– ભરત પંડયા, અમદાવાદ
વ્યાપાર મારી રગેરગમાં છે.
પ્રકૃતિમાં સાહસિક છું.
પ્રતિષ્ઠામાં યુગાનુયુગ છું.
પ્રદક્ષિણામાં વિશ્ર્વ પ્રવાસી છું.
હું પ્રગતિનું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
વીરતા મારા રૂંવાડે રૂંવાડે છે.
સત્યનો ઉપાસક છું.
અહિંસાનો આરાધક છું,
પ્રેમનો દર્શક છું.
હું વિશ્ર્વ શાંતિનું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
માનવતા મારી નસેનસમાં છે.
સ્નેહની શક્તિ છું.
સેવાની ભક્તિ છું.
દાનમાં અંકિત છું.
હું એકતાનું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
વસુદૈવકુટુમ્બકમ મારા શ્ર્વાસેશ્ર્વાસમાં છે.
પ્રેમના સૂરમાં દ્વારકાધીશની વાંસળી છું.
સીદી સૈયદનાં નૂરમાં એકતાની જાળી છું.
આતંકી ખોપડીની ઝૂલમાં હું મહાકાળી છું.
હું મહાશક્તિનું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
યાત્રિક દુનિયાના જગે-જગમાં છું.
શ્રદ્ધા-આસ્થાનો ધોધ છું.
દયા-કરુણાનો બોધ છું.
પરંતુ, પ્રતિરોધમાં તાંડવનો ક્રોધ છું.
હું શિવ સોમનાથનું પ્રતિક છું.
હા, હું ગુજરાતી છું.
મોસમ હતી…
સૂર-સરગમ-સાઝની મોસમ હતી
શ્ર્વાસમાં પરવાઝની મોસમ હતી.
ક્યાં મને પણ ઓળખી શકતો હતો
શું નિરાળા નાઝની મોસમ હતી.
સહુ નગરજનને ખબર જેની હતી
આંખમાં એ રાઝની મોસમ હતી.
લીલાછમ ખાલીપા હરખાયા કરે
રેશમી આવાઝની મોસમ હતી.
શું મદીલી મ્હેક શ્ર્વાસોમાં હતી
શું ભીના અલ્ફાઝની મોસમ હતી.
ક્યાં હતી ‘સાહિલ’ ફિકર અંજામની
હર તરફ આગાઝની મોસમ હતી.
– સાહિલ, રાજકોટ
મો. ૯૮૨૪૪ ૫૦૦૬૪
ભીતર નીકળે…
શબ્દ બારેમાસ ભીતર નીકળે,
અર્થનો ઇતિહાસ ભીતર નીકળે.
ચૌદ વર્ષે પ્યાલી ટહુકાની પીધી,
મોરનો વનવાસ ભીતર નીકળે.
યાદની ડમરી ચડી છે પાદરે,
સ્મૃતિનું ધણ ખાસ ભીતર નીકળે.
પારુની દાસ્તા કદી ભૂલાય ક્યાં ?
આજપણ દેવદાસ ભીતર નીકળે.
બા’ર ટમટમતા અમાસી તારલા,
ચંદ્રનો અજવાસ ભીતર નીકળે.
એક ખોવાયેલ પંખી શોધવા,
આખું યે આકાશ ભીતર નીકળે.
લોહીથી ‘બેન્યાઝ’ લખવી છે ગઝલ,
દર્દનો અહેસાસ ભીતર નીકળે.
– બેન્યાઝ ધ્રોલવી, જામનગર.
મો. ૯૮૨૫૫ ૧૯૨૫૬
મન થયું…
જાત થોડી બાળવાનું મન થયું,
લાગણી પંપાળવાનું મન થયું!
મેં તજી જાહોજલાલી શ્હેરની,
બસ, તને ત્યાં ખોળવાનું મન થયું.
નીકળી મારી હથેળીમાં નદી,
રણ તરફ એ વાળવાનું મન થયું.
સ્મિત હોઠે યારના ફરકાવવા,
એક બાજી હારવાનું મન થયું.
હોય કચરો સ્વર્ણ નાખો આગમાં,
માણસોને ગાળવાનું મન થયું!
– આબિદ ભટ્ટ, હિંમતનગર
-મો. ૯૪૦૯૦ ૨૨૧૩૦