આપણાં વિદેશી ભારતીયો અને તેમાંય આપણે કહેવાતા ગુજ્જુઓ આપણી છટાદાર અને ભાતીગળ અદાઓથી જીવનના દરેક પહેલૂને આનંદ અને ઉત્સવપૂર્ણ સ્વરૂપે ઉજવવામાં સદૈવ અગ્રેસર હેાય છે.
‘ઓમકારા’ ગ્રૂપ એ અમેરિકામાં 2013મા સ્થપાયેલું એક એવું જ ઓર્ગેનાઈઝેશન છે. ઓમકારાનો ધ્યેય ભારતીય સંસ્કૃતિને વિશ્ર્વમાં ફેલાવી ભારતીય કલા વારસાને જુદા જુદા સંગીતના કાર્યક્રમો દ્વારા લોકોના હ્રદયમાં જીવંત રાખવાનો છે.
ઓમકારાના તમામ કાર્યો અને સાંસ્કૃતિક ઉજવણીઓ પિનાકીન પાઠક સંભાળે છે. તેઓ ઓમકારાના ચેરમેન હોવા સાથે એક સફળ વ્યવસાયી અને એક નિ:સ્વાર્થ કાર્યકર તરીકેનું ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે. તેમની ટીમમા અન્ય છ સભ્યોનો પણ સમાવેશ થયેલો છે.
ઓમકારાએ અત્યાર સુધી કરેલા યાદગાર કાર્યક્રમોમાં જોઈએ તો, વર્ષ 2014, 2015 અને 2016માં અમેરિકાના નવ રાજ્યોના 16 શહેરોમાં મ્યુઝિકલ કોન્સટર્સનું આયોજન કર્યું હતું. તેમાં 2014માં યોજાયેલ ‘સમન્વય’ 2015માં યોજાયેલ ‘અવિનાશીઅવિનાશ’ અને 2016માં ‘મોર બની થનગાટ કરે’ જેવા યાદગાર સંગીત જલસાના આયોજન દ્વારા ગુજરાતી ભાષા અને સંગીતના વારસાને વિશ્ર્વના દેશો જેવા કે, મસ્કત, ઓમાન અને દુબઈની સાથે યુ.એ.ઈ.માં સફળ આયોજનો કર્યા હતા. તેમના આ સંગીત અને કલા-સંસ્કૃતિના વારસાને યાદગાર બનાવવા માટે કવિ, લેખક, પ્રોડ્યુસર અંકિત ત્રિવેદી, માર્ગી હાથી અને ગાયક પાર્થિવ ગોહિલની સાથે ગુજરાતના લિવીંગ લેજન્ડ્સ
શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય તથા ગૌરાંગ વ્યાસ પણ આ યાદગાર સમારોહના સહભાગી થયા હતા. યુવા પ્રતિભાઓમાં ભૌમિક શાહ, હિમાલી વ્યાસ-નાયક, પ્રહર વોરા, ગાર્ગી વોરા, અનલ વસાવડા, દિવ્યાંગ અંજારિયા અને નયન પંચોલી સહિતની તેમની ટીમે ઉત્સવપૂર્ણ વાતાવરણ ઉભું કર્યું હતું. હાલમાં જ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલ યુ.એસ.ના 7 શહેરોમાં ‘એન ઈવનિંગ વિથ અંકિત’નું આયોજન ખૂબ સફળ રહ્યું હતું.
મુંબઈમાં બે સફળ કાર્યક્રમોના આયોજન પછી હવે ઓમકારા દ્વારા અમેરિકાના 10 શહેરોમાં જુલાઈ-ઓગષ્ટ માસ દરમ્યાન ગુજરાતી કલા-સંસ્કૃતિના વારસાને બિરદાવતો ભવ્ય ‘ગુજરાતી જલસો’ આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ્ય આપણી ભાષા,સંસ્કૃતિ, વારસો અને પ્રતિભાવંત ગાયકો અને સંગીતકારોને ભવ્ય ટ્રીબ્યુટ આપવાનો છે. કાર્યક્રમના આયોજનના 2017 ના ભવ્ય કાર્યક્રમોને સફળ બનાવવા માટે ‘પંચામૃત’ નામે એક ભવ્ય શો પણ આયોજિત થવા જઈ રહ્યો છે જેમાં સુગમ સંગીત, લોક સંગીત, થિએટર, કવિતા અને ટૂંકી વાર્તાઓનો સુભગ સમન્વય દર્શકોને જોવા મળશે. ગાયક પાર્થિવ ગોહિલ, હિતેન આનંદપરા, પ્રણવ પંડ્યા સાથે નવોદિત પ્રતિભાઓમા ગાયિકા જાનવી શ્રીમાંકર, ગાર્ગી વોરા, સાંઈરામ દવે, રંગમંચ અને ટી.વી.ના પરદાના ઉત્કૃષ્ટ કલાકાર ઉત્કર્ષ મઝુમદાર, ચિરાગ વોરા અને માનસી ગોહિલ સાથે 7 સંગીતજ્ઞોની ટીમ આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવશે. વિદેશની ધરતી પર પણ ગુજ્જુભાઈ નો ‘ગુજરાતી જલસો’ માત્ર ગુજરાતીઓ માટે જ નહીં, પણ ત્યાંના અન્ય નાગરિકો માટે પણ એક રોમાંચક ઈવેન્ટ હશે..!