આઈ.કે. વીજળીવાળા
ભીના રસ્તાઓ પર ચાલતાં ચાલતાં આપણે ઘણી વખત કેટલી બધી મજાક મસ્તી કરતાં એ યાદ છે તને? એ વખતની તારી ભૂરી અને મસ્તી ભરી આંખો મને તો બરાબર યાદ છે.
… તું જ્યારે સાવ નાનકડી હતી ત્યારે હું તને જોરથી હીંચકો નાખતી. એ વખતે તું ડરીને ચીસો પાડતી. સાઇકલ શીખતી વખતે આગળ રસ્તો જોવાને બદલે તું પેડલ સામે જોતી અને પડતી! યાદ છે એ? અને હા! તળાવનાં પાણી પર સપાટ પત્થર ફેંકીને એને દૂર દૂર સુધી દડતો દડતો જતો જોવાની આપણને ખૂબ મજા પડતી. ત્યાં ખૂબ ધીંગા મસ્તી કર્યા પછી તું થાકીને લોથ થઇ જતી. તને ચાલવાની પણ ત્રેવડ ન રહેતી. પછી હું મારા ખભા પર બેસાડીને તને ઘરે લઇ આવતી. યાદ છે ને?
હું તારા વાળ ધોતી હોઉં ત્યારે તું હાથની આંગળીઓ વચ્ચે લાગેલા શેમ્પૂ પર ફૂંક મારીને પરપોટા બનાવતી. કોઇક પરપોટો ખૂબ મોટો બની જાય તો એમાં બનતાં જુદાં જુદાં રંગો મને બતાવતાં તું ખડખડાટ હસતી!
… અને પેલું યાદ છે? હું તારા વાળ ધોતી હોઉં ત્યારે તું હાથની આંગળીઓ વચ્ચે લાગેલા શેમ્પૂ પર ફૂંક મારીને પરપોટા બનાવતી. કોઇક પરપોટો ખૂબ મોટો બની જાય તો એમાં બનતાં જુદાં જુદાં રંગો મને બતાવતાં તું ખડખડાટ હસતી! કોઇ રાત્રે અચાનક તારું ઓશીકું લઇને તું મારા બેડરૂમમાં આવી જતી અને તારી પથારી નીચે સંતાઇ ગયેલા ભૂતની ફરિયાદ કરતી! એ વખતે હું તને મારા હૈયે લગાવીને ઘણી બધી વાર્તાઓ કહેતી અને મારી વાર્તા પૂરી થાય એ પહેલાં તું સૂઇ પણ જતી!
… તારો જન્મદિવસ તો કઇ રીતે ભુલાય? યાદ છે? તને એક જ પ્રકારની ફ્રૂટકેક ભાવતી? આપણે દર વરસે એ કેક જ લઇ આવતા! હું કુકીઝ બનાવતી ત્યારે તું એનો લોટ ચાખવાની જીદ કરતી, પછી હું તને થોડોક કાચો લોટ ખાવા આપતી!
… રોજ હું તને ડાઇનિંગ ટેલબ પર કેમ વર્તન કરવું એ શીખવાડતી અને ખાતાં ખાતાં તારા મોં પર ચોંટેલા ખોરાકને મારા નેપકીનથી સાફ કરતી. તું અમુક શાકભાજી નહીં ખાવાની જીદ કરતી ત્યારે હું તને ખિજાવતી એ યાદ છે ને? મને તો નથી લાગતું કે હું એ બધું ક્યારેય ભૂલી શકીશ.
… હા! અને યાદ છે? આપણે કેટલી બધી ફિલ્મો જોડે બેસીને જોઇ હતી? ઠંડી પડતી હોય ત્યારે એક જ ધાબળામાં ઘૂસીને આપણે અવનવી ફિલ્મો જોતાં. એમાંયે રાતે ક્યારેક મોડે મોડે યાદ આવે તો જોડે બેસીને તારું લેસન પૂરું કરતાં. ક્યારેક તને તાવ આવ્યો હોય એવા વખતે આખી રાત તને પોતાં મૂકતી હું જાગતી બેસતી. ઘણીવાર તાવનાં ઘેનમાં તું ઝબકીને જાગી જતી તો હું ગીત ગાઇને તને ફરીથી સૂવડાવી દેતી. યાદ છે? એ વખતે તું મારો હાથ તારા હાથમાં કચકચાવીને પકડીને સૂઇ જતી?
… તને યાદ હશે કે નહીં એ તો મને ખબર નથી, પણ મને બરાબર યાદ છે કે તારી સાથે જ હસતાં-રમતાં, રડતાં, મજા કરતાં, ઘરમાં નાચતાં-કૂદતાં અને એકબીજાને જોક્સ કહેતાં હું પણ તારી જોડે જ મોટી થઇ હતી. એ વખતે એવું લાગતું કે જાણે આપણી પાસે સમય જ સમય છે! વખતનો કોઇ અભાવ જ નથી! એવું જ થતું કે આપણું એ હાસ્ય અને રમતો નિરંતર ચાલ્યા જ કરશે! આપણે ક્યારેય જુદા જ નહીં પડીએ.
… પણ મારી દીકરી! આજે તું ક્યાં જતી રહી છો? હું મારા શરીરમાં એક ઘરડાં અને મૃત આત્માની માફક જીવું છું. મને આજે લાગે છે કે તું જ મારી જિંદગીનો અણમોલ ખજાનો હતી અને હંમેશાં રહીશ. હું તને મનોમન એટલું જ, અરે! એનાથી પણ વધારે વહાલ કરતી રહીશ. બેટા! તું ભૂલી તો નથી ગઇને કે આજે તારો જન્મદિવસ છે? ચાલ જોઉં! તારી કબર પર મૂકેલ આ મીણબત્તીને ફૂંક મારીને બુઝાવી દે તો! ચલ, જલદી કર, અને હા, ફૂંક મારતી વખતે આંખ બંધ કરીને કાંઇક માંગવાનું હોય છે એ યાદ તો છે ને? કહે જોઉં, તને યાદ છે ને?…
(એક માતાએ લખેલ પોતાની નોંધ પરથી)
* આપણે બધા ભવિષ્યની યોજનાઓ બનાવવાની લ્હાયમાં વર્તમાન પણ ગુમાવી દેતા હોઇએ છીએ. નથી લાગતું કે સ્વજનો જોડે જેટલી ક્ષણો મળે એ માણી લેવી જોઇએ? પછી એ સાવ સાદી ક્ષણો આપણા માટે કાયમી અમૂલ્ય સંભારણું બની રહેતી હોય છે.

