મુશાયરો

મુશાયરો

- in Poems & Gazals
823
Comments Off on મુશાયરો
September Month Mushrooms

– સંકલન : ‘મૌલિક’

અટવાયો છું

 

આ તે કેવા સંબંધોમાં અટવાયો છું,

ઊભો છે તું શિખર થઈને, હું પાયો છું.

 

સૌની જાળાં બાજેલી જીભેથી છટકી,

સાવજના કંઠે આવીને રુંધાયો છું.

 

ડાળી પરથી તોડી ફેંક્યો, એને ક્હી દયો,

મૂળ હવામાં નાંખીને હું ફેલાયો છું.

 

સારું થાજો સૂરજનું કે પાટો બાંધ્યો,

પરપોટાના સ્પર્શે નખશિખ છોલાયો છુ.

 

અંધારું છે એથી ના દેખાઉ પરંતુ,

દૂર કરીશ તું ક્યાંથી ? તારો પડછાયો છું.

 

– હરદ્વાર ગોસ્વામી, અમદાવાદ

મો : 98792 48484

 

તો બહુ ખરાબ લાગત

 

 

જો સાથ તું નિભાવત, તો બહુ ખરાબ લાગત

હું આંસુઓ વહાવત, તો બહુ ખરાબ લાગત.

 

બસ છાતીની ભીતરમાં જોઇને રાજી છે એ,

જો છત ચીરી બતાવત, તો બહુ ખરાબ લાગત.

 

કેવી નવાઇ છે કે તારાં જ રંગ લઇને,

તારી છબી બનાવત, તો બહુ ખરાબ લાગત.

 

જે થઇ શકે સહન, છે ક્યાં દર્દ એવું કોઇ,

પણ જો હું ચીસ પાડત, તો બહુ ખરાબ લાગત.

 

સ્વીકાર મેં કર્યો છે એની જે આદતોનો,

એને બધી જણાવત, તો બહુ ખરાબ લાગત.

 

આશયથી માંગણીના તો મેં નથી કહ્યું કૈં

પણ હાલ જો છુપાવત, તો બહુ ખરાબ લાગત.

 

– ભાવેશ ભટ્ટ, અમદાવાદ

મો. 98251 50244

 

સંબંધોની ડાળ

 

 

ફૂલો ફૂટતા સંબંધોની ડાળે ડાળે,

ચપટી જેવો જીવ, હવે તો ખોબા ખાળે.

 

સૂરજ નળિયામાંથી પેસી ઠંડી એકલતાને વીંધે,

અંધારે ત્યાં બોલકણી ફોરમ આંખોને કેડી ચીંધે.

હડસેલી કંટકને મન આ પડતું થાળે,

ફૂલો ફૂટતા સંબંધોની ડાળે ડાળે .

 

પરોઢના ટહુકા પર્ણો પર ઝાકળભીની છબિયું છાપે,

સમી સાંજનો તડકો હરખી ખારપ નીતર્યા દરિયા આપે.

પરપોટે પહોંચેલા વાદળ ટીંપા ચાળે,

ફૂલો ફૂટતા સંબંધોની ડાળે ડાળે.

 

– રક્ષા શુક્લ, ભાવનગર

મો : 99792 44884

 

બહુ યાદ નથી

 

 

મારી આંખે ખોબે ખોબે ઉભરાતા આંસુની શાખે

મંદ મંદ મુસકાતા કોમળ ફૂલ અને ફુવ્વારા વચ્ચે

તને કદી મેં ચાહીતી એ વાત મને બહું યાદ નથી

 

કાલ કદી ઝરણાના જળમાં

રોપેલા તરણાના તળમાં

કાલ કદી વીજળીની માફક

માણેલી ઝળહળતી પળમાં

 

ફળીયું,ઘર-ખેતરને રસ્તા સીમ અને શેઢાની શાખે

સંધ્યા ટાણે રંગ બદલતા તેજ અને અંધારા વચ્ચે

તને કદી મેં ચાહીતી એ વાત મને બહું યાદ નથી

 

કાલ કદી ઘરઘત્તા રમતા

દીવસોને લીંપી આંગણમાં

કાલ કદી ઝળહળ જોબનની

ઘડીઓને વીંઝી ગોફળમાં

 

આંપણ બે એ ફાંટ ભરીને વાઢેલા વગડાની શાખે

પાંપણમાં પોઢેલા પેલા મુઠ્ઠીભર મુંઝારા વચ્ચે

તને કદી મેં ચાહીતી એ વાત મને બહું યાદ નથી

 

– ચંદ્રેશ મકવાણા, અમદાવાદ

મો : 90990 54277

 

જિંદગી

 

 

જિંદગી પણ હોય છે બસ રાત જેવી

થોડું અજવાળું પછી અંધાર જેવી

 

આમ તો થાકી ગયો છું સાચવીને

વાત છે સંબંધની, પડકાર જેવી

 

માણી લેજો, કાલનો ક્યાં છે ભરોસો

જિંદગી તો છે જનારા શ્ર્વાસ જેવી

 

ક્યાં મળે છે કાંઈપણ આસાન રીતે

જિંદગી જાણે મળી તલવાર જેવી

 

જીવશે જોજો ‘વિજય’ એની શરતથી

હોય તકલીફો ભલેને પ્હાડ જેવી

 

 

– વિજય રોહિત, વડોદરા

મો : 740 5656 870

 

સગપણ

 

 

સગપણ નામે કંઇક ઉખાણાં ભારે હૈયે ટાળ્યાં છે,

જે ઢાળામાં ઢળતાં’તાં બસ એ ઢાળામાં ઢાળ્યાં છે.

 

એમ નથી કંઇ વળગણ છૂટતાં, નડતર છૂટતાં તેમ છતાં,

ગુલમ્હોરી રાતોના કિસ્સા જાણી જોઇ બાળ્યાં છે.

 

દોડીને પૂરપાટ જતાં’તાં જળનાં જાહલ મ્હેલ તરફ,

માંડ કરીને હરખુડા રસ્તાને પાછા વાળ્યાં છે.

 

લીલ્લા-સૂક્કા, સસ્તા-મોંઘા,નક્કર-બોદા બીજ ઘણાં,

હળવે હાથે છુટ્ટા પાડી ઝીણા આંકે ચાળ્યાં છે.

 

ઝાડ તરસનું દરિયા કાંઠે ઉગ્યું ને ઘેઘૂર થયું,

પારુલજીએ રણમોઝારે જઇને વિરડાં ગાળ્યાં છે.

 

– પારુલ ખખ્ખર, અમરેલી

મો. 94298 89366

Facebook Comments

You may also like

સાહજિક, મોજિલા, ઉત્સાહી અને કામને સંપૂર્ણપણે સમર્પિત એવા અદાકારા સુજાતા મહેતા

ચિત્કાર નાટક અને સુજાતા મહેતા એકમેકનાં એવા પર્યાય