– હેતલ શાહ
આજ સુધી આ સેક્શનમાં એવા જ વીડિયોઝની આપણે વાત કરી છે જે અગમ્ય સ્રોતમાંથી આવ્યા હોય અને અચાનક વાઇરલ થઇ ગયા હોય. આજે એવા વીડિયોઝની વાત આપણે કરવાના છીએ જેના વાઇરલ થવાની રાહ આપણે છેલ્લાં વરસોથી જોઇ રહેલા. ઉપરાંત તે યુ-ટ્યૂબ પર નથી. અમુક સિરિયલો કે ફિલ્મો તેના સમય કરતાં ઘણી આગળ હોય છે. ‘સારાભાઇ દત સારાભાઇ’ સિરિયલ પણ ઇન્ડિયન ટેલિવિઝનના જમાનાની શ્રેષ્ઠ સિરિયલો પૈકીની એક કહી શકાય જે સમય પહેલાં આવી ગઇ હતી. ટીઆરપીની રેસમાં કદાચ પાછળ રહી ગઇ હશે, પણ તે જ્યારે બંધ થઇ ત્યારે લોકોને કદર થઇ કે એક ખૂબ ઉત્તમ કક્ષાનું હ્યુમર બંધ થઇ ગયું.
VIRAL VIDEOS
બટ ફિકર નોટ ફ્રેન્ડસ. છેલ્લા મહિનામાં hotstar એપ્લિકેશન પર સારાભાઇની બીજી સીઝન ‘સારાભાઇ દત સારાભાઇ take 2′ શરૂ થઇ છે. આટલા વરસોનો ગેપ પડ્યો હોવા છતાં બીજી સીઝન પણ એટલી જ કડક છે અને આપણને હસાવીને પેટમાં દુખાડે છે. નારદમુનિ જેવા ઇન્દ્રવદન, હાઇ ક્લાસ સોસાયટીની માયા, વાંઢો ‘કવિ’ રોશેષ, મગજને બદલે ઇલેક્ટ્રોનિક ચીપ લઇને ફરતો દુષ્યંત, મિડલ ક્લાસ મેન્ટાલિટી ધરાવતી મોનીષા અને આ બધાને જોડી રાખનાર ડાહ્યો માણસ એટલે સાહિલ. હા, આપણા ગુજરાતીઓને ગમે એવી વાત કે એક જામનગરી પાત્ર પણ ઇન્ટ્રોડ્યૂસ થયું છે જે કમાલનું છે જેનું નામ છે જેસ્મીન. મફતમાં hotstar એપ ડાઉનલોડ કરો ને આ બધા એપિસોડ જોઇ કાઢો.
WHAT ‘S IN WhatsApp?
વોટ્સએપ તો સીઝનલ સ્ટોર જેવું છે. જેવી સીઝન એવો માલ. ઉનાળાની સીઝનમાં કેરીનો ફોટો આવે, વેકેશનને લાગતું લખાણ આવે અને રીઝલ્ટ જેવું આવે એવું તરત આખું વોટ્સએપ તેજસ્વી તારલાઓથી છલકાઇ જાય. આટલા બધા હોશિયાર વિદ્યાર્થીઓના ઢગલો ફોટોઝ જોઇને થાય કે શબ્દકોષમાંથી તો ‘ઠોઠ’ શબ્દ જ નીકળી ગયો હશે. હા, હાટડીઓ લઇને બેઠેલી બધી સ્કૂલોની જાહેરાત વચ્ચે વરસાદ અને કરાના વીડિયોઝ આવતા રહે એટલે ફોન પણ થોડોક ઠંડો તો રહે હો બોસ. જો કે, પ્રિયંકા ચોપરા પણ હમણાં વોટ્સએપમાં ફેમસ છે. તેણે એક ફંક્શનમાં પહેરેલો ડ્રેસ જે પાછળથી અમુક મીટર લાંબો હતો અને વડાપ્રધાનને યુરોપમાં મળી ત્યારનો શોર્ટડ્રેસ; આ બંને સ્ટાઇલને લઇને લોકો ચર્ચા કરવા મંડી પડેલા. ખરા નવરા લોકો છે.!!
FREAKING FACEBOOK
‘મન મોર બની થનગાટ કરે’ આવું લખનાર મેઘાણી અને રાષ્ટ્રીય સ્તરે આવું ગાનાર ઓસમાણ મીરને અંદાજ પણ નહીં હોય કે મોરના આંસુને એક કોર્ટના ન્યાયાધીશ પ્રજનનતંત્રનું અભિન્ન અંગ ગણશે. બાપ રે, લોકોએ મોર પર અને એના આંસુની જે ઠેકડી
ઉડાડી છે તે અવર્ણનીય છે, જાણે ક્રિએટીવ હ્યુમરનો રાફડો ફાટ્યો ફેસબુક ઉપર. ટ્વિન્કલ ખન્નાથી લઇને બધે બધા ‘મોર-જોક્સ’ કરી રહ્યા છે. બીજો એક ટ્રેન્ડ જે હજુ પૂરો નથી થયો. ખાસ તો તે એક વ્યક્તિને લીધે છે. બાહુબલી-રનો ટ્રેન્ડ. બાહુબલી હજુ લોકોની સ્મૃતિમાંથી ખસ્યું નથી. અને જામનગરના ડો. શ્ર્વેતા ઉપાધ્યાય દવેએ બાહુબલી-ર રીલીઝ થયું ત્યારથી આજ સુધી લગાતાર એક પોસ્ટ બાહુબલી ઉપર મૂકી છે. કોઇ ફિલ્મ ઉપર આટલું બધું એનાલિસીસ, જે રમુજી ટોનમાં હોય તો પણ વિચારપ્રેરક હોય. એ વાંચવા જેવું છે. મિત્રો, બાહુબલી-રની સીરીઝની તે પોસ્ટસ તેમની વોલ પર ખૂબ એન્જોય કરી રહ્યા છે.
MOBILE MANIA
– તમે એપલના નવા ફોનની રાહ જોતા હશો જેને તો હજુ ઘણી વાર લાગશે. પણ તેની પહેલાં એપલે 10.5 ઇંચ સ્ક્રીનનું ipad Pro બહાર પાડી દીધું છે. બેટરી લાઇફ? ૧૦ કલાક. કેમેરા? અનુક્રમે 12 MP અને 7 MP. મેમરી? 64 GB. ભાવ? 41,800.
– ટચ સ્ક્રીન સિવાય પણ એપલ બીજી એસેસરીઝ પ્રોડ્યુસ કરે છે. HomePod નામના ‘સ્માર્ટ સ્પીકર’ એપલે માર્કેટમાં મૂક્યા છે. જે ફક્ત મ્યૂઝિક નથી સંભળાવતા પરંતુ ન્યૂઝ વાંચી દે, મેસેજ સંભળાવે, વાતાવરણના હાલચાલથી પણ વાકેફ કરે અને આ બધું ફક્ત સાડા બાવીસ હજાર રૂપિયામાં!
– જે ફોનની સૌથી વધુ રાહ જોવાઇ રહી છે તે OnePlus 5 બસ હવે પંદરેક દિવસમાં લોન્ચ થઇ જવો જોઇએ! 8 GB રેમ અને 128 GB મેમરીવાળો આ ફોન ડ્યુઅલ પ્રાઇમરી કેમેરા ધરાવતો હશે. પ્રાઇસ? હજુ સુધી તો એ વાત લીક થઇ નથી. જસ્ટ વેઇટ એન્ડ વોચ.
– એન્ડ્રોઇડના સહસ્થાપક એન્ડી રૂબીનનું સ્ટાર્ટઅપ છે : Essential. આ કંપનીએ હમણાં હેડફોન જેક વિનાનો સ્માર્ટફોન બહાર પાડ્યો છે. RAM તો 4 GB જ છે અને મેમરી 128 GB. પણ, આ પિસ્તાલીસ હજારના ફોનનું મુખ્ય પાસું છે તેનો 360 ડિગ્રી મોડ્યુલર કેમેરા!
– Vertu. આ કંપનીનું નામ નહિ સાંભળ્યું હોય. તે બ્રિટિશ લક્ઝરી ફોન મેકર કંપની છે, જે ખૂબ મોંઘા ફોન મેઇડ ટુ ઓર્ડર બનાવી દે. હમણાં જ એમણે કોબ્રાના શેપમાં 439 જેટલા માણેક જડેલો ફોન બનાવ્યો. તે કોબ્રાની બંને આંખો નીલમની બનેલી છે. કોઇને ફોન લેવો હોય તો કે’જો. કિંમત છે માત્ર 2.3 કરોડ.