મેઘવિરાસ
ભારતીય સિનેજગતમાં અનેક મહાન ફિલ્મો બની છે અને બનતી રહેશે. જોકે એમાંથી કેટલીક ફિલ્મોને જુદા જુદા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીને ઐતિહાસિક ફિલ્મોના નિર્માણ સમયે વિવાદ સર્જાય એ બોલિવૂડની હંમેશાં તાસીર રહી છે.
બોક્સ ઓફિસ પર હમણાં હમણાં બે ફિલ્મોએ ધૂમ મચાવી છે જે ‘કાબિલ’ અને ‘રઇસ’ છે. ‘કાબિલ’ દિગ્દર્શક સંજય ગુપ્તાની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ મનાય છે. લવસ્ટોરી આધારિત આ ફિલ્મ એમની અગાઉની હિંસક વાર્તાવાળી ફિલ્મો કરતાં વધુ લાગણીપ્રધાન અને નાટ્યાત્મક ટર્ન્સવાળી છે. વળી અભિનેતા હૃતિક રોશને ‘કહો ના પ્યાર હૈ’ અને ‘ગુઝારિશ’ બાદ આ ફિલ્મમાં સૌથી પ્રશંસનીય અભિનય કર્યો છે. તો ફિલ્મ ‘રઇસ’ પણ લવસ્ટોરી છે, જેમાં અભિનેતા શાહરૂખ ખાને અમદાવાદના અંધારી આલમના ડોન લતીફનો રોલ અદા કર્યો છે. બોક્સ ઓફિસ કલેક્શનમાં ‘રઇસ’ કદાચ ‘કાબિલ’થી ચઢિયાતી નીકળી જાય, પરંતુ આ ફિલ્મ સાથે જોડાયેલા વિવાદોને નજર અંદાજ કરી શકાય નહીં. એક માફિયાએ ભલે સમાજસેવાના અનેક કાર્યો કર્યા હોય, પરંતુ માફિયાને હીરો તરીકે દર્શાવી દેવાથી વર્તમાન સમાજ પર તેની ઘેરી અસર પડી શકે છે.
૧૯૮૦ના દાયકામાં ગેરકાયદેસર ધંધા દ્વારા અમાપ સંપત્તિ એકઠી કરનાર અંધારી આલમના માફિયા લતીફને એક યુવતીના પ્રેમમાં પડતો દર્શાવાયો છે. આ ફિલ્મ સાથે શરૂઆતથી જ વિવાદ સર્જાયેલો રહ્યો છે. આમ પણ ઇતિહાસ આધારિત ફિલ્મોમાં વિવાદ સર્જાય એ ભારતીય સિનેજગતની તાસીર રહી છે. જોકે, ક્યારેક આવા વિવાદો મનઘડંત વાર્તાઓને લીધે ઊભા થતા હોય છે. તો કેટલીક ફિલ્મોને રાજનીતિનો ભોગ પણ બનવું પડે છે.
એક સવાલ એ પણ થાય છે કે ભારતમાં સારા લેવલની બાયોપિક ફિલ્મો કેમ બનતી નથી? આ સવાલનો જવાબ મેળવવા ઊંડું મનોમંથન કરવું પડે તેમ છે. કારણ કે, ઇતિહાસ આધારિત ફિલ્મો બનાવવામાં કોઇ વ્યક્તિની ભૂમિકા નક્કી કરવી પડે છે અને કોઇપણ વ્યક્તિના સારા પાસાંની સામે એટલા જ નબળા પાસાં પણ હોય છે, જે ઘણાને ગમતાં ન પણ હોય. અગાઉ પણ અનેક ફિલ્મોને આવી સમસ્યા નડી ચૂકી છે અને ઘણા વિવાદો સર્જાયા છે.
હાલમાં જ ઊભા થયેલા વિવાદની વાત કરીએ તો ‘પદ્માવતી’ ફિલ્મને લઇને રાજસ્થાનની કરણી સેનાએ દિગ્દર્શક સંજય લીલા ભણશાળીને ફિલ્મની મનઘડંત વાર્તા ઘડવાનો આરોપ લગાવીને મારામારી કરી છે. વાત આટલેથી ન અટકતાં કરણી સેના ભણશાળીના સમર્થકો સુધી પણ પહોંચી ગઇ છે. ભણશાળી પર આરોપ છે કે તેમણે ફિલ્મમાં અલાઉદ્દીન ખિલજીને સ્વપ્નમાં રાણી પદ્માવતી સાથે પ્રણયફાગ ખેલતાં દર્શાવ્યો છે. સીન ભલે સ્વપ્નમાં દર્શાવવાનો હોય, પરંતુ એ માટે માત્ર મનોરંજનને બદલે નૈતિક જવાબદારી પણ અનિવાર્ય છે. આ ફિલ્મ ઐતિહાસિક હોઇ તેના પાત્રો અંગે ઇતિહાસ જાણે અને ઇતિહાસને ઇતિહાસવિદ્ો જાણે. પરંતુ રાણી પદ્માવતી એ રાજસ્થાનના ગૌરવશીલ રાણી હતાં અને અલાઉદ્દીન ખીલજી સામે પોતાની શરણાગતિ કરવા કરતાં તેમણે પોતાનો દેહત્યાગ કરવાનું વધુ મુનાસિબ માન્યું હતું.
આવા વિવાદો થાય ત્યારે બોલિવૂડના કેટલાક લોકો રચનાત્મક આઝાદીની પૂંછડી પકડીને બહાર નીકળી આવે છે. અગાઉ પણ આવા વિવાદો થયા જ છે, ત્યારે તેઓ ક્યાં હતા? ફિલ્મની દરેક વાતને કલ્પનાચિત્ર તરીકે આલેખવું કેટલું યોગ્ય?
કમલ હાસને તેમની જાણીતી ફિલ્મ ‘વિશ્ર્વરૂપમ’માં એ વાત કરવાની હિંમત કરી હતી જે હોલિવૂડના દિગ્દર્શકો પણ કહેતાં ડરે છે. તેમની ફિલ્મનો વિષય પણ હટકે અને દમદાર હતો. આમ છતાં ‘વિશ્ર્વરૂપમ’ સામે અમુક સંગઠનોએ મોરચો માંડ્યો હતો. આ વિવાદ સર્જાયો ત્યારે આવા લોકોનો દેખાડવા પૂરતો ફિલ્મીપ્રેમ, સદ્ભાવના અને એકતા ક્યાં ગઇ હતી?
ઇતિહાસને ખોટો ચિતરવાને લઇને અભિનેતા આમિર ખાનની ફિલ્મ ‘મંગલ પાંડે’ પણ વિવાદમાં સપડાઇ હતી. ધર્મ અને રાજકારણના ઠેકેદારોએ એ વખતે જબરો ઊહાપોહ મચાવ્યો હતો. જોકે, ફિલ્મ રજૂ થઇ ત્યારે તેઓને કંઇ બોલવાપણું રહ્યું નહોતું. ફિલ્મોના નિર્માણમાં રચનાત્મક આઝાદી હોવી જોઇએ, પરંતુ તેને યોગ્ય અને સકારાત્મક રીતે દર્શાવવી જરૂરી છે. માત્ર ફિલ્મને થ્રીલ બનાવવા માટે વાર્તા સાથે ચેડાં કરવાનું સાંખી લેવાય નહીં.
ફિલ્મની વાર્તા અંગે રાજ કપૂર સ્પષ્ટ મત ધરાવતા હતા. તેમના પ્રોડક્શન આર.કે. ફિલ્મ્સની અનેક ફિલ્મોને વિવાદનો સામનો કરવો પડતો હતો. એ જમાનામાં ફિલ્મોમાં મહિલાઓની કામુક અદાઓ અને અંગ-ઉપાંગો દર્શાવવાનો મત ધરાવતા રાજ કપૂરને અનેક લોકોએ ખરાબ ચિતરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેઓ સ્પષ્ટ કહેતા કે, કોઇ ચિત્રકાર સ્ત્રીના દેહનું આકર્ષક અને બોલ્ડ ચિત્રણ કરે તો એ કળા બની જાય છે, જ્યારે ફિલ્મોમાં આવું નિરુપણ થાય તો તેને અશ્ર્લીલનું લેબલ લગાડી દેવાય છે. જોકે, વિવાદો તરફ ધ્યાન આપ્યા વગર અને સેન્સર બોર્ડ સાથે લડીને પણ રાજ કપૂર ફિલ્મોમાં પોતાની રચનાત્મકતા વટ કે સાથ રજૂ કરતા હતા.
બોલિવૂડમાં વિવાદનું વળગણ વકરી રહ્યું છે એટલે કે ફિલ્મો અંગેના વિવાદને હવે રોજનું થયું હોઇ અનેક દિગ્દર્શકો વિવાદની ઝંઝટમાં પડવા ઇચ્છતા નથી. રણવીરસિંહ અને દીપિકા પદુકોણે અભિનીત ફિલ્મ ‘રામલીલા’ વખતે પણ વિવાદ સર્જાયો હતો. જોકે, દિગ્દર્શકે વિવાદિત નામોને બદલે ભળતાં નામો કરી લઇને ફિલ્મ રિલીઝ કરી દીધી હતી. આવા વિવાદમાં આજ જોડીની ‘બાજીરાવ-મસ્તાની’ પણ સપડાઇ હતી. આવી તો અનેક ફિલ્મો અને અનેક નામો છે જેનું લિસ્ટ જોઇએ એટલું લાંબું કરી શકાય તેમ છે. કારણ કે, કોઇપણ ઘટના કે પાત્રો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઇને સ્પર્શતા જ હોય છે. ફિલ્મ એ કળાનું માધ્યમ છે. તેમાં મનોરંજન ઉમેરવા સામે કોઇ વાંધો હોઇ જ ન શકે. પરંતુ મૌલિકતા કે રચનાત્મક આઝાદીને નામે તેની સાથે ચેડાં થાય ત્યારે વિવાદ સર્જાતો જ રહે છે. આ જ રીતે બોલિવૂડમાં વિવાદનું વળગણ વકરતું જાય છે.