સ્ક્રીન પર છવાતી ચુલબુલી ચંચલા… આરતી નાગપાલ

સ્ક્રીન પર છવાતી ચુલબુલી ચંચલા… આરતી નાગપાલ

- in Shakti, Womens World
1441
Comments Off on સ્ક્રીન પર છવાતી ચુલબુલી ચંચલા… આરતી નાગપાલ
aarti nagpal

કૌસ્તુભ આઠવલે

વિચારોમાં પરિપક્વતા અને વર્તનમાં બાળમસ્તી સાથે પરિવારના કલા અને દિગ્દર્શનના વારસાને જાળવી રાખી, પોતાના નાનાજીના નિયમો પર અડગ રહીને ભાષાની મર્યાદાથી આગળ વધી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર આરતી નાગપાલ એક ચુલબુલી યુવા પ્રતિભા છે..જે આગામી દિવસોમાં બોલિવુડની મોસમનો નવો મિજાજ ગણાશે..

આપની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત કેવી રહી?

મેં મારું ભણતર મુંબઈમાં શરૂ કર્યું અને હાલ પાર્લેની સાયન્સ કોલેજમાં ડિગ્રી કોર્સમાં આગળ જઈ રહી છું.. બાયોલોજી મેઈન સબ્જેક્ટ સાથે. તમારો પરિવાર બે પેઢીથી બોલિવુડ સાથે સંકળાયેલો છે. તમારા દાદાજી પોતે પણ સારા દિગ્દર્શક હતા. તેમની પાસેથી તમે વારસામાં શું મેળવ્યું? અભિનય અને સર્જન ક્ષેત્રે તેમણે તમને કેવી રીતે પ્રોત્સાહિત કર્યા?

અદાકારી મને વારસામાં મળી છે. મારા નાનાજી ખૂબ જ સારા ફિલ્મ સર્જક હતા. ૧૯૨૬માં તેમની ફિલ્મો જેવી કે, ‘પ્રભુ કી માયા, ભગવદ મહિમા, ભૂલ ભૂલૈયા સાથે અનેક ફિલ્મો આવી હતી. નાનાજી  પ્રોજેક્ટરથી ઘરની દીવાલો પર અમને ફિલ્મો બતાવતા હતા.  મારું ઓબ્ઝર્વેશન, ગ્રાસ્પિંગ જોઈ મારી મમ્મીએ મને એક્ટિંગ માટે પ્રોત્સાહિત કરી. ત્યાર પછી મેં જ્વારભાટામાં પ્રથમવાર એક્ટ કર્યું. એ મારી પહેલી ફિલ્મ કહી શકાય. પછી અમારા આખા પરિવારે ભેગા મળી ‘કોઈપણ ધર્મ કે જાતિની છોકરીએ દહેજ પ્રથા ન સ્વીકારવી’ એ થીમ પર ડોક્યુમેન્ટરી કરી હતી. એક ટીનેજર તરીકે મેં ‘ગેંગસ્ટર’ નામની ફિલ્મમાં કામ કર્યું. જેના દિગ્દર્શક હતા દેવઆનંદજી.

તમારા નાનાજી તરફથી તમને કોઈ ખાસ ટિપ્સ કે પ્રેરણા મળી.. આ ક્ષેત્રમાં આગળ વધવા માટે?

મારું બાળપણ નાના-નાનીજીના સાંનિધ્યમાં વિત્યું. શરૂઆતમાં મારા ફ્રી ટાઈમમાં હું તેમની સ્ક્રિપ્ટ્સ લખવાનું કામ પણ કરતી હતી. નાનાજીનો પહેલો સ્ટુડિયો કોલકાતામાં હતો. ૧૯૪૭ પછી તેઓ મુંબઈ શિફ્ટ થયા. નાનાજી નીતિ-નિયમોથી જીવનારું વિશિષ્ટ વ્યક્તિત્વ હતું. તેમની સેવા કરવાનો સહજ અવસર મને પ્રાપ્ત થયો હતો.

આજની ફિલ્મોમાં અને તે વખતની ફિલ્મો તથા તેની પટકથાઓમાં કેવો પ્રાથમિક તફાવત જોવા મળે છે?

આજની ફિલ્મો પહેલાના સમય જેવી દીર્ઘદ્રષ્ટિ અને ઉંડાણવાળી નથી લાગતી. એ સંવેદનાઓ, સુંદરતા, રજૂઆત સાથે કામની નિષ્ઠા, એકમેકનું સન્માન જાળવવું અને પ્રતિભા મુજબનું કામ કરાવવું જેવા અનેક પાસાં આજની ફિલ્મોમાં જોવા નથી મળતા. એ ગોલ્ડન જ્યુબિલી-સિલ્વર જ્યુબિલી ફિલ્મો, રેડ કાર્પેટ અને ભવ્ય રજૂઆતો  આજે જોવા નથી મળતી. આજની ફિલ્મો બને છે તો ખરી પણ તેમાં પ્રાણ નથી હોતો. આજની ફિલ્મોએ માત્ર રેકોર્ડ જ નથી તોડ્યા સાથેસાથે બધી હદ અને મર્યાદાઓ વટાવી દીધી છે.

શું અદાકારી માટે કોઈ સ્પેશિયલ તાલીમની જરૂર હોય છે? તમારા પરિવારનો બોલિવુડ સાથે ઘરોબો રહ્યો છે. ત્યારે શું પારિવારિક બેકગ્રાઉન્ડનો તમને કોઈ વિશેષ ફાયદો થયો છે?

આપણે બધા આ વિશ્ર્વમાં એક્ટર તરીકે આવ્યા એવું નથી લાગતું? ફરક એટલો છે કે કેટલાક લોકો જાહેરમાં તેમના સંવેદનો હાસ્ય, રુદન, પ્રેમ જેવા ભાવો વ્યક્ત કરી શકે છે. જ્યારે કેટલાક પારિવારિક મર્યાદાઓને લીધે એ વ્યક્ત કરી શકતા નથી. પહેલાંના જમાનામાં ‘ભાંડ’ જેવી રજૂઆતોમાં સંસ્કારી પરિવારના સ્ત્રી-પુરૂષો ભાગ નહોતા લેતા. પહેલા સાયલન્ટ મુવીઝમાં કોઈ હીરોઈન પણ નહોતી. પુરુષો જ એ પાત્ર ભજવતા. જ્યારે આજે કોઈપણ પેરન્ટ્સને પૂછશો તો તેઓ પ્રત્યેક જણ અદાકારી કરવા અથવા તો કરાવવા ઉત્સુક છે.

એક દિગ્દર્શક / નિર્માતા / એક્ટર / પ્રોડ્યુસર તરીકે તમને તમારા નાનાજી તરફથી શું શીખવા મળ્યું?

મારા નાનાજી ક્યારેય હાર નહોતા માનતા. તેઓ એક ફ્રીડમ ફાઈટર હતા. એટલે તેમનો જુસ્સો પણ એવો અને ધીરજ પણ એટલી જ મજબૂત હતી. તેઓ ખૂબ મહત્વાકાંક્ષી અને ઉદાર મનના હતા.

તમારા જીવનનો ધ્યેય શું છે?

મેં હજી સુધી એવું કોઈ ધ્યેય નક્કી કર્યું નથી. હું એક વહેણની જેમ અત્યારે તો વહી રહી છું. હું આજની ક્ષણોમાં જીવવામાં માનું છું. આજ આપણી છે. હું શું કામ મારી જાતને કોઈ બંધનોમાં બાંધુ…!? જે વીતી ગઈ એ ગઈકાલ અને આવનારી આવતીકાલની ફિકર નથી. પણ હા ‘મારી આ જિંદગી શાનદાર હશે’.

તમને કેવી ફિલ્મો પસંદ છે? જેમાં ધીર-ગંભીર પ્રણયકથા હોય તે કે પછી આજના સમયની નાચગાનવાળી ડાન્સિંગ લવ સ્ટોરીઝ?

હું આજે પણ એક બાળક જેવી જ છું. મને કાર્ટૂન્સ જોવાના ખૂબ ગમે છે. મને સાહસપૂર્ણ ફિલ્મોની પટકથાઓ વધુ ગમે છે. મને એવા કિરદારમાં કામ કરવાનું ગમશે જેમાં પાત્રમાં ઉંડાણ હોય પછી એ ગમે તે ભાષાની ફિલ્મ હોય.

તમે તમારા જીવનને કેવી રીતે જુઓ છો? વાસ્તવિક જીવન અને ફિલ્મોને તમે કેવી રીતે સરખાવો છો?

મેં બે શોર્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ૮ અવોર્ડઝ્ મેળવ્યા છે. મેં પહેલાં ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યા પછી હીરોઈન તરીકે આવી છું. હવે હું લેખન / દિગ્દર્શન / પ્રોડક્શનનું કામ સંભાળું છું. રિયલ લાઈફ અને રીલ લાઈફ એટલી જ જુદી છે. એક જગ્યાએ તમને તમારા કામ માટે ધિક્કાર મળે છે તો બીજી તરફ એ જ કામ માટે સ્વીકાર પણ થાય છે. જ્યારે રંગમંચના બે પાસા છે. એકમાં તમે અનુભવો/વિચારો/અમલ કરો અને તેમાંથી બહાર આવી જાવ એટલે પૂરું. બીજું તમે તેમાં જ રહોે, વિચારો, રિએક્ટ કરો,માત્ર પોતાનું જ વિચારો.

તમને કોની સાથે કામ કરવાનું ગમશે?

મને ઈરફાન ખાન અથવા તો નવાઝુદ્દીન સિદ્દિકી જોડે કામ કરવાનું ગમશે. હું જ્યારે આ બન્નેને મળી હતી ત્યારે મેં તેમને વૈયક્તિક રીતે આ બાબતે કહ્યું પણ હતું.   શાહરુખ ખાન સાથે ‘ગુડ્ડુ’માં, ‘ખુદ્દાર’માં ગોવિંદાની બહેનનો રોલ, અને સૈફ અલી ખાન તથા સુનીલ શેટ્ટી સાથે આઈટમ સોંગ ‘એક થા રાજા’ અને ‘કાલા સામ્રાજ્ય’માં કામ કર્યું.

મેઈન રોલ સાથે તમે અત્યારે કઈ ફિલ્મોમાં આવી રહ્યાં છો?

મેં હમણાં જ એક તામિલ ફિલ્મ સાઈન કરી છે. જેનું નામ છે ‘ઉનકડલ ઈરુંદલ’જેમાં મામૂટીના પિતરાઈ મહેબૂબ સાથે હું લીડ રોલમાં છું. જોે અદાકારી સહજ રીતે થાય તો તેમાં નિખાર જુદો જ આવે છે.

તમારા પ્રિય બોલિવુડ એક્ટર્સ કોણ કે જેમની એક્ટિંગ તમને વધારે પસંદ છે?

બોલિવુડમાં મારા ગમતા સ્ટારકાસ્ટમાં રણબીર કપૂર તેની એક્ટિંગ માટે ખૂબ જ પસંદ છે. જ્યારે પ્રિયંકા ચોપરા અને દિપીકાએ તો લોકો માટે એક ઊંચું મૂલ્ય પ્રસ્થાપિત કર્યું છે. ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીમાં ખૂબ તકો સમાયેલી છે જે વિશ્ર્વનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે.

આજના દર્શકોને કેવી મુવીઝ પસંદ છે?

આજે બાયોપિક વધુ પસંદ થાય છે. જ્યારે મોટા ભાગની ફિલ્મો રિયલ સ્ટોરી પરની હોય તે વધુ જોવામાં આવે છે.

શું તમે એમ માનો છો કે બોલિવુડ હોલિવુડની દિશામાં આગળ વધી રહ્યું છે? શું બોલિવુડ એક દિવસ હોલિવુડની કક્ષાની ફિલ્મો આપી શકવાને સમર્થ થશે?

લોકોને હોલિવુડ અને બોલિવુડ વિશે બોલતા રહેવા દો. બોલિવુડ હોલિવુડ બનશે એ પરિકલ્પના માત્ર છે, એે ક્યારેય શક્ય નહીં બને. આપણે જે આ ક્ષેત્રે પ્રદાન કર્યું છે એ ખૂબ જ સરસ અને રંગસભર આપ્યું છે. આપણી ફિલ્મોમાં એ સ્પેશિયલ ચટાકેદાર સ્વાદ હોય છે જે આપણાં દરેક ભારતીયોને ચાખવો ગમે છે. એટલે જ કદાચ આપણા દેશના સ્ટાર્સ અને અભિનેતા/અભિનેત્રીઓ ભારત કરતાં પણ બહાર તેમની પોતીકી ઓળખ વધારે ધરાવે છે.

‘ફીલિંગ્સ’ના વાચકો માટે આપનો કોઇ સંદેશ?

જ્યારે તમે નિષ્ફળ હો ત્યારે એમ સમજવું કે તમે સફળતાના દરવાજાની ખૂબ જ નજીક છો. તમે તમારી જાતને એવી રીતે તૈયાર કરો કે તમારી ઉપર જેટલું દબાણ વધું એટલા તમે વધારે મજબૂત થાવ. યાદ રાખો યુદ્ધ એ કોઈ મેદાનમાં જીતાયા નથી. તેની પાછળ મજબૂત મનોબળ પણ એ દિશામાં સફળતા તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તમે જે ઈચ્છ્યું હશે તે તમારાં ખોળામાં આવીને પડશે. ઈચ્છા યોગ્ય હોવી જોઈએ.

પોતાની આગવી ઓળખ તમારા શબ્દોમાં તમે કેવી રીતે આપશો?

હું બીજાની જેમ થવા ઈચ્છતી નથી. હું મારાં જેવી સરળ જ રહેવા માગું છું. આત્માનું પરમાત્મા સાથે જોડાણ જ મને શક્તિ આપે છે. અને મારી જીવનસફર સાકાર કરવામાં પ્રેરણારૂપ બને છે.

Facebook Comments

You may also like

ફોર્સમાં જોડાવવા મહિલાઓ પણ દેખાડે છે જોશ

ટ્રાફિક પોલીસ હોય કે આર્મી, જાસૂસી સંસ્થા હોય