રાજકારણમાં અકલ્પનીય સફળતા મેળવનાર આધુનિક ચાણક્ય અમિત શાહ

રાજકારણમાં અકલ્પનીય સફળતા મેળવનાર આધુનિક ચાણક્ય અમિત શાહ

- in Feature Article
587
Comments Off on રાજકારણમાં અકલ્પનીય સફળતા મેળવનાર આધુનિક ચાણક્ય અમિત શાહ
Modern Chanakya Amit Shah, who has achieved incredible success in politics

– વિજય રોહિત

સૌથી નાની ઉંમરે રાષ્ટ્રીય અધ્યક્ષ, ૪૨ ચૂંટણીથી અપરાજિત તેમજ ૧૪ રાજ્યોમાં ભાજપનું શાસન… આ છે અમિત શાહની સિદ્ધિ.. રાજકારણના ખૂબ તાકાતવર, માસ્ટરમાઈન્ડ નેતા એટલે અમિત શાહ. તેમની અને નરેન્દ્ર મોદીની જોડીએ ઈતિહાસ સર્જ્યો છે.

૪૯ વર્ષની સૌથી ઓછી ઉંમરમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું એ કાંઈ નાનીસુની વાત નથી. તેમના અધ્યક્ષ કાળમાં ભાજપ ૧૧ કરોડ કાર્યકર્તાઓની પાર્ટી બની છે જે વિશ્ર્વમાં સૌથી મોટી પાર્ટી હોવાનો કીર્તિમાન છે. તેમના અધ્યક્ષકાળમાં જ ૧૦ રાજ્યોમાં ભાજપના મુખ્યમંત્રી તથા ૪ રાજ્યોમાં સહયોગ સાથે ૬૭ ટકા વસ્તી પર ભાજપનું શાસન ચાલી રહ્યું છે. આજદિન સુધી અમિત શાહ લગભગ ૪૨ નાની – મોટી ચૂંટણીઓ લડી ચૂક્યા છે પરંતુ હજી સુધી તેમને હારનો સામનો નથી કરવો પડ્યો. એવું કહેવાય છે કે તેઓ રોજ અંદાજે ૫૫૦ કિમી ટ્રાવેલ કરે છે. જ્યાં બધા અટકી જાય છે ત્યાં અમિત શાહ કામ સંપ્ન્ન કરી સફળતાનો ધ્વજ લહેરાવે છે. ભારતીય રાજકારણમાં તેમણે મેળવેલ આવી અકલ્પનીય સિદ્ધિઓએ તેમને આજના યુગના આધુનિક ચાણક્ય, કિંગમેકર, માસ્ટરમાઈન્ડ જેવા બિરુદ અપાવ્યા છે.

અમિત શાહનો જન્મ ૨૨ ઓક્ટોબર, ૧૯૬૪ના રોજ મુંબઈના ધનવાન પરિવારમાં થયો. તેમનું બાળપણ માણસામાં વીત્યું અને શાળાકીય અભ્યાસ પણ ત્યાં જ પૂરો કર્યો. ત્યારબાદ તેમનો પરિવાર અમદાવાદ આવી ગયો. યુવાવસ્થામાં તેઓ મહાન રાષ્ટ્રનાયકોની વાતો વાંચતા અને તેનાથી પ્રેરણા પામી માતૃભૂમિની સેવા કરવાનું સ્વપ્ન જોતા. અહીં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા અને રાષ્ટ્રપ્રીતિથી પ્રભાવિત થયા અને આરએસએસમાં યુવાવયે જોડાયા. આરએસએસની વિદ્યાર્થીપાંખ એવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં ચાર વર્ષ કામ કર્યું.

આ દરમિયાન અમદાવાદમાં બાયોકેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન સાથે કોલેજ પૂર્ણ કરી. શરૂઆતમાં તેઓ પ્લાસ્ટિક પાઈપનો પારિવારિક બિઝનેસ સંભાળતા હતા. આ ઉપરાંત શેરબ્રોકર તરીકે કામ કર્યું. જોકે આ બધામાં કાંઈ જામ્યું નહીં. એમનું દિલ-દિમાગ તો રાષ્ટ્ર માટે કાંઈ કરવાની ઝંખના ધરાવતું હતું.

૮૦ના દાયકામાં આરએસએસની પોલિટિકલ વિંગ તરીકે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થાય છે અને ૧૯૮૪-૮૫માં અમિત શાહ તેના સભ્ય બને છે. બીજેપીના એક સાધારણ કાર્યકર્તાથી તેમની કારકિર્દીની શરૂઆત થાય છે. અમદાવાદ નારણપુરા વોર્ડમાં ચૂંટણી એજન્ટ તરીકે અને ત્યારબાદ આ વોર્ડના સેક્રેટરી તરીકેની સફળ કામગીરી નિભાવતાં તેમને ભારતીય જનતા યુવા મોરચાના રાષ્ટ્રીય ખજાનચી તરીકે પ્રોત્સાહક પ્રમોશન મળે છે. આ પછી ભાજપા (ગુજરાત)ના સ્ટેટ સેક્રેટરી, સ્ટેટ વાઈસ પ્રેસિડન્ટ તરીકે યુવાવર્ગમાં ભાજપાનો બેઝ મજબૂત કર્યો.

અમિત શાહને પહેલો મોટો બ્રેક મળ્યો ૧૯૯૧માં, જ્યારે દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી માટે ગાંધીનગર ચૂંટણી ક્ષેત્રમાં પ્રચાર કરવાની જવાબદારી મળી. અહીં તેમણે ચૂંટણી કેમ્પેઈન સફળતાપૂર્વક સંભાળ્યું અને લાલકૃષ્ણ અડવાણીની પણ નજીક આવ્યા. બીજીવાર આવી તક મળી ૧૯૯૬માં જ્યારે અટલ બિહારી વાજપાયીએ ગુજરાતમાંથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું. આ ચૂંટણીમાં પણ અમિતભાઈએ પ્રચારનો કાર્યભાર યશસ્વી રીતે સંભાળ્યો અને ત્યારથી તેઓ ચૂંટણી નિષ્ણાત તરીકે ઓળખાવા લાગ્યા.

૧૯૯૫માં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની પ્રથમ વાર સરકાર રચાઈ અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. જોકે ભાજપનો એ કાર્યકાળ ટૂંકો રહ્યો. છતાં એ સમય દરમિયાન પણ અમિત શાહની પ્રતિભાનો પરિચય લોકોને મળ્યો. અમિત શાહને ગુજરાત સ્ટેટ ફાઈનાન્સિયલ કોર્પોરેશનના ચેરમેન બનાવવામાં આવ્યાં. તેમણે કંપનીને ૨૦૦ ટકા નફો કરતી કરી અને શેરબજારમાં લિસ્ટ પણ કરાવી.

અમિત શાહની રાજકીય કારકિર્દી ૧૯૯૭માં સરખેજ વિધાનસભા સીટ પર ૨૫,૦૦૦ મતોથી પેટાચૂંટણી જીતીને શાનદાર રીતે શરૂ થઈ. ૧૯૯૮માં ફરીવાર થયેલ ચૂંટણીમાં તેઓ સરખેજ વિધાનસભા બેઠક પરથી લડ્યાં અને ૧.૩૦ લાખ વોટથી વિજયી બન્યા.

આ સમયગાળામાં કોંગ્રેસની સહકારી સંસ્થાનો પર મજબૂત પકડ હતી. અમિત શાહે જોયું કે ચૂંટણી જીતવા અને શાસન ચલાવવા આ સેક્ટરનું ખૂબ મહત્ત્વ છે અને જ્યાં સુધી ભાજપ અહીં વર્ચસ્વ નહીં સ્થાપે ત્યાં સુધી સત્તા મેળવવા ભારે સંઘર્ષ કરવો પડશે. આથી તેમણે ગુજરાતની સહકારી બેંકો, દૂધ મંડળીઓ અને ખેતીવાડી સમિતિઓને ગંભીરતાથી લઈ તેની ચૂંટણીઓ માટે ખાસ સ્ટ્રેટેજી બનાવી એક પછી એક જગ્યાએ કબજો કરવા માંડ્યો. અમિત શાહની આ રાજનીતિ અસરકારક નીવડી. ગુજરાતની મહત્ત્વપૂર્ણ સહકારી સંસ્થાનોમાં વિજય મળતાં ગામડાઓ અને નગરોમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા અને સામર્થ્ય બંનેમાં વધારો થયો. ૧૯૯૯માં તેઓ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓ. બેંક (એડીસીબી)ના પ્રમુખપદે ચૂંટાયા. તેમની ચેરમેનશિપ હેઠળ  એશિયાની સૌથી મોટી સહકારી બેંક – અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેંક ફક્ત એક જ વર્ષમાં નફો કરતી થઈ. દશકમાં પહેલીવાર આ બેંકે ડિવિડન્ડ પણ જાહેર કર્યું. અમિત શાહને ૨૦૦૧માં બીજેપીની કો-ઓપરેટિવ કમિટીના રાષ્ટ્રીય કન્વીનર બનાવવામાં આવ્યા. આ અમિત શાહની રાજકીય કુનેહ, વ્યાવસાયિક ક્ષમતા, પરિપક્વતા અને અનુભવનું પરિણામ હતું. જોકે હજી આ શરૂઆત હતી, અમિત શાહને આનાથી આગળ ઘણા મોટા મુકામ પર પહોંચવાનું હતું…!

૨૦૦૧થી ગુજરાતના ફલક પર એક એવા વ્યક્તિનું આગમન થાય છે જે ગુજરાત તેમજ ભારતનું ભાવિ ઘડવાના છે. નામ એમનું નરેન્દ્ર મોદી. ભાજપનું મોવડીમંડળ ૨૦૦૧માં નરેન્દ્ર મોદીને ગુજરાતના નાથ બનાવે છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી બંને આરએસએસના સંનિષ્ઠ કાર્યકર હોવાથી ૧૯૮૩થી તેઓ એકબીજાને સારી રીતે ઓળખે છે. આ બંને વ્યક્તિનું ટ્યૂનિંગ ગુજરાતની રાજનીતિમાં કેન્દ્રસ્થાને રહ્યું.

૨૦૦૨માં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી વાર તેઓ સરખેજમાંથી ચૂંટણી લડ્યા અને આ વખતે ૧,૫૮,૦૩૬ વોટની જંગી લીડથી વિજયી બન્યા. અમિત શાહની પ્રતિભા અને રાજકીય કદ આભને આંબવા માંડ્યા હતા. તેમને પ્રથમવાર ગૃહ, પરિવહન વગેરે જેવા મહત્ત્વપૂર્ણ વિભાગમાં પ્રધાન બનાવવામાં આવ્યા. આ દરમિયાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ વ્યક્તિત્વ અને અમિત શાહની મહેનતે ભાજપને મજબૂત બનાવ્યું. ગુજરાતમાં મોટાભાગની જગ્યાએ કેસરિયો લહેરાવા લાગ્યો. અલબત્ત, ૨૦૦૨માં ગોધરાકાંડના છાંટા તેમના પર ઉડ્યા, પરંતુ સફળતાપૂર્વક સામનો કરી કાયદાકીય રીતે પોતાની નિર્દોષતા પૂરવાર કરી.

૨૦૦૭માં ફરી એકવાર ગુજરાતમાં ઈલેક્શન થયું. અમિત શાહ સરખેજ સીટ પર  ચૂંટણી લડ્યા અને આ વખતે ૨,૩૨,૮૩૨ જેટલા જંગી વોટથી જીતી અનેક નવા કીર્તિમાન રચ્યા. અમિત શાહની ઈલેક્શન જીતવા માટેની સ્ટ્રેટેજી, કેમ્પેઈન, ગ્રાઉન્ડવર્ક, સંપર્ક અને તેમણે કરેલા કામનો બેઝ એટલો મજબૂત છે કે ચૂંટણીમાં હરાવવા મુશ્કિલ જ નહીં નામુમકિન છે એ ફરી એકવાર સાબિત થયું.

ગુજરાતમાં ભાજપે શાનદાર રીતે સત્તા ટકાવી રાખી. આ વખતે અમિત શાહના પોર્ટફોલિયોમાં ગૃહ, ટ્રાન્સપોર્ટ, પ્રોહિબિશન, પાર્લામેન્ટરી અફેર્સ, લૉ એન્ડ એક્સાઈઝ વગેરે જેવા મહત્ત્વપૂર્ણ વિભાગ મળ્યા. ૨૦૦૭માં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ બન્યા તેમજ કોંગ્રેસના ૧૬ વર્ષના એકહથ્થુ શાસનનો અંત કર્યો.

૨૦૧૦થી અમિત શાહને કપરા સમયનો સામનો કરવો પડ્યો. સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટરના આરોપ હેઠળ તેમની ધરપકડ થઈ, થોડો સમય જેલમાં પણ રહેવું પડ્યું. બે વર્ષ ગુજરાતની બહાર જવું પડ્યું. જોકે એમાં તેમની સંડોવણી હોવાના કોઈ પુરાવા ના મળતાં કોર્ટ તેમજ સીબીઆઈએ તેમને આરોપ મુક્ત કર્યા. તેમના પર લાગેલા આરોપો ‘રાજકારણ પ્રેરિત’ હોવાનું સાબિત થયું. આ સમય દરમિયાન તેમને ગુજરાતમાં આવવા પર પ્રતિબંધ હતો, અનેક કાયદાકીય વાંધા-વિરોધ વચ્ચે પણ તેમનો આત્મવિશ્ર્વાસ અકબંધ હતો. પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કેટલીયવાર જણાવ્યું હતું કે મને ફસાવવાની કોશિષ થઈ રહી છે પણ હું તેમાંથી બહાર આવીશ.

૨૦૧૨માં ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં તેમની એન્ટ્રી થાય છે. તે સમયે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માથા પર હતી. અમિતભાઈ જેવા ચૂંટણી એક્સપર્ટ અને માસ્ટરમાઈન્ડ નેતાની નરેન્દ્ર મોદીને પણ જરૂર હતી. આ વખતે અમિત શાહ સરખેજના બદલે નારણપુરા મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા અને સાઈઠ હજાર વોટથી વિજયી બન્યા. ધારાસભ્ય તરીકે અમિત શાહની આ સળંગ ચોથી જીત હતી. ભાજપના મોવડીમંડળે પણ તેમની ક્ષમતા અને પ્રતિભાની નોંધ લઈ રાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો નિર્ણય કર્યો. ૨૦૧૩માં તેમને ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા. ૨૦૧૪ લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપનું આ ખૂબ મહત્ત્વપૂર્ણ પગલું હતું.

અમિત શાહ જાણતા હતા કે ૨૦૧૪ના લોકસભા ઈલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવા એ અઘરું કામ છે. ચૂંટણીના દાવપેચ ખેલવામાં નિષ્ણાત અમિત શાહ તેમના પાસા ગોઠવવા માંડ્યા. તેઓ જાણતા હતા કે કેન્દ્રમાં સત્તા પર આવવાનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી આવે છે. યુપીમાં મહત્તમ સીટ મળે તો જીતવાનું થોડું આસાન થઈ શકે છે. અમિત શાહે યુપીમાં ધામા નાંખી દીધા. યુપીના એકએક શહેરની ગલીઓથી માંડી ગામડાઓમાં ખૂબ રખડપટ્ટી કરી, કાર્યકર્તાઓમાં જોશ ભર્યો. દરેક બેઠકના પ્લસ-માઈનસ પોઈન્ટ નોંધી એના પર કામગીરી શરૂ કરી. એક એક ઉમેદવારના સિલેક્શન પાછળ તેમણે તથા કેન્દ્રીય ટીમે ખાસ્સી મહેનત કરી. નરેન્દ્ર મોદીએ પણ યુપીમાં અનેક સભાઓ ગજવી માહોલ બનાવી દીધો. અંતે જ્યારે મે ૨૦૧૪માં લોકસભાના પરિણામ આવ્યા ત્યારે ભારતની જનતા આશ્ર્ચર્યચકિત થઈ ગઈ. યુપીમાં ભાજપે ૮૦માંથી ૭૩ સીટ મેળવી વિરોધીઓના સૂપડા સાફ કરી નાંખ્યા. યુપીમાં કોઈ રાજકીય પંડિતે પણ વિચાર્યું ન હતું કે આવો કરિશ્મા થઈ શકે છે. ઓલ ક્રેડિટ ગોઝ ટૂ અમિત શાહ. ઉ.પ્ર.માંથી પ્રચંડ જીત મળી તો સમગ્ર દેશમાંથી પણ વ્યાપક જનસમર્થન મળ્યું. ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ૨૭૨ના જાદુઈ આંકથી વધુ સીટ મેળવી સત્તાપ્રાપ્તિ કરી. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે ભારત દેશના વડાપ્રધાન બન્યા. એવું કહેવાય છે કે ૮૦-૯૦ના દાયકામાં જ્યારે અમિત શાહ અને મોદી વચ્ચે ગાઢ મિત્રતા થઈ ત્યારે એકવાર તેમણે કહ્યું હતું કે નરેન્દ્રભાઈ, તમે ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન બનવાના છો. ઓફિશિયલી આ વાત ક્યાંય નોંધાઈ નથી પણ એક વાત જરૂર બતાવે છે કે એ સમયથી જ અમિત શાહ નરેન્દ્ર મોદી સાથે પડછાયાની માફક રહ્યાં છે.

અમિત શાહ હવે રાષ્ટ્રીય સ્તરે ચર્ચાતા, મહત્ત્વપૂર્ણ વ્યક્તિ બની ગયા. ભારતીય જનતા પાર્ટીએ તેમની નિષ્ઠા, કાર્યશૈલી, ક્ષમતા અને રાજકીય કુનેહને ધ્યાનમાં લઈ ૨૦૧૪માં રાષ્ટ્રીય અઘ્યક્ષ તરીકે પદપ્રતિષ્ઠા કરી. અમિત શાહની મહેનત અને વિઝનનું આ પરિણામ હતું કે એક સામાન્ય કાર્યકર્તા આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. તેમણે હવે સમગ્ર ભારતને કેસરીયા રંગે રંગવા પ્રવાસ શરૂ કર્યા. દરેક જિલ્લા અને રાજ્યોમાં ભાજપની મેમ્બરશિપનું ‘મહાસંપર્ક અભિયાન’ આદર્યું. આ કારણે ભાજપ ૧૧ કરોડથી વધુ સભ્યો ધરાવતી વર્લ્ડની સૌથી મોટી પાર્ટી બની.

રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કોમ્બિનેશન ભાજપને ફળ્યું છે. આજે લગભગ ચૌદ રાજ્યોમાં ભાજપની સત્તા આ બંને મહાનુભાવોના પ્રયાસ અને પ્રભાવને કારણે છે. તાજેતરમાં જ બનેલ ઘટનાક્રમમાં બિહારમાં નીતિશકુમારે અચાનક રાજીનામું ધરી દીધું ત્યારે આવેલ તકને ઝડપી નીતિશકુમારને ટેકો જાહેર કરી ભાજપ બિહારમાં પણ સત્તા ભાગીદાર બન્યું. આ બધામાં અમિત શાહનો ખૂબ મહત્ત્વપૂર્ણ રોલ રહ્યો છે. તો ગુજરાતમાં હાલમાં જ યોજાયેલ રાજ્યસભાની અત્યંત રસાકસીભરી ચૂંટણીમાં અમિત શાહ અને સ્મૃતિ ઈરાની બંને વિજયી બન્યા જ્યારે ખૂબ અફરાતફરીના અંતે એહમદ પટેલ સામે બળવંતસિંહ હાર્યા હતા. તેમણે પોતાનો ચૂંટણી જીતવાનો રેકોર્ડ કાયમ રાખી પ્રથમવાર રાજ્યસભાના સાંસદ તરીકે એન્ટ્રી કરી છે.

અમિત શાહને રાજકારણ ઉપરાંત રસ હોય તો તે છે ચેસ અને ક્રિકેટમાં. ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ ગુજરાત ક્રિકેટ એસોસિએશનનું અધ્યક્ષપદ છોડયા પછી તેઓ તેના અધ્યક્ષ બન્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન જીસીએનું ફંડ ૨૨ કરોડથી ૧૬૩ કરોડનું થયું. એ સમયે બીસીસીઆઈ તરફથી નિયમ હતો કે કોઈપણ ક્રિકેટર ૨૪ રણજી મેચ રમ્યો હોય તો જ તેને પેન્શન મળે પણ અમિત શાહે ગુજરાતના ક્રિકેટરો માટે લાભદાયક નિયમ બનાવી ફક્ત એક જ મેચ રમ્યા હોય તેને પણ આજીવન પેન્શન મળે તેવી સિસ્ટમ લાવ્યા.

તેમના પરિવારમાં પત્ની સોનલ શાહ અને પુત્ર જય શાહ છે. ગત વર્ષે યોજાયેલ તેમના પુત્ર જયના ભવ્યાતિભવ્ય લગ્નસમારોહમાં સમગ્ર ભાજપનું કેન્દ્રીય મંડળ તથા દેશની નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહી હતી. તેમને સોમનાથ મહાદેવ પર આસ્થા છે અને અહીં ટ્રસ્ટી પણ છે. તેઓ જેલમાં હતા ત્યારે પણ ભગવદ્ગીતા વાંચતા અને સંભળાવતા. ગમે તેટલી વ્યસ્તતા હોય તેમ છતાં તેઓ નિયમિત ડાયરી લખે છે. કાર્યકર્તાઓના ફોન ક્યારેય લેવાનું ચૂકતા નથી.

l     ગુજરાત સ્ટેટ ફાઈનાન્સિયલ કોર્પોરેશનના ચેરમેન તરીકે તેમણે કંપનીને ૨૦૦ ટકા નફો કરતી કરી.

l     ગુજરાતની સહકારી બેંકો, દૂધ મંડળીઓ અને ખેતીવાડી સમિતિઓમાં ભાજપને વિજયી બનાવી ગ્રામ્ય તથા જિલ્લામાં પાર્ટીની સ્થિતિ મજબૂત કરી.

l     તેમના અધ્યક્ષ કાળમાં ભાજપ ૧૧ કરોડ કાર્યકર્તાઓની પાર્ટી બની જે વિશ્ર્વમાં સૌથી મોટી પાર્ટી હોવાનો કીર્તિમાન છે.

અમિત શાહનું મિશન ૨૦૧૯

સાઉથમાં ભાજપની એન્ટ્રી અને આગામી

લોકસભા ચૂંટણીમાં ૪૦૦થી વધુ બેઠકનું લક્ષ્ય

૨૦૧૯માં હવે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસમુક્ત ભારતનું સપનું સાકાર કરવા કમર કસી રહી છે. આ માટે ભાજપે દ. ભારતમાં કોઈ એક રાજ્યમાં સત્તા હાંસલ કરવી જરૂરી છે એ વાત અમિત શાહ સુપેરે જાણે છે માટે જ તેમણે ‘મિશન સાઉથ’ ની તૈયારી આદરી દીધી છે. અમિત શાહની નજર દક્ષિણ ભારતના પાંચ રાજ્યો આંધ્રપ્રદેશ, તેલંગાણા, તામિલનાડુ, કર્ણાટક, અને કેરળ પર છે. જોકે ભાજપના મિશન સાઉથની પરીક્ષા આગામી કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં થશે.

અમિત શાહની નજર દક્ષિણના સૌથી મોટા પક્ષ એઆઈએડીએમકે પર છે. તામિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના નિધન બાદ હાલમાં એઆઈએડીએમકેમાં બે ભાગમાં વિભાજીત થઈ ચૂક્યું છે. આ બંને ગ્રૂપ સાથે ભાજપના રણનીતિકાર સંપર્કમાં છે.  એઆઈએડીએમકે ચોમાસુ સત્ર પછી એનડીએમાં સામેલ થાય એવા અણસાર છે અને એઆઈએડીએમકેને કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સ્થાન મળી શકે છે. આ સાથે જ તામિલનાડુ પણ ભગવા રંગમાં રંગાઈ જશે. મતલબ કે જ્યાં મત નથી મળ્યાં ત્યાં  રણનીતિ કામ આવશે. એઆઈએડીએમકે પહેલાં પણ ૧૯૯૯માં વાજપેયી સરકાર વખતે આ સરકારનો ભાગ રહી ચૂકી છે. એઆઈએડીએમકેની ભાજપ સાથે હાથ મિલાવવાની સંભાવના એટલા માટે વધારે છે કે તેની વિરોધી પાર્ટી ડીએમકે કોંગ્રેસ સાથે છે. હાલમાં થયેલ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં પણ ડીએમકેએ કોંગ્રેસ ઉમેદવારનું સમર્થન કર્યું હતું. એવામાં એઆઈએડીએમકે તેની સાથે આવી જાય તો દક્ષિણમાં પહોંચ વધારવામાં ભાજપને મદદ મળી શકે છે.

લોકસભા ચૂંટણીને ભલે ૨ વર્ષ નો સમય બાકી હોય પણ ૨૦૧૯ની ચૂંટણી માટે ભાજપે મોટા લક્ષ્ય નક્કી કર્યા છે. અમિત શાહ ઈચ્છે છે ૨૦૧૪ કરતાં પણ ૨૦૧૯માં મોટી જીત મળે. ગત લોકસભા ચૂંટણીમાં ૫૪૩માંથી ૨૮૨ બેઠકો ભાજપને મળી હતી જ્યારે ૨૦૧૯ માટે ૪૦૦થી વધુ બેઠકો ભાજપને મળે એવો લક્ષ્ય રખાયો છે. ૨૦૧૪ની બધી જ બેઠકો બચાવી રાખવાની સાથે ભાજપની નજર એવી ૧૨૦ બેઠકો પર છે જ્યાં તેમને જીત મળી શકે છે. અમિત શાહ ૫ મહિના સુધી દેશના વિવિધ પ્રદેશોમાં પ્રવાસ કરી આ ૧૨૦ બેઠકો માટે ફીડબેક મેળવશે. એટલું જ નહીં બૂથસ્તર સુધી પાર્ટીને મજબૂત કરવા માટે ભાજપે પહેલાથી જ ૩,૫૨,૦૦૦ સ્વયંસેવકોને પોતાની સાથે જોડી રાખ્યા છે. જે પંદર દિવસથી લઈને એક વર્ષ સુધી પક્ષ માટે કામ કરશે. આ ઉપરાંત ૧૧ કરોડ સભ્યોને પણ આ અભિયાનમાં જોડવાના પ્રયત્ન શરૂ કરાયા છે. ૬૦૦ જેટલી એવી વ્યક્તિઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે કે જેમાંથી ૫૪૩ લોકોને એક એક લોકસભાની સીટની જવાબદારી સોંપવામાં આવશે. બાકીના ૫૭ લોકોને ચૂંટણીની અન્ય જવાબદારી સોંપવામાં આવશે. જ્યાં ભાજપની પકડ મજબૂત નથી ત્યાં વિશેષ કામ કરવામાં આવશે.

રાજકારણ ક્ષેત્રે અમિત શાહની આ સૂઝબૂઝનું પરિણામ છે કે ભાજપ પ.બંગાળ, કેરળ અને ઓરિસ્સા જેવા રાજ્યોમાં પણ પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યું છે. વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૬ વચ્ચે જે ચૂંટણીઓ થઈ તેમાં ભાજપને મહારાષ્ટ્ર, જમ્મુ-કશ્મીર, હરિયાણા, ઝારખંડ અને અસમમાં ચૂટણી જીતીને સરકાર બનાવવાની તક મળી. તો ૨૦૧૭માં ભાજપને ઉ.પ્ર, ઉતરાખંડ, મણિપુર અને ગોવામાં સરકાર બનાવવામાં સફળતા મળી. ઉ.પ્ર.માં તો ભાજપે છેલ્લા ૩૦ વર્ષની સૌથી મોટી જીત મેળવતાં ૪૦૩માંથી ૩૨૫ બેઠકો મેળવી. જોકે આ દરમિયાન ભાજપે દિલ્હી, બિહાર અને પંજાબમાં હારનો સામનો કરવો પડયો. પરંતુ દિલ્હી અને બિહારમાં મળેલી કારમી હાર પણ અમિત શાહનું મનોબળ ના તોડી શકી. તેમણે તેમાંથી શીખ લઈ મિશન આગળ ધપાવ્યું. ૩ વર્ષના કાર્યકાળમાં અમિત શાહે દેશભરમાં ૫,૬૦,૦૦૦ કિમીની મુસાફરી કરી. આ દરમિયાન તેમણે ૩૦૩ સ્થળોની મુલાકાત લીધી. તેમણે ૬૮૦માંથી ૩૧૫ જિલ્લાઓની મુલાકાત લઈને ૩૦૦ રાત દિલ્હીની બહાર વીતાવી છે.

અમિત શાહના રાજકીય કૌશલનું જ પરિણામ હતું કે, ૨૦૧૭ ઉ.પ્ર.વિધાસભા ચૂંટણીમાં ભાજપને ૩૪.૪ મિલિયન વોટ મળ્યા જ્યારે ૨૦૧૨ ચૂંટણીમાં ૧૧.૩ મિલિયન વોટ શેર હતો. મોદી અને અમિત શાહના સોશિયલ એન્જિનિયરીંગથી કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે.

સીટ વાઈઝ સ્ટ્રેટેજી

વર્ષ ૨૦૧૯ માટે જે રણનીતિ બનાવી છે તેમાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશોને એ, બી અને સી એમ ત્રણ શ્રેણીમાં વહેંચી દીધા છે. એ શ્રેણીમાં સમાવાયેલા ૧૯ રાજ્યોમાં અમિત શાહ ત્રણ દિવસ રહેશે. આ એ રાજ્યો છે જ્યાંથી સૌથી વધારે લોકસભા સાંસદો ચૂંટાઈને આવે છે. બી શ્રેણીમાં સમાવાયેલ ૭ રાજ્યોમાં અમિત શાહ બે દિવસ વીતાવશે જ્યારે સી શ્રેણીમાં બાકી રહેલ રાજ્યોમાં અમિત શાહ એક દિવસ માટે રોકાઈને માર્ગદર્શન આપશે.

Facebook Comments

You may also like

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું 49મું અધિવેશન

સિકંદરાબાદ ખાતે ખુશનુમા વાતાવરણમાં યોજાયું ગુજરાતી સાહિત્ય પરિષદનું