અમારી ગરીબીમાં દિલની સમૃદ્ધિ ભપકાદાર હતી!

અમારી ગરીબીમાં દિલની સમૃદ્ધિ ભપકાદાર હતી!

- in Feature Article
1052
Comments Off on અમારી ગરીબીમાં દિલની સમૃદ્ધિ ભપકાદાર હતી!
richness

– કાન્તિ ભટ્ટ

દિવાળી આવે ત્યારે ૩૬પ દિવસમાં માત્ર દિવાળીયા મીઠાઇ બનતી. સસ્તામાં સસ્તી મીઠાઇ એ ગોળપાપડી હતી. ગોળપાપડીમાં શુદ્ધ ઘી વપરાતું. એ સિવાયના તહેવારમાં એ દિવસોમાં ગોળ-ઘીનો શીરો બનતો. દરેક તહેવાર ગરીબ-તવંગર ભેગા મળીને ઉજવતા.

બચપણની ગરીબીમાં ઉજવેલી મહુવાની સમૃદ્ધ દિવાળીના દિવસો યાદ આવે છે!

ફિલોસોફર હેન્રી વોર્ડ બીચરે કહેલું કે, કવિતામાં ગરીબોના ગુણગાન ગાઇએ તો મીઠા લાગે છે પણ ખરેખર ગરીબીમાં મજા નથી. (૧૮૮૭ પુસ્તક પ્રોવર્બઝ) પરંતુ આજે ૮૭ની ઉંમરે હું છાતી ઠોકીને કહી શકું છું કે, અમે બચપણમાં ગરીબીના દિવસો ગાળ્યા તે આજની સમૃદ્ધિ કરતાં ઘણા ઉજળા હતા. આજની માણસની દેખાડાવાળી સમૃદ્ધિ ગરીબી કરતાં ભૂંડી છે. ‘અધર અમેરિકા’ નામના પુસ્તકના લેખક ડો. માયકલ હેરિગ્ટન લખે છે કે, ‘અમેરિકા હેઝ ધ બેસ્ટ ડ્રેસ્ડ પોવર્ટી ઇન ધ વર્લ્ડ!’ અર્થાત્ અમેરિકાની ગરીબીને સુંદર વાઘા પહેરાવીને અમેરિકાને સમૃદ્ધ દેખાડાય છે. અમેરિકનોનું અર્થતંત્ર બીજા દેશો લડે તેને શસ્ત્રો વેચીને કમાતું હતું. આજે અમેરિકાની ગરીબી સાવ ખુલ્લી થઇ ગઇ છે. આજે અડધું અમેરિકા ગરીબ દેશોને લડાવી મારવા શસ્ત્રો વેચીને કમાય છે.

અમે ૭૯-૮૦ વર્ષ પહેલાં મહુવામાં ગરીબીમાં જીવતા હતા પણ દરેક ઘરના માણસના દિલમાં સમૃદ્ધિ હતી. એ દિલની મહુવાની સમૃદ્ધિ આજે યાદ આવે છે. આજે મુંબઇ કે અમદાવાદ કે વડોદરામાં વરસાદ આવે છે તે વરસાદને હર હાલતમાં વધાવવો જોઇએ. અમે દિવાળીમાં અને વરસાદના વખતમાં ગાતા – આવ રે વરસાદ ઢેબરીયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાંનું શાક. ચોમાસામાં ભારત જે કૃષિપ્રધાન દેશ હતો તેના ખેડૂતો ખેતરો ખેડી નાખીને તેમાં માત્ર બાજરો, જુવાર અને ઘઉં ઉગાડતા. શાક તો ભાગ્યશાળી લોકો ખાતા. અમારા મહુવાના ઘરે ફૈબાને ત્યાં રહેતા અને રોજ રોજ માત્ર બાજરાનો રોટલો અને અડદની કે મગની દાળ ખાતા. પણ ત્યારે કકડીને ભૂખ લાગતી અને મુંબઇમાં ર૦૧૭માં મારા મિત્રો ફરિયાદ કરે છે કે, ‘ભૂખ લાગતી નથી.’ અમારા વખતમાં ૮૦ વર્ષ પહેલાં ભૂખને લીધે ઊંઘ સમસ્યા હતી. અમારા ઘર બાજુ સોરડિયા વણિક વિદ્યાર્થીની હોસ્ટેલ હતી. ત્યાંના વિદ્યાર્થીઓ એટલા ભૂખ્યા થતા કે હવેલીમાં જઇને ભગવાનને ધરાતા પ્રસાદને ભૂખી નજરે જોઇ રહેતા અને લાગ ફાવે તો એકાદ પરસાદ ચોરીને ખાઇ લેતા.

દિવાળી આવે ત્યારે ૩૬પ દિવસમાં માત્ર દિવાળીયા મીઠાઇ બનતી. સસ્તામાં સસ્તી મીઠાઇ એ ગોળપાપડી હતી. ગોળપાપડીમાં શુદ્ધ ઘી વપરાતું. એ સિવાયના તહેવારમાં એ દિવસોમાં ગોળ-ઘીનો શીરો બનતો. દરેક તહેવાર ગરીબ-તવંગર ભેગા મળીને ઉજવતા. પૈસાની સમૃદ્ધિને બદલે હૃદયની સમૃદ્ધિનો અનુભવ કરતા. મહુવામાં એક પૈસાપાત્ર જૈન ‘ધામી’ રહેતા હતા. તે શ્રાવણ મહિનામાં દરેક બ્રાહ્મણના છોકરાને એક પાઇ (એક આનાની બાર પાઇ) વાપરવા દક્ષિણામાં આપતા. હું ત્યારે મહુવામાં ૮ર વર્ષ પહેલાં ધામીની દુકાને જતો. બ્રાહ્મણ તરીકે મારી જનોઇ બતાવતો એટલે ધામીકાકા મને એક પાઇને બદલે બે પાઇ આપતા. આજે હવે કોઇ બ્રાહ્મણ મુંબઇમાં ભાગ્યે જ જનોઇ પહેરે છે. પણ ૮૦ વર્ષ પહેલાં જનોઇ એ બ્રાહ્મણ હોવાનું સર્ટિફિકેટ હતું. એ દિવસોમાં અમારી પાસે માત્ર બે જોડ કપડાં રહેતાં. નવા કપડાંની જોડ દિવાળીમાં સીવરાવતા. નવાં કપડાં પહેરીને સૌપ્રથમ અમે દિવાળી અને નવા વર્ષને દિવસે વડીલોને પગે લાગતા. એ પછી ફરજ રૂપે હાથમાં જોળી લઇને દરેક પૈસાદારને ઘરે અમે દિવાળીમાં પાયલાગણા કરવા જતા અને સમૃદ્ધ ઘરના લોકોએ પાયલાગણના બદલામાં અમારી જોળીમાં બાજરો કે જુવાર કે ઘઉં નાખતા. દિવાળીમાં અમારી ભીખની જોળી ભરાઇ જતી.

મહુવા ગામ પાસેથી ત્યારે ૮૦ વર્ષ પહેલાં માલણ નદી બે કાંઠે ભરપૂર વહેતી. ખૂબ વરસાદ પડે ત્યારે માલણ નદીમાં પાણીના પૂર આવતા. એ ‘પૂર’ જોવા તે પણ એક લહાવો હતો. જ્યારે લાગે કે માલણ નદીના પૂર મહુવાને નુકસાન કરશે અને ગરીબોના ઝૂંપડાને તાણી જશે ત્યારે અમે વાજતે ગાજતે માલણ નદીના પૂરને વધાવવા જતા. અમે નાળિયેરને શ્રીફળ કહેતા. કુંવારી કન્યાના હાથમાં શ્રીફળ આપીને અમે શ્રીફળને કંકુ લગાવતા અને માલણ નદીને પ્રાર્થના કરતા. બ્રાહ્મણો શ્ર્લોક બોલતા. આવી શ્રદ્ધા સાથે ધસમસતા પૂરમાં શ્રીફળ હોમતા અને થોડીવારમાં પૂર શમી જતા. આ અમારી ધાર્મિક શ્રદ્ધાની આજે પણ યાદ આવે છે. ત્યારે દરેક સંકટનો સામનો ઇશ્ર્વરની પ્રાર્થના, હનુમાનની પ્રાર્થના કે હવેલી કે બીજા મંદિરમાં શ્રીફળ વધેરીને અને પ્રાર્થના કરીને સંકટ નિવારતા.

આજે નવજુવાન યુવતી પરણે પછી તેને ‘સીમંત’ શબ્દ કહો તો કદાચ ખબર ન પડે. અમારા ગામમાં ધનિક કે ગરીબ ઘરનો જુવાન છોકરો પરણે તેની અમે સૌ રાહ જોતા. પણ એમાંય ખાસ જુવાન વહુને પ્રથમ ગર્ભાધાન રહે ત્યાં સાસરીયાં તે પ્રથમ ગર્ભાધાનનું ‘સીમંત’ તહેવારરૂપે ઉજવતા. તેને ખોળો ભરવો કહેતા. એક ઘરની વહુ ગર્ભવતી બને તે આખા ગામનો ઉત્સવ બની જતો, તેને ખોળો ભરવો કહેતા અને ગર્ભવતી સ્ત્રીનો સાતમો કે આઠમો મહિનો જાય ત્યારે સીમંત ઉજવાતું અને ત્યારે અમને મીઠાઇ ખાવા મળતી. ગરીબ ઘરમાં શીરો, લાપસી કે ગોળ-પાપડી રંધાતી. સમૃદ્ધ ઘરમાં બહુ બહુ તો મોહનથાળ બનતો. પણ એ મીઠાઇ સૌને ખાવા મળતી. પડોશના ગરીબ છોકરા પણ મીઠાઇ ખાતા. સુવાવડ હોસ્પિટલમાં નહીં પણ ઘરે થતી. પાડોશના જુવાન પુત્રની વહુની સુવાવડ વખતે તેને શેક કરવા માટે અમે ગામને ઝાંપે અડાયા છાણા લેવા જતા. અડાયા છાણા એટલે ગાય કે ભેંસ કે બીજા દુઝણા ઢોર જે પોદળો કરે તે કુદરતી રીતે સૂકાઇ જાય તે અડાયું છાણું બનતું. તેની અગ્નિ વધુ ગરમી આપતી. ગામમાં હિમાલયના સાધુ આવે તે સાધુને તપશ્ર્ચર્યા કરવા અડાયા છાણાને ગોળાકારમાં ગોઠવી તેને સળગાવીને તેની વચ્ચે બેસીને પ્રખર ગરમીમાં તપ કરતા.

ગામડાની આવી બચપણની ઘણી વાતો યાદ આવે છે. ફરી ફરી લખું છું કે, એ દિવસોમાં ‘ગરીબી’ શબ્દ અમને સ્પર્શતો નહીં. કારણ કે, ઠેર ઠેર અમે દિવાળીના તહેવારમાં વગર સમાજવાદે સમાજવાદનો અનુભવ કરીને સરખા આનંદ અને પ્રેમથી દિવાળી ઉજવતા.

Facebook Comments

You may also like

ફીલિંગ્સ મલ્ટિમીડિયા લિ. દ્વારા 14મા ‘પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડસ-2019’નું થયું ભવ્ય આયોજન

ફીલિંગ્સ પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ સમારોહનો દીપ પ્રાગટ્ય