શ્ર્વેતાંબર તપાગચ્છ સમુદાયના આચાર્ય … પ.પૂ. કિર્તિયશસૂરીશ્ર્વરજી મ.સા. જેઓના શિષ્ય મુનિશ્રી પ્રશમયશ વિજયજી મ.સા. સાથે આધ્યાત્મિક ચિંતનની પળો…

શ્ર્વેતાંબર તપાગચ્છ સમુદાયના આચાર્ય … પ.પૂ. કિર્તિયશસૂરીશ્ર્વરજી મ.સા. જેઓના શિષ્ય મુનિશ્રી પ્રશમયશ વિજયજી મ.સા. સાથે આધ્યાત્મિક ચિંતનની પળો…

- in Press Notes
1804
Comments Off on શ્ર્વેતાંબર તપાગચ્છ સમુદાયના આચાર્ય … પ.પૂ. કિર્તિયશસૂરીશ્ર્વરજી મ.સા. જેઓના શિષ્ય મુનિશ્રી પ્રશમયશ વિજયજી મ.સા. સાથે આધ્યાત્મિક ચિંતનની પળો…

જિન શાસને સતત ત્યાગ અને વૈરાગ્યના પંથે ચાલનારા સિદ્ધપુરૂષો અને સન્યાસીઓનો જગતને ખજાનો આપ્યો છે. એવા જ એક રત્ન એટલે કે લગભગ 1995ની સાલમાં બાળવયે જૈન શ્ર્વેતાંબર તપાગચ્છ સમુદાયના આચાર્યશ્રી કિર્તીયશસૂરિશ્ર્વરજી મ.સા. પાસેથી દીક્ષા લઈને જીવને શિવ તરફ પ્રયાણ કરવાની નેમ લેનાર યુવા મુનિશ્રી પ્રશમયશવિજયજી મ.સા. વડોદરાના શ્રી રામચંદ્રસૂરીશ્ર્વરજી આરાધના ભવન, સુભાનપુરા મુકામે ચૈત્રી ઓળી નિમિત્તે પધારેલ. આ પ્રસંગે તેમની સાથેના કેટલાક આધ્યાત્મિક રહસ્યો અને વાતો પરનુ ચિંતન તેમના જ વચનામૃતરૂપે..

જૈન દર્શનના પાયાકીય સિદ્ધાંતો અને તેમનો વિશ્ર્વને સંદેશ.

ઉત્તર :- જૈન દર્શનનો પાયાનો સિદ્ધાંત છે ‘આણાએ ઘમ્મો’ એટલે કે પ્રભુની આજ્ઞા માનવી એ જ ધર્મ છે. તેમાંય અહિંસા, સંયમ અને તપનું પાલન એ પ્રભુની આજ્ઞા છે. તેમાં પણ જૈન ધર્મ ‘આત્મવત સર્વભૂતેષુ’માં દ્રઢપણે માને છે.

દીક્ષા એટલે શું? દીક્ષાથી જીવનમાં કેવું પરિવર્તન આવે છે?

ઉત્તર :- દીક્ષા એટલે ક્યારેય કોઈ જીવને દુ:ખ કે ત્રાસ ન આપવો. દીક્ષા એટલે ક્યારેય કોઈની સાથે જૂઠ,માયા,પ્રપંચ,દગો,કપટ ન કરવા. દીક્ષા એટલે અગ્નિ કે વીજળીનો ક્યારેય સીધી કે આડકતરી રીતે ઉપયોગ ન કરવો. દીક્ષા એટલે આત્મતત્વને પામવાની અંતરયાત્રા. પરમ સાથેના મિલનની ઝંખના. માણસમાં પરિવર્તન આવે ત્યારે જ એ દીક્ષા લેવા પ્રેરાય છે. માણસમાં જ્યારે ‘વસુધૈવ કુટુંબકમ’ની ભાવના જાગે છે ત્યારે જ તેમાં દીક્ષાના બીજ સાચા અર્થમાં રોપાયા એ વાત સિદ્ધ થાય છે.

ગુરૂ-શિષ્ય પરંપરાનો મૂળભૂત પાયો ક્યો?

ઉત્તર:- જેમ પાવરહાઉસ સાથે જોડાયેલા તાર વિદ્યુત સંવાહન કરીને રાત્રે બધે અજવાળું કરી દે છે તેવું જ ગુરૂ-શિષ્ય પરંપરાના સત્યનું છે. અજ્ઞાનના અંધકારથી ભરેલા લોકોના હ્રદયમાં સત્યનો દીવો પ્રગટાવે એ ગુરૂ.

રાષ્ટ્રના વિકાસમાં યુવાઓ અને ધર્મગુરૂઓનો ફાળો કેટલો મહત્વનો?

ઉત્તર :- ધર્મ ગ્રંથોમાં સર્વધર્મ માન્ય એક સુંદર મજાનું વાક્ય છે ‘યતો ધર્મસ્તતો જય:’ જ્યાં જયાં ધર્મ છે ત્યાં વિજય નિશ્ર્ચિત છે. વિશ્ર્વમાં આજનો આધ્યાત્મિક અને ભૌતિક વિકાસ તે ધર્મ અને ધર્મગુરૂઓના સિંચેલા શુભ સંસ્કારોનું જ પરિણામ છે. તેમાંથી જે જેટલું ગ્રહણ કરે તેટલું શુભત્વ તેને વરે છે.

ધર્મ પરંપરા સચવાય તો રાષ્ટ્રનું રક્ષણ થાય એ વાત યુગોથી વિદિત છે. શું ધર્મ સંપ્રદાયોમાં લાગેલી હરિફાઈ એ ધાર્મિક મૂલ્યોનું અવમૂલ્યન નથી?

ઉત્તર :- ધર્મ સંપ્રદાયની હરિફાઈ લાગી છે કે વ્યવસાયલક્ષી થયું છે એવું એટલે ન કહી શકાય કારણકે કોઈપણ સંપ્રદાય પ્રભુએ બતાવેલી વિદિત ક્રિયાઓ, અનુષ્ઠાનો કે મહોત્સવો કરતા હોય તેને હરિફાઈ ન કહેવાય. હરિફાઈ તો પ્રતિસ્પર્ધિઓમાં કે બે સામસામા પક્ષે હોઈ શકે. જેમાં જીતવાની કે હરાવવાની ભાવના સામેલ હોય છે. એકમેકને પછાડવાની વૃત્તિ હોય છે. જ્યારે ધાર્મિક ક્રિયાઓમાં એવું કશું જ નથી હોતું. હા, પોતાના ધર્મ પ્રચારાર્થે દરેક સંપ્રદાય બને એટલો સક્ષમ પ્રયત્ન કરતો હોય છે.

પહેલાના સમયમાં ઋષિ-મુનિઓ સાદગી અને સંયમથી રહેતા હતા અને શિષ્યોને પણ એવી તાલીમ આપતા જ્યારે આજે ધર્મનું જ્ઞાન મળ્યા પછી ભૌતિક સુખો ભોગવવામાં જ કેટલાક ધર્મગુરૂઓ પ્રવૃત્ત છે. એમાં શું ધર્મનું રાજસી સ્વરૂપ છતું નથી થતું?

ઉત્તર :- પહેલાની જેમ આજેપણ ધર્મગુરૂ એટલો જ ત્યાગ અને સાદગી જાતે જાળવે છે. જિન શાસનમાં આજેપણ જૈન-મુનિઓને અનેક રંગબેરંગી વસ્ત્ર-પરિધાન અને ભેટ મળે છે પરંતુ તે ન સ્વીકારતા શ્ર્વેત વસ્ત્રો જ ધારણ કરે છે જે તેમની સાદગીનો સરળ પરિચય છે. જૈન મુનિઓના ચરણમાં આજે પણ લોકો અઢળક સંપદા ન્યોચ્છાવર કરે છે તે છતાં તેમને લવલેશ તેમાં રસ નથી. આજે રાજસી માર્ગને વરેલા વાસ્તવમાં ધર્મગુરૂઓ નથી કારણકે ધર્મ તો ત્યાગને પરિભાષિત કરે છે.

ધર્મ,અર્થ, કામ અને મોક્ષ ચાર મૂળ પાયા. મોક્ષ માર્ગે બાળકને પ્રેરણા આપવી તેનાથી શું બાળસહજ ઈચ્છાઓ મોક્ષમાર્ગમાં બાધક નહીં બને?

ઉત્તર :- આર્ય દેશના પ્રત્યેક ધર્મ મુક્તિ-મોક્ષને માને છે. ફરક માત્ર એટલો જ કે મોક્ષ જુદા-જુદા સ્વરૂપે ઓળખાય છે. મોક્ષ એટલે આત્માની સંપૂર્ણ નિરબંધ અવસ્થા. આત્માની સ્વતંત્ર અવસ્થા. આધિ-વ્યાધિ-ઉપાધિરહિત અવસ્થા. ટૂંકમાં બંધનમુક્ત આત્મા એટલે મોક્ષ. જેમાં પરાધિનતા નથી હોતી કે નથી હોતો કોઈ વિષય વિકાર. સતત મુક્તિની અવિરત યાત્રા.

Facebook Comments

You may also like

‘ફીલિંગ્સ’ની 27 વર્ષની શબ્દ યાત્રા પ્રસરાવે છે…સફળતા અને માનવતાની સોડમ…

જ્યાં લાગણી અને શબ્દનો સમન્વય સચવાયો હોય જયાં