– રેખા પટેલ (USA)
વિદેશમાં સ્થાયી થવા માટે માણસ પોતાના વતનની માયાને છોડીને જાય છે, સાથે જ્યાં તેનો ઉછેર થયો છે એ સ્થળ અને સમાજની બધી જીવંતતાને વિચારોમાં ભરીને એ દરિયાપાર લઇ આવે છે. આવા સમયે તેઓ બંને સંસ્કૃતિને એક સાથે જીવતા હોય છે. માત્ર રહેઠાણ કે પહેરવેશ બદલવાથી અંતરાત્મા બદલાતો નથી.
વિદેશી સમાજ વચ્ચે દેશી-વિદેશી સમજના મિશ્રણથી જે શાબ્દિક અને લેખન નિર્માણ પામે છે એ ‘ડાયાસ્પોરા સાહિત્ય’… આજકાલ વિદેશી લેખકોની આગવી ઓળખ બની ગયું છે.
‘ડાયાસ્પોરા’ શબ્દનું મૂળ જોવા જઇએ તો શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણીને યાદ કરવા જોઇએ. આ શબ્દનો પ્રથમ ઉલ્લેખ મારી જાણ મુજબ એમણે કર્યો હતો. તેઓ ૧૯૩૫માં ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિષયોમાં એમ.એ., ૧૯૩૬માં કોલંબિયા યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ જર્નાલિઝમમાંથી એમ.એસ. થયા. પછી એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરી પી.એચ.ડી. થયા. ત્યારબાદ તેમના લેખનમાં આ શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે.
થોડા વરસો પહેલાં આ ‘ડાયાસ્પોરા’ શબ્દથી લગભગ બધા અજાણ હતા. આજે આ શબ્દ વિદેશમાં વસતા લેખકોની આજુબાજુ એક વર્તુળનો ઘેરાવો બની તેમની અલગ ઓળખ બનાવી રહ્યું છે. આ શબ્દને સાચા અર્થમાં ઓળખવાનો મારો પણ પ્રયાસ હજુ ચાલુ છે.
વિદેશમાં સ્થાયી થવા માટે માણસ પોતાના વતનની માયાને છોડીને જાય છે, સાથે જ્યાં તેનો ઉછેર થયો છે એ સ્થળ અને સમાજની બધી જીવંતતાને વિચારોમાં ભરીને એ દરિયાપાર લઇ આવે છે. આવા સમયે તેઓ બંને સંસ્કૃતિને એક સાથે જીવતા હોય છે. માત્ર રહેઠાણ કે પહેરવેશ બદલવાથી અંતરાત્મા બદલાતો નથી. પણ એમના વિચારોમાં થોડો ઘણો ફેરફાર અવશ્ય નોંધાય છે. ના તો એ સંપૂર્ણપણે દેશને ભૂલી શકે છે કે ના વિદેશી રીત-રિવાજો અને પરંપરા સાથે એકરૂપ થઇ શકે છે. આવા સમયે જે માણસ લખીને લાગણીઓ વ્યક્ત કરી શકે છે એમના શબ્દોમાં બે વિભિન્ન સંસ્કૃતિનું મિશ્રણ જોવા મળે છે અને એક નવીન સંયોજનનો જન્મ થાય છે. આ બે અલગ સંસ્કૃતિ અને એકરૂપતાને જોડતાં જે લાગણીઓ જન્મે છે એ જ ‘ડાયાસ્પોરા ફીલિંગ્સ.’
આ પ્રકારનું લખાણ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વપરાશ સાથે વધતું ચાલ્યું છે. એ પહેલાં દેશથી દૂર રહેતાં લેખકો તેમની લાગણીઓને પોતાના સુધી સિમિત રાખતા હતા. પરંતુ હવે મનમાં ઊઠતી લાગણીઓને સોશિયલ મીડિયા ઉપર વહેતી કરતા થયા અને બીજાઓની નજરે તેમની ભાવના દેખાતી થઇ. પરિણામે તેમનું દેશી-વિદેશી મિક્સ ફીલિંગ્સ અને લખાણ લોક નજરે આવ્યું. જેને ડાયાસ્પોરા રાઇટિંગથી નવાજવામાં આવ્યું. શરૂઆતમાં દેશની યાદ બહુ તીવ્રતાથી સતાવે છે, પરંતુ સમય જતાં એ મીઠી યાદ બની રહી જાય છે. છતાં પણ એ માટીની મહેક, એ હવાને કોઇ ભૂલી શકતા નથી. ગમે એટલા મોટા થઇએ તો પણ જેમ માની મમતા નથી ભૂલી શકાતી તેવી જ રીતે બરાબર જૂની લાગણીઓ વ્યક્તિને જકડી રાખે છે. હું માનું છું કાલની સંવેદના અને આજના વિચારોનો સંગમ એક થઇને ડાયાસ્પોરા સાહિત્યનો જન્મ થાય છે.
સમયના થર ચડી ગયા,
હિન્દ મહાસાગર છોડ્યાને,
છતાંય, વરસાદની ઝરમર સાથે,
માટીની મહેક સૂંઘવા હું
લાંબો શ્ર્વાસ ખેંચું છું,
વહેલી સવારનો મંદિરનો ઘંટારાવ,
સંધ્યા ટાણે થતી આરતીનો ગુંજારવ,
સાંભળવા મારા કાનને સરવા કરું છું,
બંધ કાચની બારીની આરપાર
ખરતા તારાને,
હું હજુય શોધ્યા કરું છું.
ડાયાસ્પોરા લેખન એટલે નવી સફર, નવા સ્ટેન્ડ પોઇન્ટ ઑફ વ્યૂ વચ્ચે ઓરિજિનલ વિચારોની કશ્મકશ સાથે સમન્વયતા જાણે કે આલીશાન હોટેલમાં બેસીને ધુળિયા રસ્તા પરની રેંકડીમાં બનતી ચા કેન્ટીનની ચાની ઝંખના.. પરદેશી પરદેશમાં રહીને તેમની સંસ્કૃતિને સાચવતા કપડાં, મરી-મસાલા વચ્ચે દેશમાંથી ભરાઇને આવેલી સુગંધને પણ આલેખે છે.
પરદેશમાં દેશના ભૂતકાળ માટેનો ઝુરાપો અને વર્તમાનના જીવન સાથેનું મિશ્રણ એક થાય ત્યારે ડાયાસ્પોરા ફીલિંગ્સનો જન્મ થાય છે. સામાન્ય સમજ અને વિચારો કરતાં તેમની કવિતાઓ-વાર્તાઓ અને લખાણમાં અલગતા જોવા મળે છે. પરિણામે તેનું મહત્ત્વ અલગ હોય છે. આવા લખાણમાં પોતાના ખોવાતા જતા અસ્તિત્વને જકડી રાખવાની કશ્મકશ પણ ચોખ્ખી જણાઇ આવે છે.
પાંચ વર્ષ પછી મા અમેરિકા આવી,
ગળે વળગી બહુ વહાલ કર્યું,
ખુશીના બે આંસુ પણ છલકાઇ પડ્યાં,
જ્યારે તેમણે સાથે લાવેલી બેગ ખોલી,
ત્યારે હજારો માઇલ ભીંસાઇને આવેલી,
દેશની હવા મારા શ્ર્વાસમાં ભરાઇ ગઇ,
ના હું રડી શકી, ના ખુશ થઇ શકી,
એ હવાને પચાવતાં ઘણી વાર લાગી,
આ સર્જનમાં પૂરેપૂરું સત્ય હોવું જરૂરી નથી. જરૂરી છે એમાંથી નીતરતી લાગણીઓનું પારદર્શક હોવું. વાંચનારને આજમાંથી સીધા ઉઠાવી કાલની કોઇ છૂટેલી પળો સાથે સંપર્ક કરાવી આપે તેવું હોવું જરૂરી છે. આ એક વિચારોનો ત્રિભેટો ગણી શકાય. જ્યાં સંપૂર્ણતા ક્યાંય નથી અને સંપૂર્ણ સમર્પણની ભાવના દેખાઇ આવે છે. આજકાલ આમ પણ ફ્યૂઝનનો જમાનો છે. કદાચ આ જ કારણે હસી-ખુશી સાથે છૂપાયેલી એક તડપ, એક અધૂરી વાસના ભેગી થઇને ડાયાસ્પોરા લાગણીઓને જન્મ આપે છે.
ડાયાસ્પોરા ફીલિંગ્સ એટલે કે દિવાળીના દિવસોમાં કોઇએ સરસ મજાની પ્લેટમાં ચોખ્ખા ઘીમાં તળેલા ઘુઘરા પીરસ્યા હોય, બહાર ઘીની સોડમ મઘમઘતી હોય અને તેમાંથી એક
બટકું ભરતાં અંદરથી ચટાકેદાર ભાખરવડીનો સ્વાદ મ્હોમાં આવી જાય ત્યારે એ ગમતી છતાંય કંઇક અધૂરી ફીલિંગ્સ આપી જાય છે. બસ આવું જ કંઇક આ લેખનમાં અનુભવાતું હોય છે.
ડાયાસ્પોરા રાઇટર્સની મનોસ્થિતિનું જો વિશ્ર્લેષણ કરીએ તો મોટાભાગે લેખકો વિચારોના માધ્યમથી લખતા હોય છે, છતાં પણ તેમના લખાણો ઉપર સ્થિતિ અને સંજોગો બહુ અગત્યનો ભાગ ભજવી જતાં હોય છે. આ જ કારણે વિદેશી લેખકોમાં આની અસર દેખાઇ આવે છે. અમેરિકામાં ફિલાડેલ્ફિયામાં રહેતા પ્ન્ના નાયકે ‘વિદેશિની’, ‘ગુલમહોરથી ડૅફોડિલ્સ’ કાવ્યસંગ્રહ લખ્યો જેમાં તેમને ચેરીબ્લોસમ અને ગુલમહોરને એક સાથે આલેખ્યાં છે. અહીં તેમની મિશ્રિત લાગણીઓ સ્પષ્ટ દેખાય છે.
આવી જ રીતે જાણીતા નાટ્યલેખક શ્રી મધુ રાયનું ડાયાસ્પોરા વિશ્ર્વ પણ આવી જ કંઇક વિચારધારાઓનું પરિણામ છે. જેમાં તેમની ગુજરાતી, ઇંગ્લિશ, ફ્રેન્ચ ભાષાના મિશ્રણથી થયેલું સર્જન અનોખું લાગે છે. તેમની વાર્તાઓમાં ગુજરાતના ગામડા સાથે અમેરિકાની ભાષા, ભાવ અને રહેણીકરણીના આગવા
નિરીક્ષણને કારણે સર્જાતું સાહિત્ય અલગ અંદાજનું લાગે છે.આવી જ કશ્મકશ અને દેશી લાગણીઓ આદીલ મન્સુરીના ડાયાસ્પોરા કાવ્યસંગ્રહને વાંચતા અનુભવાય છે.
ગુજરાતી, અંગ્રેજી સંમિશ્રિત કલ્ચરની બેવડી વિચારધારા ક્યારેક બહુ વેદનામય પણ બની જતી હોય છે. આવા સમયે ચારે બાજુ બધું છલોછલ હોવા છતાં ક્યારેક એકલતાનો અનુભવ થઇ આવે છે તેનું કારણ છે આ શરીરની અંદર રહેલા માંહ્યલાને તેના મૂળથી અલગ કરી બીજે સ્થાને રોપવામાં આવ્યો છે તે દિવસે અમેરિકાના નોર્થ ઇસ્ટમાં આવેલા ડેલાવર સ્ટેટના મારા ઘરની
મધુ રાય
બારી પાસે બેસી હું સવારના બાળ સૂરજના કિરણોને ઝીલતા લખવામાં મશગૂલ હતી.
શિયાળાની ગુલાબી સવારમાં,
કૂણા કૂણા સૂરજની ગરમી જેવો,
તારો ઊર્જા આપતો સ્નેહ…
કોણ જાણે આટલું લખતાં હું દેશના મારા એ ઘરની ઓસરીમાં પહોંચી ગઇ અને અનાયાસે આ ગ્લાસનું સ્લાઇડ ડોર ખોલાઇ ગયું. બહાર અડ્ડો જમાવી બેઠેલા ઝીરો ડિગ્રીના તાપમાનની ઠંડી હવા અડતાં હું પગથી માથા સુધી ધ્રૂજી ઊઠી અને બીજી પંક્તિમાં લખાઇ ગયું,
‘આજ, આભના રેફ્રિજરેટરમાં
બરફ બનેલા,
આ ‘સૂરજ બર્ફ’ના સાંનિધ્યમાં મારું તન-મન કંપાવે છે.’
આ દેશના ફળિયામાં કાલ્પનિક રીતે ગોઠવાઇને આલેખાઇ રહેલી લાગણીઓ જ્યારે અચાનક ઊંચકાઇને પરદેશની વાસ્તવિક આબોહવામાં આવી જાય છે ત્યારે લખાઇ જતું આવું મિશ્ર લાગણીઓનું આલેખન એ જ ડાયાસ્પોરા સાચી ફીલિંગ્સ…