સ્ત્રીઓની આગવી પ્રતિભા અને ઓળખ

સ્ત્રીઓની આગવી પ્રતિભા અને ઓળખ

- in Cover Story
132
Comments Off on સ્ત્રીઓની આગવી પ્રતિભા અને ઓળખ

સ્ત્રીઓની આગવી પ્રતિભા અને ઓળખ
મહિલાઓ હંમેશાં સૌંદર્ય, આંતરિક તાકાત અને બુદ્ધિનો સંગમ ધરાવે છે, જેના કારણે તે અઘરાં કામ પણ
ઝડપથી ઉકેલી શકે છે. પ્રાચીન યુગ હોય કે આજનો યુગ સ્ત્રીઓએ વિવિધ ક્ષેત્રે પોતાનું અનેરું યોગદાન આપ્યું છે.
આવો, આવી કેટલીક સન્નારીઓની જાણીએ વાત…

રસોથી સમાજ પુરુષો દ્વારા કરવામાં આવતા કાર્યો અને સેવાઓને પ્રકાશિત કરતો રહ્યો છે. જ્યારે સ્ત્રીઓની ભૂમિકા સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. પરંતુ હકીકત એ છે કે અનેક મોટા કાર્યો પાછળ સ્ત્રીઓની મહાનતા, ત્યાગ અને બલિદાન રહેલા છે. દરેક કાર્ય કરવામાં સક્ષમ સ્ત્રીઓ પુરુષોની સરખામણીમાં વધારે ભોગ આપી રહી છે.

મહિલાઓ હંમેશાં સૌંદર્ય, આંતરિક તાકાત અને બુદ્ધિનો સંગમ ધરાવે છે, જેના કારણે તે અઘરા કામ ઝડપથી ઉકેલી શકે છે. આજે જીવનના વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓની સફળતા ઊડીને આંખે વળગે છે. એ સાબિત કરે છે કે તેઓ આ પ્રતિષ્ઠાને યોગ્ય છે. ઝીણવટથી જોતાં ખ્યાલ આવશે કે દેશ હોય કે વિદેશ સ્ત્રીઓનાં યોગદાન મહત્ત્વના રહ્યા છે. જે તેમના આંકડાઓની સૂચિ જોતાં સમજી શકાય છે.
સમાજસુધારા માટે સમર્પિત મહિલા કાર્યકરોએ ઘણાં સામાજિક કૃત્યો અને દૂષણો વિરુદ્ધ કામગીરી હાથમાં લીધી છે, સમાજમાં આવી રહેલા સારા બદલાવનું કારણ બની છે પ્રભાવશાળી સામાજિક કાર્યકરો-સામાજિક દૂષણો જેવા કે ગરીબી, બીમારી, અપંગતા અથવા સ્ત્રીઓ પ્રત્યે આચરાતા દુષ્કૃત્યો સામે લડત આદરતી રહી છે. તેમને ન્યાય અપાવવા મેદાને પડે છે, જાગરૂકતા ફેલાવે છે.

પરદેશ કરતાં ભારતમાં કાર્યરત આવી મહિલાઓને સમાજ અને ધાર્મિક સંસ્થાઓ તરફથી પડતી મુશ્કેલીઓ વધારે રહી છે, પણ તેઓએ પાછીપાની કરી નથી. જો કે, સ્ત્રીઓની શક્તિ, એકતા અને તેના પડકારોને કારણે હવે સમાજ તરફથી પણ તેમને ટેકો મળી રહ્યો છે. સામાજિક સુધારણાઓ માટે કેટલીક સ્ત્રીઓ ઉદાહરણરૂપ બની ગઇ છે.

વરસો પાછળ નજર કરવામાં આવે તો 188પમાં અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રતા માટેના વિપ્લવમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઇએ દેશને માટે આપેલું બલિદાન, દુશ્મનો સામે માથું નહિ ઝૂકાવીને લડાયેલી આઝાદી માટેની લડત એ એક પ્રકારની સમાજસુધારણાની સફર કહી શકાય. નોબેલ પુરસ્કાર વિજેતા મધર ટેરેસાએ પરદેશની ભૂમિમાં જન્મીને પણ ભારતને કર્મભૂમિ બનાવી રોગી અને રક્તપીડિત તેમજ તરછોડાયેલ પીડિત સમાજ માટે આજીવન ભેખ લીધી હતી. 1947માં ગરીબ અને દુ:ખી સમાજની સેવા માટે તેમણે ભારતનું કાયમી નાગરિકત્વ અપનાવ્યું હતું. તેમણે ખાદીના કપડાં પહેરી આજીવન શાંતિ અને સેવાનો ભેખ લીધો હતો. કેટલાય દુ:ખી જીવોને સાંત્વના સાથે શાંતિ અર્પણ કરવા જીવનના અંત સુધી તેઓ ઝઝૂમતા રહ્યા હતા.

કિરણ બેદી જેઓ પોલીસ અધિકારી હોવા સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. 1949માં અમૃતસરમાં જન્મેલાં કિરણ બેદીએ દિલ્હીમાં પોતાનું એજ્યુકેશન પૂરું કર્યા બાદ શરૂઆતમાં મસુરી ત્યાર બાદ દિલ્હી પોલીસમાં જોડાઇ ગયાં. 197રમાં મસુરીમાં 80 પોલીસ જવાનો વચ્ચે પોતે એકમાત્ર મહિલા અધિકારી હતાં. દિલ્હીમાં આવ્યા બાદ એક નિડર અધિકારી તરીકે નામના મેળવી દિલ્હીને ગુનારહિત કરવા માટે તેમણે ઘણું યોગદાન આપ્યું હતું અને ગેરકાયદે પ્રવૃત્તિઓને ઘટાડી દીધી હતી.

આ સિવાય તેમની સામાજિક પ્રવૃત્તિઓ પણ નોંધપાત્ર રહી છે. ડ્રગ્સ જેવી જીવલેણ આદતોથી લોકોની મુક્તિ માટે ડીટોક્સ કેન્દ્ર સ્થાપ્યું હતું, જ્યાં ડ્રગ્સ અને આલ્કોહોલના બંધાણીઓની આદતને સુધારવાના પ્રયત્ન થતા હતા. અહીં કેટલાય દર્દીઓને નવજીવન પ્રાપ્ત થતું રહ્યું છે. સમાજમાં થતી ગેરરીતિ વિરુદ્ધ ઝઝૂમતા, લડતા કિરણ બેદીને રાજકીય નારાજગીનો ભોગ બનવું પડયું હતું. ધમકીઓનો સામનો કરવો પડ્યો હતો. પોતે કર્મનિષ્ઠ અધિકારી હોવા સાથે માનવતામાં માનતાં હતાં. જેલના કેદીઓ માટેની સારસંભાળ માટે તેમણે ઘણાં સુધારા કરાવ્યા હતા. આવી હસ્તીઓને સાચા અર્થમાં સમાજસેવિકાઓ કહી શકાય છે.

આ જ રીતે અરુણા રોય જેઓ શરૂઆતમાં વ્યવસાયે શિક્ષિકા હતાં. આ નોકરી દરમિયાન જ્યારે દરેકને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો ત્યારે આ મહિલાએ ભ્રષ્ટાચાર સામે લડવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીમાં પોંડુચેરી અને અરબિંદો આશ્રમમાં અભ્યાસ કર્યા બાદ અરુણા રોયે શિક્ષિકા તરીકે કારકિર્દીની શરૂઆત કરી. આ દરમિયાન તેમણે અનુભવ્યું હતું કે, આ રીતે સામાજિક સેવા થઇ શકે તેમ નથી. તે માટે ઉચ્ચ હોદ્દો પણ જરૂરી છે. આ માટે આઇએએસની પરીક્ષા આપી મજૂર કિસાન શક્તિ સંગઠન (એમકેએસએસ)ના અગ્રણી નેતા બની ખેડૂતો અને મજૂરી કરી જીવનનિર્વાહ ચલાવતા સામાન્ય કામદારો માટે સેવા કરતાં રહ્યાં. સમાજ અને દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવા માટે અરુણા રોયને પુરસ્કારોથી સન્માનિત કરાયાં હતાં.

આવા જ એક બહુમુખી પ્રતિભા ધરાવતાં સન્નારી એટલે અરુંધતી રોય, જેઓ લેખક, અભિનેત્રી અને રાજકીય કાર્યકર છે. તેઓની નવલકથા ‘ધ ગોડ ઓફ સ્મોલ થિંગ્સ’ પુરસ્કાર વિજેતા બની છે. આર્કિટેક્ટ બન્યાં હોવા છતાં અરુંધતીને ડિઝાઇનમાં રસ નહોતો. તેમણે લેખન કારકિર્દીને અપનાવી. નર્મદા ડેમ પ્રોજેક્ટમાં કાર્યકર મેધા પાટકર સાથે તેમણે અભિયાન ચલાવ્યું છે. માનવ અધિકારો માટે લડત કરતાં અરુંધતીને ર00રમાં લેનન કલ્ચરલ ફ્રીડમ એવોર્ડ, ર004માં સિડની શાંતિ પુરસ્કાર અને ર006માં ભારતીય એકેડેમી ઓફ લેટર્સ તરફથી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

સોશિયલ વર્કર તરીકે મેધા પાટકરનું નામ પણ આગળ છે. સામાજિક સુધારાવાદી રાજકારણી છે. મુંબઇમાં જન્મેલાં મેધાને ખૂબ નાની ઉંમરે જાહેરસેવામાં રસ હતો. યુનિયનના નેતાની પુત્રી હોવાને કારણે નાનપણથી લોકોની તકલીફોને જોઇ હતી. તેમની જરૂરિયાતો અનુભવી હતી. મેધા પાટકરના પિતાએ સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો. જ્યારે તેની માતા આર્થિક રીતે નબળી મહિલાઓને સહાય અને ટેકો આપવા માટેની સંસ્થા સાથે જોડાયેલ હતાં. વિકાસના નામે અસમાનતા- અન્યાય સામે વિવિધ ક્ષેત્રે સંઘર્ષોમાં ભાગ લઇને ટેકો આપ્યો છે. ઝૂંપડપટ્ટી અને જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસીઓ માટે તેમણે ઘણાં કાર્યો કરેલાં છે. મેધા પાટકર ટાટા ઈન્સ્ટિટયૂટ ઓફ સોશિયલ સાયન્સમાંથી સામાજિક કાર્યમાં એમ.એ. થયા બાદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આદિજાતિ અને ખેડૂતો માટેના ઉદ્ધારક કાર્યોમાં જોડાઇ ગયાં. નર્મદા બચાવોના આંદોલનમાં પણ તેમનું નામ ઘણું ગાજ્યું હતું.

આ વાત થઇ ભારતમાં રહેતી સમાજસેવિકાઓ વિશે. પરદેશમાં પણ આવી અગણિત મહિલા કાર્યકરો મળી આવે છે. જેઓ સામાજિક કાર્યો દ્વારા પોતાની ઓળખ સાથે બદલાવ લાવી રહ્યાં છે. સેનેટર બાર્બરા મિકુલસ્કી, જેઓ 1940ના સમયમાં અમેરિકાના યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને યુ.એસ. સેનેટ, મેરીલેન્ડમાં રાજ્યવ્યાપી ચૂંટણી જીતનાર પ્રથમ મહિલા બન્યાં હતાં અને કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી લાંબી સેવા આપતી પ્રથમ ડેમોક્રેટિક મહિલા હતાં. સ્નાતક થયા પછી સામાજિક કાર્યકર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી. તેમણે મેરીલેન્ડ સ્ટેટના બાલ્ટીમોરમાં જરૂરતમંદ બાળકો સાથે કામ કર્યું હતું અને આર્થિક વિકાસમાં અડચણરૂપ બને તેવા હાઇવેના નિર્માણ થતાં અટકાવવા માટે લડત આદરી હતી. આમ કરતાં તે વખતના જુનવાણી પુરુષ સમાજમાં મહિલાઓના ડીન તરીકે તેમને આગવી ઓળખાણ મળી હતી.

આવી જ રીતે બીજાં એક મહિલા અમેરિકામાં સોશિયલ વર્કમાં ખૂબ આગળ પડતાં રહ્યાં છે, જે છે ફ્રાન્સિસ લોમાસ ફેલ્ડમેન, જેમનો જન્મ 191રમાં યુક્રેનના યહુદી ઇમિગ્રન્ટ્સને ત્યાં ફિલાડેલ્ફિયામાં થયો હતો. ત્યાર બાદ તેઓ સધર્ન કેલિફોર્નિયા રહેવા ચાલી ગયાં. ત્યાં 193પમાં બેચલર ડિગ્રી સાથે સ્નાતક થયાં અને લગ્ન પછી 1940માં સોશિયલ વર્કમાં માસ્ટર્સ ડિગ્રી લીધી. સામાજિક કાર્યમાં તેઓ ખૂબ ખુશી અનુભવતાં હતાં. આથી પોતાની પ્રયોગશાળાને છોડી દઇ તેઓે એક સામાજિક કાર્યકર બન્યાં. તેમણે 1પ વર્ષ સુધી જાહેર અને ખાનગી સામાજિક એજન્સીઓમાં કાર્યકર અને સંચાલક તરીકે કામ કર્યું હતું. ત્યાં રહી સ્થાનિક સામાજિક ઉદ્ધારક તરીકે અને બાળકલ્યાણ માટે તેમણે ઘણું કામ કર્યું.

ફ્રાન્સિસ ફેલ્ડમેનનું ભણતાં બાળકોની શિષ્યવૃત્તિ માટેનું યોગદાન અસાધારણ હતું. ગરીબી રેખાથી નીચે હોય એવા બાળકોને આગળ શિક્ષા લેવા માટે ગવર્નમેન્ટની સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી. આ રીતે બાળકોને પ્રભાવિત કરતા, રસના ક્ષેત્રમાં જ્ઞાનને આગળ વધારવાનો રસ્તો ખૂલ્લો થયો. જીવનના સામાજિક અને માનસિક કાર્યો ઉપર તેમણે અસંખ્ય લેખ અને 10 પુસ્તકો લખ્યાં હતાં.
ફ્રાન્સિસ ફેલ્ડમેને યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં પ્રોફેસર અને સોશિયલ વર્ક પાયોનિયર તરીકે 1970માં કારકિર્દીની શરૂઆત કરી હતી. એ સમયે કેન્સરના દર્દીઓને થતા ભેદભાવ સામે ઝૂંબેશ હાથ ધરી હતી. કેન્સર જેવો રોગ તે સમયે મહારોગ ગણાતો હતો. કેન્સરથી બચેલા લોકો સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર થતો હતો. તેમની સારવાર માટે તેઓ ખૂબ જહેમત ઉઠાવતાં હતાં. તેમણે ઊભા કરેલા કેન્દ્રોમાંના 3પ0 હેલ્પ સેન્ટર આજે અમેરિકામાં કાર્યરત છે. તેઓ 1974માં પુનર્ગઠિત ફેકલ્ટી સેનેટના અધ્યક્ષ બન્યાં. બાદમાં રાષ્ટ્રપતિની સલાહકાર પરિષદના અધ્યક્ષ અને વિદ્યાર્થી સહાય, યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીયકરણ અને કર્મચારી લાભો જેવા વિષયો પર સંખ્યાબંધ યુનિ.ઓમાં સમિતિઓની આગેવાની લીધી.

ફ્રાન્સિસ ફેલ્ડમેનના કાર્યો ફક્ત અમેરિકા પૂરતા સીમિત ન હતા. હકીકતમાં તેમણે ર00થી વધુ દેશોમાં મુસાફરી કરી હતી. તેઓ સાહસિક મહિલા હતાં. તેમની સાહસિકતાની વાતો તેમના પુસ્તકોમાં પણ જણાઇ આવે છે.

આમ, પોતાની આગવી પ્રતિભા હેઠળ આવી અગણિત સ્ત્રીઓએ સમાજમાં જાગરૂકતા લાવવા પ્રયત્નો કર્યા છે. કોઇપણ પ્રકારની જવાબદારીઓને સ્ત્રી બખૂબીથી નિભાવવા હંમેશાં સક્ષમ હોય છે. નિર્બળ લાગતી સ્ત્રી વખત આવ્યે કાર્યદક્ષતામાં પુરુષોથી આગળ નીકળી જાય છે. માતા અને ગુરુ બનીને આવનારી પેઢીની સાચી માર્ગદર્શિકા બની રાહ ચીંધવાનું મહત્ત્વનું કાર્ય સ્ત્રી કરે છે. સ્ત્રીને સમજવા પુરુષ કાયમ કાચો પડે છે, તેની શક્તિઓને યોગ્ય રીતે બિરદાવવી રહી.

 

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય