ભારત અને ઈઝરાયલ ના સંબંધો સદીઓ જૂના છે

ભારત અને ઈઝરાયલ ના સંબંધો સદીઓ જૂના છે

- in Cover Story, Politics
1224
Comments Off on ભારત અને ઈઝરાયલ ના સંબંધો સદીઓ જૂના છે
india and israel relationship

– નરેશ અંતાણી

ભારત અને ઇઝરાયલના સંબંધો કંઇ આજકાલના નથી, આ સંબંધોના તાણાંવાણાંનો ઇતિહાસ છેક બીજી સદી સુધી લઇ જાય છે. જે રીતે ઇરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને ગુજરાતી ભાષાને પોતાની ભાષા તરીકે અપનાવી લીધી, એ જ રીતે યહુદીઓ પણ સૌ પ્રથમ મુંબઇમાં આવી વસ્યા અને મરાઠીને પોતાની માતૃભાષા તરીકે સ્થાન આપી એને અપનાવી લીધી…

આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઇઝરાયલ ની યાત્રા તાજેતરમાં જ સંપ્ન્ન થઇ. ભારત અને ઇઝરાયલના મિત્રતાભર્યા સંબંધો વધુ મજબૂત બન્યા. બહુ લાંબા સમય પછી કોઇ ભારતીય વડાપ્રધાને આ યહુદી રાષ્ટ્રની મુલાકાત લીધી, એ દૃષ્ટિએ પણ આ મુલાકાત ઐતિહાસિક બની રહી.

જગતના વિખ્યાત યહુદીઓમાં ડો. આલ્બર્ટ આઇનસ્ટાઇન, સીગમંડ ફ્રોઇડ, હેન્રી કિસીન્જર વગેરેનો સમાવેશ થાય છે. ૧૯૪૮થી પહેલા યહુદીઓનું સ્વતંત્ર રાષ્ટ્ર નહોતું. તેઓ જગતના અનેક દેશોમાં વિખરાયેલા હતા. બીજા વિશ્ર્વયુદ્ધ વખતે યહુદીઓની મોટાપાયે કતલ કરાઇ હતી. ૧૯૪૮માં યહુદી રાષ્ટ્ર તરીકે ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યું.

ભારત અને ઇઝરાયલના સંબંધો કંઇ આજકાલના નથી, આ સંબંધોના તાણાંવાણાંનો ઇતિહાસ છેક બીજી સદી સુધી લઇ જાય છે. જે રીતે ઇરાનથી આવેલા પારસીઓ ગુજરાતમાં આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયા અને ગુજરાતી ભાષાને પોતાની ભાષા તરીકે અપનાવી લીધી, એ જ રીતે યહુદીઓ પણ સૌપ્રથમ મુંબઇમાં આવી વસ્યા અને મરાઠીને પોતાની માતૃભાષા તરીકે સ્થાન આપી એને અપનાવી લીધી. મુંબઇમાં તેમના આગમનનો ઇતિહાસ પણ રોચક છે. બ્રિટિશકાળના સમયમાં કચ્છમાં પણ યહુદીઓનું આગમન થયું છે. તેનો પણ રસપ્રદ ઇતિહાસ છે.

કચ્છમાં યહુદીઓના આગમનની વાત કરીએ તે પહેલાં ભારતમાં યહુદીઓના પ્રવેશની વિગતો જાણવી રસપ્રદ રહેશે.

આપણા દેશમાં તેમનું આગમન બીજી સદીમાં થયું હોવાનો પુરાવો મુંબઇની કાનેરી ગુફામાં આવેલ એક લેખ પરથી મળે છે. આ લેખ અંગે કચ્છી લેખક મૂલચંદ વર્માની નોંધ મુજબ રાતા સમુદ્ર કિનારેથી દરિયો ખેડવા આવેલા સાહસી યહુદીઓનું એક જહાજ અરબી સમુદ્રમાં વિનાશક દરિયાઇ તોફાનમાં સપડાઇ ગયું અને તૂટેલી હાલતમાં કાનેરી ગુફા આગળ ઘસડાઇ આવ્યું, જેમાં મોટી સંખ્યામાં યહુદીઓ મૃત્યુ પામ્યા. આ સમયે મૃત્યુ પામેલા સાથીઓને દફનાવવા માટે તેમની પાસે નાણાકીય જોગવાઇ નહોતી. બે મોટા ખાડામાં લાશોને દાટી દેવામાં આવી હતી. આ પછી બચી ગયેલા કેટલાક યહુદીઓ મુંબઇ નજીકના થાણે, કોલાબા અને રાયગઢ વિસ્તારના નૌગાંવ પહોંચી ગયા.

મહારાષ્ટ્રમાં આવ્યા પછી આ યહુદીઓ આરંભમાં મજૂરી અને ખેતીકામ કરવા લાગ્યા. કેટલાક તેલની ઘાણીઓમાં મજૂરી કરવા લાગ્યા. પાછળથી આમાંના કેટલાયે પોતાની તેલની ઘાણીઓ પણ શરૂ કરી. હિન્દુઓ સોમવારે ઘાણી બંધ રાખતા અને મુસ્લિમો સોમવાર ઉપરાંત શુક્રવારે પણ ઘાણી બંધ રાખતા, પણ યહુદીઓ દર શનિવારે કામ બંધ રાખતા તેથી તેઓ પણ શનિવારે ઘાણી બંધ રાખતા. આથી મહારાષ્ટ્રમાં તેઓ ‘શનવાર તેલી’ એટલે ‘શનિવારીયા ઘાંચી’ તરીકે પણ ઓળખાવા લાગ્યા. મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં આવ્યા પછી કોંકણી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં,

પરંતુ તેમની મહારાષ્ટ્રીયન સ્ત્રીઓએ યહુદી ધર્મ ન સ્વીકારતાં તેમના વંશજો ‘બેન ઇઝરાયલ’ કહેવાયા.

મહારાષ્ટ્રમાં સ્થિર થયેલા યહુદીઓ પોતાની ભાષા ભૂલી ગયા હતા અને મરાઠીને તેઓએ અપનાવી લીધી હતી, પરંતુ સન-૧૦૦૦માં ભારતના પ્રવાસે આવેલા યહુદી પ્રવાસી ડેવિડ રહાબીએ તેઓને તેમની કેટલીક નિશાનીઓથી ઓળખી કાઢ્યા અને તેમને તેમની મૂળ ભાષાનું જ્ઞાન આપ્યું. આમ છતાં તેઓએ પોતાની માતૃભાષા તરીકે મરાઠીને જ અપનાવી લીધી હતી. હિબ્રુને પોતાની ધર્મભાષા તરીકે સ્થાન આપ્યું. આજે પણ મુંબઇ વસતા ઇઝરાયલીઓની માતૃભાષા મરાઠી જ છે.

તેમના ભારત આગમન પછી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના લશ્કરમાં સ્થાનિક લોકોની ભરતી કરતાં આ બૅન ઇઝરાયલીઓ મોટી સંખ્યામાં તેમાં જોડાયા અને બ્રિટિશરોએ પોતાના લશ્કર સાથે તેઓને ભારતના જુદા જુદા વિસ્તારોમાં મૂક્યા. અન્ય પ્રદેશોની જેમ કચ્છમાં પણ બ્રિટિશ લશ્કરની ટુકડીઓ હતી તેની સાથે આ યહુદીઓનું પણ કચ્છમાં આગમન થયું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની બ્રિટિશ બટાલિયન સાથે કચ્છમાં આવેલા યહુદીઓ કચ્છમાં સ્થિર થયા હતા. સંભવત: સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર ભૂજમાં જ યહુદીઓની વસતી હતી અને ભૂજમાં ઓરિએન્ટ કોલોની પાસે યહુદીઓનું કબ્રસ્તાન હતું. અગાઉ આ કબ્રસ્તાનમાં દસથી પંદર જેટલી યહુદીઓની કબર નજરે પડતી હતી. પરંતુ સમય જતાં અહીં સ્થાપિત થયેલી ઇન્દિરા નગરીની ઝૂંપડપટ્ટીનાં મકાનોમાં આ કબરના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેમ જણાય છે. અહીંની કબરોમાંથી બચેલા માત્ર ચાર જ મૃત્યુલેખોને કચ્છ મ્યુઝિયમના તત્કાલીન ક્યૂરેટર દિલીપભાઇ વૈદ્યે સુરક્ષિત રીતે કચ્છ મ્યૂઝિયમમાં ખસેડાવ્યા અને પ્રદર્શિત પણ કર્યા. આ ચાર મૃત્યુલેખો પૈકી ત્રણ લેખો સારી અને આખી હાલતમાં છે. આ કબરો કંપની સરકારમાં વિવિધ હોદ્દાઓ પર રહી ચૂકેલા યહુદીઓની હતી. આ કબરો પૂર્વથી પશ્ર્ચિમ રાખવામાં આવી હતી. કારણ કે, ભૂજની ભૌગોલિક પરિસ્થિતિ મુજબ જેરૂસલેમ પશ્ર્ચિમ તરફ હોઇને અહીંના કબ્રસ્તાનમાં દફનાવવામાં આવતા મૃતદેહોના પગ પશ્ર્ચિમ તરફ રાખવામાં આવતા હતા.

કચ્છ મ્યૂઝિયમમાં સંગ્રહાયેલા તમામ યહુદી મૃત્યુલેખોની વિશેષતા એ છે કે, યહુદી પરિવારો વરસો સુધી કચ્છમાં રહ્યા હોવા છતાં તેમાં ક્યાંય ગુજરાતીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. વળી વિક્રમ સંવતને બદલે શક સંવતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૃત્યુલેખો ઉપર હિબ્રુ, મરાઠી અને અંગ્રેજી ભાષામાં લખાણ લખવામાં આવ્યું છે. હિબ્રુ યહુદીઓની ધર્મ ભાષા, મરાઠી એમની માતૃભાષા અને અંગ્રેજી તેમની વહીવટની ભાષા હતી. મ્યૂઝિયમમાં સુરક્ષિત રીતે રાખવામાં આવેલા આ મૃત્યુલેખો પૈકી એક આરસના પથ્થરનો છે જ્યારે બાકીના સાદા પાટડાના પથ્થરનો છે.

આરસના પથ્થર પર કોતરવામાં આવેલો લેખ બાકીના તમામ લેખોથી જુદો પડે છે. આ લેખની વિશેષતા એ છે કે આ એક જ લેખમાં જુદા જુદા સમયે અવસાન પામેલી બે વ્યક્તિઓની નોંધ લખવામાં આવી છે. આ બંને વ્યક્તિ પતિ-પત્ની હોવાનું અનુમાન સીધી રીતે કરી શકાય છે.

આ મૃત્યુલેખમાં બ્રિટિશ સૈન્યમાં કમશરી ખાતામાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા સીલમાન તીલકરના મરણની નોંધ કરવામાં આવી છે. સીલમાન તીલકર ૩૨ વર્ષની વયે ૧ ફેબ્રુઆરી, ૧૮૩૫, શક સંવત ૧૭પ૬, ફાગણ સુદ એકમને રવિવારના રોજ મૃત્યુ પામ્યા હોવાની નોંધ વંચાય છે.

આવી જ નોંધ આ જ લેખમાં સારાબાઇ તીલકર નામની મહિલા ભાદ્રપદ વદ-૧ સંવત ૧૭૪૬ ને બુધવારના રોજ માત્ર ૧૭ વર્ષની વયે મૃત્યુ પામી હોવાની નોંધ છે. આ બંનેના અવસાન યુવાન વયે થયા હોવાથી કોઇ અકળ કારણ, અકસ્માત કે રોગચાળાથી તેમના અવસાન થયા હોવાનું સંભવી શકે છે. જોકે, આવું કોઇ કારણ લેખમાં દર્શાવાયું નથી.

આ લેખમાં બે વ્યક્તિ જુદે જુદે સમયે મૃત્યુ પામી હોવા છતાં તેમની નોંધ એક કબર પર એક જ પથ્થર પર બનાવી હોવાથી તેઓ બંને પતિ-પત્ની હોવાનું અનુમાન કરી શકાય છે. વળી સારાબાઇની નોંધ આગળ ‘યાચા કબીલા’ એવું મરાઠીમાં લખ્યું છે એટલે ‘સીલમાન તીલકરનો પરિવાર’ એવો અર્થ થાય એટલે બંને પતિ-પત્ની હોઇ શકે. સારાબાઇ તીલકર પ્રથમ એટલે સંવત ૧૭૪૬માં અવસાન પામ્યા છે અને

સીલમાન તીલકર એ પછી સંવત ૧૭પ૬માં. બંનેના અવસાન વચ્ચે દસ વર્ષનો ગાળો હોવા છતાં પ્રથમ નોંધ સીલમાનની કરાઇ છે એ રીતે પણ સારાબાઇ સીલમાનની પત્ની હોઇ શકે. આ મૃત્યુલેખ મુંબઇમાં તૈયાર કરાયો છે અને તેના લખનાર તરીકે હાલકદાનેલજી ખંડાલકનું નામ મરાઠીમાં લખાયું છે. સંગ્રહાલયમાં રખાયેલા અન્ય એક લેખ આબઇબાઇ નાગાંવકરાના અવસાનની નોંધ ધરાવે છે. તેનું અવસાન ર૯મી નવેમ્બર, ૧૮પ૧ ને શનિવાર, શક સંવત ૧૭૭રના થયું છે અને તે સમયે તેમની વય ૭પ વર્ષની હોવાની નોંધ છે.

અન્ય એક લેખ ડેવિડ જીબેન ધોડજી કુંરગાવકરાના અવસાનની નોંધ કરાવે છે. તેમનું અવસાન ષોપ વદ-૯, શક સંવત ૧૭ર૯, તા. ૧૯મી જાન્યુઆરી, ૧૮૬૮ના ૯૦ વર્ષની વયે થયું હોવાની નોંધ છે.

આમ, યહુદીઓ અને ભારતનો સદીઓ જૂનો સંબંધ વડાપ્રધાનની મુલાકાતથી ફરી એક વખત મજબૂત અને જીવંત બન્યો છે.

 

Facebook Comments

You may also like

Feelings English Magazine April 2019