રજનીશજીએ ટકોર કરી મુક્ત હો જાઓ… અને ચિરંતન બ્રહ્મચારીજીએ ‘ઓશો’ગમન કર્યું.

રજનીશજીએ ટકોર કરી મુક્ત હો જાઓ… અને ચિરંતન બ્રહ્મચારીજીએ ‘ઓશો’ગમન કર્યું.

- in Other Articles
2034
Comments Off on રજનીશજીએ ટકોર કરી મુક્ત હો જાઓ… અને ચિરંતન બ્રહ્મચારીજીએ ‘ઓશો’ગમન કર્યું.
જનીશજીએ ટકોર કરી મુક્ત હો જાઓ

હેમરાજ

‘हिन्दुस्तान में विचार मर गया है। विचार करने की शक्ति नष्ट हो गई है। हमारी वर्तमान समस्याओं का समाधान हम पुराने शास्त्रों में ढूंढते हैं। समस्या अर्वाचिन है और उत्तर प्राचीन है, इसी में हम उलझ गए हैं। मेरा प्रयास है कि हिन्दुस्तान के युवा अपनी विचारशक्ति को पुन: प्राप्त करे। वर्तमान की समस्याओं का समाधान खोजने के प्रयास में लगे ।’- आचार्य रजनीश

કોઈ ઉચ્ચ કોટિએ પહોંચેલા યોગી ક્યારેક સતત સમાધિસ્થ રહે છે અને વ્યવહારિક જીવનથી અલિપ્ત રહી આત્મકલ્યાણ સાથે વિશ્ર્વકલ્યાણાર્થે અપ્રકટ સ્વરૂપે તપમાં લીન હોય છે. જ્યારે કેટલાક એવા જ મહાયોગીઓ અને આચાર્યો જગતમાં પોતાની ક્રાંતિકારી વિચારસરણીથી તર્કબદ્ધ અભ્યાસ સાથે શાસ્ત્રો અને ઉપનિષદોના ગૂઢ રહસ્યોના અભ્યાસ દ્વારા તેના સૂક્ષ્મ અર્થ સુધી પહોંચી તેમાંથી સમાજોપયોગી જ્ઞાનપ્રવાહ સંસારમાં વહેવડાવતા હોય છે.

જ્યારે બીજી તરફ પાખંડી ધર્મગુરૂઓ, કહેવાતા પંડિતો અને કહેવાતા આચાર્યો સામે શાસ્ત્રો અને ઉપનિષદોના અભ્યાસ બાદ તેમની જ્ઞાનશક્તિની સામે એક ચેલેન્જરૂપે જ્ઞાન ચર્ચાઓ કરી, પહેલા ખંડન અને પછી મંડનના માર્ગને અપનાવનાર આચાર્ય રજનીશજીની ક્રાંતિકારી વિચારસરણી અને જ્ઞાનની ગહનતાને આવા પંડિતો અને ધર્મગુરૂઓએ સતત તિરસ્કૃત કરી. જે બાબતે આચાર્ય રજનીશજીએ પોતે પણ એટલી જ પૂર્વ તૈયારી સાથે વિરોધ તો થવાનો-એ સ્વીકારી આ કૂંડાળાને ભેદવાનો નિર્ણય કરી યુવાનો ઉપરાંત આપણાં દેશના તમામ ક્ષેત્રના દિગ્ગજો તથા મહાનુભાવો સહિત આચાર્યો અને પંડિતોને પણ તેમની સાથેની જ્ઞાનચર્ચા સાથે નતમસ્તક કરાવ્યા હતા.

આચાર્ય રજનીશજીની ખૂબ જ નજીક રહેવા છતાં સતત મૌનરૂપે અને જ્યાં જરૂર પડે ત્યાં જ્ઞાનબોધ રૂપે સહુની વચ્ચે ઓળખાયેલા ચિરંતન બ્રહ્મચારીજીની આધ્યાત્મિક સફર અને આચાર્ય રજનીશજી સાથે તેમના આધ્યાત્મિક પ્રવાસની કેટલીક યાદગાર વાતો અને આચાર્ય રજનીશજી સાથેના તેમના અનુભવોના કેટલાક અંશ અહીં પ્રસ્તુત છે..

શ્રી ચિરંતન બ્રહ્મચારીજી, કોલેજકાળ દરમ્યાન જે મિત્ર વર્તુળમાં ભળતા તેમાંથી તેમના એક જૈન મિત્ર રાજેશ બાબુએ (જેઓ જૈન હતા) આચાર્ય રજનીશજી જોડે શ્રી ચિરંતન બ્રહ્મચારીજીની ઓળખાણ કરાવી. ૨૪ માર્ચ, ૧૯૪૭ના રોજ જન્મેલ ચિરંતન બ્રહ્મચારીજીએ કલ્પ્યું પણ નહીં હોય કે તેમને આચાર્ય રજનીશજીનો આટલો સહજ અને ગાઢ સંપર્ક અને સંસર્ગ પ્રાપ્ત થશે. પ્રારંભિક મુલાકાત દરમ્યાન તેમને આચાર્યશ્રીએ ક્રાંતિબીજ નામનું પુસ્તક આપ્યું. જેમાં ૧૨૦ પત્રોનું સંકલન શ્રીમતી મદન કુબેર પારેખે કર્યું હતું. જેઓ ચાંદા ગામના વતની હતા. તેમની સાથે એક વિશિષ્ટ ઘટના બની. જેમાં એક બાળક તેમના સ્વપ્નમાં સતત આવતું હતું. એ બાળક પોતાનો પુત્ર બને એેવી તેઓ ઝંખના રાખતા હતા. જે આચાર્ય રજનીશજીના સ્વરૂપમાં  ફળીભૂત થઈ.

તેમણે આચાર્ય રજનીશજીની કેટલીક યાદગાર વાતોને તેમની સાથેની મુલાકાત દરમ્યાન વાગોળી હતી. આચાર્ય રજનીશજીનું મૂળ નામ હતું રજનીશચંદ્ર મોહન. જેમનો જન્મ જબલપુર પાસે ગાઢરવાડાની નજીકના કુચવાડામાં દિગંબર જૈન પરિવારમાં થયો. આ ગામમાં તેમનો એ બંગલો આજે પણ સ્થિત છે જેને હાલમાં જ અવસાન પામેલા અભિનેતા વિનોદ ખન્ના સંભાળતા હતા. આચાર્ય રજનીશજીની ખૂબ જ નજીક રહેલા વિનોદ ખન્નાજીને આ  સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.

શ્રી ચિરંતન બ્રહ્મચારીના  હ્રદયમા  આચાર્ય રજનીશજીના એક  પુસ્તકની વાત  ખૂબ જ સ્પર્શી ગઈ. પુસ્તકના પહેલા પત્રમાં જ આચાર્ય રજનીશજીએ તેમનો ખૂબ જ સરસ અનુભવ વર્ણવ્યો હતો. જેમાં તેઓ તેમના ગામમાં નર્મદા નદી જેટલી જ સમકક્ષ શક્કર નદી કિનારે ગયા હતા. ત્યારે તેમાં તરતા રંગબેરંગી પથ્થરો જોઈને તેમને તે પથ્થરો ભેગા કરવાની ઈચ્છા થઈ. જે તેમણે પૂરી કરી હતી. પછી વર્ષો બાદ આચાર્યજી ફરીથી એ નદી પાસે ગયા. જ્યાં એ પથ્થરોને એમણે ફરી જોયા. ત્યારે તેમના મનમાં વર્ષો પહેલા  પથ્થરો ઘરે લઈ જવાનો જે ભાવ આવ્યો હતો તે ભાવ જાગૃત ન થયો. ત્યાં તેમને આંતરિક પ્રેરણા થઈ. તે વખતે આચાર્યજીએ તેમના પત્રમાં વર્ણવ્યું : ‘પથ્થરને પથ્થર જાણી લેવા’. આચાર્યએ પુસ્તકમાં લખેલું વાક્ય ચિરંતન બ્રહ્મચારીજી માટે દિશા બદલનારું ક્રાંતિકારી સ્રોેત બની ગયું.

આચાર્યજીના આ સંદેશ પાછળ કહેવાનો સાર એટલો જ હતો કે,‘જે વાત બાળપણમાં આકર્ષક લાગી તે  પુખ્ત થયા પછી એટલી જ સામાન્ય લાગી. કોઈ બાબતનું વાસ્તવિક મૂલ્ય જાણી લીધા પછી સુખ-દુ:ખના ભાવ શૂન્ય થઈ ગયા. સમજણ કેળવાઈ ગઈ. એટલે પછી એ પથ્થરોનો મોહ જતો રહ્યો અને ત્યાગ સહજરૂપે થઈ ગયો.’

શ્રી ચિરંતન બ્રહ્મચારીજી પ્રથમવાર આચાર્ય રજનીશજીને માથેરાનની એક શિબિરમાં મળ્યા. આચાર્ય રજનીશજી શિબિર માટે જઈ રહ્યા હતા, ત્યારે તેમને એક પત્રકાર દ્વારા આચાર્ય રજનીશજી સામ્યવાદી છે કે કેમ એવો પ્રશ્ર્ન પૂછાયો હતો. ત્યારે આચાર્યજીએ જે જવાબ આપ્યો તેમાં ક્રાંતિકારી વિચારધારાનો પ્રથમ પ્રવાહ આપણા સામાજિક માળખાની સામે આવ્યો. આચાર્યજીએ કહ્યું, ‘હિન્દુસ્તાનમેં વિચાર મર ગયા હૈ. વિચાર કરને કી શક્તિ નષ્ટ હો ગઈ હૈ. હમારી વર્તમાન સમસ્યાઓ કા સમાધાન હમ પુરાને શાસ્ત્રોં મેં ઢૂંઢતે હૈ. સમસ્યા અર્વાચીન ઔર ઉત્તર પ્રાચીન હૈ. ઈસીમેં હમ ઉલઝ ગયે હૈ. મેરા પ્રયાસ હૈ કી હિન્દુસ્તાન કે યુવા અપની વિચાર કરનેકી શક્તિકો પુન: પ્રાપ્ત કરે વર્તમાનકી સમસ્યાઓં કા સમાધાન ખોજને કે પ્રયાસમેં લગે.’

આચાર્યજીએ ગીતા પ્રવચનમાળા શરૂ કરી. જેમાં શ્રી ચિરંતન બ્રહ્મચારીજીને દીક્ષા લેવાની પહેલીવાર ઈચ્છા થઈ. આ દીક્ષા આચાર્યજી પ્રથમ ૩ મહિના માટે આપતા. તેઓ કહેતા,‘ જો ફાવે તો કન્ટીન્યૂ કરો નહીં તો પાછા વળી જાઓ.’ આચાર્યજીએ આ ૩ મહિનાના પ્રારંભિક પ્રયોગને નામ આપ્યું હતું ‘અભિનવ સંન્યાસ’. પ્રથમ શિબિર પછી વિધિવત સંન્યાસી વસ્ત્રો ધારણ કરી શ્રી ચિરંતનજી બીજા દિવસે દીક્ષા લેવા એ શિબિરમાં પહોંચ્યા ત્યારે બીજી મુલાકાત થઈ. આ મુલાકાતમાં આચાર્યજી શ્રી ચિરંતન બ્રહ્મચારીજીને જોઈ થોડાક વિસ્મિત થયા. ત્યારે તેમણે ચિરંતન બ્રહ્મચારીજીને નામ આપ્યું – ‘આચાર્ય કૃષ્ણ-કબીર…!’

શ્રી ચિરંતન બ્રહ્મચારીજી વધુમાં અહીં ઉમેરે છે કે : ‘કૃષ્ણ-કબીર આ નામ આપણા ધાર્મિક વિશ્ર્વમાં એક ક્રાંતિકારી પરિવર્તનસમુ રહ્યું. એક તરફ માયાવી કૃષ્ણ તો બીજી તરફ સંસારી વૈરાગી કબીર..! આ સમય દરમ્યાન મોરારજી દેસાઈના ભત્રીજી આચાર્ય રજનીશજી (ઓશો)ના પ્રથમ સંન્યાસિની હતા. આચાર્યજી દ્વારા તેમને અપાયેલું દીક્ષસ્થ નામ હતું આનંદ-મધુ..!’

તેઓએ શ્રી ચિરંતન બ્રહ્મચારીજીને અંગત વાર્તાલાપમાં જણાવ્યું કે,‘ આચાર્યજીની તમારી ઉપર વિશેષ કૃપા છે કારણકે કૃષ્ણ અને કબીર એ આચાર્યજીના સૌથી પ્રિય પાત્રો છે એક અવતારોમાં અને એક સંન્યાસીઓમાં…!’

આ ઘટનાઓ વર્ષ ૧૯૬૯ની આસપાસની હતી. ત્યારે શ્રી ચિરંતનજી પોતે બેન્ક ઑફ ઈન્ડિયા, ભદ્ર અમદાવાદમાં સેવા આપતા હતા. અહીંથી તેમને વારંવાર પ્રવચનો અને શિબિરમાં જવા માટે રજા નહોતી મળતી ત્યારે તેઓ બિનપગારી રજાઓ લઈ શિબિરમાં જતા. તે વખતે આચાર્યજીએ તેમને પહેલીવાર એક સૂચક વાક્ય કહ્યું ‘કબીર મુક્ત હો જાઓ…!’ આદેશને અનુસરીને શ્રી ચિરંતનજી તરતજ રાજીનામું આપી ૧૯૭૧મા  બેંકમાથી મુક્ત થઇ ગયા.

અહીંથી શરૂ થઈ ચિરંતન બ્રહ્મચારીજીની આચાર્ય રજનીશજી સાથેની આધ્યાત્મિક સફર. ત્યારબાદ મુંબઈમાં આચાર્યજીના પ્રવચનો દરમ્યાન તેમની સાથેના ફ્લેટમાં રહેવાનું સૌભાગ્ય શ્રી ચિરંતનજીને સતત ૩ વર્ષ સુધી પ્રાપ્ત થયું.

આચાર્ય રજનીશજીની જાહેર સભાઓ અને પ્રવચન કાર્યક્રમોમાં એ સમયે આશરે ૪૦થી ૫૦ હજાર જેટલી જનમેદની ભેગી થતી.   આચાર્યજીને મોહંમદ રફીના ભજનો પ્રિય હોવાથી તેમના  ભજનો ગાવામાં આવતા હતા.

શ્રી ચિરંતન બ્રહ્મચારીજી જણાવે છે કે, આચાર્યજી સ્વયંમાં જ એટલા સમર્થ, શિસ્તબદ્ધ અને શાસનબદ્ધ હતા કે તેમની સાથે અને તેમની સામે જ્યારે પણ કોઈ ધર્મગુરુઓ શાસ્ત્રાર્થ કરવા માટે પડકાર આપતા ત્યારે આચાર્યજી સહર્ષ પડકારનો સ્વીકાર કરતા. તેમનાં કેટલાક એવા દાખલાઓ પણ છે જેમાં આચાર્યજી સાથે શાસ્ત્રાર્થમાં ધર્મગુરુઓ અને પંડિતો જ નહીં પરંતુ શંકરાચાર્યએ પણ તેમના જ્ઞાનની ગહનતાને નતમસ્તક થઈ સ્વીકારવી પડી હતી..!

શ્રી ચિરંતનજીને આચાર્યજીએ કૃષ્ણ-કબીર નામ આપ્યા બાદ આચાર્યજી સાથેના મુંબઈ શિબિર-પ્રવચનના સમય દરમ્યાન તેમનો પરિચય આચાર્ય રજનીશજીના બહેન ક્રાંતિ સાથે થયો. જેમનું સંન્યસ્થ નામ હતું…યોગક્રાંતિ. રજનીશજીના ક્રાંતિકારી વિચારોને વરેલા

શ્રી ચિરંતનજીને તેમના બહેન પ્રત્યે સ્વાભાવિક આકર્ષણ થયું. તેમણે આચાર્યજીના બહેન યોગક્રાંતિજીને પ્રપોઝ કર્યું. ઓશો રજનીશજીએ આ વાત સહર્ષ સ્વીકારી સંમતિ આપ્યા બાદ શ્રી ચિરંતન બ્રહ્મચારીજીએ આચાર્યની બહેન સાથે સંસાર જીવનમાં પગલા માંડ્યા. દરમ્યાન આચાર્યજી સાથે ૩ વર્ષના મુંબઈ વસવાટ દરમ્યાન ઓશોને ખૂબ જ નજીકથી જાણ્યા અને સમજ્યા. ખૂબ જ કુશાગ્ર બુદ્ધિ સાથે તર્કબદ્ધ શાસ્ત્રોની અને ધર્મની ચર્ચા કરનારું વિચક્ષણ વ્યક્તિત્વ હતુ, જે કોઈના કહેવાથી ધર્મ વિશે માની કે સ્વીકારી ન લે. કોઈ બાબતે ગહન અભ્યાસ અને ઉંડું ચિંતન કર્યા પછી જ તેના પર પ્રવચન કે ચર્ચાઓ કરતા.

આચાર્ય રજનીશજીને પુસ્તકો વાંચવાનો ભારે શોખ હતો એમ જણાવતા શ્રી ચિરંતનજી કહે છે કે,‘ પુસ્તકોનો ગહન અભ્યાસ કરવા સાથે જ નવા પુસ્તકો વસાવીને તેમાં ઉંડા ઉતરવાની રજનીશજીની એક સાવ જુદી જ હોબી હતી. તેઓ જ્યારે પણ કોઈ નવી જગ્યાએ જાય ત્યારે તેમની આખી કાર ભરીને પુસ્તકો સાથે લઈ આવતા. આચાર્યજીએ જ્યારે જબલપુર છોડ્યું ત્યારે તેઓ કહીને નીકળ્યા હતા કે હું જે બોલવા જઈ રહ્યો છું તેની સાથે મારી સામે બે ડઝન કેસો થશે. વિરોધ પણ થશે.’ પરંતુ માત્ર બે જ કેસ થયા. એક કેસ અમદાવાદમાં શ્રી વિનોબાજીએ રામાયણના અનુસંધાનમાં કર્યો હતો.

આચાર્ય રજનીશજી તેમના વિચારો અને તેમના દ્રષ્ટિકોણ બાબતે દ્રઢ હતા. તેઓ જ્યારે તેમના દ્રષ્ટાંતોમાં મહાવીર અને બુદ્ધ સહિત અન્ય મોટા મોટા ગુરુઓના ઉદાહરણો આપતા તેનું કારણ તેઓ લોકોને સ્વીકાર્ય હતા. બાકી એ ઉદાહરણો આપવાની વિશેષ જરૂર નહોતી એવું પણ તેઓ કહેતા. પરંતુ જ્યાં તર્કસંમત વાતો સ્વીકાર્ય હોય તેનેે તેઓ સર્વથા આવકારતા. જ્યારે તમને માસ્ટર કી મળી જાય ત્યારે આ બધું ગૌણ બની જાય પરંતુ લોકભોગ્ય અને લોકોને અનુસરવામાં સરળ પડે એટલે આ દ્રષ્ટાંતોની જરૂર પડતી.

ઓશોની વિચારસરણી બાબતે આચાર્ય કૃષ્ણ-કબીરજી કહે છે કે, ‘તેઓ પહેલા ખંડન કરતા અને પછી મંડન કરતા. આ બધા વચ્ચે વિરોધાભાસની સાથે તર્ક સંમત દલીલો પ્રકટ થતી’. જેમાં ઘણી બધી વાતો શ્રદ્ધાના વિષયથી વિપરિત માન્યતાઓ પર નભેલી દેખાતી. જેનો આચાર્યજી ખંડનરૂપે સખત વિરોધ કરતા. પરંતુ તેમણે જોયું કે ખંડન થયા પછી હવે વિચારોને નવી ક્રાંતિ અને જાગૃતિ મળી છે એટલે તેમણે પોતાના વિચારો અને તત્વજ્ઞાનનું મંડન ગીતાના બોધથી આરંભ્યું.

આચાર્યજીએ તેમના જીવનભરના વ્યાખ્યાનો અને પ્રવચનો થકી લોકોમાં વૈચારિક ક્રાંતિ લાવવાના સફળ પ્રયત્નો કર્યા. તેની સાથે તેઓ પોતાના પ્રવચનો અને આટલું બધું સતત બોલતા રહેવાનું કારણ જણાવતા કહેતા કે,‘હું  એટલે આટલું બધું બોલ્યો કારણકે તમે મૌન થાઓ…એટલે કે મૌનની સાધના કરો. પ્રેમ કરો. ધ્યાન ધરો.

લોકોની સમજમાં બે વિજાતીય આકર્ષણને જ પ્રેમ ગણવામાં આવે છે. જ્યારે પોતાની જાતમાં અંદર ઉંડા ઉતરવું, જાતને ચાહવી, જાતને પિછાણવી અને આત્મસ્થ થવું એ જ સાચો પ્રેમ છે. કારણકે, જે માણસ પોતાની જાતને પ્રેમ કરી શકે તે બીજાને પ્રેમ કરી શકે છે.’

આચાર્ય ઓશોના ધ્યાન સૂત્ર પુસ્તકમાંથી ઓશોના

પરમાત્મા અને સત્ય વિશેના કેટલાક ક્રાંતિકારી વિચારો

ઓશો કહે છે કે, ‘ કોઈ પરમાત્મા અથવા તો સત્ય આપણી બહારથી આપણી અંદર નથી પ્રવેશ કરતું, તેના બીજ તો આપણી અંદર જ પડેલા હોય છે અને તે બીજ જ વિકસિત થાય છે. પરંતુ આ બીજ ત્યારે જ અંકુરિત થશે જ્યારે એની માટેની તીવ્ર તરસ, એની આગ અને તેની ઉર્જા અને એ તરસની ગર્મી આપણે પેદા કરી શકીએ. હું જેટલી શ્રેષ્ઠની આકાંક્ષા કરું છું, એટલા જ મારા મનની અંદર છવાયેલા બીજ, જે વિરાટ અને શ્રેષ્ઠ બની શકે છે, તે કંપિત થવા લાગે છે અને તેમાં અંકુર ફુટવાની સંભાવનાઓ વધી જાય છે.

જ્યારે તમારા અંતરાત્મામાં એકમાત્ર ખ્યાલ પણ પેદા થાય કે પરમાત્માને પામવો છે, જ્યારે પણ આ વિચાર આપની અંદર જન્મે કે શાંતિ અને સત્યને પામવું છે, તો આ વાત ખાસ ખ્યાલ યાદ રાખવી કે આપની અંદર કોઈ બીજ અંકુરિત થવા માટે ઉત્સુક થઈ રહ્યું છે. એક વાત હંમેશા યાદ રાખજો કે તમારી અંદર કોઈ દબાયેલી ઈચ્છા પુન: જાગૃત થઈ ગઈ છે. આપની અંદર કેટલાક મહત્વપૂર્ણ આંદોલનો પુન: જાગૃત થઈ રહ્યા છે.

એ આંદોલનોને તમારે નિયંત્રિત કરવા પડશે. તેમને એક મજબૂત આધાર તમારે આપવો પડશે. કારણકે બીજ એકલું અંકુરિત ન થઈ શકે, તેના માટે માત્ર બીજની ક્ષમતા પૂરતી નથી, પણ ઘણી સવલતો પણ તેના માટે જરૂરી છે. આમ તો જમીન પર કંઈ કેટલાય બીજ ઉત્પન્ન થતા હેાય છે પરંતુ તેમાંથી ઘણાં ઓછા એવા બીજ હોય છે જે અંકુરિત થઈ શકે છે. એક નાનકડા બીજમાં પણ એટલી ક્ષમતા છે કે તેમાંથી કરોડો વૃક્ષ પેદા થઈ શકે.!

Facebook Comments

You may also like

Feelings Post – November 2025

Feelings, one of India’s most trusted family magazine