– ઉમેશ ત્રિવેદી
અમિતાભ બચ્ચનનું નામ જ તેમની ઓળખ આપવા પૂરતું છે. પિતા હરિવંશરાય બચ્ચનનું સાહિત્ય ક્ષેત્રે અણમોલ પ્રદાન છે અને એ જ વારસો કલાકારના રૂપમાં પુત્ર અમિતાભે મેળવ્યો છે. એકનું સાહિત્યમાં નામ છે તો બીજાનું અભિનય ક્ષેત્રે. હવે અમિતાભ બચ્ચનનો વારસો તેમના પુત્ર અભિષેક બચ્ચને મેળવ્યો છે. તેમણે પણ અભિનય ક્ષેત્રે સારી નામના મેળવી છે. આમ, બે પેઢીથી આગળ ધપતો કલાનો વારસો હવે તેમની ત્રીજી પેઢી પણ સાચવે છે કે કેમ તે જોવાનું રહ્યું….
બોલિવૂડમાં કપૂર કુટુંબનું નામ જેટલું મોટું છુંં એટલું જ નામ હવે બચ્ચન પરિવારનું થઇ ગયું છે. જો કે, તેમની એક જ પેઢી હજી કાર્યરત છે. પણ અમિતાભ બચ્ચને હિન્દી ફિલ્મોમાં જે નામના મેળવી છે તે અકલ્પનીય છે અને તેની પાછળ-પાછળ જયા બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્ર્વર્યા રાયનું નામ પણ આદરથી જ લેવાય છે.
અભિનયની દૃષ્ટિએ જોઇએ તો અમિતાભ બચ્ચને એકદમ એંગ્રી યંગમેનની ભૂમિકા ભજવીને નામના મેળવી છે, જ્યારે જયા (ભાદુરી) બચ્ચન એકદમ ધીર ગંભીર અને એકદમ સાદગીભર્યા અભિનયને કારણે લોકપ્રિય થયાં છે. સાવ વિરોધી સ્વભાવ ધરાવતાં હોવા છતાં એક પતિ-પત્ની તરીકે અને કલાકાર દંપતી તરીકે તેનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે.
જો કે, બચ્ચન પરિવારની વાત આવે તો અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનનું સાહિત્ય ક્ષેત્રે અણમોલ પ્રદાન છે અને તેઓ મુઠી ઉંચેરું વ્યકિતત્વ ધરાવતા હતા એ ભૂલી શકાય એમ નથી. તેમની માતા તેજી બચ્ચન એક સામાજિક કાર્યકર હતાં. તેમનો કડક સ્વભાવ એ તેમની ઓળખ સમાન હતો.
આજે ૭૫ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન દિવસના ર૦ કલાક કામ કરે છે, તે તેમની કાર્યનિષ્ઠા જણાવે છે. પણ આ બધા સંસ્કાર તેમને તેમના માતા-પિતા તરફથી મળ્યા છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન કે ઐશ્ર્વર્યા રાય બચ્ચન વિશે તો બધા જ જાણે છે, પણ આજે આપણે બચ્ચન પરિવારના મોભી હરિવંશરાય બચ્ચન વિશે વધુ જાણીએ.
હરિવંશરાય બચ્ચન : હરિવંશરાય બચ્ચનની ખરી અટક શ્રીવાસ્તવ છે. ર૦મી સદીની શરૂઆતમાં હિન્દી સાહિત્ય જગતમાં હરિવંશરાયનું નામ ખૂબ જ ગાજ્યું છે. આગ્રા અને ઔંધના પ્રતાપગઢ જિલ્લાના રાણીગંજ તાલુકામાં આવેલા બાબુપટ્ટી ગામમાં શ્રીવાસ્તવ કાયસ્થ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. હિન્દી કવિ સંમેલનમાં તેઓ ખૂબ જ લોકપ્રિય હતા. તેમણે અનેક મહાન કવિતાઓની રચના કરી છે અને તેમાંથી સૌથી લોકપ્રિય ‘મધુશાલા’ છે.
૧૯૭૬માં હરિવંશરાય બચ્ચનને પદ્મભૂષણ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. પ્રતાપ નારાયણ શ્રીવાસ્તવ અને સરસ્વતી દેવીને ત્યાં હરિવંશરાયનો જન્મ થયો હતો. નાનપણમાં તેમને બચ્ચન કહીને બોલાવવામાં આવતા હતા. તેમણે શરૂઆતનું શિક્ષણ મહાપાલિકાની શાળામાં લીધું હતું અને ત્યાર પછી ઉર્દૂ શીખવા માટે તેમણે કાયસ્થ પાઠશાળામાં શિક્ષણ લીધું હતું. ત્યારપછી તેઓ અલાહાબાદ યુનિવર્સિટી અને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જોડાયા હતા. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીજીની સ્વતંત્રતાની ઝુંબેશના પ્રભાવ હેઠળ પણ આવ્યા હતા.
પણ, આ તેમનો માર્ગ નથી એ જાણતાં જ તેઓ યુનિવર્સિટીમાં પરત આવ્યા હતા. હિન્દી પર પ્રભુત્વ હોવા છતાં તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજી ડિપાર્ટમેન્ટમાં ૧૯૪૧થી ૧૯પર સુધી અંગ્રેજીનું શિક્ષણ શીખવાડ્યું હતું. ત્યારબાદ તેમણે કેમ્બ્રિજની કેથરીન કોલેજમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવવાનો અભ્યાસ કર્યો હતો. તે સમયે તેમણે પોતાના હુલામણા નામ બચ્ચનનો ઉપયોગ કર્યો. આમ તેઓ હરિવંશરાય શ્રીવાસ્તવને બદલે હરિવંશરાય બચ્ચન તરીકે ઓળખાવા લાગ્યા.
કેમ્બ્રિજમાંથી તેમના થિસીસને માન્યતા મળતાં તેમને ડોક્ટરેટની ઉપાધિ આપવામાં આવી. અંગ્રેજી સાહિત્યમાં કેમ્બ્રિજમાંથી ડોક્ટરેટની ડિગ્રી મેળવનારા તેઓ બીજા ભારતીય હતા. ત્યાંથી ભારત આવ્યા પછી તેમણે ફરી શિક્ષણ વ્યવસાય અપનાવ્યો. અલાહાબાદના ઑલ ઇન્ડિયા રેડિયોમાં પણ તેઓ નોકરી કરતા હતા.
૧૯ વર્ષની વયે ૧૯ર૬માં તેમણે શ્યામા નામની ૧૪ વર્ષની છોકરી સાથે લગ્ન કર્યાં. પણ ૧૯૩૬માં જ તેમની આ પ્રથમ પત્નીનું અવસાન થયું. ત્યાર પછી પાંચ વર્ષ બાદ એટલે કે ૧૯૪૧માં તેઓ તેજી બચ્ચનને પરણ્યા અને તેમને ત્યાં અમિતાભ અને અજિતાભ નામના બે પુત્રનો જન્મ થયો.
૧૯પપમાં હરિવંશરાય દિલ્હી શિફ્ટ થયા. ત્યાં ઓફિસર ઑન સ્પેશિયલ ડ્યૂટી (ઓએસડી) તરીકે વિદેશી બાબતોના ખાતામાં તેમણે ૧૦ વર્ષ સેવા બજાવી. આ દરમિયાન જ તેમના નેહરુ કુટુંબ સાથે અને તેજી બચ્ચનના ઇન્દિરા ગાંધી સાથે સારા સંબંધ સ્થપાયા.
આ સમયગાળા દરમિયાન સાહિત્ય પ્રત્યેની તેમની રુચિ કાયમ રહી હતી. મધુશાલા ઉપરાંત તેમણે શેક્સપિયરના મેકબેથ અને ઓથેલોનું હિન્દી ભાષાંતર કર્યું હતું. તે ખૂબ જ વખણાયું હતું. ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની કરપીણ હત્યા થઇ ત્યારે તેમણે છેલ્લી કવિતા ‘૧ નવેમ્બર, ૧૯૮૪’ લખી જે તેમની આખરી રચના હતી.
૧૯૬૬માં તેઓ રાજ્યસભાના સભ્ય નિમાયા અને ત્રણ વર્ષ બાદ તેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ક્યા ભૂલું ક્યા યાદ કરું, નિદા કા નિર્માણ ફીર, બસેરે સે દૂર અને દસ્દ્વાર સે સોપાન તક જેવી ચાર-ચાર આત્મકથા લખવા બદલ સરસ્વતી સન્માનથી નવાજવામાં આવ્યા હતા.
સાહિત્યમાં આટલું નામ ધરાવનારા હરિવંશરાય બચ્ચનને જ્યારે પોતાની ઓળખ આપવાનું જણાવવામાં આવતું ત્યારે તેઓ ખૂબ જ સાદગીથી પોતાનું વર્ણન કરતા કહેતા કે, ‘મિટ્ટી કા તન, મસ્તી કા મન, ક્ષણ ભર જીવન, યે હૈ મેરા પરિચય.’
૧૮મી જાન્યુઆરી, ર૦૦૩ના રોજ ૯પમા વર્ષે તેમનું અવસાન થયું અને પાંચ વર્ષ બાદ તેમની પત્ની તેજી બચ્ચનનું ડિસેમ્બર, ર૦૦૭માં ૯૩ વર્ષની ઉંમરે નિધન થયું હતું.
હરિવંશરાય બચ્ચનના ગીતોનો ઉપયોગ ફિલ્મોમાં પણ કરવામાં આવે છે. તેમાં સૌથી લોકપ્રિય સિલસિલા ફિલ્મનું ગીત ‘રંગ બરસે’ છે જે અમિતાભ બચ્ચને પોતે ગાયું છે.
‘અગ્નિપથ’ ફિલ્મમાં તેમની લખેલી કવિતાનું અમિતાભ બચ્ચને પઠન કર્યું છે. ‘પથ પથ અગ્નિપથ.’ આ સિવાય તેમની ‘મધુશાલા’ ખૂબ જ લોકપ્રિય નીવડી છે, જે ખૂબ જ જાણીતા ગાયક મન્ના ડેના સ્વરમાં રજૂ થઇ છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચન પણ આ કાવ્ય ઘણીવાર પઠન કરે છે.
બચ્ચન પરિવારમાંથી અજિતાભ અભિનયની કારકિર્દીથી દૂર રહ્યા છે. તે એક બિઝનેસમેન છે.
અમિતાભ બચ્ચન : આજે ૭૫ વર્ષની ઉંમરે પણ તેઓ એક પછી એક નવા સોપાનો સર કરતા રહે છે. દેશ-વિદેશમાં એક કલાકાર તરીકે તેમની લોકપ્રિયતા અવિરત વધતી જ જાય છે. એક એંગ્રી યંગમેનથી શરૂ થયેલી તેમની કારકિર્દીમાં તેમણે ઉંમર પ્રમાણેની ભૂમિકાઓ સ્વીકારી નવા નવા શિખરો સર કર્યાં છે.
એક સમય એવો હતો જ્યારે તેમની પાસે કામ નહોતું. તબિયત બરાબર રહેતી નહોતી અને દેવું વધી ગયું હતું ત્યારે તેઓ યશ ચોપરા પાસે સામેથી કામ માગવા ગયા હતા અને ત્યારે તેમને ‘મહોબ્બત’ મળી હતી. આ ફિલ્મે તેમનું જીવન પલટાવી નાખ્યું અને જે લોકપ્રિયતા અપાવી તે ખરેખર અદ્ભુત હતી. ત્યાં જ ટીવીના ટચુકડા પડદા પર ‘કૌન બનેગા કરોડપતિ’ના સંચાલનની તેમણે ભૂમિકા ભજવી અને તેમની લોકપ્રિયતામાં ખૂબ જ વધારો થયો. આજે ટીવીના ટચુકડા પડદે, ફિલ્મોમાં, જાહેર ખબરોમાં, કોઇ રાજ્યની પબ્લિસિટી કરવામાં, સામાજિક સંદેશ ફેલાવવામાં અમિતાભ બચ્ચનનો કોઇ જ વિકલ્પ નથી.
તેમના વિશે એટલું બધું લખાયું છે કે તેનો અહીં પુન: ઉલ્લેખ કરવો યોગ્ય નથી. પણ અભિનયના નવા પરિમાણ ઊભા કરનારા આ કલાકારે ‘બ્લેક’, ‘પીકુ’, ‘પા’ જેવી ફિલ્મો કરીને લોકોને ચોંકાવ્યા છે. હવે ડિસેમ્બર મહિનામાં તેમની ‘૧૦ર નોટ આઉટ’ નામની ફિલ્મ આવવાની છે જેમાં તેઓ ૧૦ર વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવવાના છે.
અભિનયમાં દરેક પડકારને તેઓ પહોંચી વળે છે અને આજના શાહરૂખ, સલમાન, આમિર, ઋત્વિક કે રણવીરસિંહને તેઓ કાયમ પ્રતિસ્પર્ધા પૂરી પાડતા રહે છે. આજે આ ઉંમરે અનેક બીમારીઓ સામે લડતા પણ તેઓ સતત કાંઇક નવું કરવાની કોશિશ કરતા રહે છે.
જયાબચ્ચન : સાદગીભર્યા અભિનયથી લોકોના દિલ જીતી લેનારી આ અભિનેત્રીએ અમિતાભને પરણ્યા પછી ફિલ્મો ઓછી કરીને ગૃહસ્થ જીવન અપનાવી લીધું છે. એક સમયે અમિતાભ બચ્ચનના અભિનયની શરૂઆત હતી અને તેમણે સતત ૧૨ ફ્લોપ ફિલ્મ આપી હતી, ત્યારે જયા ભાદુરીએ તેમની સાથે કામ કર્યું હતું અને અમિતાભ બચ્ચનની જીવનસંગિની બનીને તેમનું જીવન સુધાર્યું હતું. તેમણે ખરા અર્થમાં તેમને ટેકો આપ્યો હતો. ગુડ્ડી, પરિચય, કોશિશ, જવાની દિવાની જેવી અનેક ફિલ્મોમાં અભિનય પ્રતિભા દાખવનારી આ અભિનેત્રીએ છેલ્લે ‘કભી ખુશી કભી ગમ’માં દેેખા દીધી છે.
અભિષેક બચ્ચન : પિતાના પડછાયા પાછળ છુપાઇ ગયેલા આ ઉત્કૃષ્ટ કલાકાર સફળતા માટે સંઘર્ષ કરે છે. તેમણે ઘણી સારી ફિલ્મો આપી છે પણ પિતા જેવું નામ નથી બન્યું. ધૂમ સિરિઝની ફિલ્મોમાં તેનો અભિનય ખૂબ જ વખણાયો છે. બંટી ઔર બબલી, હેપ્પી ન્યૂ યર, ઢાઇ અક્ષર પ્રેમ કે, દોસ્તાના, યુવા, બોલ બચ્ચન, સરકાર, પા, રેફ્યુજી, કભી અલવિદા ના કહેના, હા મૈંને ભી પ્યાર કીયા, કુછ ના કહો, દ્રોણ, ઉમરાવ જાન, ઝમીન, મૈં પ્રેમ કી દિવાની હુંં જેવી ફિલ્મો તેણે કરી છે અને સારી એવી નામના પણ મેળવી છે.
ઐશ્ર્વર્યા રાય બચ્ચન : બચ્ચન પરિવારની પુત્રવધૂ બનીને આ વિશ્ર્વ સુંદરીએ પોતાનું એક અલગ જ સ્થાન ઊભું કર્યું છે. તેણે કારકિર્દી દરમિયાન દેવદાસ, ઐ દિલ હૈ મુશ્કીલ, હમ દિલ દે ચૂકે સનમ, ધૂમ-૨, જોધા અકબર, મોહોબતે, ગુઝારિશ, રોબો, ઔર પ્યાર હો ગયા, ઉમરાવ જાન, જોશ, કુછ ના કહો, આ અબ લૌટ ચલે જેવી ફિલ્મો કરી છે. ર૦ એપ્રિલ, ર૦૦૭ના રોજ અભિષેક બચ્ચનને પરણ્યા પછી થોડો સમય બોલિવૂડથી દૂર થઇ ગયા પછી હવે ઐશ્ર્વર્યા રાય પાછી ફરી છે.
તાજેતરમાં જ ‘અય દિલ મુશ્કીલ’માં તેણે સુંદર રોલ કર્યો હતો. તેની પુત્રી આરાધ્યા હવે પરિવારનો વારસો આગળ ધપાવે છે કે નહીં તે જોવું રહ્યું.