– મેઘ વિરાસ
સિનેમાનો પડદો એટલે સંબંધનો દરિયો. ફિલ્મોએ ભાઈ-બહેન, પતિ-પત્ની, દોસ્તી…થી લઇને અનેક એવી કથાઓનો સંસર્ગ કરાવ્યો છે કે આપણે એ ભાવમાં આજે પણ હૂંફથી ભીંજાવવા લાગીએ છીએ…..
શરીર અને શ્ર્વાસોશ્ર્વાસની પ્રક્રિયા એ હરકોઈ પ્રાણીને ગમતો સંયોગ છે. આવો સંયોગ જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં મહાન સંબંધનું સર્જન થાય છે. બંને એકબીજાના આશ્રિત છે પણ નિ:સ્વાર્થ છે. સંબંધ એટલે નિ:સ્વાર્થભાવે પરસ્પર વહેતું સજ્જનતાનું વહેણ. સંબંધ, આ એક શબ્દ જ મહાન ગ્રંથની ગરજ સારે છે. પરંતુ આપણે વાત કરવી છે ઝાકમઝોળથી ભરેલી સિને ઈન્ડસ્ટ્રીના સંબંધોની. ફિલ્મના પડદા પર અભિનયના ઓજસ પાથરતાં પાથરતાં અનેક કલાકારો એવા છે જેમણે એકબીજા માટે જીવવાના કોલ આપીને પતિ-પત્નીના પવિત્ર બંધનમાં બંધાયા છે.
પતિ-પત્ની.. દુનિયાનો સૌથી મહાન સંબંધ. જેનો આકાર માનવી ખુદ રચે છે. મા, બાપ, ભાઈ, બહેન…વગેરે વગેરે જન્મની સાથે જ ભેટમાં મળતા કુદરતી સંબંધો છે. જ્યાં શુદ્ધતા છે, પવિત્રતા છે ત્યાં સંબંધોની પરિભાષાઓ વ્યાખ્યાયિત થઈ શકતી નથી. જ્યાં નર્યો સ્વાર્થ છે એ સંબંધ નહીં પણ કોન્ટ્રાકટ છે. રીલ અને રીઅલ લાઈફમાં કલાકારોની જોડીઓ રંગ લાવી છે. ભારતીય સિનેમા એ પારિવારિક મનોરંજનનું ભથ્થુ છે. સો વર્ષથી પણ જૂનો આપણો ફિલ્મી ઈતિહાસ છે અને આ સદીમાં અનેક એવી ફિલ્મો બની છે જે સંબંધોની પરિભાષાને મહાનતા તરફ લઈ જાય છે તો એવા જોડકાઓ પણ છે જેઓ અનેક લોકોની ગૃહસ્થી માટે પ્રેરણાનું ઝરણું બન્યા છે.
ફિલ્મી સ્ક્રીન પર મોસ્ટ વોચેબલ કેમેસ્ટ્રીની વાત આવે એટલે આંખો સામે રાજ કપૂર – નરગિસ, ગુરુદત્ત-વહિદા રહેમાન, દિલીપકુમાર-મધુબાલા, અમિતાભ બચ્ચન- રેખા, રાજેશ ખન્ના-આશા પારેખ, શમ્મી કપૂર-શર્મિલા ટાગોર, શશી કપૂર-ઝિન્નત અમાન, શાહરૂખ ખાન-કાજોલ, આમિર ખાન-જુહી ચાવલા, અનિલ કપૂર-માધુરી દીક્ષિતથી લઈને રણબીર કપૂર-દીપિકા પાદુકોણે સુધીની ફિલ્મી જોડીઓ તરવરવા લાગે. આ જોડીઓ હિટ થઈ છે અને તેમણે બકાયદા દર્શકોના દિલ પર રાજ કર્યું છે.
ફિલ્મોના નામ લખવા બેસીએ તો તેની યાદી જ એટલી વિશાળ છે કે તેને ન્યાય આપવું કપરું બની જાય તેમ છે. ફિલ્મોના પડદે હિટ થયેલી જોડીઓ ઘણી છે પણ રીલ પર જોડી નિભાવતા નિભાવતા રીઅલ લાઈફમાં પણ જોડીદાર બન્યાના દાખલા સિનેમા પાસે છે અને સૌથી દમદાર બાબત એ છે કે તેઓએ સંબંધોના કોલને નિભાવ્યા પણ છે. દિલીપ કુમાર અને મધુબાલાના સંબંધો હંમેશાં ચર્ચામાં રહ્યા હતા. દિલીપકુમારે ગૃહસ્થીમાં સાથીદાર તરીકે સાયરાબાનુને અપનાવ્યા હતાં. જે સમયે તેમના લગ્ન થયા ત્યારે દિલીપ કુમાર સાયરાબાનુથી 22 વર્ષ મોટા હતાં. એટલું જ નહીં લગ્ન પહેલા બંનેના પ્રેમસંબંધો જુદી જુદી વ્યક્તિ સાથે પૂરજોશમાં એ સમયે પણ ગોસિપ બનતા હતાં. પરંતુ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા પછી આ જોડી આજદિન સુધી એકમેકની બનીને રહી છે. હાલમાં દિલીપસાહેબની તબિયત ચિંતાજનક છે. તબીબી સારવાર હેઠળ તેઓ સ્વસ્થ છે પણ તેમની સ્વસ્થતાનું સૌથી મોટું કારણ તેમના પત્નીની હાજરી છે. આ વયે વ્યક્તિને હૂંફની જરૂર હોય છે અને એ હૂંફ સાયરાબાનુ તેમને આપી રહ્યાં છે. ભારતીય સિનેમાનું સૌથી સફળ અને સાથે રહેનારૂ આ કપલ છે.
સાયરાબાનુ અને દિલીપસાબ જેવી જ પ્રેરણાદાયક ગૃહસ્થી જોડી અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની છે. ફિલ્મના સેટ પર પ્રેમનો આરંભ થયો અને બહુ જ ઝડપથી માતા-પિતાની સહમતિથી લગ્નજીવનનો પ્રારંભ કર્યો હતો. અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના જ નહીં પણ સિનેજગતના એવા કલાકાર છે જેના સ્ટારડમનો સૂર્યાસ્ત થયો નથી. હા, જીવનમાં અનેક એવી ઘટના બની જેનાથી શારીરિક, માનસિક અને આર્થિક ફટકો સહન કરવો પડ્યો હતો પણ તેમની લોકપ્રિયતા ક્યારેય ઘટી નથી. અમિતાભના સ્ટારડમને બુલડોઝર જેવો ડોઝ જો ક્યાંયથી મળ્યો હોય તો એ જયા બચ્ચનનો છે. અમિતાભની લોકપ્રિયતાની સાથો સાથ તેના નામ પણ બહુ બધી અભિનેત્રીઓ સાથે જોડાયા હતાં. પણ આ વાતને જયાએ હઠ ન બનાવી અને અમિતાભની પાસે ખડે પગે રહ્યાં. કૂલી ફિલ્મનો અકસ્માત હોય, એબીસીએલનું દેવાળું હોય કે બચ્ચનને ફિલ્મ મેળવવા મરણિયા પ્રયાસ કરવા પડ્યા હોય. દરેક ઘડીએ જયાએ અમિતાભને સાથ આપ્યો અને અમિતાભે જયામાં વિશ્ર્વાસ રાખ્યો.
મધર ઈન્ડિયા ફિલ્મમાં મા બનેલી નરગિસ અને દીકરો બનેલા સુનીલ દત્તની કહાની કંઈક હટકે જ છે. સુનીલ દત્તના સાહસ પર ફીદા થયેલા નરગિસે તેની સાથે ગૃહસ્થી જીવન અપનાવ્યું અને ફિલ્મના પડદા પર જેમ હીરો-હિરોઈન અંત સુધી સાથ આપે એવી રીતે એકબીજાના થઈને રહ્યાં. આજે તો આ મોસ્ટ લવેબલ કપલ આપણી વચ્ચે નથી પણ જ્યારે જ્યારે સિનેમાના ઈતિહાસમાં રિલેશનશિપના લેખાં-જોખાં થશે ત્યારે આ જોડીને અવશ્ય યાદ કરવી જ પડશે.
એવું નથી કે ગુઝરા હુઆ જમાનાના કલાકારો જ પ્રેમસંબંધને નિભાવી જાણે છે. નવી પેઢીના સિતારાઓએ પણ પ્રેમ કર્યો છે અને નિભાવ્યો છે. અજય દેવગન અને કાજોલની જોડી સુપર-ડુપર હિટ છે. બંને સફળ કલાકારોની સાથોસાથ સફળ સંસારી પણ છે. અજય દેવગનના પ્રેમ પ્રકરણોની ચર્ચાઓ વિતેલા જમાનામાં આવતી પણ કાજોલ સાથે ચાર ફેરા ફર્યા પછી અજયનું નામ અફેરની બાબતમાં ચર્ચામાં આવ્યું નથી. લગ્ન પછી આ બંને કલાકારોએ ફિલ્મી કરિયરને જેટલું ગંભીરતાપૂર્વક સંભાળ્યું છે એટલું જ મહત્વ તેમના સંસારને આપ્યું છે.
અભિષેક અને ઐશ્ર્વર્યા રાય એકમેકના બન્યા એ પહેલાં બંનેના નામ અલગ અલગ લોકો સાથે જોડાયેલા રહેતા હતાં. ઐશ્ર્વર્યાના નામની ચર્ચા તો ધૂમ રહેતી. વર્લ્ડ બ્યૂટીના લીધે મીડિયાનું કેમેરા ફોકસ તેના પર વધારે રહેતું પણ અભિષેકના પ્રેમ પ્રકરણો કંઈ ઓછા ન હતાં. હવે એ નામોનો ઉલ્લેખ કરવો યોગ્ય ન કહેવાય. અને આમ પણ એ બંનેના જીવનનો ભૂતકાળ બની ગયો છે. તેમનો વર્તમાન સુખમય છે અને ભવિષ્ય આનંદમય બને તેવા યોગ છે તો શા માટે ભૂતકાળને ખંખોળીને તેના સંબંધોને દુ:ખમય બનાવવા જોઈએ.
સ્ટારડમની દૃષ્ટિએ જોઈએ તો અભિષેક પાસે બચ્ચન અટકથી વિશેષ કંઈ નથી. જ્યારે ઐશ્ર્વર્યા ખુદ બ્યૂટી બ્રાન્ડ છે. તેના નામ પર વર્લ્ડની મોટી કંપનીઓ કરોડો રૂપિયા ઠાલવી દે છે. ઐશ્ર્વર્યાની સાથે તેને બચ્ચન બ્રાન્ડ મળી એટલે તેની વેલ્યુએશન બમણી થઈ ગઈ. પણ તેણે ક્યારેય અભિષેક સામે એ અભિમાન ન કર્યું કે એ તેનાથી મોટી બ્રાન્ડ ધરાવે છે પણ તેણે સહજતાથી એ સ્વીકારી લીધું કે અભિષેક મારા માટે પરફેક્ટ હસબન્ડ છે.
લગ્ન કર્યા પછી સૌથી ઉથલપાથલ મચી હોય તો એ અક્ષયકુમાર છે. ટ્વિંકલ ખન્ના સાથે ગૃહસ્થીનો આરંભ કર્યા પછી અક્ષયની જિંદગીમાં સફળતાનો યોગ શરૂ થયો. અક્ષય બિન્દાસ્ત છે અને તેની ફિલ્મો પણ બિન્દાસ્ત જ હોય છે. લગ્ન પછી અક્ષયના નામ છાસવારે વિવિધ અભિનેત્રી સાથે ઉછળતા રહેતા પણ ક્ધટ્રોલ બોર્ડ ટ્વિંકલ પાસે હોવાથી અક્ષય પર તેણે બરાબર લગામ ખેંચી લીધી હતી. અક્ષયના નામો જેની સાથે ચર્ચામાં આવ્યા તેની સાથે તેણે ફિલ્મો જ બંધ કરાવી દીધી.
લગ્નજીવનમાં તિરાડ તો અનેક કલાકારોના જીવનમાં પડી છે અને છુટાછેડા લીધા છે. અભિનેતા-અભિનેત્રીએ લગ્ન કર્યા હોય અને છૂટાછેડા લેવાયા હોય તેવો કિસ્સો અત્યારે સૈફઅલી ખાન અને અમૃતા સિંગનો છે. સૈફે જ્યારે તેની સાથે લગ્ન કર્યા ત્યારનો સમય અલગ હતો અને અંતે બંને એકબીજાથી વિખૂટા પડી ગયા. જો કે સૈફે બીજા લગ્ન કરિના કપૂર સાથે કર્યા. હાલમાં તેઓ ખુશ છે અને સંસારને ભરપૂર આનંદથી માણી રહ્યાં છે.
કલાકારોમાં નવી ગૃહસ્થી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણેની બંધાય તેવું લાગે છે. બંને અત્યારે જાહેરમાં પ્રેમ વ્યક્ત કરે છે અને લગ્નની પણ વાત કરે છે. અત્યારની ટોપ હિટ જોડી છે અને બ્રાન્ડ પણ છે. આશા રાખીએ કે આ જોડી પણ બચ્ચનની જેમ હિટ થાય.