બે નંબરનું નાણું જ હોય છે એવું નથી, બે નંબરના સંબંધો પણ હોય છે : ગુણવંત શાહ

બે નંબરનું નાણું જ હોય છે એવું નથી, બે નંબરના સંબંધો પણ હોય છે : ગુણવંત શાહ

- in Feature Article
334
Comments Off on બે નંબરનું નાણું જ હોય છે એવું નથી, બે નંબરના સંબંધો પણ હોય છે : ગુણવંત શાહ
Gunvant Shah

– વિશેષ મુલાકાત : વિજય રોહિત

ગુજરાતી વાચકોમાં ગુણવંતભાઈએ આદરપૂર્વક લેવાતું નામ છે. તત્ત્વચિંતક-વિચારપુરુષ તરીકે ખ્યાતનામ અને પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગુણવતંભાઈના લલિત નિબંધથી માંડી વિવેચન અને સાંપ્રત ઘટનાથી માંડી ધાર્મિક મીમાંસા સહિત વિવિધ વિષયો પરનાં અનેક પુસ્તકોને સાહિત્યરસિકોએ ઉત્સાહથી વધાવ્યાં છે. ફીલિંગ્સના 20મા વાર્ષિક વિશેષાંકમાં ગુણવંતભાઈ સાથે થયેલ મુલાકાત અને ‘સંબંધ’ વિષય અંગે માણો રસપ્રદ, મનનીય પ્રશ્ર્નોત્તરી…. પ્રાણી હોય કે માનવી, સંબંધો શા માટે જરૂરી છે ? સંબંધોના અસ્તિત્વમાં કઈ બાબત મહત્ત્વપૂર્ણ છે ?

ગુણવંત શાહ : મને લાગે છે કે માનવ સિવાયની યોનિઓમાં પણ એક પ્રાણીને બીજા પ્રાણી વગર ચાલતું નથી. બાખડી ભેંસ કેમ ના હોય તેને એકલાપણું ગમતું નથી. એટલે ગાયોનું ધણ હોય છે અને ભેંસનું ખાડું હોય છે, આ જાનવરોમાં સંબંધોની વાત છે. કીડીમાં પણ સમૂહ જીવન હોય છે. કીડીઓ હંમેશાં લાઈનમાં ચાલે છે અને એક મોટો ગોળનો ગાંગડો હોય તો બધી કીડીઓ ભેગી થઈને તેને ખસેડે છે. હું આફ્રિકાના જંગલોમાં ફર્યો છું જ્યાં ઊધઈના રાફડા જોયા છે. ઊધઈના રાફડાઓમાં સમૂહજીવનની કવિતા જોવા મળે છે. તમને આશ્ર્ચર્ય થશે પણ ઊધઈએ બનાવેલા આ રાફડા મોટી મોટી ટેકરી જેટલા ઊંચા હોય છે. હું આફ્રિકામાં આવેલ ઝામ્બિયાની લ્યુઆંગ્વા વેલી પાર્કની વાત કરું છું જે દસ હજાર ચો.માઈલનું જંગલ છે. આપણા વડાંપ્રધાન ઈન્દિરાજી, રાણી એલિઝાબેથ ત્યાં જઈ આવ્યા છે. હું પણ ત્યાં ત્રણ ચાર દિવસ રહ્યો હતો. મૂળ વાત એ છે કે, પ્રત્યેક માનવેતર પ્રાણીઓને પણ સંબંધ વિના નથી ચાલતું.

વિજ્ઞાન, ધર્મ, સાહિત્ય માટે માનવસંબંધ કોયડા સમાન છે. આવા માનવ સંબંધોનું રહસ્ય શું છે ?

ગુણવંત શાહ : માણસને રોબિન્સન ક્રૂઝો બનવાનું ગમતું નથી. રોબિન્સન ક્રૂઝો એના ટાપુ પર સાવ એકલો હતો. ‘રોબિન્સન ક્રૂઝો’ નવલકથા એ ડેનિયલ ડેફોય દ્વારા 1719માં પ્રકાશિત થઈ હતી. એ ટાપુ પર એક શ્ર્વાન મળે તો પણ એને લાગતું કે કમ્પેનિયન મળી ગયો.  Yearning for companionship is the basic need of human being. એનું સારામાં સારું ઉદાહરણ સારસ યુગલ છે, એ કમ્પેનિયનશિપની કવિતા છે. એ જ રીતે માનવયુગલ પણ અદ્ભુત મૈત્રીકાવ્ય છે.

સંબંધોની શરૂઆત, ક્રમિક વિકાસ અને આજના સંબંધો વિશે કાંઈક કહેશો ?

ગુણવંત શાહ : સંબંધોની શરૂઆત થઈ હશે ત્યારે નિર્મળ સંબંધો હશે, તેમાં કોઈપણ પ્રકારની યુક્તિ-પ્રયુક્તિ, ચાલાકી કે દગાબાજી નહીં હોય. જેમ જેમ ઊત્ક્રાંતિના ક્રમમાં માનવનું મગજ વિકસતું ગયું તેમ તેમ એ સંબંધો સંકુલ (કોમ્પ્લેક્સ) બન્યાં. ઉત્ક્રાંતિની જે પ્રક્રિયા છે એનું બેઝિક વાહન છે કોમ્પ્લેક્સિફિકેશન એટલેકે સંકુલીકરણ. અમીબાથી શરૂઆત થઈ, અમીબા કરતાં દેડકો વધારે કોમ્પ્લેક્સ, દેડકાં કરતાં મરઘી અને મરઘી કરતાં ગાય વધારે કોમ્પ્લેક્સ. આ રીતે કોમ્પ્લેક્સિફિકેશન થયા પછી માનવ મગજનો વિકાસ થયો અને માણસ માત્ર ખોરાક માટે કે સેક્સ માટે સંબંધો નહીં રાખતાં એમાં સ્વાર્થનું તત્ત્વ ભળ્યું. આજના માનવસંબંધની વાત કરીએ તો સંબંધો બે પ્રકારના હોય છે. 1) નિ:સ્વાર્થ સંબંધો

2) સ્વાર્થમૂલક સંબંધો.. ધારો કે એક્સ અને વાય વચ્ચે સંબંધો છે. એમાં એક્સ વિચારે છે કે વાય સાથે સંબંધો રાખું તો શું લાભ મળે? લાભ અને લોભનું તત્વ ઉમેરાયું ત્યારથી માનવસંબંધોમાં કૃત્રિમતાનો પ્રવેશ થયો, સંબંધો ‘સિન્થેટિક’ થઈ ગયા. આવા કૃત્રિમતાના સંબંધોમાં સંંબંધ જળવાઈ રહે તોય મીઠાશ ચાલી જાય છે. આવા સંબંધોમાં બોલવાનું ચાલું રહે પણ બે નંબરની ભાષા શરૂ થઈ. આપણે બોલીને બગાડવું નથી પણ  વાતમાં હવે બહુ માલ નથી. બે નંબરનું નાણું જ હોય છે એવું નથી, બે નંબરના સંબંધો પણ હોય છે. કેટલાય સંબંધો માત્ર સ્વાર્થના કારણે જળવાઈ રહે છે.

આજની યંગ હાઈટેક જનરેશનને સંબંધો બાબતે આપ શું કહેશો ?

ગુણવંત શાહ : હમણાં અમદાવાદની એક કોલેજમાં મારું પ્રવચન હતું. મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ હાજર હતાં. મેં તેમને કહ્યું તમે ગાંધીજીની કોઈ વાત ન માનો, ફક્ત એક જ બાબતનું સત્ય જાળવો. ‘આઈ લવ યુ’ શબ્દો જૂઠ્ઠા ન પાડો. તમારા પ્રિયજનને ‘આઈ લવ યુ’ કહેતાં પહેલાં વિચાર કરો. હું ખરેખર એને પ્રેમ કરું છું કે એની બાઈક સારી છે માટે પ્રેમ કરું છું ? એ માલદાર છે એટલે પ્રેમ કરું છું? કોલેજોમાં દરરોજ ‘આઈ લવ યુ’ હજારો વખત કેમ્પસમાં બોલાતું હોય છે. આ વાક્ય આટલું સસ્તું ન બનવું જોઈએ. મેં યુવાનોને કહ્યું કે તમે આ વાક્યનો તો મલાજો પાળો. તમે મને 21મી સદીનો માણસ ગણો છો, પરંતુ હું 22મી સદીનો માણસ છું. ‘આઈ લવ યુ’ શબ્દની પવિત્રતા જાળવો, બાકીનું બધું છોડો. એક છોકરી પ્રશ્ર્ન પૂછે છે કે, What do I get if I marry him? અર્થાત હું એને પરણું તો મને શું લાભ થાય ? અહીંયાં જ લવ શબ્દનું અથાણું થઈ જાય છે.

માનવસંબંધો બગડવાના મુખ્ય કારણ શું માનો છો આપ ? ઈગો, અહમ, ઈર્ષ્યા વગેરે પરિબળ કેટલાં જવાબદાર?

ગુણવંત શાહ : ઈગોમાં મૂળ કારણ સ્વાર્થ છે, લોભ અને લાભ બે જ તત્વોથી સંબંધો બગડે છે. જેમ જેમ પ્રેમનું તત્વ ઓછું થતું ગયું અને ચાલાકીનું તત્ત્વ ઉમેરાતું ગયું ત્યારથી સંબંધો બગડવાની શરૂઆત થઈ. વ્યક્તિ દગો આપવા પણ તૈયાર થઈ જાય છે. મેં એવા પણ બિઝનેસમેનો જોયા છે, જેઓ વર્ષો સુધી પોતાના પાર્ટનર્સને છેતરતા રહ્યા છે. છેલ્લે જ્યારે એ વ્યક્તિને ખબર પડે ત્યારે હાર્ટ એટેક આવી જાય. માણસ એ તબક્કે પહોંચી ગયો છે કે એ સ્વાર્થ છોડી શકતો નથી. He can not be a philosopher while running a company but he should be. વિનોબાજીને કોઈએ એક સવાલ પૂછ્યો, ‘આમ કરવાથી શું ફાયદો, તેમ કરવાથી શું ફાયદો ?’ ત્યારે વિનોબાજીએ તેને સામો સવાલ કર્યો કે ‘ફાયદાથી તને શું ફાયદો ?’ આ બહુ મોટો સવાલ છે, સદીનો સવાલ છે : ‘ફાયદે સે ક્યા ફાયદા ?’

આધુનિકતાના નામે સંબંધો આજકાલ કોમ્પ્લેક્સ થઈ ગયા છે, વિખરાઈ રહ્યાં છે, સંબંધો સાચવવા માટે કેવા પ્રયાસ અને કેવી સમજણ હોવી જોઈએ. કેવા સંબંધો તમને રાજીના રેડ કરી દે છે?

ગુણવંત શાહ : આ ફકીરી કી રોશની છે, ફકીરી કી રોશની… આપણી પાસે બીજી કોઈ રોશની છે જ નહીં. હું તમને એક દાખલો આપું. તમને જો એક પણ સંબંધ નિર્મળ એટલે કે અનપોલ્યુટેડ, અપ્રદૂષિત મળે ત્યારે તમારા અંદરના આનંદનો પાર નથી રહેતો. આ કળિયુગમાં તમને એક એવી રિલેશનશિપ મળે કે જેની આગળ છુપાવવાનું કાંઈ નહીં, ગુમાવવાનું કાંઈ નહીં, આને આપણે મનોવૈજ્ઞાનિક નગ્નતા પણ કહી શકીએ, ગુમાવો તો આનંદ થાય એવી રિલેશનશિપનો ટાપુ તમને પ્રાપ્ત થાય તો તમારા આનંદનો પાર નથી હોતો. એ શું બતાવે છે ? ઠવફિં મજ્ઞયત શિં શળાહુ ? What does it imply ? It implies that you were thirsty for that. સહારાના રણમાં પાણીનો ગ્લાસ મળે તેવી અનુભૂતિ ક્યારે થાય? પ્રેમની તરસ એ માનવને મળેલ ઈશ્ર્વરીય ભેટ છે. Every human organizm yells for one relationship which is unpolluted. એવી રિલેશનશિપ મળે ત્યારે જ એનો માંહ્યલો રાજી થાય છે.

સંબંધ તૂટે, મનદુ: થાય ત્યારે કેવી લાગણી થાય છે, કેવી વિચાર પ્રક્રિયામાંથી પસાર થાય છે ?

ગુણવંત શાહ : એક સંબંધ તૂટે તેને આપણે મનોવૈજ્ઞાનિક ધરતીકંપ કહી શકીએ. ધરતીકંપનું મૌન ભારે અકળાવનારું હોય છે. વાવાઝોડું હોય, તો અવાજ આવે પરંતુ ધરતીકંપમાં કોઈ અવાજ નથી આવતો. ફક્ત પાંચ મિનિટમાં કામ પતી જાય છતાં એની અસરો વિનાશક હોય છે. એ જ રીતે સંબંધોનું ભંગાણ બહુ દુ:ખદાયક હોય છે. સંબંધો તૂટે ત્યારે જીવનનો આધાર ટૂટી જાય છે. તમે ગોળને શ્રદ્ધાપૂર્વક ગળ્યો છે એમ માનીને જ ખાવ છો, ત્યારે શંકા નથી હોતી. જો એ પણ કડવો નીકળી પડે તો તમને અસુખ રહેશે. એવું જ જ્યારે કોઈ વિશ્ર્વસનીય સંબંધ તૂટે છે, મધુર સંબંધ તૂટે છે ત્યારે માણસનું જીવન ખારું બની જાય છે. આવા સમયે ક્યાં જવું, કોની પર વિશ્ર્વાસ મૂકવો એ પ્રશ્ર્ન ઊભો થાય છે. સંબંધોમાં વિશ્ર્વાસ પરથી વિશ્ર્વાસ ડગી જાય, ભરોસા પરથી ભરોસો ઊઠી જાય એ અત્યંત કષ્ટદાયક પરિસ્થિતિ છે.

પર્સનલ અને પ્રોફેશનલ રિલેશનશિપ વિશે આપ શું માનો છો ?

ગુણવંત શાહ : આચાર્ય કૃપલાણીએ વડોદરાની સભામાં એક દાખલો આપ્યો હતો. વેપારમાં પ્રામાણિકતા હોઈ શકે છે? એક અમેરિકન સ્ત્રી કોઈ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં સ્વેટર ખરીદવા ગઈ. એણે સ્વેટરનો ભાવ પૂછ્યો અને તેના પૈસા ચૂકવીને થોડી અન્ય ખરીદી માટે બીજા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં એક કિમી ચાલીને ગઈ. ત્યાં એણે ક્ાચના કબાટમાં પોતે જે સ્વેટર લીધું હતું તે જ કલર, ક્વોલિટી અને બ્રાન્ડનું સ્વેટર લટકતું જોયું. જિજ્ઞાસાવશ તેણે એ સ્વેટરનો ભાવ પૂછ્યો. પેલા સેલ્સમેને જવાબ આપ્યો કે 17 પાઉન્ડ. જ્યારે એ મહિલાએ જ્યાંથી સ્વેટર લીધું ત્યાં 20 પાઉન્ડમાં મળ્યું હતું. તફાવત હતો 3 પાઉન્ડનો, ઈંગ્લેન્ડમાં 3 પાઉન્ડ એટલે એ સમયે મોટી રકમ. તે મહિલા તરત પહેલાવાળા સ્ટોરમાં ગઈ અને રજૂઆત કરી કે આ જ ક્વોલિટી અને કલરનું સ્વેટર ફક્ત એક કિમી દૂર, 17 પાઉન્ડમાં મળે છે તો તમારે ત્યાં 20 પાઉન્ડ કેમ ? તમે આ 3 પાઉન્ડ વધારે કેમ લો છો ? પેલા સેલ્સમેને જવાબ આપ્યો, “Madam, This is our commercial morality.” કોમર્શિયલ મોરાલિટી એટલે શું? 3 પાઉન્ડ એ વધારે લે તો ‘કોમર્શિયલ મોરાલિટી’ કહેવાય. ત્યારબાદ મહિલાએ કહ્યું કે અગર હું આ સ્વેટર પાછું આપું તો લેશો ? સેલ્સમેને જવાબ આપ્યો, “Yes, It is my personal morality.’ કૃપલાણીજી એમ કહેવા માંગતા હતા કે જીવનના આવાં ખાનાં ગાંધીજીએ ન્હોતા પાડ્યા. “Your personal morality can not be against your professional morality. Professional morality includes personal morality. દાઉદ ઈબ્રાહીમ પણ કહી શકે કે મેં તો મારી મોરાલિટી પ્રમાણે તમને માર્યા છે ! એટલે પર્સનલ મોરાલિટી એ જ ખરી મોરાલિટી. જીવન અખિલ (Intigrated) છે.

બિઝનેસમાં પણ સંબંધો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે ત્યારે ક્ષેત્રમાં સંબંધો સાચવવા માટેની ચાવી શું છે ?

ગુણવંત શાહ : સત્ય સિવાય કાંઈ પણ નહીં. સત્યનું મહત્ત્વ ફક્ત ગાંધીજીને યાદ કરીને નથી કરતો. હું માત્ર નફા માટે સત્ય કહું છું. એક સરસ દાખલો આપું. એક દુકાનદાર ઓનેસ્ટ છે, આપેલો વાયદો પાળે છે. બીજા કોઈ દુકાનદારને 521 રૂપિયા આપવાના હોય તો કવરમાં પરફેક્ટ એટલા જ રૂપિયા મૂકીને તૈયાર રાખે છે. એની શાખ ધીમે ધીમે એટલી આગળ જાય છે કે બિઝનેસમાં એની ખૂબ પ્રગતિ થાય છે. People feel that honesty will go against your business, પણ ના, આવું જરાય નથી. બલ્કે honesty is the best policy. દુકાનદારો, બિઝનેસ કરનારાઓ માટે એના જેવું બીજું કોઈ સૂત્ર જ નથી, એનાથી શાખ એટલી બધી વધે છે કે લોકો તમારો વિશ્ર્વાસ કરે છે. એનો એક ઉત્તમ દાખલો સુરતમાં મળ્યો.

સુરતમાં નૂરા ડોસાની એક દુકાન હતી.એ દુકાન એટલી મોટી કે તે જમાનામાં એ ડિપાર્ટમેન્ટલ સ્ટોર કહી શકાય. મેં એ દુકાન અને નૂરા ડોસા બંનેને જોયાં છે. એ દુકાનમાં ઘાસતેલ મળે, ગળી મળે, પેટ્રોલ મળે અને કાપડના તાકા ય મળે. એ દુકાનમાં શું ના મળે એ જ સવાલ હતો. અમે ત્યારે રાંદેરમાં રહેતાં. હું તમને આજે પણ નૂરા ડોસાની એ દુકાને લઈ જઈ શકું. અમારાં ગામડાંઓમાં એ સમયે વાત ચાલતી કે નૂરા ડોસાને ત્યાં નાનો બાળક પણ છેતરાય નહીં. આ વાત તદ્દન સાચી હતી. આ એટલો મોટો શ્રદ્ધાનો વિષય હતો કે આખા સુરત પંથકમાં તેની ચર્ચા ચાલતી. નૂરા ડોસાએ એ સત્ય જાળવી રાખ્યું હતું. તેમનો વકરો ઓછો ન હતો. કહેવાનો અર્થ છે કે ઓનેસ્ટીના કારણે તેમને બિઝનેસમાં ક્યારેય નુકસાન નહોતું થયું બલ્કે ફાયદો જ થયો હતો. મોરારજીભાઈ દેસાઈ જ્યારે વડાપ્રધાન બન્યા અને પહેલીવાર સુરત આવ્યા, ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું અને મોટી જાહેરસભા યોજાઈ. મોરારજીભાઈએ એ વખતે કહ્યું હતું કે ‘વેપારી હો તો નૂરા ડોસા જેવા.’ નૂરા ડોસા ત્યારે ગુજરી ગયાંને 25 વર્ષ થઈ ગયાં હતાં. તમે વિચાર કરો કે ભારતના વડાપ્રધાન નૂરા ડોસાને યાદ કરે એ વિરલ ઘટના જ કહી શકાયને ? એ સભામાં હું પણ હાજર હતો અને નૂરા ડોસાને મેં જોયેલા પણ ખરા. This is a rare example.

પતિપત્નીના સંબંધો હંમેશાં ફોકસમાં રહે છે. રામાયણકાળથી શરૂ કરીએ ને આજના આધુનિક યુગ સુધીની વાત કરીએ તો પતિપત્નીના સંબંધોમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. એક સમયે પવિત્રતાના દૃષ્ટિકોણથી જોવાતા દામ્પત્યજીવનના સંબંધને તમે કેવી રીતે જુઓ છો ?

ગુણવંત શાહ : હું જોઉં છું કે માનવને સાચા પ્રેમની તરસ હોય છે. એ તરસમાં જેટલી ભેળસેળ થાય એટલી એ તરસ અપવિત્ર બને છે. તરસ પવિત્ર છે માટે તૃપ્તિ પવિત્ર છે. તરસ જેટલી પવિત્ર, અપ્રદૂષિત એટલી તૃપ્તિ પ્યોર. તમે જોજો જે ધણી-ધણિયાણી વચ્ચે મનનો મેળ હોય,‘મળેલાં જીવ’ હોય, તે લોકો બહુ સુખેથી જીવે છે પણ જ્યાં ગરબડ હોય છે ત્યાં સુખ ચાલ્યું ગયું હોય છે. કારણકે જૂઠું બોલવું જ પડે છે. આવા પતિ-પત્ની પરસ્પર આદર ગુમાવી બેસે છે અને જ્યાં આદર નથી ત્યાં પ્રેમ પણ નથી. આવાં યુગલો કદી સુખી નથી થતાં, તેમની સાથે સમગ્ર પરિવાર પણ દુ:ખી થાય છે.

આજના લગ્નસંબંધોને ડિવોર્સના આંગણે પહોંચી જતા વાર નથી લાગતી, અંગે આપનું શું માનવું છે ?

ગુણવંત શાહ : મને એમ લાગે છે, જેમ લગ્ન પવિત્ર છે તેમ છૂટાછેડા પણ એટલા જ પવિત્ર છે. લગ્ન કર્યા પછી બે મહિને કે બે-પાંચ વર્ષે લાગે કે હવે સંબંધમાં કોઈ જ મધુરતા રહી નથી, ફક્ત યંત્રવત જીવન જીવી રહ્યાં છીએ ત્યારે બંને જણાએ સમજણપૂર્વક આવી ગુલામીમાંથી મુક્ત થઈ જવું વધુ યોગ્ય છે.  શક્ય છે કોઈ વચેટિયાએ આવો સંબંધ ઊભો કરાવી દીધો હોય પણ કેદીની જેમ જીવન જીવવું એના કરતાં ડિવોર્સ લઈને મુક્ત થઈ જવું વધારે સારું.

સંબંધને વ્યાખ્યાઈત કરવો હોય તો શું કહેશો ?

ગુણવંત શાહ : પાણીના બે ટીપાં જો નજીક પડ્યાં હોય તો આપોઆપ જોડાઈ જાય છે. એના માટે વિજ્ઞાનનો શબ્દ છે ‘સંસક્તિ.’ સંસક્તિ એટલે બે ટીપાઓ વચ્ચેનું આકર્ષણ. એને સંસક્તિ બળ કહે છે. અંગ્રેજી શબ્દ છે Cohesion, તો Cohesion is a natural attraction. જો બે ટીપાંઓ વચ્ચે કુદરતે આવું આકર્ષણ મૂક્યું હોય તો માનવ-માનવ વચ્ચે નહીં મૂક્યું હોય ?

સૌથી શ્રેષ્ઠ સંબંધ કયો અને આપના જીવનનો શ્રેષ્ઠ સંબંધ કયો ?

ગુણવંત શાહ : મારી દૃષ્ટિએ જીવનનો શ્રેષ્ઠ સંબંધ એટલે પ્રેમ-સંબંધ. એ પ્રેમસંબંધ જે પામ્યો એ સુખી. મારા વ્યક્તિગત જીવનના શ્રેષ્ઠ સંબંધ એટલે પિતા-પુત્રીનો સંબંધ. દીકરી જ્યારે ઘરે આવવાની હોય, ત્યારે તેની મા કરતાં પિતાની પ્રતીક્ષા તીવ્ર હોય છે. પિતા-પુત્રીના સંબંધની ઊંચાઈ જ અલગ હોય છે.

Facebook Comments

You may also like

જેની પાસે જે હોય તે આપે!

એક માણસે પોતાના શહેરનાં એક શાંત અને અતિ