
ઉજ્જૈનના રાજા વિક્રમ વિશેની અનેક દંતકથાઓ તમે સાંભળી હશે. ‘વિક્રમ ઔર વૈતાલ’ પછી ‘બત્રીસ પૂતળીની વાર્તા’ કે ‘સિંહાસનબત્રીસી’ હોય, લોકમુખે તેમની આ વાર્તાઓ સદીઓથી ચર્ચાતી રહી છે. ઇતિહાસકારો ચંદ્રગુપ્ત દ્વિતિય એ જ રાજા વિક્રમાદિત્ય હોવાનું કહે છે. તેમનું શાસન એટલું શ્રેષ્ઠ હતું કે તે પરદુ:ખભંજક તરીકે પ્રખ્યાત થયાં હતા. ભારત ઉપરાંત વર્તમાન અફગાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશો પર પણ તેમનું શાસન હતું. તેમના યુગમાં ભારત એટલું સમૃદ્ધ હતું કે તે ‘સોનેકી ચીડિયા’ તરીકે પ્રસિદ્ધ થયું હતું.
ભારતના ઇતિહાસમાં વીર વિક્રમાદિત્યના નામથી પ્રસિદ્ધ બનેલો ચંદ્રગુપ્ત, પ્રતાપી પિતાનો પ્રતાપી પુત્ર હતો. તે સમ્રાટ સમુદ્રગુપ્ત અને દત્તદેવીનો બીજા ક્રમનો પુત્ર હતો. તેનાથી મોટો ભાઈ રામગુપ્ત હતો.
ગુપ્ત સામ્રાજ્ય ૩ સદી સુધી જ શાસન કરી શક્યું હોવા છતાં તે સમયનું સાહિત્ય, કલા અને વિજ્ઞાનમાં નવીન પ્રગતિ કરી હતી અને વ્યવહારદક્ષ સંસ્કૃતિ વિકસાવી હતી.
આજે સમગ્ર એશિયા અને વિશ્ર્વભરમાં તેની કલા, નૃત્ય, ગણિત અને અન્ય ઘણા ક્ષેત્રોમાં તેનો પ્રભાવ જોવા મળે છે. મોટાભાગના વિદ્વાનો દ્વારા ગુપ્તયુગને ભારતના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ઈતિહાસમાં ગુપ્તકાળને સુવર્ણયુગ કહેવા માટેના અનેક કારણો છે. જે તે મહાન સમ્રાટોનો યુગ, રાજનૈતિક એકતાના ગુણો, શાંતિ તઙ્ખા સુવ્યવસ્થા, સાહિત્ય ઉત્કર્ષ, વૈજ્ઞાનિક ઉન્ઙ્ગતિ, કલાની ચરમસીમા, વૈદિક સભ્યતા તથા સંસ્કૃતિની રક્ષા, ધાર્મિક સહિષ્ણુતા, વિદેશમાં ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના પ્રસાર – પ્રચારનો યુગ હતો. તેથી જ તેને ભારતીય ઈતિહાસમાં ગુપ્તકાળને સુવર્ણયુગ કહેવામાં આવે છે. ઉપરોક્ત મહાન સમ્રાટોના યુગના એક મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય વિશે વાત કરીશું…

ડો. હરિપ્રસાદ શાસ્ત્રી પ્રાચીન ભારતના ભાગ-૧માં જણાવે છે કે, સમુદ્રગુપ્તનો આ પુત્ર એના પિતા કરતાંય વધારે પ્રતાપી નીવડ્યો. એનું નામ ‘દેવગુપ્ત’ પણ હતું પરંતુ એ સામાન્યત: એના પિતામહની જેમ ‘ચંદ્રગુપ્ત’ તરીકે ઓળખાતો. એ ગુપ્ત સંવત ૫૭ (ઈ.સ. ૩૭૬- ૭૭)માં ગાદીએ આવ્યો. ચંદ્રગુપ્ત પહેલેથી વીર અને પ્રતાપી હતો; અને એને લઈને એને ધ્રુવદેવી તેમજ રાજ્યશ્રી વરી હતી.
જિતેન્દ્ર પટેલ પોતાના પુસ્તક ‘ભારતના સમ્રાટ’માં લખે છે કે, ચંદ્રગુપ્ત બાળપણથી પરાક્રમી હતો. કહેવાય છે કે, કિશોરાવસ્થામાં એણે સિંહનો શિકાર કરેલો. આ પરાક્રમના પુરાવા આપતા એ સમયના સિક્કા આજે પણ મોજૂદ છે. ત્યારથી ચંદ્રગુપ્તની કીર્તિ ચોમેર ફેલાઈ ગયેલી અને પિતા સમુદ્રગુપ્તની નજરમાં તે વસી ગયેલો. સમુદ્રગુપ્તે એ વખતે જ નક્કી કરી નાખેલું કે પોતાનો ઉત્તરાધિકારી ચંદ્રગુપ્તને જ બનાવવો. ભલે રામગુપ્ત તેના કરતાં મોટો હોય. સમુદ્રગુપ્તના આ નિર્ણયની સાક્ષી પૂરતો મથુરા પાસેનો શિલાલેખ આજે પણ મોજૂદ છે. જો કે ચંદ્રગુપ્તે પિતાજીને વિનંતી કરી કે રામગુપ્તને જ રાજા બનાવવામાં આવે કારણ કે તે જ્યેષ્ઠ છે અને સમુદ્રગુપ્તે વિનંતી સ્વીકારી.
સમુદ્રગુપ્તના મૃત્યુ પછી રામગુપ્ત રાજા બન્યા પરંતુ તે નિર્બળ હતા તેથી શકરાજે હુમલો કરવાની યોજના બનાવી. જો કે ચંદ્રગુપ્ત અને ધુ્રવદેવીએ શકરાજ તોરમાણને પરાજિત કર્યો અને તેના કારણે તેમનો પ્રજાએ જયજયકાર કર્યો એ રામગુપ્તથી સહન ન થયું.
ગુપ્ત સામ્રાજ્યના મુખ્ય સ્રોત દેવીચંદ્રગુપ્તમ નામનું નાટક વિશાખાદુત્ત દ્વારા ઘણી માહિતી જાણવા મળે છે. રામગુપ્ત તેમના પિતાથી વિપરીત, નબળો અને બેદરકાર શાસક હતો. અંતે ચંદ્રગુપ્તનો
જયજયકાર સહન ન થતાં ચંદ્રગુપ્તને મારી નાખવા ષડ્યંત્ર રચ્યું. જોકે ષડ્યંત્રમાં તેનું જ મૃત્યુ થયું. 

કેટલાક ઇતિહાસકારોનું કહેવું છે કે, ચંદ્રગુપ્ત અને ધ્રુવદેવીએ જ મળીને રામગુપ્તની હત્યાનું ષડયંત્ર રચેલું. આ વાત સાથે મોટાભાગના ઈતિહાસકારો સહમત થતા નથી. ઈ. સ. ૩૭૬માં ચંદ્રગુપ્તનો રાજ્યાભિષેક થયો. રાજપુરોહિત અને પ્રજાના પ્રતિનિધિઓએ ચંદ્રગુપ્તને રાજતિલક કર્યું અને ધ્રુવદેવીને વિનંતી કરી કે, ‘મગધનાં મહારાણી તરીકે આપ જ યોગ્ય છો. આપ મહારાજ ચંદ્રગુપ્તને પતિ તરીકે સ્વીકારો એવી અમારી વિનંતી છે. આમ કરવામાં લેશમાત્ર અજુગતું નથી કે કોઈ અધર્મ નથી.’ ધ્રુવદેવી અને ચંદ્રગુપ્ત બધાંની ઇચ્છાને માન આપી લગ્નગ્રંથિથી જોડાયાં. રાજ્યાભિષેક વખતે ચંદ્રગુપ્તે ભરી સભામાં પ્રતિજ્ઞા કરી કે ‘જ્યાં સુધી દેશભરમાંથી શક લોકોને જડમૂળથી ઊખેડીને તેમનો નાશ નહિ કરું ત્યાં સુધી હું જંપીશ નહિ.’
ઈ.સ. ૪૦૦ના અરસામાં ચંદ્રગુપ્તે માળવાના રાજય પર ચડાઈ કરી. એની સાથે એના અનેક અમાત્યો અને સેનાપતિઓ આવ્યા હોય તેવું જણાય છે. માળવામાં લગભગ અઢી-ત્રણ સદીથી પશ્ર્ચિમી ક્ષેત્રપ કુળના શક રાજાઓનું શાસન પ્રવર્તતું હતું. આ સમયે તે વંશમાં રાજા મહાક્ષત્રપ સ્વામી રુદ્રસિંહ ૩જો રાજ્ય કરતો હતો. એના સિક્કાઓમાં (શક સંવતના) વર્ષ ૩૨૦ (ઈ.સ. ૩૯૮-૯૯) સુધીના વર્ષ મળ્યાં છે. ચંદ્રગુપ્તે માળવામાં પોતાના જીવનનાં છેલ્લાં ઘણાં વર્ષ ગાળ્યાં એવું ત્યાંના અભિલેખો પરથી માલૂમ પડે છે.

સંભવત: ગુજરાતમાં ત્યારે ક્ષત્રપવંશની જગ્યાએ શર્વ ભટ્ટારક નામે કોઈ શૈવ રાજાની સત્તા પ્રવર્તતી હતી અને ચંદ્રગુપ્તે આખરે સૌરાષ્ટ્ર સુધીના એ પ્રદેશ પર પણ પોતાની સત્તા પ્રસારી દીધી. પશ્ર્ચિમ ભારતના વિજયથી ગુપ્ત સામ્રાજયનું શાસન હવે પશ્ર્ચિમ સમુદ્ર પર્યંત પ્રસર્યુ. ચંદ્રગુપ્ત વર્ષો સુધી અવંતિમાં રહ્યો ને ઉજ્જયિની જાણે એની બીજી રાજધાની બની રહી. પ્રતાપી ચંદ્રગુપ્તે પરાક્રમી સમુદ્રગુપ્તની જેમ ‘વિક્રમાદિત્ય’ એવું અમર નામ ધારણ કર્યુ.
સાન્ધિવિગ્રહક વીરસેનના લેખમાં રાજાધિરાજ ચંદ્રગુપ્તના દિગ્વિજયનો ઉલ્લેખ આવે છે. દિલ્હી પાસે મેહરોલીમાં આવેલા કુતુબમિનારની નજીકમાં રહેલા લોહસ્તંભ પરના લેખમાં ‘ચન્દ્ર’ નામે રાજાનાં પરાક્રમોની પ્રશસ્તિ કરેલી છે. એ રાજાએ પૂર્વમાં બંગદેશ પર્યંત, પશ્ર્ચિમમાં સિંધુનાં સાતમુખ પર્યંત, ઉત્તરમાં વાર્લિક (બલ્ખ)એટલે આજનું અફઘાનિસ્તાન પર્યંત, અને દક્ષિણમાં સમુદ્રપર્યંત દિગ્વિજય કર્યો હોવાનું એમાં જણાવેલું છે. આ રાજા તે ગુપ્તવંશનો ચન્દ્રગુપ્ત બીજો હોવો જોઈએ એવો ઘણો સંભવ મનાય છે.
પંજાબનાં ગણરાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી સામ્રાજ્યનો વિસ્તાર છેક કાશ્મીર સુધી કર્યો. ચંદ્રગુપ્તના આ વિજયનું વર્ણન કવિ કલ્હણે તેમના ગ્રંથ ‘રાજતરંગિણી’માં કર્યું છે.
દિલ્હીમાં કુતુબમિનાર પાસે લોહસ્તંભ પર લખેલા લેખ મુજબ પશ્ર્ચિમમાં બલ્ખ (બૈક્ટ્રિયા)થી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું રાજ્ય વિસ્તરેલું હતું. ઉપરોકત વિજયો જોતાં સ્પષ્ટ જણાય છે કે, ચંદ્રગુપ્ત મૌર્ય પછી આટલા મોટા પ્રદેશ પર કોઈ અન્ય ભારતીય શાસકે શાસન કર્યું નથી.