વ્યક્તિને પોતાના વ્યવસાયમાં પુન: સ્થાપિત કરતી વરદાનરૂપ આધુનિક ચિકિત્સા પદ્ધતિ છે ઓક્યુપેશનલ થેરાપી – ડો.અતિશ્રી કામદાર (M.O.T.)

વ્યક્તિને પોતાના વ્યવસાયમાં પુન: સ્થાપિત કરતી વરદાનરૂપ આધુનિક ચિકિત્સા પદ્ધતિ છે ઓક્યુપેશનલ થેરાપી – ડો.અતિશ્રી કામદાર (M.O.T.)

- in Shakti
1393
Comments Off on વ્યક્તિને પોતાના વ્યવસાયમાં પુન: સ્થાપિત કરતી વરદાનરૂપ આધુનિક ચિકિત્સા પદ્ધતિ છે ઓક્યુપેશનલ થેરાપી – ડો.અતિશ્રી કામદાર (M.O.T.)

ટ્રેનની વ્હીસલ વાગી, ગ્રીન સિગ્નલ અપાઇ ગયું અને ગાડી ઉપડી.. દિવ્યેશે પણ પોતાના પગને ગતિ આપી અને ચાલતી ગાડીના એક ડબ્બાને પકડી લીધો.. અને… અને… પળવારમાં ગાડીની વ્હીસલ અને દિવ્યેશની ચીસ એકાકાર થઇ ગયા. સ્હેજ માટે પકડ છૂટી. પગ લપસ્યો ને ગાડી અને પ્લેટફોર્મની વચ્ચે દિવ્યેશ પટકાઇ ગયો. મંદ ગતિમાંથી તીવ્ર ગતિ પકડતી ટ્રેન વિચિત્ર રીતે ફસાયેલ દિવ્યેશ પરથી પસાર થઇ ચૂકી હતી. ગાડીએ તો ગતિ પકડી લીધી પરંતુ દિવ્યેશના જીવનની ગતિને બ્રેક લાગી ગઇ.
મોટાભાગે ટ્રેન અકસ્માતમાં ભોગ બનનારા તેમના પગ ગુમાવતાં હોય છે. દિવ્યેશના સદ્નસીબે તેનો જીવ તો બચી ગયો, પગ પણ બચી ગયા, પરંતુ હાથ ખૂબ ખરાબ રીતે ઇજા પામ્યા. ડોક્ટર્સના અથાગ પ્રયત્નો છતાં તેના હાથની પાછલી બે આંગળીઓ બચાવી ના શકાઇ. રેલવે પ્લેટફોર્મથી હોસ્પિટલના બિછાને પહોંચતાં દિવ્યેશને એક જ વાતનો ખ્યાલ આવતો કે હું મારા વિદ્યાર્થીઓના એન્જિનિયરિંગ ક્લાસીસ અને પ્રેક્ટિકલ્સ ફરી લઇ શકીશ કે નહિ? કારણ કે, દિવ્યેશ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર હતો. વિદ્યાર્થીઓને ભણાવવાનું એનું પેશન હતું.

પ્રથમ નજરે જોતાં એમ જ લાગતું કે આ હાથ ફરી ક્યારેય કામ નહીં કરી શકે, પરંતુ અકસ્માતના છ મહિના બાદ દિવ્યેશ આજે એ જ સરળતાથી પરંતુ ફક્ત એક અંગૂઠો અને બે આંગળીની મદદથી પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો છે. આની પાછળ ડોક્ટર્સની આકરી મહેનત, ટ્રીટમેન્ટ સાથે એમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો…ઓક્યુપેશનલ થેરાપીએ.. અને એની વિશેષ ટ્રીટમેન્ટ આપનાર હતાં ડો. અતિશ્રી કામદાર.

ડો.અતિશ્રીએ કર્ણાટકના ઊડુપીમાં આવેલ પ્રખ્યાત મણિપાલ યુનિ.માંથી ઓક્યુપેશનલ થેરાપીમાં ઓર્થોપેડિકમાં માસ્ટર્સ કર્યું છે અને હાલ અમદાવાદમાં પોતાનું ક્લિનિક ધરાવે છે.

ઓક્યુપેશનલ થેરાપી અર્થાત્ કોઇપણ ઇજા, અકસ્માત કે અન્ય કોઇ પ્રકારે ખોડ-ખાંપણ હોવા છતાં વ્યક્તિ તેની રોજિંદી ક્રિયાઓ સાહજિકપણે કરી શકે એવી સારવાર. ટૂંકમાં, ઓક્યુપેશનલ થેરાપી એટલે ઇજા પછી દર્દીને પોતાના ધંધા-રોજગાર કે વ્યવસાયમાં પુન: સ્થાપિત કરવાની ખાસ ચિકિત્સા.

ડો. અતિશ્રીએ આ ક્ષેત્રમાં ઓર્થોપેડિક વિભાગમાં માસ્ટર્સ કર્યું છે. તેમણે હાથની દરેક પ્રકારની ઇજાઓમાં સ્પેશિયલાઇઝેશન કર્યું છે, આથી તેઓ ખભાથી લઇને હાથની આંગળીઓ સુધીના હાડકાં, સ્નાયુ, નસો વગેરેના Functions માટે ખાસ વિશિષ્ટ પ્રકારની સારવાર આપે છે… જેમ કે, જો કોઇ વ્યક્તિને હાથમાં ઇજા થાય છે. તેનું કાંડુ અને આંગળીઓમાં ફ્રેકચર થાય છે, ત્યારે પ્રથમ ઓર્થોપેડિક સર્જનની સારવાર લેવામાં આવે છે, પ્લાસ્ટર કે પ્લેટ કે રૉડ મૂકવા વગેરે. ત્યાર બાદ પોતાના રોજિંદા કામમાં દર્દીને પાછા લાવવાનું કામ ઓક્યુપેશનલ થેરાપી કરે છે. ઘણીવાર ઇજા બહુ ભયંકર ના હોય તો વ્યક્તિ થોડા સમય બાદ પોતાનું રોજિંદું કામ કરી શકે છે, પરંતુ ઇજા મોટી હોય અથવા તો અંગવિક્ષત થઇ ગયા હોય ત્યારે તેના કાર્યમાં ફરીથી તેને પ્રવૃત્ત કરવા માટે ઓક્યુપેશનલ થેરાપી લેવી પડે છે, જેના થકી વ્યક્તિ ધીરે ધીરે પોતાના વ્યવસાયમાં ફરીથી પ્રવૃત્ત બની શકે અને પગભર થઇ શકે.

ડો. અતિશ્રી કહે છે કે આ સારવાર ત્રણ તબક્કામાં આપવામાં આવે છે…
1) ADL Function : Activity of Daily Living કે જેમાં રોજિંદા દૈનિક કાર્યોનો સમાવેશ થાય છે. જેમ કે, ન્હાવું, બ્રશ કરવું, ખાવું, કપડાં ધોવા કે માથું ઓળવું. ટૂંકમાં રોજિંદા દૈનિક કાર્યો પહેલાંની જેમ શક્ય તેટલા જાતે કરતાં થઇ જાય, જેથી બીજા પર તેને આધારિત રહેવું ના પડે.
(2) Work Site Function : વ્યક્તિનો જે તે વ્યવસાય જેમ કે જો દરજી હોય તો મશીન ચલાવવું, કાપડ કાપવું, કાતર પકડવી, સોય-દોરાનો ઉપયોગ કરવો, અન્ય વ્યવસાયમાં ટાઇપિંગ, વિભિન્ન પ્રકારના મશીન ઓપરેટ કરવા, લખવું, પેઇન્ટિંગ… ટૂંકમાં એ તમામ પ્રકારના ધંધા રોજગાર કે વ્યસાય જેમાં હાથ, આંગળા વગેરેનો ઉપયોગ થાય છે.
(3) Leisure Activity Function : વધારાની પ્રવૃત્તિઓ જેમ કે રમત રમવી, આર્ટ એન્ડ ક્રાફટ, વધારાના અન્ય કામ કરવા, વાજિંત્રો વગાડવા વગેરે.
ટૂંકમાં ઉપરોક્ત ત્રણે કેટેગરીમાં દર્દી સ્વતંત્ર રીતે function કરી શકે તે પ્રકારની સારવાર આપવામાં આવે છે.

ડો. અતિશ્રી કહે છે કે, ‘કોઇપણ ઇજા, ખાસ કરીને હાડકાં અને સ્નાયુઓની, તો તેમાં ઇજા બાદ ફિઝિકલ પ્રોબ્લેમ્સ આવે છે, જેમ કે, જકડાવું, પેઇન થવું, સોજા આવવા વગેરે. આવા સમયે સિસ્ટેમેટિકલી સારવાર માટે ઓક્યુપેશનલ થેરાપી એ ખૂબ અગત્યની અને મહત્ત્વની બની રહે છે. અન્ય રાજ્યોની સરખામણીએ આપણા ગુજરાતીમાં આ વિશેની જાગૃતિ ઘણી ઓછી છે અને જો કેટલાકને આના વિશેની માહિતી છે તો તે ફક્ત દિવ્યાંગ બાળકો માટે જ ઉપયોગી હોય છે એવું માનનારા છે. આ બાબતે ખેદ વ્યક્ત કરતાં ડો. અતિશ્રી કામદાર જણાવે છે કે, મોટાભાગે લોકો જાગૃતિ કે માહિતીના અભાવે જીવનભર એક ખોડ સાથે જીવે છે, જ્યારે કે એ ખોડને ટ્રીટમેન્ટ દ્વારા સુધારી શકાય એમ હોય છે.
આ સારવાર અકસ્માત બાદ તુરત જ ચાલુ કરી શકાય છે. જ્યારે અંદરના ટિસ્યુ, હાડકાં, સ્નાયુઓ સ્ટેબલ થઇ જાય એવી કન્ડિશન હોય ત્યારે સમયસર ટ્રીટમેન્ટ કરાવાય તો જલદી રિકવરી આવે છે. બીજું, પ્લાસ્ટર લગાડ્યું હોય તો ઇજાગ્રસ્ત ભાગને જ નહીં, પરંતુ તેની આસપાસના ભાગમાં પણ અસર થાય છે.. આથી તેની સારવાર પણ ચાલુ કરી શકાય છે. ઇજા જૂની એટલે કે વધારે સમય થઇ ગયા બાદ ઓક્યુપેશનલ થેરાપી લેવામાં આવે તો, રિકવરી તો થાય છે પરંતુ વાર લાગે છે.

હાડકાં, સ્નાયુની ઇજા બાદ સ્ટીફનેસ વધુ આવી જાય છે ત્યારે આ થેરાપીમાં Splint ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. Splint અર્થાત્ સારવારમાં ઉપયોગી સહાયભૂત એવા વિશિષ્ટ સાધનો કે જે મેટલ અને પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે. આ સાધનોની મદદથી જે તે અંગોના Functionમાં ખૂબ સરળતા રહે છે. દા.ત. જો કાંડામાં ઇજા થઇ હોય અને હાથથી દરવાજાને ધક્કો મારી ખોલવાનો હોય તો જો કાંડું પૂરેપૂરું જોર-પ્રેશર ના આપી શકતું હોય એટલે કે કાંડાનું Function કમજોર પડી ગયું હોય ત્યારે આવા  splint તથા adaptive device ખૂબ સહાયરૂપ રહે છે અને વ્યક્તિ એની મદદથી એનું કાર્ય સરળતાથી કરી શકે છે. એ જ રીતે જો અંગૂઠો કપાઇ જાય કે એનું Function અસરગ્રસ્ત થાય તો અંગૂઠા વડે થતા કામો જેવા કે લખવું, પકડવું, ઉપાડવું, મૂકવું વગેરે ક્રિયાઓમાં ખૂબ મુશ્કેલી થાય, ત્યારે વ્યક્તિને પહેલાની જેમ જ જે પ્રકારે, જે સ્થિતિમાં અંગૂઠાથી ક્રિયા થતી હતી તે જ રીતે કરવામાં Adaptive device ખૂબ ઉપયોગી બની રહે છે. એ જ પ્રમાણે જન્મજાત ખોડખાંપણમાં પણ આ થેરાપી કારગત નીવડી છે.

આ થેરાપીની સાથે સાથે, સારવાર લેનાર વ્યક્તિને સાયકોલોજિકલ માર્ગદર્શન પણ આપવામાં આવે છે, જે વ્યક્તિને માનસિક, સામાજિક અને આર્થિક સ્તરે પગભર બનાવવા માટે ઘણું મહત્ત્વનું હોય છે. કારણ કે, દર્દી જો તેના રોજિંદા કામો સ્વતંત્ર રીતે કરી શકે તો લાઇફમાં પોઝિટિવિટી ફીલ કરી શકે છે.

ડો.પ્રવીણ કાનાબાર અમદાવાદના વરિષ્ઠ અને ખ્યાતનામ ઓર્થોપેડિક સર્જન છે. તેઓ કહે છે કે, ઓક્યુપેશનલ થેરાપી ટ્રીટમેન્ટની મદદથી ઇજાગ્રસ્ત દર્દી ઝડપભેર એના રૂટિન કામકાજમાં પાછો પરોવાઇ શકે છે, જ્યારે દેશના વરિષ્ઠ અને જાણીતા ઓક્યુપેશનલ થેરાપિસ્ટ ડો.શોવાન સાહાના મત મુજબ પણ ઓક્યુપેશનલ થેરાપી દર્દીને ઝડપભેર એના કામકાજના પગથિયે પાછો મૂકી આપે છે.

ટૂંકમાં વિશેષ કસરત, Splint, Adaptive Device તેમજ માર્ગદર્શન આ તમામની સહાયથી ઓક્યુપેશનલ થેરાપી દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિનું તેના રોજિંદા ગૃહકાર્યો તથા વ્યવસાયમાં પુન: સ્થાપન કરાય છે. જેમાં ડો. અતિશ્રી કામદાર નિષ્ણાત છે. તેમનો મિલનસાર સ્વભાવ પણ દર્દીને તેના દર્દમાથી રાહત અપાવવામાં મોટો ભાગ ભજવે છે.

Facebook Comments

You may also like

JITO USA launches Atlanta Chapter-A great platform for Jain community in Atlanta

Jain International Trade Organization (JITO) is a unique,