– બધિર અમદાવાદી
જીવદયાવાળા તો એમ કહે છે કે કૂતરા સાથે પણ સારો સંબંધ રાખવો જોઇએ. અહીં સંબંધ રાખવાનો અર્થ એ નથી કરવાનો કે બેસતા વર્ષે કૂતરું આપણે ત્યાં બેસવા આવે અને આપણે કૂતરાના ખાડામાં મઠિયા ખાવા જઇએ કે પછી એ ભાદરવામાં લગન લે ત્યારે સારાં કપડાં પહેરીને આપણે મહાલવા જઇએ. ઘણીવાર ગુસ્સામાં પણ લોકો સામેવાળાના અમુક સગાંનો સંબંધ કૂતરા સાથે જોડતા હોય છે. એ સંબંધ નહિ, સંબંધ એ ભાવ અને પ્રતિભાવની વાત છે. ..
અમારા તેર નંબરવાળા જિગાની એક દિલી તમન્ના કે એ દાઢી પર સાબુ લગાવતો લગાવતો ઓટલા પર આવે ત્યારે સામેના ઘરમાં રહેતું એનું ગમતું કૂમતું બહાર આવીને વેવ કરીને એને ગુડ મોર્નિંગ કહે. પણ દસમાંથી આઠ વખત બને છે એવું કે એ મનમાં ઉમંગ અને દિલમાં અરમાનો લઇને બહાર આવે એ તાકડે જ ફૂમતાની મમ્મી ઉર્ફે અમારા વાડાવાસી વીણામાસી રાતનો એંઠવાડ નાખવા માટે પ્રગટ થાય અને જિગાએ એના ફૂમતા માટે રિઝર્વ્ડ રાખેલા સ્માઇલો વીણા માસીને આલવાના થાય. માસી પણ વળતા વહેવારે મોંમાં મમરાનો ફાકડો માર્યો હોય એવી દંતાવલીનું દર્શન કરાવતા સામું ઇયર ટૂ ઇયર સ્માઇલ આપીને જિગાને ધન્ય કરે! બને, આવું બને. એ પણ પાડોશી કહેવાય અને પહેલો સગો પાડોશીના ન્યાયે એમની સાથે પણ તમારે સંબંધ નિભાવવો પડે. પાડોશી-પાડોશીના સંબંધને સાસુ-જમાઇના સંબંધમાં ફેરવવો હોય તો ફૂમતાની માના ચરણોમાં રિવર ફ્રન્ટ કે કાંકરિયા લેક ફ્રન્ટ તો શું આખું સુએઝ ફાર્મ ન્યોછાવર કરવું પડે તો કરવું પડે.
.આખરે તમારો દાવ ખાલી જાય તો એ પછી પણ તમારે સોસાયટીમાં રહેવાનું છે.
જોડીઓ સ્વર્ગમાં નક્કી થતી હશે તો પાડોશીઓ નરકમાં નક્કી થતા હશે એવું માનવાને કારણ છે. મારા અમુક પાડોશીઓને જોઇને મને કાયમ વિચાર આવે છે કે આપણે એલિયનોને શોધવા માટે અમથા રોકેટો છોડીએ છીએ. સાલું જે કોઇ રીતે આપણા જેવો ન હોય તો પણ એની સાથે સંબંધ કેવી રીતે રાખી શકાય? આવા પાડોશીઓને સગા તરીકે સ્વીકાર કરવાનો આવે ત્યારે અમને ધ્રૂસકે ધ્રૂસકે લાગી આવે.
સંબંધ વિશે અમે અત્યાર સુધી એટલું બધું વાંચ્યું-સાંભળ્યું છે કે હવે તો દરેક સંબંધમાં મને ડખા દેખાય છે. ખરેખર દુનિયાના વૈજ્ઞાનિકોએ સંબંધો વિશે સંશોધન કરવા જેવું છે. મારું બેટું જબરું છે! સંબંધ ટૂંકાગાળાના અને લાંબાગાળાના પણ હોય! નેતા અને પ્રજા વચ્ચેનો ચૂંટણીલક્ષી સંબંધ ટૂંકાગાળાનો અને લગ્ન એ બે કુટુંબો વચ્ચેનો સો વર્ષનો સંબંધ! સમય જતાં સંબંધોમાં બદલાવ પણ આવે.! પુત્ર સોળ વર્ષનો થાય પછી મિત્ર ગણવો. છોકરીઓ ગૌરીવ્રત કરીને સાત જનમનો સંબંધ પાકો કરી લે છે અને આપણે કંઇ ન કરી શકીએ! ઘણીવાર સંબંધનો આખો પ્રકાર જ બદલાઇ જાય! ગરજ પડે ત્યારે લોકો ગધેડાને પણ પિતાતુલ્ય ગણતા હોય છે અને જરૂર પડે તો કાકા મટીને ભત્રીજા પણ બનતા હોય છે. સમય સમયની વાત છે. અહીં આપણે કેટલાક એવા સંબંધો પર નજર કરીશું જેના વિશે ક્યારેય ચર્ચા થઇ નથી. થોડી ટીપ પણ મળશે.
રસોઇ શોની એન્કર અને કુકિંગ એક્સપર્ટ વચ્ચેના સંબંધો અમને બહુ રસપ્રદ લાગ્યા છે. આપણે સહુ જાણીએ છીએ કે સારી રસોઇ રસોઇયાઓ જ બનાવે છે. આ વાત તમે નહીં માનો તો પણ એ હકીકતમાં ફેર નથી પડવાનો કે અત્યારે જેટલી પણ રેસ્ટોરાં, હોટેલો, કેટરિંગ કોન્ટ્રાક્ટરો કે ઇવન લારી-ગલ્લાનું ફૂડ વખણાય છે એ તમામ જગ્યાએ પુરુષ રસોઇયા છે. બસ, આટલેથી વધુ ફૂલાવાની જરૂર નથી. કારણકે, એમાંના પાંચ ટકા લોકો પણ ટીવી પરના કુકિંગના શોમાં એક્સપર્ટ તરીકે ચાલી શકે એમ નથી. ટીવી પર કોઇ મેલા ધોતિયા ઉપર પેટ આગળ ખિસ્સું હોય એવી પટ્ટાવાળી બંડી પહેરીને બીડી ફૂંકતા ફૂંકતા જલેબી કે પછી ગરમાગરમ દાળવડાં ઉતારતા શીખવાડતું હોય એ કેવું લાગે? એમાં તો એય ને એક નાનકડી ટબુડી એન્કર હોય, સામે એક્સપર્ટ તરીકે કોઇ જાજરમાન મહિલા હોય અને ટીવી જોનારા બૈરા એમના ધણીઓને કોણીના ગોદા મારી મારીને પાંસળી તોડી નાખે એવા મસ્ત સજાવેલા સ્ટુડિયોના કિચનમાં ‘કંકોડા કટલેસ વિથ મેક્સિકન રોસ્ટેડ ટોમેટીલ્લા સાલસા ડીપ’ બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય… ઉમ્મ્માહ… બસ હવે બ્રેક મારીને સાઇડમાં ઊભી રાખો. આ કંકોડા કટલેસ તો તમે નેટ પરથી રેસિપી ડાઉનલોડ કરીને બનાવી શકશો, પણ અત્યારે તમારે મજા પેલી બે જણીઓ જે વાતો કરે એની લેવાની છે. હા તો, પેલી ટબુડી તો જાણે આજે જ બધું શીખી લઉં જેથી સાસરે વટ પડી જાય એવા ભાવ સાથે પેલાં બહેનને પૂછતી હોય કે આ કંકોડા કટલેસમાં વેરિએશન તરીકે શું કરી શકાય? અને પછી પેલાં બહેન ઠાવકા થઇને કહે કે આમાં કંકોડાના બદલે તમે કારેલાં નાખો તો કારેલાં કટલેસ બને. તુરિયાં નાખો તો તુરિયાં કટલેસ બને. ગલકા નાખો તો… યુ સી…આવું બધું ચાલતું હોય. પેલી ટબુડી જે પોતાના ઘરે મમ્મીના કહ્યા પર શાક પણ હલાવતી ન હોય એ અહીં ભકિત ભાવથી કંકોડા લીલા લેવાના કે પીળાશ પડતા? નાના લેવાના કે મોટા? છાલ સાથે સમારવાના કે છોલીને? કંકોડામાં કેલરી કેટલી હોય? એવું બધું રસપૂર્વક પૂછતી હોય. અને કપિલના શો કરતાં પણ વધુ હાસ્યની છોળો ઉડતી હોય હોં! આહાહાહા… હું તો કહું છું કે સાસુ-વહુઓ વચ્ચે આવો મીઠો સંબંધ હોય તો હર ઘરમાં ઘંટ લટકાવવા પડે. આઇ મીન દરેક ઘર પવિત્ર મંદિર જેવું બની જાય.! એકતા કપૂરના શો બંધ થઇ જાય અને એને તુસ્સાર કપૂર સાથે ગેટ-વે ઓફ ઇન્ડિયાની ફૂટપાથ પર પાથરણું પાથરીને બેસવાનો વારો આવે હોં બાપલ્યા!
જીવદયાવાળા તો એમ કહે છે કે કૂતરા સાથે પણ સારો સંબંધ રાખવો જોઇએ. અહીં સંબંધ રાખવાનો અર્થ એ નથી કરવાનો કે બેસતા વર્ષે કૂતરું આપણે ત્યાં બેસવા આવે અને આપણે કૂતરાના ખાડામાં મઠિયા ખાવા જઇએ કે પછી આપણે એને સારા પ્રસંગે તેડાવીએ અને એ ભાદરવામાં લગન લે ત્યારે સારાં કપડાં પહેરીને આપણે મહાલવા જઇએ. ઘણીવાર ગુસ્સામાં પણ લોકો સામેવાળાના અમુક સગાંનો સંબંધ કૂતરા સાથે જોડતા હોય છે. એ સંબંધ નહિ, સંબંધ એ ભાવ અને પ્રતિભાવની વાત છે. તમે કૂતરાને આગલી રાતનો બળેલો-વાસી પિત્ઝા પણ ભાવથી ખવડાવશો તો એ પૂંછડી હલાવીને પ્રતિભાવ આપશે. તમારા સગાંને એ એના પોતાના સગાં ગણશે. તમારી સાસુને જોઇને પણ પૂંછડી પટપટાવશે. પણ એ સંજોગોમાં સમતા પકડજો. કૂતરો માણસનો મિત્ર ગણાય છે. કહ્યું છે કે ‘સોસાયટીમાં રહેવું હોય તો કૂતરા સાથે વેર ન રખાય.’ પણ કૂતરા સાથેના સંબંધમાં મને તો નિરાશા જ મળી છે. મારાં સાસુ આવવાનાં હતાં ત્યારે લાલિયાને રોટલી નાખી નાખીને મેં અમારા ઓટલે બેસતો કર્યો હતો. એને ફેરિયા, પસ્તી-ભંગારવાળા અને કુરિયર બોય જેવા અજાણ્યા પાછળ દોડીને ભગાડવાની ટ્રેઇનિંગ પણ આપી હતી. પણ મારાં સાસુએ નાખેલા બે બિસ્કીટે મારી તાલીમનો કચરો કરી નાખ્યો હતો! નાલાયક એમના ચરણોમાં જ બેસી રહેતો હતો! એ પછી ખબર નહીં કેમ પણ સાસુજી અમારા ઘરે રહ્યા ત્યાં સુધી આંખથી લાલિયા તરફ સૂચક ઇશારા કરીને મને કૈંક કહેતા હતા પણ શું કહેતા હતા એ હજી સુધી મને સમજાયું નથી!
ગૃહિણી અને કામવાળા વચ્ચેના સંબંધોમાં તણાવ ઘરની શાંતિને જોખમમાં મૂકી શકે છે. કામવાળાને સાચવવો એ અઘરું કામ છે. લાંબો સમય ટકે એવો કામવાળો એ કાલ્પનિક પાત્ર છે. કારણકે, કામ છોડીને ભાગી જવું એ કામવાળાની ફિતરત હોય છે. તમે ઇચ્છતા હોવ કે કામવાળો લાંબું ટકે તો કકળાટ કરશો નહીં. કામવાળો વહેલો આવે તો ‘કેમ વહેલો આવ્યો?’, મોડો આવે તો ‘કેમ મોડો આવ્યો?’ અને રજા પાડે તો ‘કેમ રજા પાડી?’ કહીને એને બોર ન કરશો. એ આવે છે એ જ નસીબ કહેવાય. એની સાથે ભૂલે-ચૂકે પણ ઊંચા અવાજે વાત કરશો તો નવો કામવાળો શોધવાનો વારો આવશે! આ કંઇ હસબન્ડ નથી કે સાંભળી લે. એ જે દિવસે ટાઇમસર આવે એ દિવસે લોટરીની ટિકિટ લઇ લેજો, લાગી જશે! તમારા ઘરે ખૂબ મહેમાન હોય અને એ દિવસે કામવાળો આવીને ચૂપચાપ કામ કરી જાય એને સદ્નસીબ ગણજો! જે જાતકે આગલા જનમમાં દુકાળમાં ગાયોને પાણી પાયું હોય એને જ આવો કામવાળો મળે છે. એક છોડની જેમ એનું જતન કરો. ખેતીમાં જેમ કહેવાય છે કે ‘ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિ લાવે તાણી’ એમ જ રજા, રોકડા અને કપડાં એ રામલાને તમારા ઘર સાથે બાંધી રાખશે..!
ક્રિકેટમાં કોચ, કેપ્ટન અને ખેલાડીઓ વચ્ચેના સંબંધો જીતમાં અગત્યનો ભાગ ભજવતા હોય છે. કેપ્ટન અને કોચ વચ્ચે કૂંતી-દ્રૌપદી જેવા સંબંધો હોય એ ટીમની જીતવાની શક્યતાઓ વધી જાય છે. જોકે, આપણા કેપ્ટનોની હાલત દ્રૌપદી કરતાં ખરાબ હોય છે. કારણ કે, દ્રૌપદીએ તો સાસુ ઉપરાંત પાંચને સાચવ્યા હતા. જ્યારે આને કોચ ઉપરાંત દસને સાચવવાના હોય છે. હવે તો હારીને આવે ત્યારે ફેસબુક અને ટ્વિટર પર હજારો સાસુઓ ફૂટી નીકળતી હોય છે. અગાઉ ચેપલ-ગાંગુલી અને તાજેતરમાં કુંબલે-કોહલી વચ્ચે સાસુ-વહુવાળી થઇ ચૂકી છે. એમાં તો મોટી સંખ્યામાં ટીવી ફૂટશે એ આશાએ માલ ભરીને બેઠેલા પાકિસ્તાનના વેપારીઓ રાતે પાણીએ રોયા! બેટિંગ વખતે બેટ્સમેન અને નોન-સ્ટ્રાઇકર વચ્ચેની સંવાદિતા જરૂરી છે. એક ગેરસમજને કારણે ચેમ્પિયન્સ ટ્રોફિમાં હાર્દિક પંડ્યાની હાલત શોલેના ‘આધે ઇસ તરફ, આધે ઉસ તરફ ઔર બાકી કે મેરે પીછે…’ બોલીને જય વીરુ તરફ ધસી ગયેલા જેલર જેવી થઇ હતી એ યાદ હશે. બાકી પંડ્યાજી આઉટ થયા એ પહેલાં કપરી પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાનની એક ઓવરમાં એમના બેટમાંથી પાંચ છક્કા છૂટ્યા હતા..! ફિલ્ડિંગ વખતે બોલર એક હોય છે પણ ફિલ્ડર દસ હોય છે, છતાં ચેમ્પિયન્સ ટ્રોફિમાં આપણી ફિલ્ડિંગ વખતે ઉછળેલા ર6માંથી 7 કેચમાં આપણે બાઘા માર્યા હતા! શું છે કે પછી આમાં સંબંધો બગડે, મેમો હાથમાંથી જાય. આ બધા ઝારા-ફ્રેશ તાજા દાખલા છે.
પોલીસ-ગુનેગાર અને પોલીસ-બિનગુનેગાર પ્રજા વચ્ચેના સંબંધો પર પણ એક નજર નાખવા જેવી છે. આમ તો પોલીસ પ્રજાની મિત્ર ગણાય છે. પણ કોણ જાણે કેમ પણ હિન્દી ફિલ્મોમાં પોલીસ ખાતા માટે એવું કાયમ કહેવાય છે કે, ‘પુલિસ સે ન દોસ્તી અચ્છી ન દુશ્મની.’ છતાં પોલીસ જવાનોના લગ્નો તો થતા જ હોય છે અને એમના બાળકોના પણ લગ્ન થતા હોય છે. આ બતાવે છે કે એમની સાથે સંબંધ બાંધી શકાય છે. અહીં સામાન્ય જનતાની વાત થાય છે. બાકી પોલીસ અને ચોર વચ્ચેનો સંબંધ ઊંદર બિલાડીનો સંબંધ કહેવાય છે. બિલાડી પણ કેવી? ઊંદરને રમાડવાના બદલે ધોઇ ધોઇને અધમૂઓ કરી નાખે એવી! આની સામે પ્રમાણમાં ઢીલી ગણાતી ટ્રાફિક પોલીસ અને ટુ-વ્હીલર ચાલક વચ્ચેના સંબંધો ટોમ એન્ડ જેરી જેવા ગણાય. આમાં ટોમ ઓછા અને જેરી હજારો હોય પાછા. શહેરોમાં ‘સિટી પોલીસ’ તરીકે ઓળખાતા આ કર્મીઓ પાસે સિટી વગાડવાથી વધુ સત્તા પણ હોતી નથી. ઓછું હોય એમ આપણે ત્યાં ટ્રાફિક પોલીસને જોતાં જ કબડ્ડીના ખેલાડીની જેમ ‘તાકાત હોય તો પકડી બતાવ’ કહેતાં હોય એમ બાઇક ભગાવવાનો રિવાજ છે. પેલો પણ બિચારો પગ ઢસડીને એક્ટિવા રોકતી આંટીઓથી બચે કે પછી ટ્રાફિકની ચાલુ લેનને સાચવે કે પછી વહી જતી લોડિંગ રિક્ષાવાળા બકરાને પકડે? દરમિયાનમાં જેરીઓ આડા-અવળા થઇને બાઇક મારી મૂકતા હોય છે. આ ખેલમાં ટોમને પણ ખબર જ હોય છે કે આ જેરીઓ મારા સુધાર્યા સુધરવાના નથી એટલે ખાલી પોતાની ધાક જાળવી રાખવા અને કેસનો ટાર્ગેટ પૂરો કરવા પૂરતું દંડો પછાડતા હોય છે. આ પ્રકારના સંબંધોમાં ભય વિના પ્રીતિ, કમસે-કમ આપણે ત્યાં તો અસંભવ છે. એટલે સંબંધો તો તણાવભર્યા જ રહેવાના.
ગાંધીજી કહેતા કે ગ્રાહકને સેવા આપીને આપણે મહેરબાની નથી કરતા. બલકે, એ આપણી પાસે આવીને આપણને સેવા પૂરી પાડવાની તક આપે છે. ગ્રાહક શબ્દમાં હક છે. કમનસીબે આપણે ત્યાં ગ્રાહક અને ધંધાદારી વચ્ચે ‘તેરા તેલ ગયા, મેરા ખેલ ગયા’નો માહોલ જોવા મળે છે. દાખલા તરીકે રેસ્ટોરાંની મેનેજમેન્ટ અને ગ્રાહક વચ્ચે વિશિષ્ઠ પ્રકારનો સંબંધ – જેમાં ગ્રાહકો ટેબલ સાફ મેળવવાનો હક, ગ્લાસમાં આંગળાં બોળ્યા વગર પાણી મેળવવાનો હક, પોતાને ગમતી ટીવી ચેનલ જોવાનો હક, ટીશ્યૂમાં સુગર કોટેડ વરિયાળી ભરીને લઇ જવાનો હક, ગુજરાતી વેઇટર સાથે હિન્દીમાં વાત કરવાનો હક, શાકને સબ્જી અને ‘દાળ’ને ‘દાલ’ કહેવાનો હક, ટેબલ પર જોરશોરથી વાતો કરવાનો અને અટ્ટહાસ્ય કરવાનો હક, અને ‘દાલ મોલી થી’ અથવા ‘તડકા તેજ નહીં થા’ જેવા કારણોસર ટીપ ન આપવા જેવા હક માગતા કે વગર માગ્યે ભોગવતા જોવા મળે છે. સામે પક્ષે વેઇટરો પણ ટીપ ગૂપચાવવાનો ઇરાદો ધરાવતા ગ્રાહકોને ઓળખી જઇ ટેબલને અડે નહીં તે રીતે કપડું ફેરવી, ધોયા વગરના ગ્લાસ આપી, ગ્રાહક ચેનલ બદલવાનું કહે ત્યારે રિમોટ બગડી ગયો છે એવું જુઠ્ઠું બોલીને કે પછી હવાયેલી વરિયાળી પધરાવીને વળતો વહેવાર નિભાવતા હોય છે. આવું ફક્ત રેસ્ટોરાં જ નહીં, પણ શાકની લારીથી લઇને હેર કટિંગ સલૂન અને કરિયાણાની દુકાનથી લઇને સાડીના શો-રૂમ સુધી બધે જ જોવા મળે છે.
જુઓ આવી હળવી વાતો કરતાં કરતાં ‘કહત બધીરા’ને છ વર્ષ પૂરા થયા અને દિવાળી અંકથી સાતમું બેસશે! કોલમિસ્ટ વાચક વચ્ચેના આ પરોક્ષ સંબંધમાં મળેલા અઢળક પ્રેમથી હૈયું ગદ્ગદિત છે. મારા શબ્દો તમારા ચહેરા પર સ્મિત લાવી શક્યા હોય તો હું ધન્યતા અનુભવીશ. ખૂબ ખૂબ વહાલ…