈજ્ઞાનિકો સ્પષ્ટ કહે છે કે આવા વિનાશક કુદરતી ભૂકંપોનું મુખ્ય કારણ ટેક્ટોનિક પ્લેટોની ગતિ છે, માનવીય પ્રવૃત્તિઓ કેટલીક જગ્યાએ નાના અથવા મધ્યમ સ્તરના કંપનોને પ્રેરિત કરી શકે છે, પરંતુ આવા મહાવિનાશક ભૂકંપોનું સીધું કારણ માનવી નથી. તેમ છતાં પ્રકૃતિ પ્રત્યે આપણી બેદરકારીના પરિણામે આપત્તિઓનો પ્રભાવ ચોક્કસ વધી શકે છે.

તાજેતરમાં વેનેઝુએલામાં માત્ર ૩૯ સેકન્ડના અંતરે આવેલા બે શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. આ દુર્ઘટનામાં અનેક ઈમારતો ધરાશાયી થઈ ગઈ, એરપોર્ટને નુકસાન પહોંચ્યું અને મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થયા. સરકારી અહેવાલો મુજબ ૨૨૯૫ જેટલાં લોકોના મોત થયા છે અને ૭૦૦થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જણાવાયું છે. આ સાથે જ અમેરિકાના ઉત્તરી કેલિફોર્નિયા, જાપાનના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં અને ભારતના જમ્મુ-કાશ્મીરમાં પણ અલગ-અલગ તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે વિશ્ર્વભરમાં લોકોમાં ચિંતા વ્યાપી ગઈ.
વેનેઝુએલાની રાજધાની કારાકાસ અને મોરોન સહિતના વિસ્તારોમાં અનેક બહુમાળી ઈમારતોને ભારે નુકસાન થયું છે. તટીય વિસ્તારો માટે સુનામી એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનાએ એક મોટો પ્રશ્ર્ન ઉભો કર્યો છે-શું પૃથ્વી કોઈ મોટા વિનાશનો સંકેત આપી રહી છે?

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિશ્ર્વના અલગ-અલગ ભાગોમાં એક જ સમયગાળા દરમિયાન ભૂકંપ આવવા એ અસામાન્ય ઘટના નથી. દરરોજ દુનિયામાં હજારો નાના-મોટા ભૂકંપ નોંધાય છે. હાલમાં એવો કોઈ વૈજ્ઞાનિક પુરાવો ઉપલબ્ધ નથી કે પૃથ્વી કોઈ વૈશ્ર્વિક વિનાશનો ‘રેડ સિગ્નલ’ આપી રહી છે. જોકે સતત સક્રિય ફોલ્ટ ઝોન ધરાવતા વિસ્તારોમાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.

વેનેઝુએલાનો ભૂકંપ: વૈજ્ઞાનિક વિશ્ર્લેષણ
વેનેઝુએલા કેરેબિયન અને સાઉથ અમેરિકન ટેક્ટોનિક પ્લેટોની સરહદ પર આવેલો દેશ છે. આ બંને પ્લેટો સતત એકબીજાની સરખામણીએ ખસતી રહે છે. વર્ષો સુધી જમીનની અંદર તાણ એકઠી થતી રહે છે અને જ્યારે આ તાણ અચાનક મુક્ત થાય છે ત્યારે ભૂકંપ સર્જાય છે.

૨૪ જૂન, ૨૦૨૬ના રોજ લગભગ ૩૯ સેકન્ડના અંતરે બે શક્તિશાળી ભૂકંપ આવ્યા. પ્રથમ ઝટકો આશરે ૭.૨ અને ત્યારબાદ ૭.૫ની તીવ્રતાનો મુખ્ય ભૂકંપ નોંધાયો હોવાનું જણાવાયું છે. બંને ભૂકંપ આશરે ૧૦ કિલોમીટર જેટલી ઓછી ઊંડાઈએ આવ્યા હોવાથી તેની અસર સપાટી પર અત્યંત વિનાશક બની.
આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં ‘સીસ્મિક ડબલેટ’ કહેવામાં આવે છે. એટલે કે એક જ ટેક્ટોનિક સિસ્ટમમાં બે અલગ છીાિીંયિ ઊદયક્ષતિં ખૂબ ઓછા સમયના અંતરે સર્જાય. પ્રથમ ઝટકાએ આસપાસના ફોલ્ટ પર દબાણનું સંતુલન બદલ્યું અને તેના પરિણામે બીજો વધુ શક્તિશાળી ભૂકંપ આવ્યો.

ભૂકંપ કેવી રીતે થાય છે?
પૃથ્વીની બહારની સપાટી અનેક ટેક્ટોનિક પ્લેટોમાં વહેંચાયેલી છે. આ પ્લેટો દર વર્ષે થોડાક સેન્ટિમીટરની ઝડપે સતત ખસતી રહે છે. જ્યાં પ્લેટો અથડાય છે, સરકે છે અથવા એકબીજા નીચે ધસી જાય છે ત્યાં ઘર્ષણના કારણે ઊર્જા સંગ્રહાય છે. જ્યારે આ ઊર્જા ખડકોની મજબૂતી કરતાં વધુ થઈ જાય છે ત્યારે ફોલ્ટ લાઇન પર અચાનક સરકણ થાય છે અને સીસ્મિક તરંગો ઉત્પન્ન થાય છે. આ જ તરંગો ધરતીને ધ્રુજાવે છે. આપણે તેને ભૂકંપ તરીકે અનુભવીએ છીએ.

વેનેઝુએલામાં વિનાશ એટલો મોટો કેમ થયો?
ભૂકંપની માત્ર તીવ્રતા જ વિનાશનું કારણ નથી. આ ઘટનામાં અનેક પરિબળોએ મળીને નુકસાન વધાર્યું છે.
સૌપ્રથમ, બંને ભૂકંપની ઊંડાઈ ખૂબ ઓછી હતી, જેના કારણે ઊર્જા સીધી જમીનની સપાટી સુધી પહોંચી. બીજું, પહેલો ઝટકો આવ્યા પછી થોડા જ સમયમાં બીજો વધુ શક્તિશાળી ઝટકો આવતાં પહેલેથી નબળી પડેલી ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ. ત્રીજું, કેટલીક જગ્યાએ નરમ અને અવસાદી જમીન હોવાથી કંપનની તીવ્રતા વધી ગઈ. ઉપરાંત જ્યાં ભૂકંપ-પ્રતિરોધક બાંધકામના ધોરણો નબળા હોય ત્યાં જાનહાનિ વધુ થવાની શક્યતા રહે છે.

ઉચ્ચ તીવ્રતાના ભૂકંપોથી ઉત્પન્ન થતાં સીસ્મિક તરંગો હજારો કિલોમીટર સુધી માપી શકાય છે. તેથી ઉત્તર કેલિફોર્નિયા, જાપાન અથવા જમ્મુ-કાશ્મીરમાં અનુભવાયેલા આંચકાઓનો અર્થ એ નથી કે સમગ્ર વિશ્ર્વમાં એક જ ભૂકંપ આવ્યો હતો. આ વિસ્તારોમાં સ્થાનિક ટેક્ટોનિક પ્રવૃત્તિઓ અલગ-અલગ કારણોસર બની શકે છે.

શું આ માનવ ભૂલનું પરિણામ છે?
આ પ્રશ્ર્ન ખૂબ ચર્ચાસ્પદ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ મોટા કુદરતી ભૂકંપોનું મુખ્ય કારણ ટેક્ટોનિક પ્લેટોની ગતિ છે. માનવી ડાયરેકટ આવા મહાભૂકંપ સર્જી શકતો નથી.
પરંતુ કેટલાક સંજોગોમાં ખાણકામ, ઊંડા બોરવેલમાં પ્રવાહી ઈન્જેક્શન, વિશાળ જળાશયો, પરમાણુ પરીક્ષણો અથવા કેટલીક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સ્થાનિક સ્તરે નાના કે મધ્યમ કંપનોને પ્રેરિત કરી શકે છે. બીજી તરફ જંગલોનો વિનાશ, બિનઆયોજિત શહેરીકરણ અને નબળા બાંધકામના કારણે કુદરતી આપત્તિઓ વધુ ઘાતક બની શકે છે.
ભૂકંપનું કારણ કુદરતી છે, પરંતુ તેનું નુકસાન કેટલું થશે તે મોટા ભાગે માનવીની તૈયારી અને આયોજન પર આધાર રાખે છે.

વારંવાર મોટા ધરતીકંપ કેમ થાય છે?
વિશ્વમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં ટેક્ટોનિક પ્લેટોની સરહદો સક્રિય છે. આવી જગ્યાઓ પર વારંવાર મોટા અથવા મધ્યમ ભૂકંપ આવવાની શક્યતા રહે છે. ક્યારેક મુખ્ય ભૂકંપ પછી અઠવાડિયા કે મહિનાઓ સુધી આફ્ટરશોક્સ આવતા રહે છે, જેને કારણે લોકોમાં સતત ભય રહે છે.

કોઈ વિસ્તારમાં વારંવાર આંચકા આવે એટલે ત્યાં તરત જ વધુ મોટો ભૂકંપ આવશે એવું માનવું યોગ્ય નથી. હાલમાં વિશ્ર્વમાં એવી કોઈ ટેક્ધોલોજી ઉપલબ્ધ નથી જે ચોક્કસ સમય, સ્થળ અને તીવ્રતાની આગાહી કરી શકે.

જોખમ ઘટાડવાના ઉપાયો

  • ભૂકંપને રોકી શકાતો નથી, પરંતુ તેની અસર ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
  • ભૂકંપ-પ્રતિરોધક ઈમારતોનું નિર્માણ કરવું.
  • ફોલ્ટ ઝોનમાં કડક બિલ્ડિંગ કોડ અમલમાં મૂકવા.
  • આધુનિક સીસ્મિક મોનિટરિંગ સિસ્ટમ મજબૂત બનાવવી.
  • લોકોને ’ઉજ્ઞિા, ઈજ્ઞદયિ, ઇંજ્ઞહમ ઘક્ષ’ જેવી સુરક્ષા પદ્ધતિ અંગે તાલીમ આપવી.
  • આપત્તિ વ્યવસ્થાપન, બચાવ કામગીરી અને આરોગ્ય સેવાઓને વધુ કાર્યક્ષમ બનાવવી.
  • શાળાઓ, હોસ્પિટલો અને જાહેર સ્થળોએ નિયમિત મોક ડ્રિલ યોજવી.

વિશ્વના સૌથી વિનાશક ભૂકંપો
છેલ્લા કેટલાક દાયકાઓમાં દુનિયાએ અનેક વિનાશક ભૂકંપોનો સામનો કર્યો છે. જેના કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે એટલે આપત્તિ વ્યવસ્થાપનની નીતિઓમાં હવે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

  • ૧૯૭૬ – ચીન (તાંગશાન): અંદાજે ૨.૪૨ લાખથી વધુ લોકોના મોત.
  • ૨૦૦૪ – હિંદ મહાસાગર સુનામી: ઈન્ડોનેશિયા સહિત અનેક દેશોમાં ૨ લાખથી વધુ લોકોના મોત.
  • ૨૦૧૦ – હૈતી: અંદાજે ૨.૨ લાખથી વધુ લોકોના જીવ ગયા.
  • ૨૦૧૧ – જાપાન: જાપાનના આ શક્તિશાળી ભૂકંપમાં અને સુનામીમાં આશરે ૧૯ હજાર લોકોનાં મોત થયેલા.
  • ૨૦૨૩ – તુર્કી અને સીરિયા: તુર્કી અને સીરિયામાં આવેલ ભૂકંપથી ૫૦ હજારથી વધુ લોકોનાં મોત અને લાખો લોકો બેઘર બન્યા હતા.
  • વેનેઝુએલાનો તાજેતરનો ભૂકંપ પણ આ વિનાશક ઘટનાઓની યાદીમાં હવે સ્થાન મેળવશે.

વેનેઝુએલાનો આ ભૂકંપ આપણને ફરી એકવાર યાદ અપાવે છે કે પૃથ્વીનું આંતરિક તંત્ર સતત ગતિશીલ છે. તેને માત્ર ‘પ્રકૃતિનું રેડ એલર્ટ’ કહી દેવું વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી, પરંતુ તે ચોક્કસપણે એ સંદેશ આપે છે કે કુદરતી આપત્તિઓ સામે માનવજાતે હવે વધુ સજ્જ થવું પડશે.

ભૂકંપ અટકાવી શકાતો નથી, પરંતુ વૈજ્ઞાનિક સમજ, મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કડક બાંધકામ ધોરણો, અસરકારક આપત્તિ વ્યવસ્થાપન અને જનજાગૃતિ દ્વારા હજારો જીવ બચાવી શકાય છે. કુદરત સામે જીતવાનો પ્રયાસ કરવાને બદલે કુદરતને સમજીને તેના નિયમો સાથે સંવાદિતતા સાધી વિકાસ કરવો એ જ માનવજાત માટે સૌથી મોટો પાઠ છે. આજે વેનેઝુએલાની દુર્ઘટના સમગ્ર વિશ્ર્વ માટે ચેતવણી નથી, પરંતુ તૈયારી, જવાબદારી અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાનો એક ગંભીર સંદેશ છે ચોક્કસ વાત છે.

Feelings Multimedia

Feelings Multimedia

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *