અમેરિકાની ધરતી પર આપણાં ગુજરાતીઓએ અનેક ક્ષેત્રોમાં તેમના કાર્યો દ્વારા અમેરિકામા સામાજિક ક્ષેત્રે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી ભારતનું ગૌરવ વધાર્યું છે. લાયન હિના ત્રિવેદી જમણે પોતાની વિવિધ સામાજિક પ્રવૃત્તિઓને ત્યાંની ભૂમિ પર વિકસાવી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે. તેમની ઉમદા કાર્ય પ્રવૃત્તિઓને બીરદાવી લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન તરફથી તેમને મેલ્વિન જોન્સ ફેલોશિપ ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ ઍવોર્ડ ખૂબ જ મહત્વ ધરાવે છે. ઉપરાંત, તેમની ખૂબ જ વિશિષ્ટ પ્રકારની સમાજ સેવા બદલ લાયન્સ ક્લબ ઈન્ટરનેશનલ ફાઉન્ડેશનની 100 વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમને કમિટી મેમ્બર તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે. અમેરિકન એશિયન કોમ્યુનિટી દ્વારા આયોજિત કરવામાં આવેલા એન્યુઅલ એશિયન અમેરિકન ફેસ્ટિવલના 16મા વર્ષની ઉજવણી રૂપે તેમને એક્ઝેમ્પલરી કોમ્યુનિટી સર્વિસ ઍવોર્ડ પણ આપવામાં આવ્યો.
લાયન હીના ત્રિવેદીને બહુભાષી વ્યક્તિત્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણકે લગભગ 7 જેટલી વિશિષ્ટ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ છે. તેમના આ અનેકવિધ ભાષાઓ પરના પ્રભુત્વને કારણે એશિયાના જુદા જુદા સમુદાયના લોકોને દુભાષિયા તરીકે પણ તેઓ સેવાઓ આપે છે. તે સિવાય સમાજના લોકોને ગ્રીન કાર્ડ માટે ઈન્ટરવ્યૂઝની સાથેસાથે વોટર રજિસ્ટ્રેશન, મેડિકેર, મેડિકેઈડ અને અન્ય અનેકવિધ સામાજિક કાયદાકીય પ્રવૃત્તિઓમાં પણ બનતી મદદ કરે છે. એકબીજાને મળતા રહેવું અને એક બીજાના પ્રશ્ર્નોના ઉકેલમાં એકમેકને મદદરૂપ થવું એ તેમનો નિજ સ્વભાવ છે.