– સંગીતા અતુલ શાહ
આજનો યુગ બદલાયો છે. આજના યુગમાં માણસ માણસથી દૂર થઈને યંત્ર અને ટેકનોલોજીને આધિન થઈ રહ્યો છે. એક તરફ સતત દોડધામભરી જિંદગી અને કંઈક મેળવવાની સતત લાગેલી હરીફાઈમાં માણસે પોતાની જાતને ગુમાવી દીધી છે. એટલું જ નહીં, આજે પ્રત્યેક સંબંધ લાગણીઓથી ખસીને ભૌતિક મૂલ્યોમાં આંકવામાં આવે છે. તેનો ઘેરો પડઘો આજે પરિવારની એકતા અને આત્મીયતા પર પણ પડવા લાગ્યો છે.
એક સમયે પશ્ર્ચિમી સંસ્કૃતિને પોતાનાથી નિમ્ન કક્ષાએ ગણનારા ભારતીય સંસ્કૃતિના લોકમાનસ પર હવે પાશ્ર્ચાત્ય સંસ્કૃતિની અસર વર્તાવા લાગી છે. જ્યારે લગ્ન એક પરિવારના સર્જન માટેનું પ્રથમ પગલું ગણાતું હતું.
એક સમયે છોકરી પરણીને સાસરે આવે એટલે તે પોતાની જાતને એ પરિવારના સંસ્કારોે અને સંસ્કૃતિમાં ઢાળીને એ પરિવારની અખંડિતતાનો એક ભાગ બની જતી હતી.
જ્યારે પશ્ર્ચિમી સંસ્કૃતિમા માતા-પિતા અને સંતાનો ક્યારેય સાથે બેસીને પારિવારિક વાત વહેંચતા કોઈ દિવસ જોવા ન મળે. તેનાથી વિપરિત આપણી ભારતીય સંસ્કૃતિ પરિવારવાદ અને સંયુક્ત કુટુંબની મર્યાદા જાળવી પરિવારને એકબીજા સાથે જોડી રાખવાની ભાવના સાથે સંતાનોના ઉછેર પર ભાર આપવામાં આવતો.
એટલે ભારતીય સંસ્કૃતિ એ સંયુક્ત પરિવારનું ગૌરવ અને આપણા પોતીકા પરિવાર પ્રત્યેની લાગણીની કૂમળાશને વાચા આપતી એક ખૂબ જ ઉમદા ભેટ આપણને મળી છે.
આપણી સંસ્કૃતિ અને મૂલ્યોનું આપણે જતન કરીને ફરીથી આપણાં પારિવારિક આનંદને પાછો મેળવીએ તે ખરેખર એક ગૌરવની વાત હશે…!