ભારતીય રાજકારણમાં મહિલાનો દબદબો

ભારતીય રાજકારણમાં મહિલાનો દબદબો

- in Politics
3638
Comments Off on ભારતીય રાજકારણમાં મહિલાનો દબદબો
ભારતીય રાજકારણમાં મહિલાનો દબદબો

પરીક્ષિત જોશી

બહુ ઝાઝું દૂરનું ન જેઈએ અને સ્વતંત્ર ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં મહિલાઓએ અગત્યની ભૂમિકા ભજવી હતી એની વિગતો ઈતિહાસના પાને નોંધાયેલી છે. આવી વિખ્યાત મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓમાં ભિખાજી કામા,

ડૉ. એન્ની બેસન્ટ, વિજ્યાલક્ષ્મી પંડિત, રાજકુમારી અમૃત કૌર, અરૂણા આસફ અલી, સૂચેતા ક્રિપલાની અને કસ્તૂરબા ગાંધી મુખ્ય છે. સુભાષચંદ્ર બોઝની ઈન્ડિયન નેશનલ આર્મીમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ હતી, જે કેપ્ટન લક્ષ્મી સહેગલ સહિત પૂર્ણપણે મહિલાઓની બનેલી હતી. કવયિત્રી અને સ્વાતંત્ર્ય સેનાની સરોજીની નાયડુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ હતા, અને ભારતના રાજ્યના રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા હતા.

તાજેતરમાં એક મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 19000 ભારતીયોના એક સેમ્પલ દ્વારા સર્વેક્ષણ કરાવવામાં આવ્યું. આ સર્વેક્ષણના હેતુ સફળ ભારતીય મહિલાઓની ઓળખ મેળવવાનો હતો કે જેમણે પોતાની કેરિયર અને ઘરમાં એકદમ સંતુલન જાળવી રાખ્યું હોય. એમાં સુષમા સ્વરાજને સૌથી પ્રશંસાપાત્ર મહિલા રાજનેતા તરીકે 36.28 ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. સોનિયા ગાંધી તેનાથી થોડા ઓછા મતે એટલે કે 33.62 ટકા મત સાથે બીજા સ્થાન પર રહ્યા હતા.

આઝાદી પછીના લગભગ પાંચ દાયકા પછી, ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧ને મહિલા સશક્તિકરણ (સ્વશક્તિ) વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. અને આ જ વર્ષે મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ પસાર કરવામાં આવી હતી. પરંતુ મહિલાઓના માન સન્માનમાં એમને સમાજની વ્યવસ્થામાં, રાજનીતિમાં એક વિશેષ સ્થાન મળવું જોઈએ એ વાતને અમલમાં મૂકતા બીજા થોડા વર્ષ વિતી ગયાં. અને આખરે ૯ માર્ચ ૨૦૧૦ના દિવસે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના એક દિવસ પછી, રાજ્ય સભા દ્વારા મહિલા અનામત ધારો, પસાર કરવામાં આવ્યો, જેમાં સંસદ અને રાજ્યની વિધાન સભાઓમાં મહિલાઓ માટે ૩૩% અનામતની ખાતરી આપવામાં આવી છે.

જોકે,આપણે જેસ્ત્રી-મહિલા-નારીશક્તિની વાત કરવાના છીએ એમણે આવા કોઈ વિશેષ લાભની અપેક્ષા રાખ્યા વગર જ, રાજનીતિ જેવા કપરાં ક્ષેત્રમાં, સીધા ચઢાણ કર્યા છે અને પોતાનો એક મુકામ બનાવ્યો છે. લગભગ દર વર્ષે થતાં આવા સર્વેક્ષણોમાં જે રીતે નવાનવા નામ ઉભરીને સામે આવે છે એ જોતાં લાગે છે કે ભારતીય સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, દરજ્જો અને મોભો એક વિશેષ દબદબો જાળવી રહ્યો છે. આ નામોથી ફીલિંગ્સનો અને એમાંય રાજરમતનો વાચક, બિલકુલ અજાણ નથી. છતાં ૮મી માર્ચના મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ફરી એકવાર આવી સ્ત્રીશક્તિને યાદ કરી લેવાનો આ ઉપક્રમ છે.

ભારતમાં કેન્દ્ર અને રાજ્ય એમ બંને સ્તરે મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે જે અડધી આબાદી એટલે કે મહિલા વિશ્ર્વ માટે ગૌરવપૂર્ણ ઘટના છે. તાજેતરમાં સુશ્રી પ્રતિભા પાટિલ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા તો યુપીએના અધ્યક્ષા તરીકે સોનિયા ગાંધી લાંબા સમયકાળથી કોંગ્રેસ અધ્યક્ષા છે તે પણ એક રેકોર્ડ જ છે. લોકસભાના અધ્યક્ષપદે પણ પહેલા મીરાંકુમાર હતા જેઓ આ પદ ગ્રહણ કરનારા સર્વ પ્રથમ મહિલા હતા અને આજે એ પદે બીજા એક મહિલા સુમિત્રા મહાજન છે. સુષ્મા સ્વરાજે લોકસભામાં વિપક્ષનું નેતાપદ સંભાળ્યું છે. આમ, ભારતીય રાજકારણના અત્યંત મહત્ત્વના, ગરિમાપૂર્ણ પદોનું ગૌરવ ‘નારીશક્તિ’ વધારી ચૂકી છે અને વધારી રહી છે. એક સમયે, થોડો તો થોડો સમય માટે પણ, ભારતની ચારેય દિશાઓમાં મહિલા મુખ્યમંત્રીઓનો દબદબો હતો. જેમાં આનંદીબહેન પટેલથી શરુ કરીને વસુંધરા રાજે સિંધિયા, શિલા દીક્ષિત, માયાવતી, મહેબૂબા મુફતી, મમતા બેનરજી, જયલલિથાનો સમાવેશ થતો હતો.

ભારતમાં જ્યારે પણ રાજનીતિના ક્ષેત્રે મહિલાઓની યાદી કરવા બેસીએ ત્યારે ઈન્દિરા ગાંધીનું નામ નિર્વિવાદપણે સર્વપ્રથમ યાદ કરવું જ પડે. આમ તો એમના પહેલાં પણ ભારતીય રાજનીતિમાં મહિલાઓએ ઘણી સક્ષમ અને સ્મરણીય છાપ છોડી છે પરંતુ ઈન્દિરા ગાંધીના કેટલાક રાજકીય પગલાં એમને યાદીમાં વિશેષ સ્થાન અપાવે એમ છે.

ભારતના એકમાત્ર મહિલા વડાપ્રધાન તરીકેનો વિકમ ધરાવતા ઈન્દિરા ગાંધીનો જન્મ ૧૯ નવેમ્બર ૧૯૧૭ના રોજ થયો હતો. ૧૯૬૬માં વડાપ્રધાન પદે આવ્યા પછી ઈન્દિરા ગાંધીએ ૧૯૬૯માં બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરી દીધું હતું. જોકે એમને લોખંડી નારી તરીકે જે કારણે ઓળખવામાં આવે છે એ કારણ છે : ૧૯૭૧માં ભારત-પાક યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ. અટલબિહારી વાજપેયી જેવા પ્રબુદ્ધ અને શાંત કવિ પણ એમને દુર્ગા તરીકે નવાજી દે એવું કૃત્ય એમની મક્કમ રાજકીય ઈચ્છાશક્તિનું પરિણામ હતું. એ પછી સ્માઈલિંગ બુદ્ધા નામથી પહેલું પરમાણુ પરીક્ષણ પણ એવું જ યશદાયી કાર્ય, જેના કારણે વિશ્ર્વપટલ પર ભારતની શક્તિ અને સામર્થ્યની ચર્ચા થવા લાગી. તો કટોકટી અને ઓપરેશન બ્લ્યૂ સ્ટાર જેવા કેટલાંક કડક તો કેટલાંક વિવાદાસ્પદ નિર્ણયો લીધા અને બદનામીની સાથોસાથ એ એમની હત્યાનું કારણ પણ બની. પરંતુ મક્કમ મનોબળથી પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ સાથે લીધેલાં પગલાંએ સમગ્ર ભારતીય રાજકારણને નવી દિશા અને નવો સંદર્ભ આપ્યો.

ગુજરાતના સર્વપ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે સત્તારુઢ થયેલાં આનંદીબહેન પટેલ મૂળે તો શિક્ષણનો જીવ. સત્તાના કેન્દ્રસ્થાને આવ્યા પછી એવા કંઈ કેટલાંય સુધારા કર્યા કે આજે ગુજરાતમાં શિક્ષણનું સ્તર પ્રમાણમાં સુધર્યુ છે. ૨૦૧૪માં ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી બનતા પહેલાં ૭૩ વર્ષીય આનંદીબહેન પટેલે રાજ્ય સરકારમાં ૧૯૯૮થી ૨૦૧૪ સુધીના સમયગાળામાં શિક્ષણ, મહિલા અને બાળકલ્યાણ, રમતગમત યુવા અને સાંસ્કૃતિક, માર્ગ, મકાન અને શહેરી આવાસ, મહેસૂલ જેવા વિભાગોમાં જવાબદારી સુપેરે નિભાવી ચૂકયાં છે.

૨૧ નવેમ્બર, ૧૯૪૧ના રોજ જન્મેલા આનંદીબહેનના નામે રાજનીતિ સિવાયના પણ કેટલાંય વિક્રમો નોંધાયેલા છે. વર્ષો પહેલાં જ્યારે બાળકીઓને એકલાં ઘરની બહાર જવાની પણ મનાઈ હતી એવા રૂઢિચુસ્ત જમાનામાં ચોથાથી સાતમા ધોરણ સુધી ૭૦૦ છોકરાઓ વચ્ચે ભણનારી એક માત્ર વિદ્યાર્થિની તરીકે એમનો આત્મવિશ્ર્વાસ, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને એમના ઘરનાં વડીલોની એ વેળાની આધુનિક વિચારસરણી કેવી હશે એનો તો માત્ર અંદાજ જ લગાવવો રહ્યો. વિસનગર શાળામાં વીર બાળા પુરસ્કાર વિજેતા, કોલેજમાં વિજ્ઞાન પ્રવાહના પ્રથમ વર્ષમાં એકમાત્ર વિદ્યાર્થિની ઉપરાંત ૧૯૮૭માં વીરતા પુરસ્કાર સન્માન જેવા વિક્રમો પણ એમના નામે છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એમનો કાર્યકાળ ભલે પ્રમાણમાં ટૂંકો રહ્યો હોય છતાં સતત દોઢ દાયકાના વિકાસ પછી જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાનપદે આરૂઢ થયાં ત્યારે એમના મુખ્યમંત્રીપદના સ્થાનને યથાયોગ્ય ન્યાય આપવાનું અને ભાજપાની સિધ્ધિઓને વણથંભી આગળ ધપાવવાનું ભગીરથ કાર્ય એમણે પોતાની વિશેષ વ્યવસ્થાપન શક્તિના જોરે સુપેરે કરી બતાવ્યું હતું. અઢળક આમૂલ સુધારા કર્યા બાદ આખરે વય નિવૃત્તિને લીધે સ્વૈચ્છિકપણે મુક્ત થયાં હતાં.

તાજેતરમાં એક મેટ્રિમોનિયલ વેબસાઈટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ૧૯૦૦૦ ભારતીયોના એક સેમ્પલ દ્વારા સર્વેક્ષણ કરાવવામાં આવ્યું. આ સર્વેક્ષણના હેતુ સફળ ભારતીય મહિલાઓની ઓળખ મેળવવાનો હતો કે જેમણે પોતાની કેરિયર અને ઘરમાં એકદમ સંતુલન જાળવી રાખ્યું હોય. એમાં સુષમા સ્વરાજને સૌથી પ્રશંસાપાત્ર મહિલા રાજનેતા તરીકે ૩૬.૨૮ ટકા લોકોએ પોતાનો મત આપ્યો હતો. સોનિયા ગાંધી તેનાથી થોડા ઓછા મતે એટલે કે ૩૩.૬૨ ટકા મત સાથે બીજા સ્થાન પર રહી હતી. આ મામલે જયલલિતાને ૨૩.૦૧ ટકા મત મળ્યા હતા. આવા જ એક બીજા, ઈન્ડિયા ટીવી અને સી વૉટરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સર્વેક્ષણમાં રસપ્રદ તારણો આવ્યા હતા. નમો સરકારના એક વર્ષના શ્રેષ્ઠ મંત્રી તરીકે નિર્વિવાદ પણે સુષ્મા સ્વરાજને પસંદ કરવામાં આવ્યા હતા. મંત્રીઓની કામગીરી સંદર્ભે થયેલા સર્વેક્ષણમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની કામગીરીને કારણે એમને શ્રેષ્ઠ પ્રધાન તરીકે પસંદ કર્યા છે. ૫૬ ટકા લોકોને એમની કામગીરી સારી લાગી છે તો ૩૧ ટકાને સરેરાશ લાગી છે. કુલ મળીને જોઈએ તો ૮૭ ટકાએ સુષ્મા સ્વરાજની વિદેશ ખાતાની કામગીરીને પસંદ કરી છે.

એકબીજાથી તદ્દન ભિન્ન એવા બેય સર્વેેક્ષણમાં સર્વોચ્ચ સ્થાન મેળવનારા સુષ્મા સ્વરાજ અત્યારે ભાજપામાં ભારતીય મહિલાઓનું એક વિશેષ પ્રતિનિધિત્વ છે. તાજેતરમાં જ મૃત્યુ સામે જંગ જીતીને પાછા કામે લાગી ગયેલા સુષ્મા સ્વરાજનું નામ આગામી રાષ્ટ્રપતિપદ માટે પણ મોખરે છે. તેઓ વિરોધપક્ષના નેતા તરીકે પોતાની ભૂમિકા સુપેરે ભજવી ચૂકયા છે. ઈન્દીરા ગાંધી પછી સુષ્મા સ્વરાજ બીજા મહિલા છે કે જેમણે વિદેશ મંત્રીનું પદ અને એની ગરિમા જાળવી છે. એમની ટ્વિટર દ્વારા દેશવિદેશના ભારતીયોને મદદની સેવાની નોંધ તો ખુદ વડાપ્રધાન નમોએ પણ લીધી છે.

મમતા બેનરજીએ ‘જાયન્ટ કિલર’ બનીને પશ્ર્ચિમ બંગાળમાં ડાબેરીઓના ૩૪ વર્ષના શાસનનો અંત લાવી દીધો છે. તેમણે એકમાત્ર પરિવર્તનની જ વાત કરી અને માર્કસવાદીઓના કુશાસનમાંથી મુક્તિ માટેની અપીલ કરી હતી. તેણે જાણે જાદુનું કામ કર્યું. એક દાયકાથી પણ વધુ સમય પહેલાં મમતાએ કોંગ્રેસથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. મમતાએ સાબિત કરી દીધું કે છેક સુધી સીપીઆઈ (એમ)નો વિરોધ કરવામાં તેઓ એકમાત્ર નેતા હતા. તેમણે કોંગ્રેસમાં રાજનીતિની શરૂઆત કરી હતી અને અખિલ ભારતીય યુવા કોંગ્રેસના મહામંત્રી બન્યા. ૧૯૮૪માં જાદવપુરથી સીપીઆઈના દિગ્ગજ નેતા સોમનાથ ચેટરજીને હરાવીને સાંસદ બન્યા. મમતાએ ૧૯૯૮માં પોતાના જન્મદિનથી ચાર દિવસ પહેલાં, ૧ જાન્યુઆરીના રોજ તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી. ૨૦૧૦ની ચૂંટણીમાં પણ તૃણમૂલની બોલબાલા રહી. આ વખતે ફરી ચૂંટાઈ આવતા તેમણે જણાવ્યું કે ‘આ મા, માટી અને માનુષનો વિજય છે. અસહાય-જનજાતિનો વિજય છે.’

તે જ રીતે,  તમિલનાડુમાં જયલલિતા એક સમયે હાંસિયામાં ધકેલાયાં હતા. અને તેમના પક્ષ અઈંઅઉખઊં (અન્નાદ્રમુક) ના કાર્યકરો પણ નિરાશાની ગર્તામાં ધકેલાયાં હતા. તેવા સમયે ટુ-જી સ્પેકટ્રમ કૌભાંડ જયલલિતાની વહારે આવ્યું અને તેમણે ફરી જબરજસ્ત પ્રચાર દ્વારા લોકોને કહ્યું કે ડીએમકે (દ્રમુક)ના ‘પરિવારવાદ’ના શાસનનો અંત  હવે આવવો જ જોઈએ.

દિલ્હીમાં લગભગ દોઢેક દાયકો શીલા દિક્ષિત (આન્ટી) મુખ્યપ્રધાન રહ્યા હતા. તો ઉત્તરપ્રદેશમાં બે વાર માયાવતી (બહેનજી) મુખ્ય મંત્રીપદે સત્તારૂઢ રહ્યાં છે. તાજેતરમાં કાશ્મીરમાં પણ ભાજપના ટેકાથી મહેબૂબા મુફતીએ પહેલા મહિલા મુખ્યમંત્રી તરીકે સત્તા સંભાળી હતી. કાશ્મીરમાંથી શેખ અબ્દુલ્લાના કુટુંબને સત્તાથી દૂર રાખવામાં સફળ બનેલા મહેબૂબા કાશ્મીરીઓની આશાનું કિરણ બનીને ઉભર્યા છે.

આ સિવાય દેશમાં બીજા ઘણાં અગ્રીમ હરોળના મહિલા નેતાઓ છે. જે સહુનો ઉલ્લેખ કરવા બેસીએ તો આખો વિશેષાંક માત્ર મહિલા રાજકારણી પર કરવો પડે. છતાં એમનો નામોલ્લેખ કરીએ : શરદ પવારના દીકરી સુપ્રિયા સુલે, રાજીવ ગાંધીના દીકરી પ્રિયંકા, લાલુ પ્રસાદના પત્ની રાબડીદેવી, પી સાંગ્માના દીકરી આગાથા જેવા સક્ષમ નામો આગામી પેઢીમાંથી ઉભરી રહ્યા છે.

Facebook Comments

You may also like

UMBARRO- Gujarati movie special screening by IGSCA Atlanta-USA

IGSCA-International Gujarati Cultural Society Atlanta, USA is committed