યોગી આદિત્યનાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી તરીકેની ધૂરા સંભાળી છે. ભારતની લોકશાહીના ઇતિહાસમાં શાસનની ધૂરા કોઇ યોગી સંભાળે તેવો આ પ્રથમ કિસ્સો નથી. હા, પણ કોઇ પુરુષ સાધુ શાસન સંભાળે એ કદાચ પહેલો કિસ્સો છે. આ પહેલાં સાધ્વી ઉમા ભારતી મ.પ્ર.ના ભગવાધારી મુખ્યમંત્રી બની ચૂક્યા છે. જોકે, યોગીરાજનો કિસ્સો ઘણો જુદો છે…
ભારતવર્ષમાં રાજ્યશાસન રાજગુરુના માર્ગદર્શન હેઠળ ચાલતું આવ્યું છે. ભારતના સુવર્ણકાળ જેવું મૌર્યયુગનું ચંદ્રગુપ્ત મૌર્ય અને બિન્દુસાર તથા એ પછી અશોકનું શાસન ચાણક્ય યા વિષ્ણુગુપ્તના માર્ગદર્શન કે સિદ્ધાંતો પર ચાલતું રહ્યું હતું. એવી જ રીતે છત્રપતિ શિવાજી એમના ગુરુ સ્વામી સમર્થ રામદાસની ઇચ્છા અનુસાર શાસન ચલાવતા હતા. હવે જ્યારે રાજગુરુ સત્તાના કેન્દ્રમાં આવે છે ત્યારે ભારતીય સંસ્કૃતિમાં જરા એક નવો અધ્યાય આકાર લે છે.
ભારતની લોકશાહીના ઇતિહાસમાં યોગી શાસનની ધૂરા સંભાળે તે આ પ્રથમ કિસ્સો નથી. હા, પુરુષ સાધુ શાસનની ધૂરા સંભાળે એવો પહેલો કિસ્સો છે. આ પહેલાં સાધ્વી ઉમા ભારતી મધ્યપ્રદેશના ભગવાધારી મુખ્યમંત્રી બની ચૂક્યાં છે, પણ સાધ્વી કરતાં યોગીરાજનો કિસ્સો ઘણા અર્થમાં અને પરિણમમાં જુદો છે. યોગી આદિત્યનાથ એક શિસ્તબદ્ધ યોગી છે. એમના પ્રજ્ઞા, ચેતા અને મેધા ત્રણેય તેજ છે. કોઇપણ વાત સમજવામાં એમને ઝાઝો સમય જતો નથી. એક યોગીમાં હોય તેવો હઠાગ્રહ અને ક્રોધ સ્વાભાવિકપણે તેમનામાં છે. ત્વરિત નિર્ણય લેવાની શક્તિ છે. રોજ બ્રાહ્મમુહૂર્તમાં જાગી જઇને ગમે તેટલી વ્યસ્તતા વચ્ચે દૈનંદિનીનો ક્રમ જાળવી રાખે છે.
યોગી આદિત્યનાથ પ્રખર હિન્દુવાદી છે. તેઓ કટ્ટર જમણેરી હિન્દુવાદી નેતા ગણાય છે. દેશના સૌથી મોટા રાજ્ય યુ.પી.ના મુખ્યમંત્રીપદે આદિત્યનાથની વરણી મોદી સરકારના એજન્ડાનો સ્પષ્ટ સંકેત આપે છે. કોઇપણ સંજોગોમાં ભાજપ અને નરેન્દ્ર મોદી તેમની હિન્દુત્વવાદી વિચારધારાને જ કેન્દ્રસ્થાને રાખવા માગે છે. હિન્દુ રાષ્ટ્રવાદ, અયોધ્યામાં રામમંદિર એ ભાજપનો મુખ્ય એજન્ડા રહેશે અને મતોનું ધ્રુવીકરણ થતાં ર019માં યોજાનારી લોકસભાની ચૂંટણીનું હોમવર્ક અત્યારથી જ શરૂ કરી દેવામાં આવ્યું છે તેવું રાજકીય પંડિતોનું માનવું છે. છતાં યોગીની માગણી અનુસાર એમને એક નહીં, બે-બે નાયબ મુખ્યમંત્રીઓની સહાય આપવામાં આવી છે. બેય ઉપમુખ્યમંત્રીઓ, સર્વ શ્રી દિનેશ શર્મા અને કેશવપ્રસાદ મૌર્ય સૌમ્ય, મૃદુભાષી, શિક્ષિત અને સ્વચ્છ છબિ ધરાવતા નેતા છે. જેઓ વિકાસનો એજન્ડા આગળ ધપાવશે. લગભગ સવા બે વરસ બાદ લોકસભાની રાષ્ટ્રીય ચૂંટણીઓ યોજાશે ત્યારે ભાજપા માટે આ 300નો કરિશ્મા ટકી રહે એ સૌથી મોટો પડકાર છે. કારણ કે, ભારતીય રાજકારણમાં કેન્દ્રસ્થ દિલ્હીની ગાદીનો રસ્તો ઉત્તરપ્રદેશમાં થઇને જાય છે. નમો એમની રીતે અને એમની શરતે, એકવાર ઉત્તરપ્રદેશ સિવાય પણ કેન્દ્રસ્થ સત્તા સ્થાપના કરી ચૂક્યા છે, પરંતુ એને ટકાવી રાખવામાં કે એને પુન:પ્રાપ્ત કરવા માટે આ યુપીનો સિંહાફાળો રહેતો હોય છે. એટલે સ્વાભાવિક છે કે પાણી પહેલાં પાળ બાંધવાની વૃત્તિ કોઇપણ રાજકીય પક્ષમાં જોવા મળે. એ અનુસાર જ આ પાવર ટ્રાય એન્ગલ ઊભું કરવામાં આવ્યું છે.
યુ.પી. જેનાથી પીડાય એ જ્ઞાતિ, જાતિના સમીકરણો યોગીને લાગુ પાડવાના નથી, કારણ કે, સાધુ એ તમામ ગણિતોથી પર હોય છે. છતાં મીડિયાએ એમની મૂળ નાત, જાતની વાતો વહેતી કરી છે. પરંતુ ગુરુ અને એય ગાદીપતિ, એટલે યોગીને યુ.પી.ના નાગરિકો એક ધાર્મિક આધ્યાત્મિક નેતા તરીકે સ્વીકારે છે. એટલે મોટાભાગના હિન્દુ મત અને હિન્દુ મતદારો એક અંદાજ મુજબ ભાજપા સમર્થિત રહેશે. યોગીએ લોકસભામાં પોતાના પ્રથમ ભાષણમાં મોટાભાગની આશંકાઓનો જવાબ આપી દીધો છે. પરંતુ હકીકત તો એ છે કે સાંસદ અને ગોરખનાથ પીઠના મહંત રૂપે તેમના સામાજિક કામોની જાણકારીમાં ઓછા લોકોની રુચિ છે. ગોરખનાથ પીઠ નાથ સંપ્રદાયની છે અને તેની રચના જ વર્ણાશ્રમ કે જાતિ વ્યવસ્થાના વિરોધમાં થઇ હતી. આ સંપ્રદાય સાથે જોડાનારમાં મુસ્લિમ સમુદાયના લોકો પણ હતા. નાથ સંપ્રદાયમાં ગુજરાતમાંની એક પીઠના ગાદીપતિ જન્મે મુસ્લિમ વ્યક્તિ હતા કે જેમણે સંન્યાસ સ્વીકાર્યો હતો. ગોરખનાથ મંદિરનું સામાજિક જોડાણ સમાજના કમજોર વર્ગો સાથે છે. તેમાં જાતિ કે ધર્મનો ભેદભાવ નથી. યોગી આજે પણ અસ્પૃશ્યતા દૂર કરવા માટે દલિતો અને અતિ પછાત જાતિના લોકો સાથે સામૂહિક ભોજનનું આયોજન કરે છે. મઠની સ્કૂલો, કોલેજો અને હોસ્પિટલોમાં આ જ વર્ગને પ્રાથમિકતા મળે છે. ગોરખનાથ મઠ અને એની આસપાસના સમગ્ર વિસ્તારમાં યોગી જેટલા હિન્દુઓમાં લોકપ્રિય છે એટલા જ બિનહિન્દુઓ અને ખાસ તો મુસ્લિમોમાં લોકપ્રિય છે. આ બધા ચાહકો, ભક્તો અને ટેકેદારોએ બુલંદ અવાજે એટલે જ નવું સૂત્ર વહેતું કર્યું છે કે ‘યુપીમેં રહના હો તો યોગી યોગી કહના હોગા.’
વિધાનસભા ચૂંટણીમાં મતદારે ભાજપને જે પ્રચંડ જનાદેશ આપ્યો તેને અનુરૂપ કામ કરવાની જવાબદારી યોગી આદિત્યનાથ સામે એક પડકારરૂપે છે. ઉત્તરપ્રદેશનો જનાદેશ આ પ્રાંતની જ નહીં, દેશની રાજનીતિને બદલનારો છે. ભાજપ નેતૃત્વએ યોગીને મુખ્યમંત્રી બનાવવાનો જે સાહસિક નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશના ચૂંટણી પરિણામોએ મુસ્લિમ વોટના તુષ્ટિકરણનું સમીકરણ બદલી નાખ્યું છે. હવે ઉત્તરપ્રદેશ જ નહિ, દેશભરના મુસલમાનોએ વિચારવું જોઇએ એમણે કયો માર્ગ પસંદ કરવો છે. અત્યાર સુધી ચૂંટણી ટાણે આ પ્રજાને માત્ર મત માટે ઉપયોગમાં લેવાતી રહી છે છતાં આઝાદીના આટલા વર્ષે એમની હાલતમાં ઝાઝો સુધાર આવ્યો નથી.
યોગી આદિત્યનાથનું ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનવું ભારતીય રાજકારણ માટે નવા અધ્યાયની શરૂઆત છે. મુખ્યમંત્રી રૂપે તેમનો કાર્યકાળ કેટલીય પ્રચલિત ધારણાઓ અને રાજકીય માન્યતાઓને તોડશે. તેમના વિરોધીઓની આશંકાથી વિપરિત લાગે છે કે સમાજ વધારે સમરસ બનશે. હા, દાયકાઓથી આપણને જે પ્રકારનું રાજકારણ જોવાની આદત થઇ ગઇ છે તે હવે જોવા નહીં મળે. કદાચ આ વાત રાજકારણના જૂના ખેલાડી મુલાયમસિંહને બહુ જલદી સમજમાં આવી ગઇ. 19 માર્ચે યોગીના શપથ ગ્રહણ સમારોહમાં અખિલેશ સાથે તેમની હાજરી અને હાવભાવ બદલાવનો સંકેત આપી રહ્યા છે. યોગી વિરોધીઓએ જો તેમની સાથે લડવા માટે તેમના હિન્દુત્વવાદને હથિયાર બનાવ્યું તો લડાઇ શરૂ થતાં પહેલાં જ હારી જશે. તેમના વિરોધીઓએ એ યાદ રાખવું જોઇએ કે યોગીને એક રીતે જોવા જઇએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માફક કોઇ અંગત મહત્વાકાંક્ષા નથી, જેને કારણે તેમણે સમજૂતી કરવી પડે. પદ તેમના માટે જવાબદારી છે. ઉત્તરપ્રદેશના સામાન્ય લોકોની આકાંક્ષા જ તેમની મહત્ત્વાકાંક્ષા હોય તો વાત વધુ સારી ગણાશે.
યોગી સરકારે સત્તા સંભાળ્યા બાદ પાંચ દિવસમાં જે નિર્ણય લીધા છે તેનાથી એવા જ સંકેત મળી રહ્યા છે. ‘ઓપરેશન રોમિયો’ની વાત હોય કે પછી ગેરકાયદેસર કતલખાનાં પર બૅન મૂકવાની વાત હોય. 19 માર્ચના રોજ શપથ ગ્રહણ કર્યા બાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવા પગલાં ભર્યાં છે જેમાંથી કેટલાક રાજકીય રીતે સંવેદનશીલ માનવામાં આવે છે. ભાજપા રાજ્યમાં સત્તા મેળવે તે પહેલાં જ સરકારી કર્મચારીઓને ઓફિસ સમયસર આવી જવા બાબતે એક પરિપત્ર જાહેર કરાવડાવ્યો હતો. એટલું જ નહીં, સચિવાલય અને પોલીસ સ્ટેશનની એમણે સરપ્રાઇઝ વિઝિટ કરીને કર્મચારીઓ અને અધિકારીઓને એલર્ટ બનાવી મૂક્યા છે.
યોગી આદિત્યનાથે મુખ્યપ્રધાન તરીકે કાર્યકાળ સંભાળ્યા બાદ પહેલી જ બેઠકમાં સાથી પ્રધાનોને 1પ દિવસમાં પોતાની સંપત્તિ જાહેર કરવા આદેશ આપ્યો હતો. તો બીજા દિવસે અધિકારીઓને 1પ દિવસમાં પોતાની સંપત્તિની વિગતો જાહેર કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે નોકરીમાં મેરિટને આધારે ભરતી કરવા આદેશ આપ્યો છે. તેમણે તાલુકા અને પોલીસ મથકોએ કોઇપણ પ્રકારનું રાજકીય દબાણ હોવું જોઇએ નહીં, ઝીરો ટોલરન્સ હોવું જોઇએ એ વાત ઉપર પણ ભાર મૂક્યો હતો અને સ્વચ્છતા માટે બધા અધિકારીઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમણે તમામ પ્રધાનને એવી પણ સલાહ આપી છે કે તેઓ જનતાને સંબોધન કરતા હોય કે લોકો સાથે ચર્ચા કરતા હોય ત્યારે પોતાની ભાષા પર કાબૂ રાખવો પડશે. કોઇપણ પ્રધાન કે નેતા બેફામ નિવેદન આપી શકશે નહીં. પણ સૌથી મહત્ત્વનો કોઇ નિર્ણય હોય તો એ ગેરકાયદે કતલખાનાં બંધ કરવાનો. બીજી રીતે આને જોવા જઇએ તો ભગવાન દત્તાત્રેયના નવનાથ પૈકીના એક ગોરખનાથની ગાદીના અધિપતિ મુખ્યમંત્રી યોગીએ ગૌરક્ષાનો એક જૂનો ચૂંટણી ઢંઢેરો જરા જુદી રીતે પાળી બતાવ્યો છે. મારી દૃષ્ટિએ તો આ સિદ્ધરાજ જયસિંહના સુવર્ણકાળ પછી ગુજરાતની રાજગાદીએ આવેલા જૈનધર્મી શાસક કુમાળપાળની ઘોષણાઓ જેવો છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની આજ્ઞા અનુસાર રાજાએ તૈયાર કરેલી આ ઘોષણાઓનું અહિંસાના ઇતિહાસમાં એક અમર સ્થાન છે અને એવી જ રીતે યોગીએ કરેલી આ શરૂઆત પણ ઐતિહાસિક છે. જો કે, યોગી સરકારનું કહેવું છે કે તેમણે માત્ર જૂના કાયદાને જ અમલમાં મૂકયા છે, જેનો અત્યાર સુધીની રાજ્ય સરકારો અમલ કરાવી શકી ન હતી. ઉત્તરપ્રદેશ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-19પ9 મુજબ સ્થાનિક અધિકારીઓની જવાબદારી બને છે કે તે લોકોને તાજું અને સ્વચ્છ માંસ ઉપલબ્ધ કરાવે. જોકે, આના માટે શહેરની સીમામાં બનનારા કતલખાનાનું નિર્માણ અને તે અંગેના નિયમોનું પાલન કરવું પણ જરૂરી છે. સેક્શન 421થી 430માં એ નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કતલખાના ચલાવવા અંગેની માહિતી પ્રાણીઓની ખરીદી તેમજ ખાનગી કતલખાનાં પર રોક લગાવવા સાથે જોડાયેલા છે. ઉત્તરપ્રદેશમાં ચાલતા કતલખાનાંઓ અને મટનની દુકાનોમાંથી અડધાથી વધુ દુકાનો કોર્પોરેશનના લાઇસન્સ વગર અને ગેરકાયદે ચાલી રહેલી છે. નગરપાલિકાના અહેવાલ પ્રમાણે રાજ્યમાં 140 કતલખાનાં અને પ0 હજારથી પણ વધુ મટનની દુકાનો છે, જે ગેરકાયદે ચલાવવામાં આવતી હતી.
સરવાળે જોવા જઇએ તો કેન્દ્રમાં મોદી યુગ અને યુપીમાં યોગીયુગ બેય ભારતીય રાજનીતિમાં એક નવા અધ્યાયની શરૂઆત સમા છે. પોતાના દોઢ દાયકાના રાજ્ય શાસન દરમિયાન નમોએ સિદ્ધ કરેલી બાબતો હવે યોગીરાજે પણ અલગ રીતે, અલગ પ્રદેશમાં સિદ્ધ કરી બતાવવાની છે. આમ તો યોગી આદિત્યનાથ એ સિદ્ધ યોગી છે અને એમને માટે સહજ સાધ્ય પણ છે, છતાં આગામી સમય જ બતાવશે કે એક યોગીના હાથે રામરાજની પુનર્સ્થાપના થશે કે કેમ?
યોગી કેબિનેટની એક ઝલક
ઉત્તરપ્રદેશ કેબિનેટમાં કુલ 46 સભ્યોએ શપથ લીધા છે. યોગીના નેતૃત્વમાં જે ટીમ બની છે તેમાં બે નાયબ મુખ્યમંત્રી રાખવામાં આવ્યા છે. યોગી કેબિનેટમાં રર કેબિનેટ મંત્રી, 9 રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને 1પ રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતિકીય વર્ગીકરણમાં માનતા નથી છતાં જો આ મંત્રીમંડળનું જાતિની દૃષ્ટિએ વર્ગીકરણ કરીએ તો એમાં 1પ ઓબીસી, 6 એસસી, 7 ઠાકુર, 8 બ્રાહ્મણ, 8 કાયસ્થવાણિયા સાથે 1+1 જાટ અને મુસ્લિમને મંત્રીપદ મળ્યું છે.
યોગીના એકમાત્ર મુસ્લિમ પ્રધાન મોહસીન રઝા
ચૂંટણી પૂર્વે ભાજપાએ ઉત્તરપ્રદેશમાં એકપણ મુસ્લિમને ટિકિટ આપી નહોતી. પરંતુ નવા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે એમના પ્રધાનમંડળમાં રાજ્ય પ્રધાન તરીકે મોહસીન રઝાને સામેલ કરીને આ મુદ્ે આશ્ર્ચર્યજનક વળાંક આપી દીધો છે. મોહસીન રઝા શિયા મુસ્લિમ છે. ઉત્તરપ્રદેશ રણજી ટ્રોફિ રમી ચૂકેલા રઝા હાલમાં ભાજપા માં જોડાયા પછી રાજ્યપાલ બનેલા નઝમા હેપ્તુલ્લાના જમાઇ છે. રઝા હાલ વિધાનસભ્ય નથી તે છતાં એમને લઘુમતી બાબતોના મંત્રી તરીકે પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. જોકે હવે એમણે છ મહિનાની અંદર વિધાનમંડળના બે ગૃહ (વિધાનસભા અને વિધાનપરિષદ)માંથી કોઇપણ એકમાં સભ્ય બનવું પડશે.
યોગીના હઠયોગનું રાજયોગમાં પરિવર્તન…
યોગીઓનો અને રાજનીતિનો ભારતવર્ષ સાથે પારંપારિક નાતો રહ્યો છે. જ્યારે યોગ અને યોગીઓની પરંપરાને પોતાના ધર્મપથ મૂકીને અથવા ધર્મપંથે પ્રાપ્ત કરેલી યોગ સિદ્ધિઓને રાષ્ટ્ર હિત કાજે રાષ્ટ્રીય રાજકરણના ફલક પર કામે લગાડવાની આવે ત્યારે ત્યારે ઈતિહાસે એવા અનેક યોગીઓને શાસન-અનુશાસન અને સુશાસનાર્થે રાજનીતિની આંટીઘૂંટીઓમાં આવવા પર મજબૂર કરી દીધા છે…યોગી આદિત્યનાથ કે જેઓ ચુસ્ત ગોરખપંથી છે, અને નાથ સંપ્રદાયમાં શિષ્ય ગોરખનાથ પોતાના ગુરુ મચ્છેન્દ્રનાથને પણ ટપી જાય છે અને શિષ્ય ગુરુ કરતા સવાયો થઈને માર્ગ ભૂલેલા ગુરુ મચ્છેન્દ્રનાથને તેમની સાધનાનો હેતુ યાદ અપાવે છે. નાથ સંપ્રદાયના પ્રશસ્ત માર્ગના સાધક અને યોગી આદિત્યનાથની મુખ્યમંત્રીના દાવેદારોમાં નેતૃત્વની નજરે ચડેલી તેમની હિન્દુત્વ સાથેની કટ્ટર છતાં પણ મૌલિક છબીએ યોગીને સુશાસનાર્થ સત્તારૂઢ કર્યા. ચાલો જાણીએ અજયસિંહ બિષ્ટ ઉર્ફ યોગી આદિત્યનાથની જીવનસફરના વળાંકો કે જેમણે તેમને ગોરખગાદીથી રાજગાદી સુધી પહોંચાડ્યા.
યોગી આદિત્યનાથનું પારિવારિક નામ અજયસિંહ બિષ્ટ. ઉત્તર પ્રદેશના પૌડી ગઢવાલના યમકેશ્ર્વર તાલુકાના પંચૂર ગામે જન્મેલા યોગી આદિત્યનાથ ઉર્ફ અજયસિંહ બિષ્ટ ગઢવાલી રાજપૂત પરિવારના છે. તેમના પિતા આનંદસિંહ બિષ્ટ ફોરેસ્ટ રેન્જ ઓફિસર હતા. ટિહરી ગામના ગજાની સ્થાનિક પ્રાથમિક શાળામાંથી 1987માં 10મુ ધોરણ પાસ કર્યું. જ્યારે 1989માં ઋષિકેશના ભરત મંદિર ઈન્ટરમિડિએટ કોલેજમાંથી ઈન્ટરમિડિયેટની પરીક્ષા પાસ કરી. પણ જીવનમાં સાચો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે તેઓ 1990માં ગ્રેજ્યુએશનના અભ્યાસ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા. 1992માં હેમવતી નંદન બહુગુણા ગઢવાલ વિશ્ર્વ વિદ્યાલય, શ્રીનગરથી ઇ.તભ. વીથ સાયન્સ અને 1993માં ખ.તભ. પૂર્ણ કર્યું. જોકે ખ.તભ. ના અભ્યાસક્રમ દરમ્યાન તેઓ ગુરુ ગોરખનાથ પર અભ્યાસ કરવા ગોરખપુર ગયા. આ સમય દરમ્યાન ગોરખપીઠના મહંત અવૈદ્યનાથની દ્રષ્ટિ તેમના પર કેન્દ્રિત થઈ. જે અજયસિંહ બિષ્ટના જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
અહીંથી તેમણે સંસારી જીવનનો ત્યાગ કરી દીક્ષા મેળવી 1994માં અજયસિંહ બિષ્ટમાંથી પરિવર્તન પામી યોગી આદિત્યનાથના દ્વિજ સ્વરૂપ સાથેની ઓળખાણ આપી. તેમના ગુરુ અવૈદ્યનાથના નિવાર્ણ બાદ એટલે કે 12મી સપ્ટેમ્બર 2014ના રોજ તેઆને પારંપારિક વિધિથી મઠના મહંતપદે નિયુક્ત કરવામાં આવ્યા. આમ, અજયસિંહ બિષ્ટ કે જેઓ શાળાભ્યાસ દરમ્યાન ગણિતમાં માહેર વિદ્યાર્થી હતા પરંતુ તેમના વિદ્યાર્થીકાળના ગાણિતિક સમીકરણોની દિશા બદલીને પ્રકૃતિએ તેમને ધર્મકાર્ય અર્થે ગોરખનાથ સંપ્રદાયની ગુરુગાદી પર બેસાડ્યા.
દેખાવમાં વામન મૂર્તિ દેખાતા યોગી આદિત્યનાથ કદ નાનું પણ ગજુ ગજ જેવું રાખનાર નાથ સંપ્રદાયના અલગારી હઠયોગી છે. ખાસ તો હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્ર અને વેદ-શાસ્ત્રોનું મહત્વ સમજાવનારા નાથ સંપ્રદાયના યુવા પીઠાધિશ્ર્વર હોવાની સાથે એક યોગી માટે નિર્ભયતાના જે ગુણો હોવા જોઈએ તેવા તમામ ગુણો સાથે સિંહ, વાઘ જેવા ક્રૂર પ્રાણીઓને પણ પોતાની આધ્યાત્મિક શક્તિથી પોતના કાબૂમાં રાખનાર નાથ સંપ્રદાયના મૂલ્યો સાથે રાષ્ટ્રહિતનું જતન કરનાર સાધુ પુરુષ છે.
પશુ અને પ્રકૃતિપ્રેમી એવા યોગી આદિત્યનાથને તેમની ગૌશાળાઓ સાથે અનન્ય પ્રેમ છે એટલું જ નહીં પ્રત્યેક ગાય યોગી દ્વારા પોકાર કરવા પર દોડતી દોડતી યોગી પાસે પહોંચી જાય છે જે બાબતે તેમની અંદર રાષ્ટ્રપ્રેમના જોશ સાથે મૂંગા જીવો પ્રત્યેના નિર્દોશ પ્રેમભર્યુ હ્રદય હોવાની પણ તેમની એક વિશિષ્ટ ઓળખાણ આપે છે.
ૈ ‘એન્ટિ રોમિયો સ્ક્વોડ’ કાર્યરત કરવામાં આવી. જેના પરિણામે યુવતીઓ, મહિલાઓ નિર્ભય થઇને ફરી શકશે. તેમજ કોઇપણ અસામાજિક તત્ત્વોનો મહિલાઓ સામનો કરી શકશે.
ૈ ગેરકાયદે કતલખાના બંધ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરાઇ. મેરઠ, આગ્રા, વારાણસી સહિત કેટલાય જિલ્લાઓમાં ધમધમતા ગેરકાયદે કતલખાનાઓને સીલ કરી દેવાયા.
ૈ રાજ્યમાં ગૌહત્યા રોકવા માટેના આદેશો જાહેર કરાયા.
ૈ સરકારી કચેરીઓમાં પાનગુટકા વેચવા અને ખાવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. દેશની કોઇપણ સરકારી કચેરીની દીવાલો હોય, તેના પર પાનની પિચકારીઓ અવશ્ય જોવા મળે છે. તે આ પ્રતિબંધથી કદાચ દૂર થશે.યોગીએ સરકારી કચેરીઓમાં મૂકેલ ગુટકા પ્રતિબંધની પહેલ દેશના તમામ રાજ્યોમાં સ્વીકાર્ય બની શકે તેમ છે.
ૈ તમામ પ્રધાનોએ તેમની સંપત્તિ જાહેર કરવી, કોઇ બહાનાબાજી કરવી નહીં.
ૈ અધિકારીઓએ બે મહિનામાં ફાઇલોનો નિકાલ કરી નાખવો.
ૈ શિક્ષકોએ ફરજ દરમિયાન ટીશર્ટ નહીં પહેરવી.
ૈ દર શુક્રવારે પોલીસ સ્ટેશનની સફાઇ કરવી.
ૈ સ્વચ્છતા અભિયાનને વેગ આપ્યો.
ૈ પરીક્ષામાં નકલ કરનારા પર લગામ કસી.
ઉત્તર પ્રદેશમાં 300 બેઠક, નમો ઈફેક્ટ કન્ટિન્યૂ….
નોટબંધી દરમિયાન લોકોને પડેલી હાલાકી અને મુસીબતોને લીધે રાજકીય પંડિતોની એવી ધારણા હતી કે કદાચ ઉત્તરપ્રદેશમાં એની અવળી અસર પડશે. પણ રામ રાખે એને કોણ ચાખે. પરિણામ ધારણા કરતાં બિલકુલ ઊલટું આવ્યું છે. 300 બેઠકો જેવી જબરજસ્ત સફળતા સાથે ભાજપાએ યુપીમાં ઘર-વાપસી કરી છે. હિન્દુત્વના મુદ્દા સાથે વિકાસના એજન્ડાને ચૂંટણી ઢંઢેરાનો એક ભાગ બનાવેલો એ સાચો ઠર્યો છે. નોટબંધી પછીય નમોનો કરિશ્મા ઓસર્યો નથી, નમો ઇફેક્ટ કન્ટિન્યૂ છે એ ફરી એકવાર સાબિત થઇ ચૂક્યું છે. પાંચ રાજ્યમાંથી બેમાં જ વિજય મેળવ્યો હોવા છતાં ભાજપા ચાર રાજ્યોમાં સરકાર રચી ચૂકી છે, એ પણ પક્ષનો આત્મવિશ્ર્વાસ દર્શાવે છે. પણ આ બધાયની પાછળ છે નમોની શાખ, ઉત્તરપ્રદેશમાં સોએ સો ટકા યોગી આદિત્યનાથ ઘણા લોકપ્રિય છે અને એમનું વર્ચસ્વ પણ છે. છતાં કાશી-બનારસને પોતાનું કેન્દ્ર બનાવીને નમોએ શરૂ કરેલી કેન્દ્રિય રાજનીતિના પાસાં પોબારા પડ્યા છે. વિધાનસભામાં આટલી બહુમતી સાથે ભાજપાની ઘર-વાપસી એ માત્ર અને માત્ર નમોના કરિશ્માઇ વ્યક્તિત્વને આભારી છે એમાં લગીરેય મીનમેખ નથી. આગામી લોકસભા ચૂંટણીમાં આ કરિશ્મા જળવાઇ રહે એ જોવા માટે યોગીરાજને રાજગાદીએ બેસાડવામાં આવ્યા છે.