
એક છોકરો. ઉંમર હશે 13 કે 14 વરસની. પણ મગજ ખૂબ જ તેજ. વાત-વાતમાં ગુસ્સે થઇ જાય. તોડફોડ શરૂ કરી દે. વસ્તુઓ ફેંકે. બરાડા પાડવા માંડે. કંઇ-કેટલીયે વારે એનો ગુસ્સો ઊતરે. મા-બાપ બિચારાં હેરાન-પરેશાન થઇ ગયેલાં. ઘણો સમજાવ્યો, ધમકાવ્યો અરે શિક્ષા પણ કરી જોઇ. પણ પથ્થર પર પાણી. પેલા બંધુમાં કોઇ જાતનો ફરક જ નહીં! કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઇ જવામાં આવ્યો. ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો. પણ પરિણામ મીંડું! છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો. એમણે થોડાક ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી. પછી કહ્યું કે જ્યારે જ્યારે એને દાઝ ચડે – ગુસ્સો આવે ત્યારે ત્યારે એણે ઘરની ફેન્સિંગ (વંડી)માં એક ખીલો હથોડીથી ઠોકવો!
પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં 38 ખીલા ઠબકારી દીધા! જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ચાલ્યું. બાળકને સમજાતું ગયું કે દીવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે. આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નથી. એ દિવસે એણે દીવાલમાં એક પણ ખીલો ન માર્યો!
એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે, ‘પિતાજી! આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દીવાલમાં એક પણ ખીલો નથી માર્યો.’ 
બાપ કહે : ‘ખૂબ જ સરસ બેટા! હવે એક કામ કર. દિવસમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતો જવાનો.’
બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડેલો એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું. જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે.
બાપે દીકરાને ગળે વળગાડ્યો. એને ખૂબ જ આનંદ થયો. પછી તેનો હાથ પકડીને દીવાલ પાસે લઇ ગયો. એણે કહ્યું, ‘બેટા! તેં ઉત્તમ અને અદ્ભુત પ્રયત્ન કર્યો છે. તારું અને મારું ધ્યેય પૂરું થયું. પણ આ દીવાલ સામે તેં જોયું? એમાં પડી ગયેલાં કાણાં જોયાં? એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે. તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઇક અપમાનજનક વેણ કહી નાખો છો ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે. એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે. માફ કરી દો એમ કહી દેવાથી સામી વ્યક્તિ એ ઘાને ભૂલી શકે. પરંતુ એણે કરેલો ઉઝરડો ક્યારેય નથી રુઝાતો. તલવાર કે શસ્ત્રોનો ઘા તો શરીરને ઇજા પહોંચાડે છે પણ કડવા વેણ આત્માને અસર કરે છે. તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે. મારી આ વાત તું સમજી શકશે એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું…’ બાપ આગળ બોલી ન શક્યો. દીકરો પણ સજળ નયને સાંભળી રહ્યો!
***
મારા વહાલા મિત્રો… તમારા દિલની દીવાલમાં અજાણપણે મારાથી ક્યારેય પણ કટુ શબ્દોનો ખીલો મરાઇ ગયો હોય તો મને માફ કરજો અને એવી ભાવના હંમેશાં રાખજો.

