એટલાન્ટા સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ‘દશાબ્દિ મહોત્સવ’

એટલાન્ટા સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ‘દશાબ્દિ મહોત્સવ’

- in Global News
1976
Comments Off on એટલાન્ટા સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ‘દશાબ્દિ મહોત્સવ’
એટલાન્ટા સ્વામિનારાયણ મંદિર

પ્રદીપ ત્રિવેદી

ભારતે વિશ્ર્વને આધ્યાત્મિક, ધાર્મિક અને સાંસ્કૃતિક ધરોહરોના નિર્માણ દ્વારા ભક્તિ, સંસ્કાર અને શાંતિના પ્રતીકો આપ્યા છે. જેમાં આજે બાપ્સના સ્વામિનારાયણ મંદિરો શીરમોર બની રહ્યાં છે તેમા શંકાને કોઈ સ્થાન નથી….!!

યુ. એસ. સ્ટેટ ઑફ જ્યોર્જિયાના પાટનગર અને સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર એટલાન્ટાના લિલબર્ન વિસ્તારમાં આવેલ 460 રૉક બ્રિજ રોડ નોર્થ-વેસ્ટ ખાતેના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ‘દશાબ્દિ મહોત્સવ’ પ.પૂ. મહંતસ્વામી મહારાજના હસ્તે 21મી જૂનથી 7 જુલાઈ સુધી એટલે કે, પૂરા 17 દિવસ સુધી ખૂબ જ ભક્તિભાવથી અને આનંદ ઉલ્લાસથી ઉજવાઇ રહ્યો છે.

અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર એે સમગ્ર હિન્દુઓ માટેનું એક પવિત્ર અને ભક્તિસભર, ભારતીય સંસ્કારોની જાળવણી કરતું આસ્થાનું સ્થળ છે. અહીં હિન્દુ ધર્મના તમામ તહેવારો ખૂબ જ ધાર્મિક ભાવના સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. અમેરિકામાં વસતા તમામ ધર્મના હિન્દુઓ આ મંદિરમાં આવીને અપનાપન-હમવતનનો અનુભવ કરે છે. નયનરમ્ય હરિયાળી લોન, રંગબેરંગી મહેકતા ખૂશ્બુદાર પુષ્પો અને ગજરાજના હસતા ચહેરાવાળી સૂંઢમાંથી નિકળતી જલધારા,  ઝરણા વચ્ચે વહેતી પવિત્રતા, ભક્તિ અને શાંતિના દૂત સમુ આ શ્ર્વેત ધવલ મંદિર, મંદિર  નહીં પણ હિન્દુ તેમજ અમેરિકન લોકોનું પણ શ્રદ્ધાધામ છે. 2007માં યુગ સંત પ.પૂ. પ્રમુખ સ્વામી મહારાજના સ્વકરકમળે તેનું લોકાર્પણ થયું હતું.

પ.પૂ.મહંતસ્વામી મહારાજના કરકમળે જે એટલાન્ટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તે મંદિરનું સ્થળ આજથી 17 વર્ષ પૂર્વે એટલેકે ફેબ્રુઆરી 2000માં નક્કી થયું હતું. પ.પૂ. પ્રમુખસ્વામીના પ્રોત્સાહન અને આશીર્વાદથી લિલબર્ન એરિયામાં 29 એકરનો પ્લૉટ ખરીદવામાં આવ્યો હતો. રૉક બ્રિજરોડ અને લોરેન્સ વિલે હાઈવે પર એટલાન્ટાના સબર્બન ટાઉન તરીકે આ એરિયા વિકસી રહ્યો હતો. આ સ્થળ પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજને પસંદ પડતાં તેમના આશીર્વાદ સાથે અહીં બાંધકામ શરૂ કરવાનું વિચારાયું હતું. સપ્ટેમ્બર 2005માં આ સ્થળે મંદિર બાંધી શકાય એ રીતે ગ્રાઉન્ડને તોડીને મંદિરના પ્રોજેક્ટ પ્રમાણે તેને યોગ્ય બનાવવામાં આવ્યું. જાન્યુઆરી 2006માં એટલે કે ચાર મહિનામાં આ ગ્રાઉન્ડ તૈયાર થઈ ગયું. માર્ચ 2006માં સૌપ્રથમ બાંધકામ માટે ઈટાલિયન માર્બલ (1,06,000 ક્યુબિક ફૂટ) વાપરવામાં આવ્યો. ભારતીય શિલ્પકારો પાસેથી 34000 જેટલી શિલ્પ કૃતિઓ-346 જેટલા મોટા ક્ધટેઈનર દ્વારા એટલાન્ટા લાવવામાં આવી. તુર્કિશ લાઈમ સ્ટોન અને ભારતીય ગુલાબી રંગના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો. માર્ચ 2006થી ઓગસ્ટ-2007 એટલે કે 17 મહિનામાં વોલિયન્ટર્સે 1.3 લાખ કલાક સેવા પ્રદાન કરીને મંદિર તૈયાર કરી દીધું…!

આ પહેલાં એટલાન્ટામાં 1980થી હરિભક્તો સત્સંગ અર્થે એક બીજાના ઘરે મળતા હતા. ધીરે ધીરે હરિભક્તોની સંખ્યા વધતા તેઓ અહીં એક મંદિર થાય તેવું વિચારવા લાગ્યા અને આખરે 1988માં એક સ્કેટિંગ રિન્કવાળી જગ્યા ખરીદી. આ સ્કેટિંગ રિન્કવાળી જગ્યાએ હરિભક્તો દ્વારા કલાર્ક સ્ટોન ખાતે મંદિર તૈયાર કરવામાં આવ્યું હતું. આમ, જ્યોર્જિયામાં બીએપીએસ  સ્વામિનારાયણ મંદિરની શરૂઆત ત્રીસેક વર્ષ અગાઉ થયેલી જોવા મળે છે.

ભગવાન સ્વામિનારાયણ અને અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધા-કૃષ્ણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, બ્રહ્મ સ્વરૂપ શ્રી ભગતજી મહારાજ, બ્રહ્મ સ્વરૂપ શ્રી શાસ્ત્રીજી મહારાજ, શ્રી સીતા-રામ અને હનુમાનજી, શ્રી શિવ-પાર્વતી અને

શ્રી ગણેશજીના ભવ્યાતિભવ્ય નકશી-કલા કૃતિ કરેલા શ્ર્વેત-આરસવાળા મંદિરમાં શાંતિપ્રદ દર્શન થાય છે. આ મંદિરને દસ વર્ષ પૂર્ણ થતાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના દર્શન સાનિધ્યમાં 21 જૂનથી વિવિધ કાર્યક્રમોના ઉત્સવ-ઉલ્લાસ સાથે યાદગાર દશાબ્દિ મહોત્સવ 7મી જુલાઈ સુધી ઉજવાશે.

આ 2017ના…17 દિવસ દરમ્યાન પ.પૂ.મહંતસ્વામી મહારાજની નિશ્રામાં સૌપ્રથમ નિલકંઠવર્ણી પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ઉજવાશે. આ પછી યુવાદિન, બાલદિન, કિશોરદિન, પારાયણદિન, પારાયણ-મહિલાદિન, દીક્ષાદિન, ફેમિલી શિબિર, વોલિયન્ટર દિન, અને ગૂરૂપૂર્ણિમા દિનના કાર્યક્રમો રંગેચંગે હજારો ભક્તો સાથે ઉજવાશે. તમામ કાર્યક્રમોમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજના દર્શન અને વાણીનું સુખ પ્રાપ્ય થશે. 38 જેટલી કથા-વાર્તાઓનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમોમાં પહેલી જુલાઈના રોજ ભવ્ય ‘દશાબ્દિ સેલિબ્રેશન’ થશે.

પ.પૂ.મહંતસ્વામી મહારાજ ગુરૂપદે બિરાજમાન થયા પછી સૌપ્રથમ ગુરૂપૂર્ણિમા એટલાન્ટા ખાતે ખૂબ જ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવશે.

નૂતન અભિષેક મંડપમાં નિલકંઠવર્ણી પુન: પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પણ જળાભિષેકથી ઉજવાશે.

સ્વામીશ્રીના દર્શન માટે પણ ખૂબ જ સારી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે. ભકતો પૂજા દર્શનનો લાભ દરરોજ લઈ શકે તેવું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તમામ ભક્તોને સ્વામીશ્રીનો સમીપ દર્શનનો લાભ બે વાર મળશે. 24મી જૂનના રોજ સાંજની સભામાં અને 6ઠ્ઠી જુલાઈના રોજ ગુરૂપૂર્ણિમાના સામૈયામાં આ લાભ મળશે.

આ ભવ્ય દશાબ્દિ મહોત્સવમાં દરરોજ આશરે પાંચેક હજાર ઉપરાંત હરિભક્તો અને દર્શનાર્થીઓ આ દશાબ્દિ મહોત્સવનો લાભ લઈ રહ્યાં છે. વીક એન્ડમાં આ સંખ્યા સાતેક હજાર સુધી પણ પહોંચી ગઈ. આ બધા હરિભક્તો અને દર્શનાર્થીઓ માટે 300 જેટલા વોલિન્ટિયર્સ સૌથી મહત્વની પાર્કિંગ અને ભોજનની વ્યવસ્થા  સંભાળી રહ્યાં છે. પાર્કિંગ માટે ચાર જુદા જુદા પાર્કિંગ લૉટમાં ગાડીઓ પાર્ક કરવાનું ખૂબ જ સરસ આયોજન કરાયું છે. મહોત્સવ સ્થળ પરથી દરરોજ સવારના 5-00 વાગ્યાથી રાત્રિના 10-00 શટલ સર્વિસની સુવિધા થકી ભક્તોને સ્થળ સુધી પહોંચવાની કાળજી પણ એટલી જ રાખવામાં આવી છે. જ્યારે ઊતારાની તમામ હોટલો પરથી શટલ સર્વિસ દિવસમાં 4 વાર આપવાનું આયોજન પણ એટલું જ સુવિધાપૂર્ણ રીતે થઈ રહ્યું છે. (સવારે, બપોરે, સાંજે અને રાત્રે). ભોજન વ્યવસ્થામાં સવારે બ્રેકફાસ્ટ, લંચ, હાઈ-ટી-કૉફી અને ડિનરની વ્યવસ્થા કરાઇ છે. ભારતીય અને અમેરિકન ભોજન સાથે કાળા જાંબુ, કાજુ કતરી, બરફી,  મોહનથાળ, મેસુબ, ઘારી, બરફી, ચુરમુ, વગેરે હેત અને પ્રિતથી પીરસાઈ રહ્યા  છે.

નાના બાળકો એટલે કે 3 થી 7 વર્ષના બાળકોને સાચવવા માટે ‘ડે-કેર’નું આયોજન કરેલ છે. સિનિયર્સ માટે કાર્ટની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.

નોર્થ અમેરિકામાં બાંધવામાં આવેલ શિખરબધ્ધ મંદિરોમાં આ હ્યુસ્ટન અને શિકાગો પછીનું ત્રીજું ભવ્યાતિભવ્ય મંદિર છે. આ પછી ટોરન્ટો, લૉસ એન્જલસ અને રોબિન્સલિ (ઈન્ડોર) શિખરબદ્ધ મંદિરો તૈયાર થયા છે. આમ, એટલાન્ટા-બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો દશાબ્દિ મહોત્સવ પ.પૂ. મહંતસ્વામી મહારાજના સાનિધ્યમાં બે સપ્તાહ સુધી ભક્તિ-ભાવપૂર્વક ઉજવાશે.

પ.પૂ. મહંત સ્વામી મહારાજ –

બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ અને ગુરૂ એવા પ.પૂ. મહંતસ્વામી મહારાજ એ ગુણાતિતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને પ્રમુખસ્વામી મહારાજ પછીના

પ.પૂ. ગુરૂવર્ય છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, અને પ્રમુખસ્વામી મહારાજની સેવાનો અત્યંત લાભ અને સુખ મેળવનાર પ.પૂ. મહંત સ્વામી બ્રહ્મ સ્વરૂપ છે. તેમને સાધુ-સંત બનવાની પ્રેરણા 1951-52માં કોલેજના વર્ષો દરમ્યાન વેકેશનમાં પ.પૂ. યોગીજી મહારાજ સાથે વિચરણ કરવામાંથી મળી હતી. તેમનો જન્મ થયો ત્યારે થોડા દિવસોમાં પ.પૂ. શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા હતા અને તેમણે ‘કેશવ’ નામ આપ્યું હતું.જેપછીથી સાધુ કેશવજીવનદાસ બન્યું અને બાદમાં મહંત સ્વામિ મહારાજ બન્યું.

યુગ-પુરુષ યુગ સંત એવા પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે 20 જુલાઈ 2012ના રોજ સંસ્થાના પ્રમુખ અને ગુરૂ સ્થાને બિરાજમાન થનાર પ.પૂ. મહંત સ્વામી મહારાજે  24 વર્ષની વયે 1957માં પાર્ષદ દિક્ષા લીધી હતી. અને 28 વર્ષની વયે 1961માં ભગવતી દીક્ષા ‘વિનુ ભગત’ એટલે કે આજના મહંત સ્વામિ મહારાજને આપવામાં આવી હતી. શાસ્ત્રીજી મહારાજના અનુયાયી અને અક્ષર પુરુષોત્તમના ઉપાસક એવા ડાહીબેન અને મણિભાઈ પટેલના પરિવારમાં જન્મેલ ‘વિનુ’ એટલેકે મહંતસ્વામીએ અંગ્રેજી માધ્યમમાં પ્રાયમરીથી કોલેજ સુધીનું શિક્ષણ અને એગ્રિકલ્ચરમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી હાંસલ કરી છે.

Facebook Comments

You may also like

UMBARRO- Gujarati movie special screening by IGSCA Atlanta-USA

IGSCA-International Gujarati Cultural Society Atlanta, USA is committed