સંબંધ: પુત્રી-માતાનો સંબંધ સર્વશ્રેષ્ઠ છે

સંબંધ: પુત્રી-માતાનો સંબંધ સર્વશ્રેષ્ઠ છે

- in Cover Story
293
Comments Off on સંબંધ: પુત્રી-માતાનો સંબંધ સર્વશ્રેષ્ઠ છે
Relationship: Daughter-Mother's relation is best

કાંતિ ભટ્ટ

સંબંધોમાં માતા-પુત્રીનો સંબંધ પણ અનોખો અને શ્રેષ્ઠ છે. તેમાં આખી દુનિયા સમાઈ જાય છે. માતા-પુત્રીનો સંબંધ પરમાત્માની અવેજીમાં આવતો સંબંધ છે. ઈશ્ર્વર પહોંચી શકતો નથી. ત્યાં ઈશ્ર્વરે પુત્રી માટે માતા સર્જી છે. માતા-પુત્રીના સંબંધ વિશે મહાન માનસશાસ્ત્રી અને સાયકોલોજિસ્ટ સિગમન્ડ ફ્રોઇડે લાંબો નિબંધ લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું છે કે, સ્ત્રીના ભાવિ વિકાસમાં માતાના યોગદાન ઉપર જ સમગ્ર વિશ્ર્વનું ભાવિ છે…

જીવનાનુભૂતિ : એક પંજા હૈ જિસમેં તુમ્હારે સાથ મૈ ભી તો પકડમેં આ ગયા હું, એક જાલ, જિસમેં તુમ્હારે સાથ મૈ ભી બંધ ગયા હું…જીવનાનુભૂતિ, એક ચક્કી, એક કોલ્હુ, એક ભઠ્ઠી.. જિસમેં સંબંધ કી, ગરમ ઠંડી અનુભૂતિ…કવિ અજ્ઞેય(સચ્ચિદાનંદ વાત્સાયન)

ભગવદગોમંડળમાં સંબંધનો વિશાળ અર્થ લેવાયો છે. મિત્રતા, આપ્તભાવ, મિત્રાચારી, સખ્ય અને દોસ્તી. એક સમવાય શબ્દ છે. સંયોગ અને સમવાય એ બે જ મુખ્ય સંબંધો છે અને બીજા ગૌણ સંબંધો છે. તમે ગમે તે અર્થ લો પણ પિતા-માતા અને પુત્રીનો સંબંધ સમવાય છે. સમવાયનો સાચો અર્થ છે- એક સંબંધ પૂરો થતાં નવો સંબંધ શરૂ થાય છે…પતિ સાથેનો, પ્રેમી સાથેનો કે પતિના કુટુંબ સાથેનો સંબંધ. તે સમવાય સંબંધ છે. પણ તેમાંય માતા પુત્રીનો સંબંધ અનોખો છે. તેમાં આખી દુનિયા સમાઈ જાય છે. માતા-પુત્રીનો સંબંધ પરમાત્માની અવેજીમાં આવતો સંબંધ છે. ઈશ્ર્વર પહોંચી શકતો નથી. ત્યાં ઈશ્ર્વરે પુત્રી માટે માતા સર્જી છે.

માતા-પુત્રીના સંબંધ વિશે મહાન માનસશાસ્ત્રી અને સાયકોલોજિસ્ટ સિગમન્ડ ફ્રોઈડે લાંબો નિબંધ લખ્યો હતો. તેમણે લખ્યું છે કે સ્ત્રીના ભાવિ વિકાસમાં માતાના યોગદાન ઉપર જ સમગ્ર વિશ્ર્વનું ભાવિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ભાષણ આપેલું. તેનું મથાળું હતું  ‘સેવ ધ ગર્લ ચાઈલ્ડ’ દીકરી અવતરે તેને આવકારો. તેને બચાવો. સ્ત્રી બચશે તો સૃષ્ટિ બચશે. નવ નવ મહિના સર્જનનો ભાર ઉપાડનાર સ્ત્રી છે. મોટે ભાગે હિન્દુઓમાં પુરુષ દેવતા કરતાં સ્ત્રી દેવીઓ વધુ ભાવથી પૂજાય છે. નવરાત્રી અને દિવાળી આવશે ત્યારે દુર્ગામાતાની બોલબાલા હશે. દીકરીઓને સોસાયટીના પીલર્સ કહેવાય છે. આ પીલરને તંદુરસ્ત કોણ રાખે છે. દીકરીની માતા? મારી પુત્રી શક્તિ અકસ્માતે માછલી ગળવાથી મરી ગઈ ત્યારે તેની માતા શીલા ભટ્ટ બે મહિના સુધી પેરેલાઈઝ્ડ રહી હતી. પિતા તરીકે મારી પુત્રીનું મરણ મને લાંબુ સ્પર્શ્યુ નહોતું! હું બીજે દિવસે સ્વસ્થ થઈ ગયો હતો. પુત્રીનું સગપણ થાય અને પછી લગ્ન થાય અને ચાર ફેરા ફેરવાયા પછી માતા દીકરીને સાસરે વળાવે ત્યારે સૌથી વધુ કોઈ રડતું હોય તો માતા રડે છે. અલબત્ત ભારતીય સમાજ પહેલા સંતાન તરીકે પુત્ર ઈચ્છે છે પણ પુત્રી અવતરે તો મહદંશે માતા વધુ ખુશ હેાય છે. માતાને જિંદગીભરની મૈત્રિણી મળી ગઈ..! માતા પોતાના દુ:ખ-સુખ પુત્રીને કહે છે- અને તે પરસ્પર છે.

beti-bachao

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમારંભમાં તેમના ભાષણમાં કહેલું : ‘હું તમારા સૌની સમક્ષ એક ભિખારી’ તરીકે ઉભો છું. મેં ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ આંદોલન ઉપાડયું હતું અને જ્યારે જાણવામાં આવ્યું કે સેંકડો નહીં, હજારોની નહીં પણ લાખોની સંખ્યામાં દીકરીના ગર્ભને મારી નંખાય છે. ત્યારે મોદીએ ‘બેટી બચાઓ’ આંદોલન શરૂ કરેલુ. સ્ત્રી ગર્ભવતી હોય છે ત્યાં જ આજે અલ્ટ્રાસાઉન્ડ ટેકનોલોજિથી જાણી શકાય છે કે ગર્ભનું બાળક દીકરી છે કે દીકરો? પણ દીકરી ગર્ભમાં માલૂમ પડે ત્યારે હજારોની સંખ્યામાં મરાય છે તે વાત વડાપ્રધાનથી સહન ન થઈ. પંજાબમાં ૧૯૭૯માં ગર્ભના બાળકનું પરીક્ષણ શરૂ થયેલ પણ ઈન્ડિયન મેડિકલ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આવા પરીક્ષણનો બૉયકૉટ કરેલો.

આવા પરીક્ષણ દ્વારા પુત્રીના ગર્ભનો નાશ કરવો તે પરમાત્માનો નિષેધ કરવા જેવું કૃત્ય છે. તમે હંમેશાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ શબ્દો સાથે બોલો છો. બ્રહ્મા એ સૃષ્ટિના સર્જક દેવ છે. વિષ્ણુ અને શંકર (મહેશ) એ બન્ને પાલક અને રક્ષક દેવતાઓ છે. બ્રહ્મા એ સર્જક દેવ છે. સ્ત્રી નથી તો દુનિયા આગળ વધતી નથી .

અંગ્રેજીમાં એક વાક્ય આજે વાંચવા મળ્યું. ‘મધર એન્ડ ડૉટર બૉન્ડ આર લાઈક બોડી એન્ડ સૉલ’. માતા અને પુત્રીનો સબંધ શરીર અને આત્મા વચ્ચેનો સંબંધ છે. બીજા અર્થમાં પુત્રીનો અને માતાનો સંબંધ સીધો પરમાત્મા સાથે જોડાયેલો છે. એટલે તમારી દીકરી હોય તો તેને સૃષ્ટિની કર્તા તરીકે જોઈ તેને પ્રેમ કરો એટલું જ નહીં પણ તેને પૂજ્યભાવે સાચવો.

કન્યા જ્યારે પરણે છે અને તે વિદાય થાય છે ત્યાં જ માતાની આંખ ભીની થાય છે. કન્યા વિદાય થાય ત્યારે સૌથી વધુ માતા રડે છે. મેં તો મારા ઘરમાં અનુભવ્યું છે. અમારી પુત્રી શક્તિ અકસ્માતે ગુજરી ગઈ ત્યારે શીલા બે મહિના સુધી પત્રકારત્વ કરી શકી નહોતી. પુત્રી એ માત્ર પુત્રી હોતી નથી. માતાની તે નિકટની મિત્ર હોય છેે. જો પતિ ત્રાસ કરતો હોય તો તેનું આશ્ર્વાસન પુત્રી આપે છે. શી ઈઝ વૅરી ક્લૉઝ ફ્રેન્ડ! ઘણી વખત પુત્રી માતાની મોનિટર બને છે.  માતાના આંસુ લૂછનાર કોઈ હોય તો તે પુત્રી છે. માતાએ આજની ૨૧મી સદીમાં પુત્રીઓ પાસે અણગમતી વ્યક્તિ તરીકે રહેવું પડે છે. કારણકે પુત્રીના ચારિત્ર્યની તેને ચિંતા હોય છે અને આજની મોડર્ન પુત્રીને માતા દરેક બાબતમાં ટોક… ટોક કે રોક-રોક કરે છે. તે આજની પુત્રીને ગમતું નથી. પુત્રીના ચારિત્ર્યને રક્ષવાની સૌથી મોટી ચિંતા માતાને હેાય છે. મારે ઘરે કામ કરનારી હેમા બોરીચાને હું પગાર આપું છું. તેને મન થાય છે કે તેની દીકરી માટે બચાવે. તે આજથી દીકરીના લગ્ન માટે પૈસાની ચિંતા કરે છે.

દીકરી હજી ટીનેજર થાય ત્યાં પિતા તેની વર્તણૂક અંગે પૂછતાછ કરતો નથી. પણ માતા પૂછે છે ‘ક્યાં ગઈ હતી’ – ‘તારી મૈત્રિણી કોણ છે’ ક્યાં જાય છે? આજની મોડર્ન યુવતીને માત્ર હાઉસ વાઈફ બની રહેવું નથી. એટલે તે ઉંમરલાયક થાય ત્યારથી માતા-પુત્રી વચ્ચે લવ-હેટનો વિરોધાભાસી સંબંધ શરૂ થાય છે પણ માતા ભલે દીકરીને ટોક ટોક કરતી હોય પણ ઉંડે ઉંડે તેને દીકરી પ્રત્યે અપાર પ્રેમ હોય છે. મતલબ કે તે પરમાત્માનું કામ કરે છે. ઈશ્ર્વરને તેણે સર્જેલા બાળના ચારિત્ર્યની ચિંતા હોય છે.

ઈશ્ર્વર દરેક જગાએ પહોંચી શકતો નથી તેથી તેની અવેજીમાં માતા-સ્ત્રી સર્જી છે. દીકરો સહેજ મોટો થાય છે ત્યાં બહાર રખડે છે કે મોજ કરે છે પણ દીકરી? દીકરી ઘરે રહે છે. ત્યારે (ભલે ભણતી હોય) તેને કુટુંબ અને પોતાના કપડા કેમ ધોવા, ઈસ્ત્રી કેમ કરવી, ઘરમાં સજવારી કેમ કાઢવી, પિતાના પૂજાના સ્થળને કેમ ચોખ્ખુ રાખવું તે માતા પાસેથી શીખે છે. માતા હવેલીએ કેે મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે બચપણથી જ દીકરીને સાથે લઈ જાય છે. દીકરાને સાથે લઈ જતી નથી. પરમાત્મા સાથેનું જોડાણ માતા તેની પુત્રી દ્વારા કરે છે અને કરાવે છે.

માતા-પુત્રીનો સંબંધ- યુરોપમાં કેવો ?

Daughter-Mother's

યુરોપમાં ‘બોડી એન્ડ સાઉલ’ના મથાળા નીચે માતા-પુત્રીના સંબંધ વિશે પણ લેખ છે. તેમાં કહે છે કે યુરોપની માતા પુત્રી વિશે વધુ ચિંતાતુર હોય છે. પુત્રીને બચપણથી ધાર્મિક વાતો શીખવે છે. ચર્ચમાં જાય તો માતા દીકરીને સાથે લઈ જાય છે. યુરોપના મશહૂર લેખક ડૉ. બ્રોની મૅકનુટ્ટી કહે છે કે માતા- પુત્રીનો સંબંધ એટલો ઉંડો અને દિવ્ય છે કે તમને તેની કલ્પના પણ ન આવે. પણ યુરોપ-અમેરિકામાં આ સંબંધ વિશે જરા અલગ અનુભવ પણ છે. પશ્ર્ચિમમાં માતા-પુત્રીના સંબંધમાં ઊંમર પ્રમાણે ઉતાર-ચઢાવ થાય છે. દીકરી પાંચ વર્ષની થાય ત્યાં સુધી માતાથી બહુ જ નિકટ હોય છે. પણ પછી દીકરી જેમ જેમ મોટી થાય તેમ તેમ બન્ને સંબંધો એક નવા લેવલે પહોંચે છે. મનોવિજ્ઞાની મેડમ જેની હેના કહે છે કે પશ્ર્ચિમમાં દીકરી અને માતા જલ્દીથી ફ્રેન્ડ એવા બને છે. તે રીતે ઈન્ડિયામાં નથી. ઈન્ડિયામાં માતા હંમેશા દીકરીની કૌમાર્ય વયે ચિંતાતુર હોય છે. પણ, પશ્ર્ચિમની દીકરી સહેજ મોટી થતાં દીકરી વધુ ને વધુ ઘર બહાર રહે છે. તેની મેળે નોકરી શોધી લે છે. (જે માતાને ગમતું નથી) અને ત્યારે જે નવા સંબંધો બાંધે છે ત્યારે માતા સાથેના સંબંધને લૂણો લાગે છે.

માતાને પુત્ર સાથે કોઈ સમસ્યા થતી નથી. પણ દીકરી સાથે સમસ્યા થાય છે. મૂળ કારણ એ છે કે પશ્ર્ચિમમાં દીકરી આઝાદ અને સુપર આઝાદ થતી જાય છે. પણ…પણ…માતા સાથેનો આ સંબંધ બદલાય છે જ્યારે દીકરી પરણે છે અને તે દીકરીને બાળકો થાય છે. દીકરી એકાએક માતા થતાં તેને માતા સાથે જે પ્રોબ્લેમ થતા તે પોતાને થાય છે. પણ એક વસ્તુ જોવામાં આવી છે કે દીકરી જુવાન હોય ત્યારે તેને માતા તરફથી જે ‘ટોક ટોક’  કે ‘રૂકાવટ’ થતી હતી તે દીકરી-માતા થતાં પોતે ટોક-ટોક કરતી નથી. તે દીકરીને આઝાદ થવા દે છે અને દીકરી જુવાનીનું સાહસ કરે તો પોતાની મેળે સંભાળી સ્થિતિને હેન્ડલ કરી લેશે તેવો વિશ્ર્વાસ આજની માતાને હોય છે. દા.ત., તેને કુંવારી અવસ્થામાં પ્રેમ થકી ગર્ભ રહ્યો હોય તો શું કરવું તે આજની પરણેલી કે કુંવારી દીકરી સારી રીતે જાણે છે. ભારતમાં દીકરી મહદંશે આવું સાહસ કરતી નથી. પણ ‘સાહસ’ કરે તો તે કામ માતાએ સંભાળવું પડે છે.

Facebook Comments

You may also like

ભારતીય રાજનીતિમાં પાંચ પેઢીનો દબદબો મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી

– પરિક્ષીત જોશી ભારત દેશની રાજનીતિમાં પહેલેથી જ