
અત્તરવેગે પ્રસરી રહેલી ગુજરાતની કલાસંસ્કૃતિની ખૂશ્બુ પરદેશમાં પ્રસરાવી ગુજરાતી હોવાના ગૌરવને ગરિમા અર્પણ કરતો મસ્કત ગુજરાતી સમાજ પોતાની ગોલ્ડન જ્યુબિલી ઉજવી રહ્યો છે. છેલ્લા 50 વર્ષોથી ઓમાનમાં અનેકવિઘ પ્રવત્તિઓથી ગુજરાતને જીવંત રાખતી આ સંસ્થા ધન્યવાદને પાત્ર છે.
તાજેતરમાં આ સંસ્થા દ્વારા
તા.10-05-2024ના રોજ ગુજરાત દિનની શાનદાર ઉજવણી મહાજન ઓડિટોરિયમમાં કરવામાં આવેલ હતી. ઉત્સાહી અને કર્મનિષ્ઠ સંયોજક ચંદ્રકાંતભાઈ ચોથાણીના પ્રયાસોથી ગુજરાતના જાણીતા વક્તાઓ-પત્રકાર જય વસાવડા અને નેહલ ગઢવી પોતાના વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ ઉપસ્થિત રહ્યા હતાં.


કાર્યક્રમની શરૂઆતમાં કલાબેન વેદ અને દિલેશભાઈ રામૈયાનાં સંચાલન હેઠળ મુખ્ય અતિથી બકુલભાઈ મહેતા, પ્રમુખશ્રી અરવિંદભાઈ ટોપરાણી તથા રાજુભાઈ વેદનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

મહેમાનોનું શાબ્દીક સ્વાગત ર્ક્યા બાદ બોર્ડ મેમ્બર્સ સર્વશ્રી કિરણભાઈ આશર, રાજેન્દ્ર વેદ, દિલીપભાઈ મહેતા, અનિલ વાદેર, શ્રીમતી આશાબેન
ખીમજી, દેવયાનીબેન સંપટ, શ્રીમતી સરોજબેન મહેતા તથા ક્ધવીનર ચંદ્રકાંતભાઈ ચોથાણી જોડાયા હતાં. મુખ્ય અતિથિ બકુલભાઈ મહેતાએ પોતાના પ્રાસંગિક ઉદૃ્બોધનમાં મસ્કત ગુજરાતી સમાજની વિવિધતા સભર પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. ગુજરાતી સમાજ જ્યારે 50 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે આવતા વર્ષે આ સંસ્થા દ્વારા મસ્કતમાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત સૌને જોડાવાની તેમજ સહયોગની અપીલ કરી હતી. જય વસાવડા અને નેહલ ગઢવીએ એકદમ અલગ પ્રકારનો ટોક શો ‘સુખની સરગમ’ રજૂ કર્યો હતો. જેમાં જીવનમાં સુખી થવા માટે સાત સૂરોની રમઝટ બોલાવી હતી. માણસે સુખી થવા માટે સરખામણી ર્ક્યા વિના સંધર્ષની તૈયારી રાખવી તેમજ પરિસ્થિતિનું પરિવર્તન સ્વીકારી પડકાર ઝીલવાની સુંદર વાતો કરી હતી. સ્વભાવની મીઠાશ અને સહજ શોખ રાખી આનંદથી જીવન પસાર કરવા માટે પરિવાર અને મિત્રોની સંગતનું મહત્વ સમજાવ્યું હતું. ગૌરવ સાચવી સમન્વય કરવો, ધીરજ રાખી ક્રોધ પર નિયંત્રણ કરવું, જરૂરિયાતમંદની સેવા કરવી અને આઈ લવ યુ કરતાં આઈ કેર ફોર યુ જેવી અગત્યની વાતો કરી. 


આ બન્ને વક્તાઓએ તાળીઓના ગડગડાટથી સૌના દિલ જીતી લીધા હતાં, તેમજ શ્રોતાઓએ ભાવવિભોર થઈને સિઝન ટુ માટે તેઓને પુન: પધારવા વિનંતી કરી હતી. સમાજના પ્રમુખ શ્રી અરવિંદભાઇ ટોપરાણીએ પોતાના વક્તવ્યમાં કલાબેન વેદ તથા તેમની ટીમની સુંદર કામગીરી બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતાં.
