વાણી અને વિઝન સાથેની એક વિશિષ્ટ પ્રતિભા…ગાયત્રી જોશી

વાણી અને વિઝન સાથેની એક વિશિષ્ટ પ્રતિભા…ગાયત્રી જોશી

- in Shakti, Womens World
1200
Comments Off on વાણી અને વિઝન સાથેની એક વિશિષ્ટ પ્રતિભા…ગાયત્રી જોશી
special talent with speech and vision Gayatri Joshi

– કૌસ્તુભ

તસવીર: ગુંજેશ દેસાઈ

ભારતમાં દૂરદર્શન પર ન્યૂઝ રીડર તરીકે પ્રારંભિક કારકિર્દીથી શરૂઆત કરી ભારતીય ગ્રામ્ય વિસ્તારો પર તેમની ડૉક્યુમેન્ટરીઝ થકી સમયાંતરે ભારતીય ટ્રાઈબલ જગતને વિશ્ર્વ સામે લાવનાર ગાયત્રી જોશી નોર્થ અમેરિકાની ટી.વી. એશિયા ચૅનલમાં પોતાની સેવાઓ આપે છે સાથે ગાયત્રી કોમ્યુનિકેશન્સ હેઠળ તેમણે નવી દિશાના મંડાણ કર્યા છે…!

દરેક વ્યક્તિ પોતાની કંઈક વિશેષ પ્રતિભા સાથે કાર્યક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવે છે. હરેક ક્ષેત્ર તેની આગવી ઓળખ સાથે વ્યક્તિને પોતાનું કાર્ય કરવા માટે માર્ગ મોકળો કરી આપે છે. આજે કોમ્યુનિકેશન એક વિશિષ્ટ સેવા અને કોમ્યુનિકેશન્સ સાથે એન્ટરટેઈનમેન્ટ અને વિઝ્યુઅલ વર્લ્ડે જગતને એક જુદી જ દુનિયા બતાવી છે.

આ ક્ષેત્રે ઘણાં બધાં લોકો પ્રયાસો કરે છે અને સફળતા હાસલ કરવા માટે સંઘર્ષ કરે છે. કેટલાક યશસ્વી થાય છે તો કેટલાક પ્રયત્નો પડતા મૂકીને માર્ગ બદલી લે છે. જ્યાં અડગ નિર્ધાર હોય ત્યાં સફળતા અચૂક મળે જ છે.

ગાયત્રી જોશી કે જેઓએ તેમની આગવી સૂઝબૂઝથી પોતાની કારકિર્દી બનાવી ફિલ્મ્સ અને કોમ્યુનિકેશન ક્ષેત્રે વિશિષ્ટ ઓળખ ઉભી કરી. તેમની જીવનસફર અને કારકિર્દીની કેટલીક પ્રેરણાદાયક વાતો સાથે તેમણે પોતાની સંઘર્ષ સાથેની સફળતાની વાતો વર્ણવી જેમાંથી આજની યુવા પ્રતિભાઓને જીવન કારકિર્દીને કેવી રીતે ઢાળવી તેની સરસ પ્રેરણા મળશે.

તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી એક વોઈસ આર્ટિસ્ટ તરીકે. ત્યારબાદ, ધીમે ધીમે પોતાનો પ્રગતિનો માર્ગ વિસ્તાર્યો વિઝ્યુઅલ આર્ટ્સ સુધી.

વર્ષ ૧૯૯૧માં ગાયત્રી જોશીએ પોતાની પ્રતિભાને જાતે જ ઓળખીને ગાયત્રી કોમ્યુનિકેશન્સ નામની કંપની શરૂ કરી અને આ જ બેનર હેઠળ તેઓએ પોતાના પ્રોડક્શન અને ડાયરેક્શન હેઠળ ફિલ્મો બનાવી.

ગાયત્રી કોમ્યુનિકેશન્સના બેનર હેઠળ બનેલી ફિલ્મોનો મુખ્ય વિષય રહ્યો શિક્ષણ,સ્ત્રી વિકાસ, યૌન શિક્ષણ, ગામઠી કલા-નૃત્ય, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ્સ એ સાથે જ વિશિષ્ટ વ્યક્તિત્વો જેમકે પૂર્વ પ્રધનામંત્રી શ્રી અટલ બિહારી બાજપાઈ, શ્રી ચંદ્રશેખર, પં. દિનદયાલ ઉપાધ્યાય, ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી, કોમ્યુુનિસ્ટ નેતા ઈન્દ્રજીત ગુપ્તા અને સોમનાથ ચેટર્જી.

ગાયત્રી જોશીએ પોતે જ્યારે એક વોઈસ આર્ટિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તેમણે તેમની ડોક્યુમેન્ટરીઝમાં પોતાનો અવાજ આપ્યો તેની સાથે વર્ષ ૧૯૮૮થી દસ વર્ષ માટે તેઓ દૂરદર્શનના ન્યૂઝ રીડર પણ રહી ચૂક્યા છે.

મીડિયામાં રહીને તેઓએ નોંધપાત્ર કાર્યો કર્યા હોવા છતાં તેઓએ પોતાની ઓળખ લોકો સામે આપી નહોતી. તેમની આગવી કાર્યશૈલી માટે તેમને જુદા જુદા એવોર્ડઝ પણ મળ્યા જેમાં તેમને ૨૦૦૧માં ગુજરાત સરકારના ગવર્નર સુંદરસિંઘ ભંડારી દ્વારા માસ કોમ્યુનિકેશન્સમાં શ્રેષ્ઠ ફાળા માટે ગુજરાત ગૌરવ એવોર્ડ પણ આપ્યો હતો. મીડિયા જગતમાં એટલી મજબૂત રીતે તેમણે તેમનો પગ જમાવ્યો કે, તેમને નેશનલ હેન્ડલૂમ બોર્ડ, મિનિસ્ટ્રી ઓફ ટેક્ષટાઈલ્સ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડીયા દ્વારા તેમની સેવાઓ આપવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. હેન્ડલૂમ બોર્ડમાં અને હેન્ડીક્રાફ્ટ્સ બોર્ડમાં તેમની સેવાઓને જોઈ તેમને હેન્ડલૂમ બોર્ડના મેમ્બર તરીકે સળંગ બે ટર્મ સુધી સમાવવામાં આવ્યા હતા.

તેમની ડોક્યુમેન્ટરીઝમાં મોટે ભાગે ગ્રામ્ય કલાઓ પર તેમણે વધારે ભાર આપ્યો છે. જુદા જુદા ગ્રામીણ વિસ્તારોની આગવી ઓળખ દર્શાવવા તેમણે તેમની ડોક્યુમેન્ટરીઝમાં ગામઠી સંગીતનો પણ સારો એવો ઉપયોગ કર્યો છે.

તો સંગીત જગતમાં પણ તેમણે ઉપાંત્ય વિશારદ તરીકેની શાસ્ત્રીય ગાયનની તાલીમ મેળવી છે. તેમની ડોક્યુમેન્ટરીનું સર્જન અને દિગ્દર્શન તેઓ એવી રીતે કરતા કે તેમાં સંગીતમય આર્ટ ડોકયુમેન્ટરીઝ તેમની પ્રમુખતા રહેતી કારણકે તેના થકી તેઓ ભારતના સ્થાનિક લોકનૃત્ય, સંગીત, ગામઠી નકશીકામ, કલા અને સંસ્કૃતિનો સમન્વય થઈ શકે.

હવે ગાયત્રી જોશી તેમનું ધ્યાન કોમ્યુનિકેશન્સ ક્ષેત્રે અવનવા સંશોધન કરી ‘ઓડિયો વિઝ્યુઅલ આર્ટ કલ્ચર’ ને વિકસિત કરી રહ્યાં છે. જેમાં ગામઠી લોકનૃત્ય થકી તેઓ ગામઠી કલાઓને ટેલિવિઝન અને ફિલ્મો થકી લોકો સમક્ષ રજૂ કરવાનો નવતર પ્રયોગ કરી રહ્યાં છે.

ગાયત્રી જોશીએ તૈયાર કરેલી ડોક્યુમેન્ટરીઝમાંની કેટલીક ડોક્યુમેન્ટરીઝ :-

તેમની આગવી દ્રષ્ટિ અને વિચારસરણીથી ભારતીય રાજનૈતિક ફલકને પોતાની ડોક્યુમેન્ટરીઝમાં કંડારે છે. જેમાં ‘હમારી સંસદ’ અને ‘અતીત સે આજતક’ એ ખૂબ જ શ્રેષ્ઠ ડોક્યુમેન્ટરીઝમાં સ્થાન પામેલ છે.

તેમના વાંચનના શોખથી પ્રેરાઈને તેમણે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી બાજપાઈની કવિતાઓ વાંચી તેના પર ખૂબ જ સરસ ડોક્યુમેન્ટરી બનાવી હતી. તેમની એક વિશિષ્ટ ખાસિયત એ છે કે, તેઓ રાજનૈતિક ક્ષેત્રની વ્યક્તિ વિશેષના આલેખનો ખૂબ જ સરસ રીતે કરે છે. એક એવી જ શ્રેષ્ઠ કહી શકાય તેવી તેમની ડોક્યુમેન્ટરી ‘મેરી અનુભૂતિ’ માં

શ્રી અટલબિહારી બાજપાઈજીને મુખ્ય પાત્ર તરીકે રજૂ કરી એક રાજનૈતિક વ્યક્તિત્વમાં કવિ હ્રદયની વિશિષ્ટતાઓને તેમણે જે રીતે રજૂ કરી તે ખૂબ જ પ્રશંસાને પાત્ર બની હતી. જ્યારે તેમની પ્રથમ ફિલ્મ પં. દિનદયાલ ઉપાધ્યાય પર તેમણે બનાવી હતી.

તેમણે નેશનલ ફિલ્મ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન માટે બનાવેલી ‘અભિયાન’ નામની ડોક્યુમેન્ટરી શ્રૃંખલામાં કલાનો વ્યાપ વધારવા માટે એક સરસ ડોક્યુમેન્ટરીનું સર્જન કર્યું હતું.

જ્યારે ભારતીય થિયેટર(રંગમંચ)ના ઈતિહાસની ગાથા વર્ણવતી તેમની શ્રૃંખલા ‘કહાની રંગમંચ કી’ ખૂબ જ સૂક્ષ્મ વાતોને વણનારી હતી જેમાં તેમણે ભારત ભ્રમણ કરી ભારતની કલા અને સંસ્કૃતિને એક વિશાળ કેન્વાસ પર તાદશ કરી હતી.

‘આમદાર શ્યામબાબુ’ એક સંઘર્ષપૂર્ણ સર્જન :-

તેમની આ ફિલ્મ અનેકવિધ પાસાઓ ધરાવે છે. જેમાં તેમણે ભારતની ૧૯મી સદીના કેટલાક વિશિષ્ટ વ્યક્તિઓ પર પોતાની દ્રષ્ટિ કેન્દ્રિત કરી જેમાં તેમને ડૉ. શ્યામાબાબુની જીવનકથા પર ઘણું બધું જાણવા મળ્યું જેમાં તેમને એક અવાવરું બંગલામાં નજરકેદ કરવામાં આવ્યા હતા જેઓ આખરે ત્યાં જ રહસ્મયી રીતે મૃત્યુ પામ્યા હતા. તેમની આ ડોક્યુમેન્ટરીના સર્જન વખતે આ વિસ્તારના કેટલાક ઉગ્રવાદીઓનો સામનો કરવો પડ્યો હતો પરંતુ  તેમની કુશાગ્રબુદ્ધિથી તેઓ તેમાંથી છટકી જવામાં સફળ રહ્યા હતા. આ સમય દરમ્યાન જ તેમણે ભાગલા વખતે

ડૉ. શ્યામાબાબુએ આપેલા મહત્વના ફાળાને જગત સામે અનાવરિત કર્યો હતો. ગાયત્રીએ દેશના ખૂણેખૂણાનું ભ્રમણ કરીને કેટલીય રહસ્યમય વાસ્તવિકતાઓને ઉજાગર કરી અને તેને તસવીરોમાં કંડારી હતી. તેમની આ ફિલ્મમાં બંગાળી ગાયકો દ્વારા રવિન્દ્ર સંગીતને રજૂ કરવામાં આવ્યું છે. તેમની આ ફિલ્મની સ્ક્રિપ્ટ બુનિયાદના ખ્યાતનામ લેખક મનોહર શ્યામ જોશી દ્વારા લખવામાં આવી હતી.

જ્યારે ઉત્તર પ્રદેશની લોકવાર્તાઓ આધારિત ‘કથા કહાની’ નામની ટૂંકી ફિલ્મો પણ તેમણે બનાવી છે. તોે ગુજરાતી લોકગાથા અને પારંપારિક સંગીત સાથેની કટાક્ષપૂર્ણ વાતોથી ખ્યાતનામ થયેલા ગુજરાતના ‘ડાયરા’ની સિરિઝ ‘લક્ષ્ય’ એ ગુજરાતના ખ્યાતનામ કલાકાર સાંઈરામ દવે સાથે તેમણે બનાવી છે.

સ્ત્રીઓના ઉત્કર્ષ માટે પણ તેમણે અનેક કાર્યો કર્યા છે જેમાં સ્ત્રીશક્તિને વાચા આપતી ડોક્યુમેન્ટરી ‘મુક્તિ’ ની શ્રૃંખલા પણ તેમણે રજૂ કરી હતી. પંચમહાલ વિસ્તારના લોકનૃત્યો આધારિત કાર્યક્રમોમાં યૌન શિક્ષણને લગતી વાતોને તેમણે ખૂબ જ સરસ રીતે વણી છે.

તેમણે યુએસમાં મીડિયા એજન્સી પણ સ્થાપી છે અને સમાજ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. તેઓને મીડિયાના રોલ વિશે દ્રષ્ટિપાત કરતી કોન્ફરન્સમાં બે વખત ઈન્ટરનેશનલ સ્પીકર તરીકે પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.

તેમણે વર્ષ ૨૦૦૪માં MATAI નામની સંસ્થા શરૂ કરી છે. જેમાં ઉત્સાહી ફેકલ્ટીઝને ફિલ્મમાં કામ કરવાથી માંડીને ફિલ્મનું નિર્માણ કરવા સુધીનું મૂળભૂત શિક્ષણ આપવાનું કાર્ય કરવા સુધીની તાલીમ આપવામાં આવે છે. એ સાથે જ પત્રકારત્વથી માંડીને ટીવી જર્નાલિઝમની પણ તાલીમ આપવાનું તેમની આ સંસ્થામાં કરવામાં આવે છે. જ્યારે યુએસમાં તેમની સંસ્થા થકી તેઓ આજની યુવા પ્રતિભાઓને અને યુવા વિદ્યાર્થીઓને મીડિયા એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત જુદા જુદા દેશો સાથે ઈન્ટ્રોડ્યુસ કરીને મીડિયાની શક્તિનો સમાજ માટે સદુપયોગ કરવાનો એક નવતર અભિગમ તેમણે અપનાવ્યો છે. અત્યારે તેઓ ટીવી એશિયા કે જે યુએસની ૨૪/૭ એકમાત્ર સાઉથ એશિયન ચેનલ જે નોર્થ અમેરિકા અને કેનેડામાં કોસ્ટ ટુ કોસ્ટ સેવાઓ આપે છે તેની સાથે કાર્યરત છે. જ્યારે આર્ટ ઓફ લિવીંગના ઈન્સ્ટ્રક્ટર પણ છે.

મનપસંદ

બુક       –      ઓટોબાયોગ્રાફી ઓફ , યોગી બાય પરમહંસ , યોગાનંદ.

ફૂડ        –      ઈન્ડિયન

ડ્રેસિંગ    –      ઈન્ડો-વેસ્ટર્ન

સ્થળ     –      બનારસ, ઋષિકેશ

શ્રીમતી-ગાયત્રી-જોશી

ટીવી એશિયાના કાર્યક્રમનું સંચાલન કરતા શ્રીમતી ગાયત્રી જોશી લાક્ષણિક મુદ્રામાં.

Facebook Comments

You may also like

Feelings Sponsorship Profile 2019