સંકલન : ‘મૌલિક’
વરસાદમાં…
એક ચેહરો ચીતરો વરસાદમાં
સામટા વ્હેણે તરો વરસાદમાં.
આંખમિચોલી રમો, વરસી પડો,
એ રીતે જળને મળો વરસાદમાં.
સ્નિગ્ધતા યાદોની ભીનેવાન હો,
એ ક્ષણે લપસી પડો વરસાદમાં.
ધોધમારી છે સગડ એના મને,
ઓ વિચારો ઉપડો વરસાદમાં.
ચાલવા લાગી ગયા છે સાથમાં,
તરબતર સૌ દર્પણો વરસાદમાં.
ભીંજતા હાથે હવાના સ્પર્શને,
આંગળીથી કોતરો વરસાદમાં.
સાવ ઉલેચાઈ જાતું હોય મન,
એ ઘડી શ્રીફળ ધરો વરસાદમાં.
પારૂલ મહેતા-વડોદરા
૯૦૯૯૦૨૩૬૪૯
વરસાદના વાદળ…
વરસાદનાં વાદળ હવે ઘેરાય રહ્યાં છે,
ઉપવન બધાં એક સાથે લહેરાય રહ્યાં છે.
ચો-તરફથી સંગીત વાગે છે મધુર એવું,
જાણે કે બધાં પક્ષીઓ ગાય રહ્યાં છે.
ચહેરા પરનાં ભાવ ખીલી રહ્યાં છે એવાં,
જાણે કે બધાં પાત્રો છલકાય રહ્યાં છે.
વસંતની આ બહાર ખીલી ઊઠી છે કેવી ?
કે ફૂલો પણ આપસમાં શરમાય રહ્યાં છે.
વરસાદમાં સામીલ છે, મહોબતના બધાં રંગો,
એ રંગમાં હવે ‘આશિત’ રંગાય રહ્યાં છે
– આશિત સી. ધામેચા-આણંદ
મો. ૯૮૨૪૬ ૪૩૪૬૮
વરસાદ છે….
કૈંક તરસ્યાની તરસ વરસાદ છે,
ખૂબ મોંઘેરી જણસ વરસાદ છે.
હા, તને વરસેય બહુ વીત્યો સમય,
આજ થોડું તો વરસ વરસાદ છે.
ન્હાય બાળક, નાવ કાગળની તરે,
દૃશ્યમાં કેવો સરસ વરસાદ છે.
કોઇ માટે જળ નર્યું અમૃત સમું,
કોઇને મન સોમરસ વરસાદ છે.
ઘેલો થઇને એમ વરસે ધોધમાર,
જાણે પીધેલો ચરસ વરસાદ છે.
તારે માટે ચાર ‘દિ ચોમાસું પણ,
મારે તો આખ્ખું વરસ વરસાદ છે.
આજલગ ‘નાદાન’ જેવા આપણે,
પણ સમજણો આ વરસ વરસાદ છે.
દિનેશ ડોંગરે ‘નાદાન’-વડોદરા
મો-૯૮૯૮૩ ૪૬૮૭૭
ને વરસાદ ખુદ પલળી ગયો !
તું પલળવા આવી ને વરસાદ ખુદ પલળી ગયો !
હા, તને ભીંજાવીને વરસાદ ખુદ પલળી ગયો !
કોરો-મોરો એ વરસતો’તો નહિ તો, ચાંદની !
તે ચુનર લહેરાવી ને વરસાદ ખુદ પલળી ગયો !
દીપ થઇ પ્રગટી રહ્યાં છે પુષ્પનાં અંગો બધાં,
જો, સુમન પ્રગટાવીને વરસાદ ખુદ પલળી ગયો !
ભીંત જેવી ભીંત પણ મહેંકી ગઇ આજે જુઓ !
ભીંત પણ મહેંકાવીને વરસાદ ખુદ પલળી ગયો !
ઊગી-ઊગી ભેજના વૃક્ષો પછી પલળી ગયાં
ભેજ સઘળે વાવીને વરસાદ ખુદ પલળી ગયો !
તારલાનાં છીદ્રમાંથી ચંદ્રધારે બાળ થઇ,
આભ નીચે આવીને વરસાદ ખુદ પલળી ગયો !
‘જાત ભીની તો બધું ભીનું’ની સૌને શીખ દઇ,
જાતને વરસાવીને વરસાદ ખુદ પલળી ગયો !
– અલ્પેશ કળસરિયા, ભાવનગર
મો. ૯૪૨૭૫ ૧૧૫૭૩