ફીલિંગ્સ
આજે વિશ્ર્વમાં શાકાહાર તરફ એક વિશિષ્ટ જાગૃતિ આવી છે. જે વાત ગઈકાલ સુધી માત્ર ભારતીય સંસ્કૃતિની જ ઓળખ હતી તે શાકાહાર ધીમે ધીમે વૈશ્ર્વિક સ્તરે પ્રસ્થાપિત થવા જઈ રહ્યો છે. જેના માટે કેટલાક ભારતીયોએ સ્વપ્રયત્ને લોકમાનસ બદલવાનો સફળ પ્રયત્ન કર્યો છે.
હર્ષદભાઈ શાહ એવા જ એક ભારતીય જે મૂળ સુરતના વતની હતા. તેમણે મુંબઈમાં પોતાની કારકિર્દીના કેટલાક વર્ષો કારના પાટર્સ બનાવવામાં અને ફાઈનાન્સના કાર્યમાં પણ આપ્યા. આજે છેલ્લા લગભગ 25 વર્ષ ઉપરાંતથી તેઓ અમેરિકામાં સ્થાયી થઈને માત્ર અમેરિકનો જ નહીં, પણ વિશ્ર્વની તમામ કમ્યુનિટિઝમાં શાકાહારનું મહત્વ અને તેના ફાયદા વિશેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરે છે. તેઓ પોતાની સંસ્થા ‘વેજીટેરિયન વિઝન’ હેઠળ તેમની આ વેજિટેરિયનની ઝૂંબેશ ચલાવે છે. આ સંસ્થાના તેઓ મૂળ ફાઉન્ડર અને ચૅરમેન પણ છે.
ફાઈનાન્સના ક્ષેત્ર સાથે તેઓ છેલ્લા 40 વર્ષ ઉપરાંતથી સંકળાયેલા છે. આજે અમેરિકા જેવા અતિવિકસિત દેશ જ્યાં દરેક વ્યક્તિ પોતાની નાનામાં નાની બાબત માટે પણ ખૂબ પઝેસિવ હોય તેવી જગ્યાએ તેમની આ શાકાહારના ફાયદા અને મહત્વને વાચા આપવાની ક્રાંતિકારી વિચારસરણીએ અનેક લોકોને, જેઓ માત્ર અમેરિક્ધસ જ નહીં પણ ચાઈનીઝ, જાપાની, સ્પેનીશ અને ઈટાલિયન છે તેમને પણ જુદાજુદા સેમિનાર્સ અને કોન્ફરન્સ થકી મીટ ફુડથી વાળીને વેજિટેરિયન બનાવ્યા છે. આ પરિવર્તનની એવી અસર થઈ કે આજે કોન્ફરન્સમાં કેટલાક જર્મન અને સ્પેનીશ લોકો અન્ય લોકોને વેજિટેરિયનના ફાયદા વિશે સમજાવે છે.
શ્રી હર્ષદ શાહના યુ.એસ.ના વ્યવસાયમાં જોઈએ તો તેઓ વૉલ પેપરના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજે તેમને આ વ્યવસાયમાં એટલી મહારથ હાંસલ છે કે, વ્હાઈટ હાઉસમાં પણ તેમની કંપનીના વૉલ પેપરની જ બોલબાલા છે. શ્રી હર્ષદભાઈને એક પુત્ર ડેનીસ અને પુત્રી ઈવા કે જે બોસ્ટનમાં સ્થાયી થઈ છે તેઓ પણ ઉમદા વ્યક્તિત્વ ધરાવે છેે.
અમેરિકાની ધરતી પર રહીને હર્ષદભાઈએ અત્યાર સુધી લગભગ 2500 જેટલા જુદા જુદા સમુદાયના લોકોને શાકાહારી બનાવ્યા છે. તેમની સંસ્થા ‘લાઈફ પીસફુલ’ના ઉદ્દેશ સાથે કામ કરે છે.
‘વેજિટેરિયન વિઝન’ એ નોન રિલિજિયન અને નોન પોલિટિકલ સંસ્થા છે. તેમની આ સંસ્થાને ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં વસતા ગુજરાતીઓનો મહત્તમ સહકાર મળે છે.
આ દિશામાં એક વધું પ્રગતિનું સોપાન સર કરતા શ્રી હર્ષદભાઈ સપ્ટેમ્બર 9 અને 10ના રોજ એક મોટું ફંક્શન કરવા જઈ રહ્યાં છે જેમાં લગભગ 25000 જેટલો વિશાળ જનસમુદાય જોડાવવાની સંભાવના છે.
તો પશુ ક્રૂરતા નિવારણ અને પર્યાવરણના રક્ષણાર્થે સતત સજાગ રહી કાર્ય કરનારા શ્રીમતી મેનકા ગાંધી પણ આ ભવ્ય સમારોહને સંબોધે એવું તેમનું પ્લાનીંગ છે.
ભારતમાં પણ શ્રી હર્ષદભાઈ શાહ તેમની સંસ્થા ‘વેજિટેરિયન વિઝન’ની એક શાખા ખોલવા માટે પ્રયત્નશીલ છે. ભારતમાં તેમની આ પહેલને વિશાળ પ્રતિસાદ મળે તેવી આશા રાખીએ..!