– અક્ષર
અમેરિકાની ધરતી પર ગુજરાતીઓ દ્વારા કરાતા વિવિધ ઉત્સવો એ માત્ર અમેરિકન ગુજરાતીઓ માટે જ નહીં પરંતુ ભારતીય ગુજરાતીઓ માટે પણ એક લ્હાવો ગણાય છે. અમેરિકામાં દર વર્ષે ઉજવાતા એવા અગણિત ઉત્સવોમાં આપણાં ભારતના ગુજરાતી બંધુઓ ખાસ અમેરિકા આ ભવ્ય કાર્યક્રમોને માણવા માટે જાય છે.
‘ઑમકારા’ એ અમેરિકાની ધરતી પર ગુજરાતીઓનું ગૌરવ ગાતી એક એવી જ સંસ્થા છે જે દર વર્ષે તેના વિવિધ આયોજનો થકી ગુજરાતી સમાજને એક મંચ પર લાવી વતનની યાદ અને માટીની મ્હેકને પોતાની અંદર ભરી તરોતાજા થવા માટે પ્રેરે છે. તાજેતરમાં જ અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાયેલ ‘ગુજરાતી જલસો’ કાર્યક્રમ અહીં વસતા આપણાં ગુજરાતી બંધુઓએ મન ભરીને માણ્યો હતો.
આ ભવ્ય ઉત્સવની એક યાદગાર વાત એ હતી કે, લગભગ ૭૫૦થી વધુ લોકોએ આ ઈવેન્ટને સોલ્ડ આઉટ ઈવેન્ટમાં બદલ્યો જે ઓમકારા દ્વારા આયોજિત થતાં ઉત્સવોના ઈતિહાસમાં એક યાદગાર નજરાણું બની ગયો.
ઓમકારા દ્વારા યોજાયેલા આ ભવ્ય કાર્યક્રમમાં જુદા જુદા મ્યુઝિકલ પ્રોગ્રામ્સ જેવા કે લોકગીત, ભક્તિ સંગીત સાથે કાવ્ય સંમેલન, સાહિત્ય સર્જન અને ટૂંકા નાટકો સાથે ફ્યુઝન મ્યુઝિકે રંગ જમાવ્યો હતો. ત્યારે બીજી તરફ ગુજરાતનું ગૌરવ એવો ડાયરો ‘ગુજરાતી જલસો’ યોજાયો. જેને ખ્યાતનામ ગુજરાતી ગાયકો, કવિઓ, રંગમંચના કલાકારો અને ભારતથી આવેલા કલાકારોએ યાદગાર બનાવી દીધો
હતો. કાર્યક્રમનું આયોજન ન્યૂ બ્રૂન્સવીક, ન્યૂજર્સીના નિકોલસ મ્યુઝિક સેન્ટરમાં ભારે જનમેદની વચ્ચે કરાયું હતું. જેમાં અવિરત પાંચ કલાકના મનોરંજનને લોકોએ પેટ ભરીને, મન ભરીને માણ્યું હતું.
આ ભવ્ય જલસામાં સુપ્રસિદ્ધ ગુજરાતી કલાકારો પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ અને પુરૂષોત્તમ ઉપાધ્યાય સતત વર્ષ ૨૦૧૪થી તેમના મધુર કંઠે ગુજરાતી સુગમ સંગીત પીરસીને ગરવા ગુજરાતી ગુર્જરી ભાષા સાથે અમેરિકામાં વસતા ગુજરાતીઓને પોતીકી ભાષાની રચનાઓથી રસ તરબોળ કરે છે. ઓમકારાની આખી ટીમ ગુજરાતી વારસો,ભાષા,સંગીત,કાવ્યસર્જન અને સાહિત્યને વિકસાવવા અને રસ જગાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. અનુભવી પીઢ ગાયકો સાથે નવોદિતો જેવા કે જ્હાનવી શ્રીમાંકર, ગાર્ગી વોરા અને હાસ્ય સમ્રાટ સાઈરામ દવે સાથે રંગભૂમિના પીઢ અનુભવી કલાકાર ઉત્કર્ષ મઝુમદાર, મીનલ પટેલ અને ચિરાગ વ્હોરા સાથે ખ્યાતનામ સંગીતકારોએ તેમનું સર્વોત્કૃષ્ટ સર્જન આ પ્રસંગે પીરસ્યું હતું.
આ વર્ષના કાર્યક્રમો જાણે ગુજરાતી રંગારંગ કાર્યક્રમોનો એક કેલિડોસ્કોપ હોય એવી રીતે ગુજરાતી સંગીત, ટૂંકા નાટકો, સાહિત્ય અને કવિતા સાથે હાસ્યરસની છોળો ઉડાડતા હાસ્ય દરબારની પારંપારિક ઉજવણીઓથી ભરપૂર રહ્યો. જ્યારે કાર્યક્રમમાં અગ્રગણ્ય ફાળો આપનાર કડવા પાટીદાર કલ્ચરલ એસોસિએશન, શ્રી ઉમિયા માતા મંડળ તથા અન્ય ઉત્સાહીઓએ જે રીતે ગરબામાં મન ભરીને આનંદ માણ્યો તે જોવાનો લ્હાવો પણ કંઈ અનેરો હતો.