નોટબંધી : કાળા નાણાં માટે કરવામાં આવેલ આ સર્જરી કામયાબ રહેશે ખરી ?

નોટબંધી : કાળા નાણાં માટે કરવામાં આવેલ આ સર્જરી કામયાબ રહેશે ખરી ?

- in News
6875
Comments Off on નોટબંધી : કાળા નાણાં માટે કરવામાં આવેલ આ સર્જરી કામયાબ રહેશે ખરી ?

તા. ૮ નવેમ્બર, ૨૦૧૬ ભારતના ઈતિહાસનો અને આ સદીનો કદાચ સૌથી યાદગાર દિવસ તો બની જ રહેશે તેની સાથે સાથે વિશ્ર્વફલક પર આ દિવસને મોટા આર્થિક ફેરબદલના અણધાર્યા નિર્ણય તરીકે પણ યાદ રાખવામાં આવશે.

હજી તો લોકો દિવાળીનો ઉત્સવ ઉજવીને દેવદિવાળી ઉજવવાની તૈયારી કરી રહ્યાં હતા. કેટલાક લોકો કંપની તરફથી મળેલા મસમોટા બોનસ અને ટ્રાવેલ પેકેજની હોંશે હોંશે મોજ માણી રહ્યાં હતા. વેકેશનના આનંદની ચરમસીમા અને ઉન્માદ હજુ તો તેમના માનસપટ પર છવાયેલો હતો. તેવામાં અચાનક ૮ નવેમ્બરની સાંજે ટી.વી. ચેનલો અને અન્ય પ્રસારણ માધ્યમો પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાસ બુલેટિનમાં જાહેરાત કરી કે આજે મધરાતથી રૂપિયા પાંચસો અને રૂપિયા એક હજારની નોટો રદ્દ ગણાશે. લોકો તો ઠીક પ્રાથમિક તબક્કે સમાચાર માધ્યમો પણ આ નિર્ણય વિશે અસમંજસ અનુભવતા હતા. તેઓને પણ આ વાતનો ક્યાસ લગાવવો મુશ્કેલ હતો કે શું ખરેખર આ ચલણ બંધ કરવાનો નિર્ણય થયો છે? અને જો હા તો શું આ નિર્ણય યોગ્ય વિચાર-મંથન થકી લેવાયો છેે? અને આટલો મોટો નિર્ણય અચાનક લેવાયો તેની પાછળનું એવું તે ક્યું કારણ અથવા ક્યું પરિબળ જવાબદાર છે ?

વડાપ્રધાન મોદીજી દ્વારા નોટબંધીની સત્તાવાર જાહેરાત કરાતાં એક તબક્કે તો મોટાભાગના શહેરોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાથમિક તબક્કે સરકારે આ રદ્દ થયેલી કરન્સી સરકારી બેન્કો, પેટ્રોલ પંપ, સરકારી ઓફિસમાં વેરા, બિલ અને કરની ચૂકવણી પેટે સ્વીકારવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. એટલે લોકોએ જેટલું બને એટલું ભારણ ઓછું કરવા અને રદ્દ થનારા ચલણને એન્કેશ કરવા માટે દોડધામ કરી મૂકી હતી. જોત જોતામાં તો પેટ્રોલ પંપો અને અઝખ કાઉન્ટર્સ લાંબી કતારોમાં પરિવર્તિત થઈ ચૂક્યા હતા. મધ્યમ નોકરિયાત વર્ગના લોકોએ તેમની

પરસેવાની કમાણીને જમા કરાવવા અને કન્વર્ટ કરાવવા માટે આખો દિવસ નોકરીની ફરજ પૂર્ણ કરીને આ વધારાની ડ્યૂટીમાં લાગી જવું પડ્યું હતું. પ્રાથમિક તબક્કે સહજ સરળ લાગતા આ પગલાએ ધીમે-ધીમે તેની વિકટ અસરો દેખાડવા માંડી.

નોટબંધીની સૌથી વધુ અસર સામાન્ય જીવન પર પડી હતી. શરૂઆતમાં લોકોએ ‘કાળા બજારિયા, સંગ્રહખોરો અને હવાલેદારો’ નો અંત આવશે એવી આશાઓથી વડાપ્રધાનની આ જાહેરાતને બિરદાવી હતી. પરંતુ જેમ જેમ બેન્કોમાં રૂપિયા ભરવાની, રૂપિયા ઉપાડવાની અને નોટો બદલાવવાની લાઈનો લાંબી થવા લાગી તેમ તેમ વાસ્તવિકતા બહાર આવવા માંડી. બેંકો-અઝખમાં ધસારો વધવા માંડ્યો, લાઇનોમાં બોલાચાલી-તકરારો થવા માંડી. વાતાવરણમાં તંગદિલી વ્યાપી ગઇ.

શ્રીમંત વર્ગ, બિઝનેસ પર્સન્સ જેવા લોકોએ પોતાના નોકરો કે કર્મચારીઓને નોટ બદલાવવા, નાણાં જમા કરાવવા કે બેન્કમાંથી રૂપિયા ઉપાડવા કામે લગાડ્યા હતા. જેને લીધે એક જ એકાઉન્ટમાંથી વારંવાર રૂપિયા ઉપડતા હોવાનું ધ્યાને આવતાં બેન્ક શાખાવાળાઓએ આ બાબતે કડક પગલાં લઈને બેન્કોમાંથી એક ખાતામાંથી એક દિવસમાં રૂપિયા બે હજાર જ ઉપાડી શકાય એવી જાહેરાત કરી. તેની સાથે કરન્સી જમા થતાં બેન્કોએ રૂપિયા ઉપાડવાની લિમિટ ૨૦૦૦થી વધારીને ૪૫૦૦ કરી દીધી. જ્યારે આ જાહેરાત થઈ તેની સાથે જ જનતાનો પુન: ધસારો બેન્કમાં વધી ગયો. જોકે બીજા દિવસે સરકારે જાહેર કર્યું કે બે દિવસ કોઈપણ ટોલ ટેક્સ ઉઘરાવાય નહીં. ત્યારે પ્રાઇવેટ વેહિકલ્સ ધરાવનારાઓ સહિત ટ્રાન્સપોર્ટર્સ અને ટ્રાવેલર્સ કંપનીઓને થોડોક હાશકારો થયો. બેન્ક પ્રશાસનને પણ સરકારની નવી નવી જાહેરાતો વચ્ચે કામ કેવી રીતે કરવું તેની વિમાસણ થવા લાગી. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રજા પાસે આ પગલુ ભર્યું તેના પરિણામો મેળવવા માટે ૫૦ દિવસની માગણી કરી. એ સાથે સાથે પ્રજાના પ્રતિસાદોનો દોર સોશિયલ મીડિયા પર સતત ચાલુ જ રહ્યો. ત્યારબાદ ઈમાનદાર લોકોને આ પગલાંથી ઘણો લાભ થશે, હાલ ભલે તકલીફ પડે છે પણ આગળ જતા સૌને લાભ થશે એવી ટ્વિટ્સ સાથે ‘આઈ સપોર્ટ નરેન્દ્ર મોદી’ની ટ્વિટ્સ પણ છલકાવા લાગી. પરંતુ રોજેરોજ નવા

નિયમો અને છૂટછાટોની જાહેરાતોથી ગ્રાહકોને તેમના ફેસબુક એકાઉન્ટ જેવું અપડેટ રહેવાની નવી જ કસરત કરવી પડી.

કાળાનાણાંને બહાર કાઢવા માટેનો સરકારનો આ પ્રયાસ ધીમે ધીમે તેની અસર બતાડવા માંડ્યો. મધ્યમ વર્ગીય લોકોને તેમના મહેનતના નાણાં મેળવવા માટે લાંબી કતારોમાં પરસેવે રેબઝેબ થઈને ઉભા રહેવું પડ્યું, ત્યાં બીજી બાજુએ કાળા બજારિયા અને કાળા નાણાંના કાળોતરાને પોતાના ગાદલામાં અને ખુરશીઓ નીચે સંતાડી નાંખનારા વેપારીઓ અને બિલ્ડરો સહિતના તમામ લોકોની રાત-દિવસની ઉંઘ હરામ થઈ ગઈ છે. કાળા ધનના ઢગલાને સગેવગે કરવા અને પોતાના રેકોર્ડઝ ચોખ્ખા રાખવા માટે દિવસ-રાત એક કરનારા વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ જેટલું બને એટલું કાળાનું ધોળું થઈ શકે એ તમામ કરી લેવા યુદ્ધના ધોરણે પ્રયાસો આરંભી દીધા. શરૂઆતમાં નોટબંધીના આ નિર્ણયથી સામાન્ય જનતાની તકલીફો અને બેન્ક કર્મચારીઓને કામનું ભારણ વધતાં બધે અફરા-તફરીનો માહોલ સર્જાયેલો જોવા મળ્યો.

કેટલાક શહેરોમાં અબજોપતિ લોકોએ રાતોરાત કોથળાના કોથળા ભરીને રૂપિયા ગંગામાં ઠાલવવા માંડ્યા. હજી તો ઠંડીની પ્રાથમિક શરૂઆત છે તેવામાં સ્થાનિક પ્રશાસન અને પોલીસદળને કોઈ આતંકવાદી, દહેશતગર્દ કે દારૂની ખેપ મારનારા ખેપિયાઓને પકડવાની જગ્યાએ નવા કામનો ઈજારો મળી ગયો. વડાપ્રધાને એક જ માસ્ટર સ્ટ્રોકથી સરકારી ખાતામાં બાબુશાહીના જોરે સામાન્ય પ્રજાને દાબ-દબાણમાં રાખનારા સનદી અધિકારીઓને પણ રાતા પાણીએ રડાવ્યા છે. પરંતુ સિસ્ટમનો ભાગ હોવાની સાથે સત્તારૂઢ હોવાને કારણે સહુકોઈએ ઉપરછલ્લા સ્મિત અને સ્વીકાર સાથે ‘નમો’ના આ પગલાને આવકાર્ય ગણ્યું હતું.  કેટલાક બાબુઓ તો તેમની સત્તા અને વગ વાપરીને બેન્કોમાંથી રૂપિયા બદલાવવા માટે રાત આખી પ્રયત્નશીલ રહ્યાં હતાં અને કાળાનું ધોળું કરવામાં સફળ રહ્યાં. વળી, ક્યાંક બેન્કના ઉપરી અધિકારીઓ બેન્ક અવર્સ પછી વગવાળાઓની રકમનો વહીવટ કરતા પણ પકડાયા હતા.

એની વે, અત્યારે તો કોઈપણ તર્કબુદ્ધિ ચાહે શાબ્દિક હો કે લેખિત પરિભાષામાં છતી કરવી કદાચ સમજદારી નહીં ગણાય એવું પણ બને. આશા રાખીએ કે મોદીએ દેશના હિત માટે આ જે નિર્ણય લીધો છે તે હેતુ પાર પાડે.

નોટબધીની જાહેરાત બાદ બેંકોંમાં પૈસા ભરવા-ઉપાડવા લોકોની રોજ લાઇનો લાગે છે. એક ભિખારી

રૂા.૨૦૦૦ની નોટને કેવી રીતે વટાવવી તેની વિમાસણમાં મૂકાયો છે.

Facebook Comments

You may also like

ભારત તથા અન્ય દેશોમાં ઉજવાતો ઉત્સવ ‘દિવાળી’

અંજના ગોસ્વામી દિવાળીનો તહેવાર “પ્રકાશના પર્વ તરીકે જાણીતો