– વિજય રોહિત
ગુજરાતના સાવ નાનકડા ગામમાંથી અને ગરીબ પરિવારમાંથી અમેરિકા પહોંચી બિઝનેસ દ્વારા શૂન્યમાંથી સર્જન કરનાર એચ. આર. શાહ ની વિશેષતા છે ખોટ કરતી કંપનીનું ટેકઓવર કરી તેને નફો કરતી બનાવવી. ‘ટર્નઅરાઉન્ડ એક્સપર્ટ’ તરીકે ઓળખાતા તેમજ ટીવી એશિયાના ચેરમેન એચ.આર. શાહની ગાથા એ બિઝનેસમાં સફળતા મેળવવા ઈચ્છતી કોઈપણ વ્યક્તિ માટે પ્રેરણાદાયક છે…
તસવીરો : ગુંજેશ દેસાઈ
‘ઓપોર્ચ્યુનિટી’ના દેશ તરીકે ઓળખાતા અમેરિકામાં જવાનું ડ્રીમ ભારત સહિત વિશ્ર્વના અનેક દેશોના નાગરિકો જોતા હોય છે. ભૌતિક સુખ, સમૃદ્ધિની શોધમાં દુનિયાના ખૂણેખૂણાથી, સામાન્યથી લઈ અસાધારણ પ્રતિભા ધરાવનાર અમેરિકામાં આવીને વસે છે, સમૃદ્ધ અને સાધનસંપ્ન્ન થાય છે. જોકે ગુજરાતીઓની વાત જ નિરાળી છે, તેઓ અમેરિકામાં સમૃદ્ધ થયા છે એ વાત સાચી પરંતુ અમેરિકાના વિકાસમાં પણ તેઓનું યોગદાન મહત્ત્વપૂર્ણ ગણાય છે. આજે અનેક ગુજરાતીઓ બિઝનેસથી લઈ રાજકારણમાં શ્રેષ્ઠ પોઝિશન પર બિરાજે છે. આવા જ એક ગૌરવવંતા ગુજરાતીનું નામ છે ‘એચ. આર. શાહ’ જેમણે અમેરિકાની ધરતી પર શૂન્યમાંથી સર્જન કર્યું છે.
અમેરિકામાં બિઝનેસ કિંગ, ટર્ન અરાઉન્ડ એક્સપર્ટ વગેરે વિશેષણો મેળવી ચૂકેલ આ ગુજરાતી બિઝનેસમેનની સક્સેસનું રહસ્ય છે સાહસ અને સખત પુરુષાર્થથી નિષ્ફળતાને સફળતામાં ફેરવવાનું કૌશલ્ય. ગુજરાતના સાવ નાનકડા ગામમાંથી નીકળેલ એક યુવાન અમેરિકામાં કેવી રીતે સફળતાના નવા શિખરો સર કરે છે ચાલો જાણીએ વિગતવાર….
બાળપણ અને અમેરિકા જવાનું સ્વપ્ન..
કલાત્મક હિંચકા અને કાષ્ટકલા માટે ખ્યાતનામ ગુજરાતના સંખેડા નજીક આવેલ બહાદરપુર ગામમાં ૨૭ ઓગસ્ટ, ૧૯૪૩ના રોજ ખેડૂત રમણભાઈના પાંચમા સંતાન તરીકે હસમુખ એટલે કે એચ.આર. નો જન્મ થાય છે. સામાન્ય ખેડૂત પરિવાર હોવાથી સ્થિતિ અત્યંત સાધારણ હતી. એટલું જ નહીં પણ ત્રણ વર્ષની ઉંમરે તેઓ પિતાનું છત્ર ગુમાવી દે છે. તેમની માતા ગરીબીનો મક્કમતાથી સામનો કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને હસમુખનો ઉછેર કરે છે. આવી પરિસ્થિતિમાં હસમુખનો શાળાકીય અભ્યાસ પૂર્ણ થાય છે અને અમદાવાદમાં સાયન્સ કોલેજ જોઈન કરે છે. અહીં બીએસસી થયા બાદ નોકરી માટેનો સંઘર્ષ શરૂ થાય છે. એ સાથે સાથે તેઓ અમેરિકા જવા માટે ત્યાંની યુનિ.માં એપ્લાય કરતાં રહે છે અને ૧૯૭૦માં ત્યાં જવાની તક મળે છે. જોકે અમેરિકા જવાનું સ્વપ્ન તેઓ વર્ષોથી જોતાં હતા. દરઅસલ વાત એમ બની હતી કે, તેમની માસીના દીકરા ઈન્દ્રવદન દેસાઈને અમેરિકા માટે વિઝા મળતાં તેને મુંબઈ એરપોર્ટ પર સૌ સગાંવહાલાં મૂકવા આવ્યા હતા. એ દરમિયાન એચ. આર. શાહ પણ ત્યાં ગયા હતા. ઈન્દ્રવદનને અમેરિકા જતાં પહેલાં શુભેચ્છા રૂપે સૌ સગાં-સ્નેહીઓએ શ્રીફળ તેમજ શુકનના નાણાં આપ્યા હતા. ઈન્દ્રવદનને શ્રીફળ એટલી સંખ્યાંમાં મળ્યા હતા કે એચ.આર. જોઈને દંગ રહી ગયા હતા. તે જ ક્ષણે તેમણે નક્કી કર્યું હતું કે તેઓ પણ અમેરિકા જશે અને ઈન્દ્રવદનથી પણ વધુ શ્રીફળ મેળવશે. આમ, અમેરિકા જવાના બીજ આ ઘટનાથી રોપાયા હતા અને એચ. આર. શાહે તેને સાર્થક કર્યા.
અમેરિકામાં સંઘર્ષ
દરેક વ્યક્તિ એવું વિચારે કે અમેરિકા જઈએ એટલે સમૃદ્ધ થઈ જવાય પણ હકીકતમાં વિચારીએ એટલું સહેલું નથી હોતું. એચ.આર.એ અમેરિકા પહોંચ્યા પછી સૌ પ્રથમ સ્કૂલ કન્સલટન્ટ તરીકે બિઝનેસની શરૂઆત કરી. અમેરિકામાં કોઈ વિદ્યાર્થીને કોઈ સ્કૂલ, કોલેજમાં એડમિશન જોઈતું હોય કે ભવિષ્યમાં કરિયર બનાવવા કયા ક્ષેત્રને પસંદ કરવું જોઈએ, ક્યાં વધુ સ્કોપ છે એ અંગે તેઓ સલાહ-સૂચન આપતાં અને વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડતાં. આ બિઝનેસમાં તેમને એડમિશન મળે તો જ કમિશન મળતું.
એચ. આર. શાહનું વ્યક્તિત્વ જ એવું છે કે તેઓ નાનો-મોટો કોઈપણ પ્રકારનો બિઝનેસ કાયમ વિચારતાં રહેતાં અને તક મળે અમલમાં મૂકતાં.
ઉપરોક્ત સ્કૂલ કન્સલટન્સી બિઝનેસમાંથી થોડી આવક થઈ એટલે ન્યૂયોર્કના વર્લ્ડ ફેમસ એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં ઓફિસ લીધી. જોકે બિઝનેસમાં ચડતી-પડતી આવતી જ હોય છે અને તે સમયે જ બિઝનેસમેનની સ્કીલ અને ધીરજની કસોટી થતી હોય છે. એચ. આર. શાહને પણ આવા કપરાં દિવસનો સામનો કરવો પડ્યો. કેટલાક લોકોએ દગો આપ્યો અને થોડીક ગણતરીઓ ઊંધી પડતાં તેઓ સીધા આકાશમાંથી જમીન પર આવી ગયા. એટલું જ નહીં તેમણે પોતાની પાંચ લાખ જેવી મૂડી તો ગુમાવી જ એ ઉપરાંત માથે જંગી દેવું પણ થઈ ગયું. એચ. આર કહે છે, ‘આ મારા જીવનનો ખૂબ ખરાબ સમય હતો, નાસીપાસ અને નિરાશ થઈ ગયો હતો. કયારેક આત્મહત્યાના વિચાર પણ આવતાં તો કદી ભારત પાછો જતો રહું એવું પણ વિચારતો. જોકે એક વાત પર ખૂબ સ્પષ્ટ હતો કે દેવું ભરપાઈ કર્યા વગર ભારત જવું નથી અને કોઈપણ સંજોગોમાં નોકરી કરવી નથી.’
આવા ખરાબ સમયમાં ટકી રહેવું મહત્ત્વનું હોય છે. એચ.આર.એ બીજા બિઝનેસ તરફ નજર દોડાવી. પોતે સાયન્સ ગ્રેજ્યુએટ હોવાથી મેડિકલનું નોલેજ હતું જેથી થોડી ઘણી લોન લઈને તેમણે મેડિકલ સેન્ટરની શરૂઆત કરી. આમ છતાં આ તેમના માટે ખોટનો ધંધો સાબિત થયો અને મેડિકલ સેન્ટરના બિઝનેસમાં વધુ પચાસ હજાર ડોલર ગુમાવ્યા. જોકે અહીં તેમણે નાણાં ગુમાવ્યા પણ જીવનસાથી મળી ગયા. એચ. આર.ને તેમના મેડિકલ સેન્ટરમાં કામ કરતી ઈટાલીયન યુવતી રોઝમેરી સાથે પ્રેમ થયો અને પરણી ગયા. એચ. આર. એ લગ્ન પહેલાં જ એ યુવતીને પોતાની આર્થિક પરિસ્થિતિ અંગેનો ચિતાર આપી દીધો હતો. રોઝમેરીએ પણ એચ.આર.ને સાથઆપતાં કહ્યું, ‘કાંઈ વાંધો નહીં, આપણે સાથે મળીને વધુ મહેનત કરીશું અને દેવું ભરપાઈ કરી દઈશું.’
ફરી એકવાર એચ આર એ બીજા બિઝનેસ તરફ નજર દોડાવી પણ બિઝનેસમાં કાંઈ મેળ પડી રહ્યો ન હતો. આથી તેમણે ટેક્સી ચલાવવા માંડી. તેમના પત્ની રોઝે એક મેડિકલ સેન્ટરમાં નર્સની નોકરી શરૂ કરી. ધીમે ધીમે બધું ગોઠવાતું ગયું અને તેમણે ટેક્સીની આવકમાંથી લિમોઝીન ખરીદી અને ભાડે ફેરવવાનું ચાલુ કર્યું. ત્યારબાદ તો આ ધંધામાં ફાવટ અને આવક બંને મળતાં તેમણે એક પછી એક એમ અડધો ડઝન જેટલી લિમોઝીન ખરીદી અને ભાડે ફેરવવા માંડી. આ બિઝનેસની આવકમાંથી તેમણે દેવું ચૂકતે કર્યું. તેમનો આત્મવિશ્ર્વાસ વધ્યો અને હવે તેમણે બીજા વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમણે અમેરિકામાં આવતા નવા ભારતીયોને બિઝનેસ અપાવવાનો એક નવતર બિઝનેસ શરૂ કર્યો. તેમાં ૧૦ થી ૨૦ ટકા કમિશન મળે. એચ. આર એ કેટલાય ભારતીયોને આ રીતે બિઝનેસ અપાવ્યો. એટલું જ નહીં પણ અનેક લોકોના સંપર્કમાં આવતાં પૈસા અને પ્રસિધ્ધિ બંને મળ્યાં અને ફરી એકવાર એચ. આર. લાઈમલાઈટમાં આવી ગયા.
બિઝનેસમાં એચ. આર. ની સફળતાનું રાઝ એ છે કે તેઓ હંમેશાં નવા નવા બિઝનેસની શોધમાં રહે છે, યોગ્ય લાગે તો ઝંપલાવે. ક્યારેક સફળતા તો ક્યારેક નિષ્ફળતા પણ મળે. આમ છતાં ગુજરાતીઓની લાક્ષણિકતા કહી શકાય તેવી વેપારીવૃત્તિ અને કોઠાસૂઝે એચ. આર.ને સફળ બિઝનેસમેન બનાવ્યાં છે. હવે એચ. આર. એક અલગ બિઝનેસમાં પૈસા રોકે છે. આપણે ત્યાં જેમ બિગબાઝાર, ડી-માર્ટ વગેરેના ડિપાર્ટમેન્ટલ સ્ટોર જોવા મળે છે જ્યાં ઘરવપરાશની વસ્તુથી લઈ કપડાં અને ખાણીપીણીની તમામ સુવિધા ઉપલબ્ધ હોય તેવી ન્યૂ જર્સીમાં ‘ક્રાઉઝર્સ’ બ્રાન્ડ છે. જોકે લગભગ ૯૭ વર્ષ જૂની અને ૩૦૦થી વધુ સ્ટોર્સ ધરાવતી ક્રાઉઝર્સ ખોટના ખાડામાં ઉતરી જાય છે અને દેવાળુ ફૂંકે છે. એચ.આર. આ કંપનીને ૧.૭ કરોડ ડોલર્સમાં વેચાતી લે છે. સ્વાભાવિક છે કે દેવાળિયા કંપનીને કોણ ખરીદે ? એચ આર એ પચ્ચીસ વર્ષ પૂર્વે ક્રાઉઝર્સને ખરીદીને લગભગ ૧૩૦૦ જેટલા ભારતીયોની નોકરી બચાવી હતી.
પણ એચ આર આ બાબતે અલગ મંતવ્ય ધરાવતા હતા. તેઓ માનતા કે, ‘આવા સ્ટોર્સ ખરીદવા એ ફાયદાનો સોદો છે. એમાંય આવી દુકાનોને ક્યારેય મંદી ના નડે. ગમે તેવી સ્થિતિમાં પણ દૂધ, મસાલા તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ તો ખરીદવાના જ. જેટલા કલાક સ્ટોર્સ ખૂલ્લો હશે એટલા કલાક કમાણી જ છે. તમારે ફક્ત કામ જ કરવાનું છે. વળી, બીજી કોઈ ખાસ શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત પણ નથી હોતી. ખાસ કરીને અંગ્રેજી ના આવડતું હોય તો પણ આ બિઝનેસમાં ચાલી જાય. એચ. આર.એ બિઝનેસ ડેવલપમેન્ટ માટે એક અનોખી ટેકનિક અપનાવી. તેમણે કર્મચારીઓને ભાગીદારીની ઑફર કરી અને જાણે ચમત્કાર થઈ ગયો. કર્મચારીઓને ભાગીદાર બનાવવાથી તેમને માલિક હોવાનો અહેસાસ થયો અને બમણા જુસ્સા સાથે કામ કરવા લાગ્યા. આમ, સમગ્ર સ્ટાફ, કર્મચારીઓએ સખત પરિશ્રમ અને કુશળતાથી કામ કરીને નુકસાન કરતી કંપનીને નફાદાયક કંપનીમાં ફેરવી નાંખી. આ ટર્નઅરાઉન્ડથી કંપનીના મૂળ માલિકો પણ આશ્ર્ચર્યચકિત થઈ ગયા. તેમને સમજાયું જ નહીં કે આ કંપની કેવી રીતે પ્રોફિટ કરતી થઈ ગઈ. એચ આરની ટેકનિક અહીં કામ કરી ગઈ. ૧૯૯૬માં તેમણે વા વા ઈન નામના સ્ટોર્સની ચેઈન ખરીદી. ત્યારબાદ એચઆરને આવી ખોટના ખાડામાં ડૂબેલી કંપનીઓને બેઠી કરવાની જાણે આદત પડી ગઈ.
એચ.આર.નો કાયમી સ્વભાવ અને પોલિસી જ એવી રહી છે કે અમેરિકામાં કોઈપણ ગુજરાતી કે ભારતીય કોઈ નવા બિઝનેસ કે સાહસ કરવાનું વિચારે અને તેમને મળે તો જરૂર તેમને સપોર્ટ કરવો. હા, બિઝનેસ આઈડિયા કાંઈક નવીન હોવો જોઈએ. તેમાંથી કેટલા ડોલર મળશે કે ગુમાવવા પડશે તેની ચિંતા તેઓ ક્યારેય ના કરતા. આ ઉપરાંત હંમેશાં માંદી કંપનીઓને જ ખરીદવાની અને પોતાની કાબેલિયતથી તેને નફો કરતી કરી દેવાની. તેમની આ આવડતને કારણે જ તેઓ ‘ટર્નઅરાઉન્ડ એક્સપર્ટ’ તરીકે ઓળખાય છે.
ટીવી એશિયા, અમિતાભ અને એચઆર
ક્રાઉઝર્સ અને વા વા ઈન જેવા સ્ટોર્સની ચેઈન જ નહીં પણ એશિયનોને ૨૪ કલાક મનોરંજન પીરસતી ‘ટીવી એશિયા’ ચેનલ પણ સક્સેસફુલી ચલાવવાનું શ્રેય એચ.આર.ને મળે છે. ‘ટીવી એશિયા’ એટલે નોર્થ અમેરિકાની પ્રથમ એશિયન ટીવી ચેનલ જેના દર્શકવર્ગમાં ભારત, પાકિસ્તાન તેમજ બાંગ્લાદેશીઓ છે. આ ચેનલ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને ૧૯૯૩માં શરૂ કરી હતી. જોકે અમિતાભ ટીવી એશિયાના બિઝનેસમાં ખોટ કરી રહ્યાં હતા અને તેનાથી થાકી પણ ગયા હતા. આ દરમિયાન એચઆર સાથે અમિતાભની મિત્રતા થઇ અને ત્યાંથી ટીવી એશિયાના બિઝનેસને એચ.આર.નો મીડાસ ટચ મળ્યો અને કંપની નફો કરતી થઇ ગઇ. જોકે અમિતાભ સાથેની દોસ્તી અને ટીવી એશિયા ખરીદવા સુધીની દાસ્તાન પણ ફિલ્મી સ્ટોરીથી કાંઈ કમ નથી.
સૌ જાણે છે એમ અમિતાભ બચ્ચન ચેરિટી કરવામાં અગ્રેસર છે. ૧૯૯૦ના સમયગાળામાં અમિતાભે અમેરિકામાં ન્યૂ જર્સીખાતે ભવ્યાતિભવ્ય ચેરિટી શો યોજ્યો હતો. જેનો હેતુ આંધ્રપ્રદેશમાં આવેલ વિનાશક વાવાઝોડાંના અસરગ્રસ્તો તથા ઝઘડિયામાં ચાલતી સેવા રૂરલ સંસ્થા અને મધર ટેરેસાની મિશનરી તથા યુએસ-ઈન્ડિયાની કેટલીક સેવાભાવી સંસ્થાને ભંડોળ મેળવી આપવા માટેનો હતો. ન્યૂ જર્સીથી પ્રારંભ થયેલ વર્લ્ડ ટૂરમાં તે સમયે જયા ભાદુરી, સલમાન ખાન, શ્રીદેવી, નીલમ, અનુપમ ખેર જેવા કલાકારો હતા. આ ઉપરાંત આણંદજી-કલ્યાણજી અને વિજુ શાહની મ્યૂઝિક ટીમ સાથે હતી. જોકે આટલા મોટા શોનું ઓપન સ્ટેડિયમમાં આયોજનનું જોખમ એ હતું કે અમેરિકામાં વરસાદ, વાવાઝોડાનું કાંઈ નક્કી નથી હોતું જેથી વરસાદ પડે તો શો ધોવાઈ જાય. એટલું જ નહીં જે દિવસે શો હતો એ જ દિવસે ધોધમાર વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત શોની સિત્તેર હજાર ટિકિટો વેચવી એ પણ કાંઈ ખાવાના ખેલ ન હતા. આમ, આ શોની સફળતા સામે રિસ્ક ફેક્ટર પણ મોટું હતું. જોકે એચઆરએ આ શોને સફળ બનાવવા બીડું ઝડપ્યું હતું. તેમણે એવો જાદુ કર્યો કે આખો શો હાઉસફૂલ થઈ ગયો. અમિતાભ એન્ડ કાું. એ આલાગ્રાન્ડ પરફોર્મન્સ આપીને દર્શકોને ખુશ કરી દીધા. શો પૂરો થયા બાદ યોજાયેલ ડિનરમાં બચ્ચનને ખબર પડી કે આ શોની લગભગ ત્રીસ હજાર જેટલી ટિકિટ ફક્ત એચ.આર. જ વેચી આપી છે ત્યારે બચ્ચન પણ તેમની ટેલેન્ટ અને સ્કીલ પર વારી ગયા હતા. બચ્ચન એચ.આર.ને ભેટી પડે છે અને મિત્રતાનો પ્રસ્તાવ મૂકે છે. અમિતાભ અને એચઆરની અતૂટ દોસ્તીનું પ્રકરણ અહીંથી શરૂ થાય છે. અમિતાભ જ્યારે પણ અમેરિકા આવે ત્યારે એચ.આર.નું આતિથ્ય જરૂર માણે. ગુજરાતીઓનું આતિથ્યપણું કલ્ચર સાથે વણાયેલ છે જેથી અમેરિકા હોય કે ભારત તેમાં કોઈ ફરક ના પડે. ન્યૂજર્સીના એડિસન ખાતે આવેલ ટીવી એશિયાની વિશાળ ઓફિસ-સ્ટુડિયોની મુલાકાત લેવા આવેલ બહારના હોય કે અમેરિકન્સ, બિઝનેસ ડીલ થાય કે ના થાય પણ એચઆરની ભાવભીની, સ્નેહપૂર્ણ મહેમાનગતિ અચૂક માણવા મળે.
અમિતાભ બચ્ચન ૧૯૯૩માં ટીવી એશિયા ચેનલની શરૂઆત કરવા એચ.આર.ને મળે છે અને એશિયનો માટે ૨૪ કલાક મનોરંજન આપતી ચેનલનો ઉદ્દેશ સમજાવે છે. એચઆરને અમિતાભ બચ્ચનનો આઈડિયા તો ગમે છે પણ સ્થિતિ-સંજોગોએ ટીવી એશિયાના બિઝનેસમાં નથી ઝંપલાવતા. આ બાજુ અમિતાભે ન્યૂ જર્સીની એક ફેમસ રેસ્ટોરાંમાં ટીવી એશિયાના લોન્ચિંગનો કાર્યક્રમ રાખ્યો હતો. અમિતાભે તે સમયે કહ્યું હતું કે, ‘એચ.આર. એ ટીવી એશિયાના પાયાના સ્તંભ છે.’ આમ, ચેનલ તો શરૂ થઈ ગઈ પણ ટૂંક સમયમાં બચ્ચનની બધી ગણતરીઓ ખોટી પડવા માંડી. ટીવીના ક્ષેત્રમાં પણ સેટેલાઈટ અને ઘણી નવી ટેક્ધોલોજિ આવવાના કારણે આ ફીલ્ડમાં હરીફાઈ વધી અને ટકી રહેવું મુશ્કેલ બન્યું. આ બધાના કારણે ટીવી એશિયાની પ્રગતિ ખૂબ ધીમી થઈ ગઈ અને ધીમે ધીમે ખોટના ખાડામાં આવી ગઈ.
એચ.આર. ટીવી એશિયાની પ્રાથમિક નિષ્ફળતા અંગે કહે છે, ‘દરેક બિઝનેસનું એક આગવું ગણિત હોય છે અને દરેક બિઝનેસની સફળતાનો આધાર તેના માલિક બિઝનેસને કેટલો સમય ફાળવે છે તેના પર રહેતો હોય છે. સેલરી આધારિત માણસો પર બિઝનેસ ક્યારેય ના ચાલે. ખરેખર તો માલિકનું ધંધામાં પૂરેપૂરું ધ્યાન અને ઈન્વોલ્વમેન્ટ ખૂબ જરૂરી છે. જ્યારે ટીવી એશિયાના બિઝનેસમાં અમિતાભ ભારતમાં હતા અને બિઝનેસ અમેરિકામાં જેથી પગારદાર માણસો પોતાની રીતે વહીવટ કરતાં અને આખરે કંપની ખોટના ખાડામાં ઉતરી ગઈ. બીજું કે ઈન્ડિયામાં તેમની કંપની એબીસીએલની હાલત પણ અત્યંત ખરાબ હતી. જેથી ટીવી એશિયાના બિઝનેસમાં ત્રણ વરસમાં તેઓ થાકી ગયા અને આખરે આ કડાકૂટમાંથી બહાર નીકળવા તેને વેચી નાંખવાનું નક્કી કર્યું. તે સમયે અમેરિકામાં થોડીક ચેનલો ધરાવતો માઈકલ કેલી નામનો ખરીદનાર પણ મળી ગયો. જોકે એચ.આર.ને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે એક અમેરિકનને એશિયનો માટેની ચેનલ વેચવાનું યોગ્ય ના લાગ્યું. તેમણે અમિતાભ સાથે આ અંગે ચર્ચા કરી ત્યારે અમિતાભે કહ્યું કે, ‘હું ટીવી એશિયાના ખોટના ખાડામાંથી બહાર નીકળવા માંગું છું, હવે વધારે ખેંચાય તેમ નથી. અને જો તમે કીધી એમ વાત હોય તો તમે જ ખરીદી લો ને?’
એચ.આર.એ આ પડકાર ઝીલી લીધો અને ૧૯૯૭માં ટીવી એશિયા ખરીદી લીધી. આ અંગે વધુ માહિતી આપતાં તેઓ કહે છે, ‘આ બિઝનેસમાં સફળતા મેળવવી એટલી સહેલી નથી. કારણકે સતત નવી ટેકનોલોજિ આવ્યા કરે અને ક્યારે શું ચાલે એ કહી ના શકાય. વળી આ ક્ષેત્રનો અનુભવ પણ ન હતો આથી આ ચેનલ પહેલાં જેને અમિતાભ વેચવાના હતા તે માઈકલ કેલીને મારો પ્રતિસ્પર્ધી હોવા છતાં તેને આ ફીલ્ડનો અનુભવ હતો એટલે ૨૦ ટકા પાર્ટનરશિપ ઓફર કરી. આવી રીતે ચેનલ લીધા બાદ દોઢ વર્ષ સેટેલાઈટ વગર પસાર કર્યું. આખરે જુલાઈ, ૧૯૯૮માં સેટેલાઈટ મળ્યો અને ટીવી એશિયાની દુનિયા જ બદલાઈ ગઈ. જે પ્રગતિ અમે ત્રણ વર્ષના ગાળામાં નહોતાં કરી શક્યા તે માત્ર પાંચ મહિનામાં જ શક્ય બની. અત્રે ઉલ્લેખનીય છે કે એશિયનો માટે તેમના દેશના સમાચારો, કલ્ચરલ પ્રોગ્રામ્સ અને અંગ્રેજી, હિન્દી ગુજરાતી સહિત વિવિધ ભાષામાં કાર્યક્રમો પીરસતી આ એકમાત્ર ચેનલ છે. આ બધા પરિબળોના લીધે થોડાક જ વર્ષોમાં ટીવી એશિયા અમેરિકામાં એશિયનો માટેની સૌથી પોપ્યુલર ચેનલ બની ગઈ. આજે ટીવી એશિયા પાસે સાતથી આઠ લાખ ગ્રાહકો છે. આ ઉપરાંત ટીવી એશિયા પાસે હજારો હિન્દી ફિલ્મ્સના ટેલિકાસ્ટ રાઈટ્સ છે. સમગ્ર અમેરિકામાં ટીવી એશિયાના ત્રીસ બ્યૂરો છે તો વિશ્ર્વના વિવિધ દેશોમાં ૨૦ જેટલા બ્યૂરો કાર્યરત છે. ન્યૂ જર્સીમાં એમનો પોતાનો સ્ટુડિયોઝ છે. તેમના સ્ટુડિયોની અનેક હસ્તીઓ મુલાકાત લઈ ચૂકી છે. જેમાં ખાસ ઉલ્લેખનીય કહી શકાય તે મહાનુભાવોમાં પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપાઈથી લઈ કેશુભાઈ પટેલ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બોલિવૂડના જાણીતા અભિનેતાઓનો પણ સમાવેશ થાય છે. સ્ટુડિયોમાં આવેલ મહાત્મા ગાંધી ઓડિટોરિયમમાં સાહિત્યથી માંડી સંગીત, નૃત્યકલાના કાર્યક્રમ નિયમિત યોજાય છે. સમાજના કોઈપણ કાર્યક્રમ માટે એચ.આર. શાહ આ ઓડિટોરિયમ ઉત્સાહ સાથે ઉપયોગ કરવા આપે છે. આ ઉપરાંત ભારત-અમેરિકાના રાજકીય સંબંધોને વધુ ઉષ્માપૂર્ણ બનાવવામાં સક્રિય યોગદાન આપનાર એચ.આર.ને ગવર્નર, સેનેટર, કોંગ્રેસમેનથી લઈ બરાક ઓબામા, ડોનાલ્ડ ટ્રમ્પ જેવા દિગ્ગજ નેતાઓ સાથે ઘરોબો છે જે તેમની શાખનો પરિચય આપે છે.
એચ.આર.ની ઓળખ બહુમુખી પ્રતિભા ધરાવતી વ્યક્તિની છે એ કાંઈ એમ જ નથી. તે ઝડપથી એક પછી એક નવા બિઝનેસ શરૂ કરે છે. ક્યાંક શીખે છે, કમાય છે તો ક્યાંક અનુભવ મેળવે છે પણ એમની સાહસવૃત્તિ જ એમને સફળતા અપાવે છે. ટીવી એશિયા ચેનલ બાદ એચ.આર. બ્રોડબેન્ડ ટીવી, એફએમ રેડિયો, ડીટીએચ વગેરે બિઝનેસમાં પણ ઝંપલાવી દીધું છે. કોમ્પ્યૂટર અને નવી ટેકનોલોજિના યુગ વિશે તેઓ વાત કરતાં કહે છે, ‘હું કમ્પ્યૂટરનો માણસ નથી પણ આજે જે કમ્યુનિકેશન ક્રાંતિ આવી છે તેનું મહત્ત્વ બરાબર સમજું છું. આજની જનરેશન તેમજ ઈન્ડિયન ડાયસ્પોરાની જરૂરિયાત અને પસંદ-નાપસંદનો ખ્યાલ રાખીએ છે. એટલું જ નહીં પણ વિવિધ કલ્ચરલ કાર્યક્રમોની સાથે સાથે સ્પોર્ટસને પણ એટલું જ મહત્ત્વ આપીએ છીએ. અમેરિકામાં ઘણી બધી ક્રિકેટ ટુર્નામેન્ટને સ્પોન્સર કરીએ છીએ, એનું ટીવી પર જીવંત પ્રસારણ કરીએ છીએ.’
એવોર્ડ અને વિવિધ સન્માન
વ્યક્તિની ઓળખ તેના કાર્યથી થતી હોય છે અને એચ.આરે. તેમની કારકિર્દીમાં અનેક બિઝનેસમાં સફળતા મેળવી છે, અમેરિકામાં કેટલાય ભારતીયોને નવા બિઝનેસમાં સેટલ કરવામાં મદદ કરી છે, અનેક લોકોને નોકરી-રોજગારી અપાવી છે તો સામાજિક અને રાજકીય કાર્યોમાં પણ અગ્રેસર રહી યોગદાન આપ્યું છે. તેમની બહુમુખી પ્રતિભાએ અમેરિકામાં ભારતીયોનું ગૌરવ વધાર્યું છે ત્યારે વિવિધ સંગઠનો, સંસ્થાઓ તેમને પોંખે એ સ્વાભાવિક છે. આપને ખ્યાલ હોય તો આ વર્ષે જ ભારતના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ ‘પદ્મ’ની કેટેગરીમાં પદ્મશ્રી એવોર્ડ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેઓને ૨૦૦થી વધુ માન-અકરામ, એવોર્ડઝથી સન્માનવામાં આવ્યાં છે. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયે પણ એચ.આર.ને પદ્મશ્રી એવોર્ડ મળ્યાની ખુશીમાં કાર્યક્રમો યોજ્યા હતા. ન્યૂ જર્સીના રોયલ આલ્બર્ટ પેલેસમાં યોજાયેલ ફંકશનમાં ફેડરેશન ઓફ ઈન્ડિયન એસોસિયેશન્સ (ન્યૂ જર્સી) સહિત વિવિધ સંગઠનોએ તેમનું સન્માન કર્યુ હતું. આ કાર્યક્રમમાં ન્યૂયોર્ક સ્થિત ભારતીય કોન્સલ જનરલ રાજદૂત રીવા ગાંગુલી દાસ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને તેમણે એચ.આર.શાહને પદ્મશ્રીથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તો ગુજરાત ટાઈમ્સના ચેરમેન ડૉ. સુધીર પરીખે પણ આ પ્રસંગે આનંદની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ‘એચ. આર. શાહ સામુદાયિક અગ્રણી અને પરોપકારી દાતા છે. તેમને મળેલા તમામ સન્માનના તેઓ સાચા હકદાર છે. તેમની અથાક મહેનત અને પ્રતિબધ્ધતાએ તેમને સફળતા અપાવી છે. એફઆઈએના ચેરમેન રમેશ પટેલે પણ ખાસ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ‘એચ.આર. શાહનોે હરહંમેશ અમને સાથ મળ્યો છે. કોમ્યુનિટીના કામ માટે તેઓ સદાય તત્પર રહે છે.
અમે તેમના પ્રતિ અમારી લાગણી અને પ્રેમ દર્શાવવા માટે આ સમારોહનું આયોજન કરવા માગતા હતા. તેઓ પદ્મશ્રીના ખરા હકદાર છે. ખાસ જણાવવાનું કે આ ભવ્ય સમારોહ યોજવા માટે એફઆઈએ ઉપરાંત શેર એન્ડ કેર, અમેરિકન એસોસિએશન્સ ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (આપી), એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોસિએશન (આહોઆ) સહિત ઘણા સંગઠનો સહાયરૂપ થયા હતા.
પદ્મશ્રી ઉપરાંત ૨૦૦૫માં તેમને અમેેરિકાનો પ્રતિષ્ઠિત એલિસ આઈલેન્ડ મેડલ ઓફ ઓનર પણ પ્રાપ્ત થયો છે જે અમેરિકામાં આવતાં ઈમિગ્રન્ટને તેમની વિશિષ્ટ કામગીરી અને યોગદાનને બિરદાવવા આપવામાં આવે છે.
પરિવાર અને સોશિયલ લાઈફ
સીધું સાદુ વ્યક્તિત્વ, પ્રામાણિકતા અને પરોપકાર અને બિઝનેસમાં સાહસ એ એચ.આર.ની વિશિષ્ટતા છે. વિવિધ સામાજિક સંસ્થાઓ અને જનજાગૃતિ કાર્યક્રમોમાં તેઓ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનું કોન્ટ્રિબ્યુશન આપે છે. કેટલીય સામાજિક – રાજકીય સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી-ચેરમેન જેવા મહત્ત્વપૂર્ણ સ્થાન પર બિરાજે છે. અમેરિકામાં ભારતીય વિદ્યાભવન સાથે સંકળાયેલ એચ.આર. તેની મદદથી ભારતીય કલા અને સંસ્કૃતિ વિશે જાગૃતિ લાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યાં છે. એચ.આરે. અઢળક સંપતિ સર્જન કર્યું છે પણ તેઓ પોતાનો ભૂતકાળ ભૂલ્યાં નથી. માદરે વતન ભારતમાં ગામડે ગુજારેલ એ ગરીબાઈના દિવસો હજી તેમને યાદ છે. એટલું જ નહીં પણ તેમના ગામના ગરીબ પરિવારોને પણ તેઓ ભૂલ્યાં નથી. આજદિન સુધીમાં તેમણે તેમના ગામ બહાદરપુરમાંથી ચાર હજાર જેટલા લોકોને અહીં લાવી વસાવ્યાં છે, નોકરી-રોજગાર અપાવી સમૃદ્ધ કર્યા છે. એ બધા જ લોકો તેમને સલામ કરે છે પણ એચ.આરે. ક્યારેય કોઈની પાસે કોઈ અપેક્ષા નથી રાખી કે તેઓ બદલામાં તેમને કાંઈ આપે.એચ.આર.ની આ લાક્ષણિકતા જ તેમને મુઠ્ઠી ઉંચેરા માણસ બનાવે છે. ઘણાં લોકો તેમને પિતૃતૂલ્ય ગણી આદર આપે છે તેનું કારણ તેમની નિ:સ્વાર્થવૃતિ અને પરોપરકારની ભાવના છે. ઈટાલીયન યુવતી રોઝમેરી સાથે લગ્ન કરનાર એચઆરના પરિવારમાં પુત્રી ક્રિસ્ટીના અને પુત્ર ડેનિયલ છે.
અમેરિકામાં એચ.આરે. જે સફળતા મેળવી તે અદ્વિતીય છે, અદ્ભુત છે, અકલ્પનીય છે છતાંપણ એના મૂળ એચ.આર.ની સાહસવૃતિ અને બિઝનેસ ટેલેન્ટમાં છે.
ઈન્ડિયા હોય કે અમેરિકા, વેપાર તો ગુજરાતીના લોહીમાં હોય, જે શીખવું થોડું પડે ! આખરે તો ગુજરાતી ને..વેલડન એચ.આર.